ભૂલાયેલું પાકિટ (Forgotten Wallet)

Related

# ભૂલાયેલું પાકિટ ..."
***********************માયા દેસાઈ
રોજ સવાર પડે, એમ એ દિવસે પણ સવાર પડી. ઘરનું કામ આટોપી, ઓફિસે સમયસર પહોંચવા સ્વયં માટે ઓછામાં ઓછો સમય ફાળવ્યો. ટીફિન, ચાવીઓ અને ચશ્મા લીધાંની ખાત્રી કરી ઘર બહાર પગ મૂક્યો, ત્યાં નાની દીકરીએ આવી જોરથી ભેટી "બાય મમ્મી, જલ્દી આવજે, લવ યુ." કીધું અને મને દિવસ સાર્થક લાગ્યો. એનું વેકેશન શરૂ થયું હતું તેથી આગલે દિવસે જ લાવવાની વસ્તુઓનું લિસ્ટ મને મળી ગયું હતું એ યાદ પણ કરાવી દીધું.


AVAKARNEWS
ભૂલાયેલું પાકિટ - Forgotten Wallet

એ વિશે વિચારતાં જ રસ્તા પર આવી, રિક્ષા માટે હાથ કર્યો. રાબેતા મુજબ બે-ત્રણ રિક્ષાવાળાએ ના પાડી, છેલ્લે એક રિક્ષા મળી તો ઈડરીયો ગઢ જીત્યા જેવી લાગણી થઇ, આવું તો ઘણી વાર થતું તેથી નવાઈ નહોતી.

સમયસર હોવાનો ફાંકો હતો તેથી આજુબાજુ નજર નાંખતા ઓફિસ પહોંચી, પર્સમાં ફંફોળ્યુ તો પાકિટ ગાયબ. ઘડી પહેલાનો રૂઆબ સાબુના ફીણની જેમ ઓસરી ગયો. મારી ગરબડ જોઈ રિક્ષાવાળાએ માપી લીધું કે મેડમ આજે નાણાં વિનાનાં છે. એણે કહ્યું ," થાય આવું કદી, કાલે‌ લઈ લઈશ પૈસા, મારો નંબર લઈ લો, તમારાં એરિયામાં આવું જ છું, શાળાના બચ્ચાઓને મૂકવા, ત્યારે આપી દેજો, કૉલ કરજો એટલે આવી જઈશ.

ભોંઠપ ઓછી કરવાની એની કોશિશ પ્રશંસનીય હતી. મેં નંબર લેવા મોબાઈલ શોધ્યો તો એ પણ ગેરહાજર. એકાદ જૂનું બીલ શોધી નંબર લખવા પેન પણ એ સજ્જને જ આપી. પૈસા આપવાનું વચન આપી ઓફિસ પહોંચી તો લેટ માર્ક થવાની તૈયારીમાં. દોડતાં જઈ હાજરી પુરાવી ત્યારે ઉપરીના મોં પર સ્મિત તો મોનાલિસાના સ્મિત કરતાં ગૂઢ લાગ્યું.

ટેબલ પર પહોંચી અત્યંત જરૂરી કામ આટોપવાની કોશિશ કરી. સવારનો દીકરીનો ઉષ્માભર્યો આશ્લેષ બધી ગરબડમાં ધોવાઈ ગયો. એકવાર કામ શરૂ કર્યા બાદ ફરી પેલી ' ભોંઠપ' વિસારે પડી. પાકિટ ન લાવ્યાંનું ભૂલાઈ ગયું! એક પછી એક કામ પતાવતાં લંચ સમય થયો. આદત મુજબ નીચે ઊતરી શાક, ફ્રૂટ લેવાનું લિસ્ટ મનમાં યાદ કરતાં રોજનાં શાકવાળા પાસે જઈ ઊભી રહી.

મસ મોટું લિસ્ટ એને ગોખાવી થેલો આગળ કર્યો. એની સાથે સ્ત્રી સહજ મોંઘવારીની ચર્ચા કરતાં ફરી પર્સમાં હાથ નાખ્યો અને...! પાકિટ ભૂલી ગયાંની વાત જાણી શિવશંકર(શાકવાળો) હસી પડ્યો અને બોલ્યો ," ઉસમેં
                    કૌન સી બડી બાત હૈ ! હો જાતા હૈ ઐસા કભી કભી." મેં શાક ફ્રૂટ કાલે લઈ જવાની વાત કરી તો કહે," ના,ના ,આપ બેજીજક લે જાઈએ. મૈં ને ઔર ભી થોડે પૈસે રખ દિયે હૈં, આરામસે રહિયે. ઉસસે ઔર કુછ ચાહીયે તો લે લીજિયે. જબ ચાહે લૌટા દેના, આપ કિસી ઔરસે માંગના મત."

આ શાકવાળાને કંઈ કેટલીયવાર કાંટો બરાબર નથી, વધારે ભાવ લગાડવાના બહાને ભાંડ્યો હશે..આજે મને ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું. આભાર માની હળવે પગલે ઓફિસમાં પહોંચી શાકનો થેલો ખાનામાં મૂકતાં જોયું તો સોની દસ નોટ થેલામાં.

ફરી કામે લાગી, હવે કામ પતાવી ઘેર જવાની ઉતાવળ. એક પછી એક ફોન, ફાઈલ, નોંધ કરવી ... એટલામાં બોસે બોલાવ્યાની વરદી. કમને એમની કેબિન પાસે પહોંચી તો લંચ રૂમ પાસે પસાર થતા ગુસપુસ સાંભળી. અમારો પ્યુન વાલજી ચા વાળાને કહી રહ્યો હતો ," આજે દીકરીનો જન્મદિવસ. એને બાર્બી ડોલ લાવી આપવાનું વચન આપેલું ઘણાં દિવસથી. પરમ દિવસે પડોશીને અકસ્માતમાં ફ્રેકચર થતાં એને પાંચસો આપ્યાં. હવે આજે કોઈ પાસે જન્મદિવસ નિમિત્તે હાથ ફેલાવતા સંકોચ થાય છે ."

મને સો સો ની દસ નોટ યાદ આવી, ઝડપથી જઈ એમાંથી પાંચ નોટ લાવી વાલજીના હાથમાં મૂકી મુઠ્ઠી વાળી દીધી. એ કશું બોલે એ પહેલાં રૂમ છોડી નીકળી ગઈ. એના સજળ નયન મારી પીઠને જરૂર તાકી રહ્યા હશે. પાછા વળતાં હું વિચારી રહી ,""કોનાં પૈસા, કોની શ્રીમંતાઈ !"

બોસની કેબિન પાસે પહોંચી તો એમનાં શબ્દો કાન પર પડ્યા." એ જાતને તો માંગવાની ટેવ પડી ગઈ હોય. આજે પાકિટ ભૂલાઈ ગયું તો કાલે પાકિટ કપાઈ ગયું. વોચમેનની જાતનો કોઈ ભરોસો નહીં. એને ઉછીનાં આપવાની કોઈ જરૂર નથી. તને બધાં પર બહુ દયા ઊભરાય છે. કામ બહુ છે, ફોન મૂકું છું."

કેબિન બહાર ઊભા રહી મેં તો ત્રાજવે તોળી લીધી આજે મળેલી દરેક વ્યક્તિને. ત્યાર બાદ કશું ન બન્યા હોવાનો અભિનય પાર પાડી કામ પતાવ્યું. સાંજે ઘેર જઈને સૌને "થાય એવું કદી કદી "ની ગાથા સંભળાવી.

મોબાઈલ હાથમાં લઈ પ્રથમ રિક્ષાવાળાનો મોબાઈલ નંબર નોંધી એનાં વ્યક્તિત્વને વંદી રહી. એણે ધાર્યું હોત તો અપશબ્દો કે કટુ વચનો વાપરી શક્યો હોત. એના બદલે એણે મને સહજતા બક્ષી જેથી હું ઓફિસમાં નિર્વિકાર થઈ કામ કરી શકી. રાત્રે સૂતી વખતે... હું મહિને ખાસ્સું કમાતી, છતાં મારી જાતને રિક્ષાવાળા, શાકવાળા શિવશંકર અને મારા બોસની સાથે તોલી રહી.

તે દિવસે "ભૂલાયેલું પાકિટ" મને માણસાઈની ઘણી અણજાણી ગલીઓમાં ભ્રમણ કરાવી આવ્યું. વાતે વાતે બેંક બેલેન્સ, સમાજમાં આગવા સ્થાન કે પ્રતિષ્ઠાને અસ્તિત્વની પારાશીશી ગણનાર આપણે, કદી આ સ્તરે મળનારી વ્યક્તિઓનાં ઊજળાં પાસાં વિશે વિચારીશું ખરાં?

પાકિટ વિના શરૂ થયેલો દિવસ મને શીખવી ગયો કે તમારી શ્રીમંતાઈને પરખવી હોય તો વિના પાકિટે પારખો., ભરેલાં ખિસ્સાંએ એનો ખરો રંગ નહીં દેખાય!  - માયા દેસાઈ (મુંબઈ)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post