પુત્રી એટલે સોનપરી (SONPARI)

Related

# પુત્રી એટલે સોનપરી .."
**************************
વશિષ્ઠ અને અનુનાદ નાનપણથી જોડે. બધા કહેતા કે દોસ્તી હોય તો વશિષ્ઠ અને અનુનાદ જેવી. બંને મિત્ર એકબીજા સાથે જ હોય. ક્યારે એ જુદા થતા જ નહીં. કોલેજ પૂરી થઈ અને વશિષ્ઠે એનો પોતાનો ધંધો ચાલુ કર્યો અને કહેવાય છે કે વશિષ્ઠ જ્યાં હાથ નાંખે ત્યાં માટી પણ સોનું થઈ જતી. એ ખૂબ કમાયો જ્યારે અનુનાદને પણ સરકારી નોકરી મળી ગઈ. એ ખાધે પીધે સુખી હતો.


AVAKARNEWS
પુત્રી એટલે સોનપરી

વશિષ્ઠને એક જ પુત્ર હતો. અનુનાદને એક પુત્રી હતી. વશિષ્ઠ કાયમ કહેતો," અનુનાદ એક દીકરી તો જોઈએ જ તમારી પાસે ગમે તેટલો પૈસા હોય પણ દીકરી ઘરમાં હોય તો જ પૈસો દેખાય. મને હંમેશ માટે એવું લાગે છે કે મારે એક દીકરી જોઈએ. પણ નસીબમાં દીકરો જ હતો પણ કંઈ વાંધો નહીં અનુનાદ તારી દીકરી પણ મારી દીકરી જ છે. કેટલી સુંદર છે !જાણે આસમાનમાંથી કોઈ પરી ઉતરી આવી હોય એવું લાગે છે. અનુનાદ પણ ભાભી પણ એટલા સુંદર છે એટલે આ પરી પણ એટલી જ સુંદર છે જો એ હસે છે તો ગાલે ખાડા પડે છે. ખૂબ નસીબદાર છે જો તું એનું નામ ગમે તે પાડીશ પણ હું તો એને સોનપરી જ કહીશ કારણ કે એનું આખું શરીર જોઈએ તો પરિપૂર્ણ છે. ક્યાંય કોઈ ખામી નથી. ભગવાને એકદમ ફુરસદના સમયમાં સોનપરીને બનાવી છે."

"આપણે બે ક્યાં જુદા છીએ ? આ દીકરી તારી જ છે એવું માન." વશિષ્ઠને જ્યારે પણ સમય મળે ત્યારે એ અનુનાદને ત્યાં આવતો અને કહેતો બસ હું તો તારી સાથે વાત કરવા ને બદલે હું તો મારી સોનપરીને રમાડવા જ આવ્યો છું. મારી સોનપરી કેટલી સુંદર છે! ઈશ્વરે મારે બદલે તને દીકરી આપી અને મને દીકરો આપ્યો. પણ મારે સોનપરી જેવી દીકરી જ જોઈતી હતી.

સમય ધીરે ધીરે પસાર થતો ગયો. સોનપરી પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ અને વશિષ્ઠનો દીકરો પણ આગળ ભણવા માટે અમેરિકા જતો રહ્યો. સોનપરી કહેતી કે," પપ્પા હું તો પરણીને સાસરે જતી રહીશ પછી તમારું શું? તમારી જે બચત છે એ તમે ના વાપરતા. હું નોકરી કરું છું અને પછી મારે જે પણ પૈસા આવે છે એ પૈસાથી જ મારું લગ્ન તમારે કરવાનું છે. તમે ખોટા ખર્ચા ના કરતા. તમે તમારું ઘડપણ સાચવજો."

અનુનાદ કહેતો કે," બેટા તારા જેવી દીકરી જેને મળી હોય એના નસીબમાં દુઃખ ક્યાંથી હોય? તારા નસીબનું જ અમે કમાઈ એ છીએ . આ બધું કોને માટે? તારે માટે તો છે."

પરંતુ સોનપરી કહેતી," નહીં પપ્પા. હું મારા લગ્નમાં તમને એક પૈસાનો પણ ખર્ચો નહીં કરવા દઉ."

સમય પસાર થતો ગયો અને એક દિવસ વશિષ્ઠ નો દીકરો અમેરિકાથી થોડા સમય માટે પાછો આવ્યો. કર્દમ અને સોનપરી ના લગ્નનો વિચાર વશિષ્ઠ ને આવ્યો અને કહેતો કે," અનુનાદ સોનપરી તો તારી છે એવું તું કહેતો હતો .હવે કાયમ માટે એને મારા ઘરમાં મોકલી દે. મારે મન તો સોનપરી જ મારા દીકરા માટે યોગ્ય છે. કર્દમ અને સોનપરીની જોડી જાણે લક્ષ્મીનારાયણની જોડી લાગશે બસ મારે જ કશું જોઈતું નથી માત્ર સોનપરી જોઈએ છે."

" વશિષ્ઠ એ નાનપણથી તારી જ છે અને તારી પણ એને એટલી જ માયા છે તું લઈ જા તારે ઘેર. તારે ઘેર હશે તો મારી નજર સામે રહેશે અને દીકરીને સાસરે વળાવતા જે દુઃખ થાય એવું દુઃખ મને નહીં થાય. કારણ કે તારા જ ઘરમાં જો મારી દીકરી આવતી હોય તો એથી રૂડુ શું?એ તો આમ પણ તારી દીકરી છે."

અને ટૂંક સમયમાં કર્દમ અને સોનપરીના લગ્ન થઈ ગયા. કર્દમ થોડા સમય માટે જ આવેલો અને મહિનામાં એ પાછો અમેરિકા જતો રહ્યો.

વશિષ્ઠે પૂછ્યું કે," સોનપરીને તું ક્યારે બોલાવીશ?"તો કહે," પપ્પા પછી બધા કાગળિયા તૈયાર કરીને બોલાવી લઈશ ."

પરંતુ થોડા સમયમાં કર્દમનો સંદેશો આવ્યો , "સોનપરી પપ્પાની ઈચ્છાને માન આપીને મેં તારી સાથે લગ્ન કરેલા .પણ હું તો પરણેલો છું અને મારે અહીંયા એક દીકરો પણ છે માટે મેં જે કાગળ મોકલ્યા છે એની પર તું સહી કરી દેજે જેથી આપણે બંને છૂટા થઈ શકીએ મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ ન હતો."

કાગળ વાંચી અને સોનપરી ખૂબ રડી પણ કશું બોલી નહીં.

દિવસો પસાર થતાં ગયા વશિષ્ઠ હંમેશા પૂછતાં,"બેટા કર્દમનો કાગળ આવે છે? એ તને ફોન કરે છે? પણ સોનપરી ચૂપ રહેતી ત્યારે એક દિવસ વસિષ્ઠે કહ્યું," બેટા તને નવા ઘરમાં ના ફાવતું હોય તો તું થોડા દિવસ તારા પિયર જઈ આવ."

સોનપરી પ્રેમાળ સ્વરે બોલી,"આ પણ મારૂ ઘર છે. તમે તો નાનપણથી મને તમારી દીકરી ગણી છે"

વસિષ્ઠ પણ વેપારી માનસ ધરાવતો હતો એને ખ્યાલ આવી ગયો કે કંઈક તકલીફ છે. સોનપરી મારે ઘેર આવી છે પણ સુખી નથી. એના મોં પર આનંદ નથી. જે લગ્ન વખતે હતો એવો કોઈ જ આનંદ એના મોં પર દેખાતો નથી. શરૂઆતમાં તો લાગતું હતું કે કર્દમ અમેરિકા ગયો એના વિરહમાં કદાચ એ દુઃખી હશે. પરંતુ જ્યારે એની સામે જોતા ત્યારે લાગતું કે નહીં એનું દુઃખ જુદુ છે.

વશિષ્ઠની વેપારી આંખો તરત ઓળખી જતી હતી કે કોણ સુખી છે ને કોણ દુઃખી છે? તેથી એણે કર્દમને ફોન કર્યો. ત્યારે કર્દમે કહ્યું," પપ્પા તમારા કહેવાથી તો મેં લગ્ન કરેલા બાકી મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ ન હતી. મેં છુટાછેડા માટેના કાગળ મોકલી દીધા છે. વશિષ્ઠે એને કહ્યું, "તારે છૂટાછેડા લેવા હોય તો ઇન્ડિયાની કોર્ટમાં આવીને લેજે. પછી મારી જોડે વાત કરજે."

ટૂંક સમયમાં જ કર્દમ પાછો આવ્યો. એને તો વિશ્વાસ હતો કે પપ્પા માની ગયા છે અને એકનો એક દીકરો એટલે ઘડપણની લાકડી.

કર્દમ જ્યારે આવ્યો ત્યારે વશિષ્ઠે કહ્યું," કર્દમ, ત્યાં જ ઉભો રહેજે. મારા ઘરમાં તારી કોઈ જગ્યા નથી. એટલું જ નહીં, પણ આવતીકાલના છાપામાં પણ હું જાહેરાત આપી દઈશ કે મારા દીકરાની સાથે મારે કોઈ સંબંધ નથી અને મારા નામે કોઈએ પૈસાની લેવડદેવડ પણ કરવી નહીં ."

વશિષ્ઠે દીકરાને ઘરમાં આવવા જ ના દીધો. કર્દમને ઘરમાં આવવા જ નહીં દે એવું તો સોનપરીએ વિચાર્યું જ ન હતું. એક પિતા એના દીકરાને ઘરમાંથી કાઢી મુકશે ! કર્દમ જતો રહ્યો અને બીજે દિવસે વશિષ્ઠ છાપામાં જાહેરાત પણ આપી દીધી. એ વાંચતાની સાથે જ અનુનાદની આંખોમાંથી આંસુ નીકળી ગયા. એ વશિષ્ઠને ત્યાં દોડી ગયો. વશિષ્ઠએ કહ્યું કે," અનુનાદ હું પહેલેથી કહેતો હતો સોનપરી મારી દીકરી છે અને મારી દીકરીને જો કોઈ દુઃખ આપે તો હું સહન ના કરી શકું પછી એ વ્યક્તિ ભલેને મારો દીકરો કેમ ના હોય? "અનુનાદ સ્તબ્ધ બની ગયો.

અનુનાદે કહ્યું કે," મારે તો દીકરી છે તારો તો દીકરો વારસદાર છે અને તું આ શું કરી રહ્યો છું? તારું ઘડપણમાં કોણ?"

ત્યારે વશિષ્ઠ બોલ્યો કે ,"તો એમ તો તારે પણ દીકરી છે તો તારું પણ ઘડપણમાં કોણ? મારે દીકરો જ નથી એમ માનીને હું ખુશ રહીશ. અનુનાદ એના કરતાં દીકરો ના હોય તો વધારે સારું."

અને સોનપરીની સામે જોઈને તે બોલ્યા," બેટા, તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે. અનુનાદનું ઘર પણ તારુ છે તને જ્યાં ઈચ્છા થાય ત્યાં તું રહે.

ત્યારબાદ ટૂંક સમયમાં કોર્ટમાં છૂટાછેડા તો મળી ગયા. કર્દમ પાછો અમેરિકા જતો રહ્યો પણ ઇન્ડિયામાં રહ્યો ત્યાં સુધી એને વશિષ્ઠએ પોતાના ઘરમાં પગ મુકવા દીધો ન હતો અને એ હોટેલમાં જ રહેલો .

ત્યારબાદ ટૂંક સમયમાં વશિષ્ઠ અનુનાદ પાસે ગયો અને કહ્યું," અનુનાદ આજે હું તારી પાસે જે કંઈ માંગુ એ તું આપીશ ને ?"

અનુનાદ કહે ,"આટલા વર્ષોના સંબંધ પછી તારે આવું પૂછવાનું હોય? બોલ તારે શું જોઈએ છે? હું જાણું છું કે પૈસાની તો તારે કંઈ ચિંતા નથી એ સિવાય તારે જે જોઈએ તે બોલ."

વશિષ્ઠની આંખ માંથી આંસુ નીકળી ગયા બોલ્યો," અનુનાદ આપણે ભણતા હતા ત્યારે રાજા મિડાસની વાર્તા આપણે સાંભળી હતી કે એ જે વસ્તુને અડે એ વસ્તુ સોનું થઈ જાય. એ વાત મારા ધંધામાં તો સાચી પડી પણ હું તારી સોનપરીને અડ્યો અને એ સોનાની મૂર્તિ બની ગઈ. એનામાં લાગણી પણ ના રહી. એનું કોમલ હૃદય પણ બંધ થઈ ગયું. અનુનાદ હું બહુ જ દુઃખી છું. મારી પાસે પૈસો છે. હું જમવા બેસું છું તો મને એવું લાગે છે કે મારો બધો ખોરાક સોનાનો બની ગયો અને હું જમી પણ શકતો નથી. તું એક જ વ્યક્તિ એવી છું કે જે મને મદદ કરી શકે. અનુનાદ તું મને વચન આપ કે તુ મને મદદ કરીશ."

" અરે ,વશિષ્ઠ મને પણ દુઃખ થાય છે કે આપણી સોનપરીની જિંદગી બરબાદ થઈ. પણ એના માટે તું તો જવાબદાર નથી ને! તો શા માટે રડે છે? " "મારે આવો દીકરો હોવાનું દુઃખ તો હું હવે જિંદગીભર ભોગવીશ. પરંતુ મારે મારી દીકરી સોનપરીના લગ્ન કરાવવા છે એ યોગ્ય પાત્ર શોધીને કરાવીશ."

" અરે , આ તું શું બોલે છે? "

"હું જે કહું છું એ સાચું કહું છું. બીજું કે સોનપરી ગઈ વખતે તારે ત્યાંથી મારે ત્યાં આવી હતી. તેમ આ વખતે મારી પણ દીકરી હોવાની ઈચ્છા પૂર્ણ થશે. અને હું સોનપરીને કન્યાદાન આપીશ. યોગ્ય પાત્ર સાથે પરણાવીશ અને મારા દીકરાએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરીશ. અનુનાદ તું ના ના કહીશ. આ વખતે હું એને મારા ઘેરથી વિદાય કરીશ. મારા ધ્યાનમાં એક કરોડપતિનો દીકરો હતો. મેં કાલે જ એમની સાથે વાત કરી છે. એમણે હા પણ કહી છે."

થોડા સમય બાદ સોનપરીના ધામધૂમથી વશિષ્ઠે લગ્ન કરાવ્યા અને એને વિદાય આપતી વખતે વશિષ્ઠ અને અનુનાદ બંનેની આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતા.

હવે સોનપરી એક નહીં બબ્બે ઘરની દીકરી હતી. અને સામે એને પણ એના પતિને કહેલું કે," હું બંને મા-બાપની ચાકરી કરીશ અને વખત આવે આપણા ઘરે પણ લઈ આવીશ આ વાત જો તમને મંજૂર હોય તો જ હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું "અને એ વ્યક્તિએ પણ હસી ખુશીને આવી ખાનદાન સોનપરી જેવી દીકરીને પત્ની તરીકે સ્વીકારી લીધી હતી. - અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post