"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

સુધા (Sudha)

Related

શીર્ષક: સુધા

લેખક: રતીલાલ વાયડા (મુંબઈ)
સુબોધને જ્યારે શહેરમાં નોકરી મળી, ત્યારે ઘરનાં સૌએ ખુશી અનુભવી. વળી, એક ઓળખાણ દ્વારા શહેરમાં રહેવા માટે સગવડવાળી એક રૂમ પણ મળી ગઈ, એટલે સૌએ રાહતનો શ્વાસ લીધો.

સુધા - રતીલાલ વાયડા મુંબઈ
સુધા

તેની રૂમ શહેરના એક ગીચ વિસ્તારમાં બીજે માળે આવેલી હતી. રૂમની બારીઓ બહારના જાહેર માર્ગ પર પડતી હતી. વચ્ચેનો વિશાળ રસ્તો બાદ કરતાં, સામેની બાજુએ પણ નીચે દુકાનો અને તેની ઉપર મકાનોની લાંબી હારમાળા આવેલી હતી.

બીજે દિવસે સવારે સુબોધ જ્યારે ઓફિસે ગયો, ત્યારે ઓફિસના વડા શ્રી વર્મા સાહેબે તેનો પરિચય અન્ય કર્મચારીઓ સાથે કરાવ્યો. ઘણા લાંબા સમયથી ખાલી પડેલી આ મહત્વની જગ્યા ભરાતાં કામનો બોજો ઘટશે, એવી લાગણી સાથે સૌએ સુબોધનું સ્વાગત કર્યું.

સાંજે સુબોધ પોતાની રૂમે આવ્યો. નાની પણ સગવડવાળી રૂમમાં તેણે પોતાનો સામાન બરોબર ગોઠવ્યો અને પલંગ બારી પાસે રાખ્યો. બે-ત્રણ દિવસમાં બધું ગોઠવાઈ જતાં, હવે સુબોધ પાસે નોકરી અને લોજમાં જમવા જવા સિવાય કોઈ ખાસ પ્રવૃત્તિ રહી ન હતી.

નવરો પડતાં તે બહાર રસ્તા પર પડતી બારીમાં કલાકો સુધી ઊભો રહેતો અને નીચે ફરતા લોકોનું નિરીક્ષણ કરતો. ક્યારેક સામેના મકાનની બારીમાંથી કોઈ ડોકિયું કરતું, પણ એ તો માત્ર થોડીવાર પૂરતું જ રહેતું.

તેના મકાનની બિલકુલ સામેની એક બારી આજ દિવસ સુધી બંધ રહેલી, પણ આજે અચાનક તે ખૂલી! આ બારી માટે તેને પહેલાંથી જ આશ્ચર્ય હતું કે, "શું કોઈ તેમાં રહેતું નહીં હોય? મકાન ખાલી હશે કે પછી કોઈ ભાડૂત નહીં મળતો હોય?"

પરંતુ આજે આ બારી ખૂલતાં જ રાત્રે લાઈટના પ્રકાશથી તે વધુ શોભી ઊઠી. એક સ્ત્રી સફાઈ કરીને લાઈટ બંધ કરી ચાલી ગઈ. રાત્રે નવેક વાગ્યે સુબોધ લોજમાંથી જમીને ઘરે પાછો આવ્યો, ત્યારે એ બારીમાં ફરીથી પ્રકાશ દેખાયો. એક યુવતી બારીએ ઊભેલી હતી!

સુબોધ પણ તરત પોતાની બારીએ પહોંચી ગયો. સુંદર ગોરી કાયા, રુષ્ટ-પુષ્ટ શરીર અને ખૂબ જ દેખાવડી એ યુવતી સાડીમાં ખૂબ જ આકર્ષક લાગતી હતી. સુબોધ ઘણીવાર સુધી તેને જ તાકી રહ્યો.

પછી ભાન થતાં તે શરમાયો અને બારી છોડીને અંદર જતો રહ્યો, પણ તેનું મન તો બારીમાં જ અટવાયેલું હતું. હજુ તે યુવતી ત્યાં જ ઊભી હતી. સુબોધ ફરી પાછો બારીએ પહોંચ્યો, ત્યાં તો રૂમમાં આવી કોઈએ લાઈટ બંધ કરી દીધી અને અંધકાર છવાઈ ગયો.

બીજે દિવસે સવારે ઊઠતાં જ બારીમાંથી ફરી એ યુવતીનાં દર્શન થયાં. મનમાં 'શુભ શુકન'નાં એંધાણ માનીને તે ખુશીથી પોતાનું કામ કરવા લાગ્યો. ઓફિસની કેન્ટીનમાં પણ આગ્રહ કરીને પોતાના બે-ત્રણ મિત્રોને ધરાર ચા-પાણી પીવડાવ્યાં અને નાસ્તો કરાવ્યો.

જોકે, આજે તેનું મન ઓફિસના કામમાં જરાય લાગતું નહોતું. એકાદ માહિતી ખોટી જણાતાં સાહેબે તેને બોલાવ્યો અને કહ્યું, "મિસ્ટર સુબોધ, તમે જૂનો રેકોર્ડ ચકાસીને માહિતી લખો. તમે લખ્યું છે તેમાં ઘણી ભૂલો છે!"

સુબોધને પોતાની અસ્વસ્થતાનો ખ્યાલ આવ્યો. આજે કામમાં તેનું ચિત્ત ચોંટ્યું ન હતું; તેનું મન તો બારીમાં ઊભેલી એ યુવતીમાં જ હતું. આમ ને આમ દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા.

સુબોધનું કલાકો સુધી બારીમાં ઊભા રહેવું, અને પેલી નવયૌવના પણ હવે પોતાના હાથના હલનચલન દ્વારા તેની પ્રેમચેષ્ટાનો સ્વીકાર કરતી હોય, એવું તેને લાગવા માંડ્યું. ક્યારેક સુબોધ બારીમાં મોડો આવતો, તો તે પોતાના ચહેરા પર ભારે ગુસ્સો દર્શાવતી!

સુબોધના મનમાં પણ હવે તેની મુલાકાત લેવાની તીવ્ર ઉત્કંઠા દિવસે-દિવસે વધવા લાગી હતી. રૂબરૂ મુલાકાત માટે કોઈ ઓળખાણ તો હતી નહીં. સુબોધ પ્રેમના તાંતણે એવો બંધાઈ ગયો હતો કે હવે મિલન ન થવાથી ગૂંગળામણ અનુભવતો હતો.

એકવાર તે યુવતી વિશે જાણવા માટે સુબોધ રોડ પરના પાનવાળાની દુકાને જઈને ઊભો રહ્યો. એકાદ કલાક વિના કારણે ત્યાં ઊભા રહીને તેણે યુવતી વિશે તાગ મેળવવા પ્રયત્ન કર્યો, પણ કંઈ પરિણામ ન આવ્યું. 

ઉલટું, તે યુવતી પોતાના માટે પાન મોકલવાનો સંકેત કરતી હોય તેવું સુબોધને લાગ્યું! તેનું મન પ્રેમમાં વધુ ને વધુ આર્દ્ર બનવા લાગ્યું. 

આ વચ્ચે ઘરેથી પિતાનો સુબોધના સગપણ સંબંધી પત્ર પણ આવ્યો. તેમાં જણાવ્યું હતું કે, "જો તું હા પાડે અને રૂબરૂ જોવા આવી જાય, તો ઘણી સારી છોકરીઓનાં માગાં આવે છે; તે વિશે કોઈ નિર્ણય લઈ શકાય."

પરંતુ સુબોધને હવે આ યોજનામાં કોઈ રસ રહ્યો ન હતો, તેથી તેણે એ પત્રનો કોઈ જ જવાબ ન આપ્યો. એક દિવસ ઓફિસ કામમાં મન ન લાગતાં તેણે રજા મૂકી દીધી અને ઘરે જ રહ્યો.

બારી ખોલતાં જ પેલી યુવતીનાં બારીમાં દર્શન થયાં. તેને જોઈને સુબોધના મનમાં થયું કે, "બિચારી મારી યાદમાં જ અહીંયા ઊભી ઊભી દિવસ પસાર કરે છે! શું આમ રોજ સાંજ સુધી તે મારી જ રાહ જોતી હશે?" સુબોધ તેના આ 'મહાન પ્રેમ'ની મનમાં કદર કરવા લાગ્યો.

અચાનક, આજે બે દિવસથી એ બારી ખુલી નહોતી અને કોઈ દેખાતું પણ નહોતું! સુબોધને થયું, "કદાચ મારા વિરહમાં આ બીમાર તો નહીં પડી હોય? કે પછી બહારગામ તો નહીં ગઈ હોય?"

અનેક શંકા-કુશંકાઓ સાથે તપાસનો અંદાજ મેળવવા તે યુવતીના ઘર નીચે આવેલી પાનની દુકાન પાસે ગયો. પાનની દુકાનની પાસે જ આ યુવતીના ઘરનો દરવાજો હતો, જેમાંથી એક ડૉક્ટર અને નર્સ ઘરમાં ગયા. 

બહાર એમ્બ્યુલન્સ ઊભી હતી અને ઘરના માણસો વ્યગ્ર ચિત્તે દોડાદોડી કરતા હતા. સુબોધે ધીમેથી પાનવાળાને પૂછ્યું, "કેમ ભાઈ, અહીંયા કોઈ બીમાર લાગે છે?"

પાનવાળો સહજતાથી બોલ્યો, "હા ભાઈ, પેલી સુધા ગાંડીને હોસ્પિટલમાં લઈ જાય છે... એ જન્મથી જ પાગલ છે! પેલી સુધા પાગલ નહીં, જે આખો દિવસ બારીમાં જ બેસી રહે છે? મેં અને બીજા ઘણા લોકોએ તમને પણ તમારી બારીમાંથી કલાકો સુધી એને જોતા જોયા છે!"

સુબોધ પર જાણે આકાશમાંથી વીજળી પડી! તે પાનવાળાના મોઢા સામે જ તાકી રહ્યો અને તેના પગ નીચેથી જાણે જમીન સરકવા લાગી!

એટલામાં પાનવાળાએ કહ્યું, "લો સાહેબ, આપનું પાન...!!"

લેખક: રતીલાલ વાયડા
બાંહેધરી: આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.

"Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."