વારસદાર (Varasdar 13)

Related

વારસદાર પ્રકરણ 13

ઝાલા અંકલે બેડરૂમમાં મંથનને બધી જ વાત વિગતવાર કહી દીધી. એમના વિજયભાઈ મહેતા સાથેના ૩૦ વર્ષના અંગત સંબંધો વિશે અને વિજયભાઈને આપેલા વચન વિશે પણ નિખાલસ ચર્ચા કરી.

#આવકાર
વારસદાર

" જુઓ મંથનભાઈ, અદિતિ તમારા પપ્પાની પસંદ છે અને તમારું સગપણ નાનપણમાં અદિતિ સાથે થઈ ગયું છે. ગોળધાણા ખવાઈ ગયા છે એ તો એક સત્ય હકીકત છે. ૨૨ વર્ષ સુધી આ વાત અમે છાની રાખી છે પરંતુ હવે અદિતિ પણ ૨૪ વર્ષની થઈ ચૂકી છે ત્યારે હવે આ વાત અમારે જાહેર કરવી પડે એમ છે." ઝાલા અંકલ બોલ્યા.

" તમે પણ હવે યુવાન થયા છો. જમાનો પણ બદલાઈ ગયો છે. એવું પણ બને કે તમારા જીવનમાં કોઈ હોય અને તમે કોઈને લગ્નનું વચન આપી દીધું હોય ! એટલે મારા તરફથી આ સગપણના સંબંધને આગળ વધારવા માટે કોઈ જ દબાણ નથી. તમારી જો ઈચ્છા અદિતિ સાથે લગ્ન કરવાની હોય તો અદિતિ તમારી જ અમાનત છે. " ઝાલા અંકલ બોલતા હતા.

" જો તમારી ઈચ્છા હોય તો અમે અદિતિ સાથે તમારી એક ફોર્મલ મીટીંગ ગોઠવી દઈએ અને તમારી ઈચ્છા ન હોય તો આ વાત આપણે અહીં જ સમાપ્ત કરીએ. જો તમારી ઈચ્છા હશે તો અદિતિ ના નહીં પાડે. કારણ કે એની આંખોમાં અમે તમારા માટેનો એક આદર જોયો છે. એક પોતીકાપણું જોયું છે. નહીં તો એ કોઈની સાથે આટલી બધી ખુલીને વાત નથી કરતી." ઝાલા બોલ્યા.

" મારા મનમાં કોઈ જ સ્વાર્થ નથી. ઈશ્વરે મને ઘણું આપ્યું છે. અદિતિ પણ એનું નસીબ લઈને જન્મી છે. એટલે લગ્ન માટે તમને મારા તરફથી કોઈપણ જાતનું દબાણ નથી. તમે આજે આખી રાત વિચારી જુઓ અને તમારા મનની ઈચ્છા જે પણ હોય એ કાલે મને જણાવજો. અને અમદાવાદ જઈને નિર્ણય લેવો હોય તો પણ હું તમને સમય આપું છું. તમે બ્રાહ્મણના દીકરા છો. અમારા માટે પૂજ્ય છો. તમે ના પાડશો તો પણ મને કોઈ જ દુઃખ નહીં થાય. " ઝાલા અંકલે પોતાની વાત પૂરી કરી.

" અંકલ હું પપ્પાની ઈચ્છાનો અનાદર ક્યારે પણ ના કરી શકું. મારા જીવનમાં કોઈ જ પાત્ર આવ્યું નથી. એક પાત્ર મને પસંદ હતું પરંતુ મારી ગરીબીના કારણે હું વાત કરી શક્યો નહીં અને એની સગાઈ થઈ ગઈ. તમારી અદિતિ જ્યાં પણ જશે ત્યાં સ્વર્ગ ઊભું કરશે એની તો મને ખાતરી છે. મારા મનમાં માત્ર એક જ મૂંઝવણ છે. " મંથન બોલ્યો.

" જે પણ મૂંઝવણ હોય એ તમે મારી સાથે ચર્ચા કરી શકો છો." ઝાલા અંકલ બોલ્યા.

" અંકલ અદિતિ ખૂબ જ લાડ પ્યારમાં ઉછરી છે. એનું કલ્ચર મુંબઈનું છે. મેં હજુ મુંબઈ સેટ થવાનો કોઈ નિર્ણય લીધો નથી. કાલ ઉઠીને કદાચ હું અમદાવાદ જ સેટલ થવાનો વિચાર કરું તો અદિતિ ત્યાં સેટ થશે કે નહીં એની મને કોઈ ખબર નથી. અદિતિને હું દુઃખી જોઈ શકું નહીં. બસ આ એક જ મૂંઝવણ છે. " મંથન બોલ્યો.

" અદિતિ મારી દીકરી છે. હું એને જેટલી જાણું છું એટલી તમે જાણતા નથી. અદિતિ કોઈપણ વાતાવરણમાં સેટ થઈ જાય એવી દીકરી છે. દૂધમાં સાકર ભળી જાય એમ બધા સાથે ભળી જાય. જિંદગીમાં કદી ફરિયાદ ના કરે અને કદી ફરિયાદનો મોકો ના આપે એ મારા સંસ્કાર છે. એટલે એ ચિંતા તમે છોડી દો. અને હવે તમે પોળમાં તો રહેવાના છો નહીં. અમદાવાદના સારામાં સારા એરિયામાં તમે બંગલો કે ફ્લેટ લઈ શકો છો." ઝાલા અંકલ બોલ્યા.

" હા એ વાત તો સાચી જ છે. અદિતિ વિશે જાણીને મને પણ ખૂબ જ આનંદ થયો. છતાં લગ્ન તાત્કાલિક હું કરવા માગતો નથી. ચાર છ મહિના મારે મારા કેરિયર ઉપર ફોકસ કરવું છે. ધંધાનો વિકાસ કરવો છે. એકવાર તમે એના મનની વાત જાણી લેજો પછી મારી સાથે મિટિંગ ગોઠવજો. " મંથન બોલ્યો.

" હા હું ચોક્કસ એની સાથે પણ ચર્ચા કરી લઈશ. અચ્છા હવે મને એ કહો કે તમને ગાડીનું ડ્રાઇવિંગ ફાવે છે ? સોરી મારાથી આવું ના પુછાય છતાં પૂછવું પડે છે. " ઝાલા અંકલ હસીને બોલ્યા.

" હું ખોટું શું કામ બોલું ? ગાડી તો અત્યાર સુધી મારા માટે એક સપનું જ હતું. એટલે કાર ડ્રાઈવિંગ શીખવાનો કોઈ વિચાર જ મનમાં આવ્યો ન હતો. પરંતુ અહીંથી જઈને પહેલું કામ એ જ કરવાનો છું. અમારા દરિયાપુરમાં જ ડ્રાઇવિંગ સ્કૂલ છે. અને એનો માલિક રફીક મારો મિત્ર પણ છે. " મંથન બોલ્યો.

" ચાલો સરસ. તમે એકવાર ડ્રાઇવિંગ શીખી લો અને પાકું લાયસન્સ પણ લઈ લો. અદિતિને ગાડી ચલાવવાનો ગાંડો શોખ છે. ઈશ્વર કરે અને તમારો અને અદિતિનો સંબંધ પાક્કો થાય તો મારે સૌથી પહેલાં તમને ગાડી જ ગિફ્ટ કરવી પડે. " ઝાલા અંકલ બોલ્યા અને હસી પડ્યા.

" ચાલો હવે આપણે બહાર જઈને બેસીએ. પાણીપુરીની બધી તૈયારી થઈ ગઈ હશે." અંકલ બોલ્યા અને દરવાજો ખોલીને હોલમાં આવી ગયા.

કિચનમાં એકલાં સરયૂબા હતાં. એ પાણીપુરી નું પાણી તૈયાર કરી રહ્યાં હતાં.

" કેમ અદિતિ દેખાતી નથી ? " ઝાલા અંકલે કિચનમાં જઈને એમનાં પત્નીને પૂછ્યું.

" એ પૂરીઓ લેવા ગઈ છે. ચંદાવરકર રોડ ઉપર એક સ્ટોર છે ત્યાંની પૂરીઓ સારી આવે છે. " સરયૂબા બોલ્યાં.

ઝાલા અંકલ બહાર આવીને બેઠા ત્યાં દસેક મિનિટમાં અદિતિ પૂરીઓનાં બે પેકેટ લઈને આવી ગઈ અને સીધી રસોડામાં ગઈ.

અડધી કલાક પછી કિચનમાંથી અદિતિએ બધાંને ડાઈનીંગ ટેબલ પર આવી જવાનું કહ્યું એટલે ઝાલા અંકલ અને મંથન ટેબલ પાસે ગોઠવાઈ ગયા.

અદિતિએ તમામ વાસણ ટેબલ ઉપર ગોઠવી દીધાં અને દરેકની પ્લેટમાં ૮ ૧૦ પૂરી, બાફેલા બટેટા અને ચણાનો માવો તથા મોટા વાડકામાં પાણીપુરી નું પાણી પીરસી દીધું.

" તમે કેટલી પાણીપુરી ખાઈ શકો ? " અદિતિ એ મંથનને પૂછ્યું.

" એ તો કેમ ખબર પડે ? ઘરે ક્યારે પણ આ રીતે પાણીપુરી બનાવી નથી. અને બજારમાં જે ખાધી હોય તે તો વધુમાં વધુ ૧૦ પુરી ખાધી હોય." મંથને નિખાલસ જવાબ આપ્યો.

" તમારા ઘરે ક્યારે પણ પાણીપુરી નથી બનાવતા ? " અદિતિને આશ્ચર્ય થયું.

" હમણાં તો હું એકલો જ છું એટલે સવાલ જ નથી. અને મમ્મી હતી ત્યાં સુધી કદી પાણીપુરી અમારા ઘરે બની નથી. મન થાય ત્યારે પાણીપૂરી વાળા ભૈયા પાસે જઈને ખાઈ લેવાની. " મંથન બોલ્યો.

" ઓહ.. આઈ એમ સોરી. " અદિતિ બોલી. એને એમ લાગ્યું કે ખોટો સવાલ પુછાઈ ગયો.

" કંઈ નહીં. પાણીપુરી અને ઢોંસા ખાવાનું મન થાય એટલે મુંબઈ આવી જવાનું." અદિતિ હસીને બોલી.

" પાણીપુરી ખાવા તો નહીં પણ તને મળવા માટે હું ખાસ આવીશ." મંથન બોલ્યો અને એણે ઝાલા અંકલ સામે જોયું.

" તમારું જ ઘર છે. જ્યારે પણ મન થાય ત્યારે તમારે આવી જવાનું." ઝાલા અંકલે મંથનની વાતને સમર્થન આપ્યું.

જો કે મંથનની વાતથી અદિતિ થોડી શરમાઈ ગઈ. એણે વધુ બોલવાનું બંધ કરી ખાવામાં ધ્યાન આપ્યું. છતાં ત્રાંસી આંખે મંથન સામે જોઈ લીધું. મંથન ક્યારેક ક્યારેક એવું બોલી જતો હતો કે અદિતિના દિલમાં હલચલ મચી જતી હતી.

" મેં ટોટલ ૨૨ પુરી ખાધી. આજે પહેલીવાર ગણતરી કરી. તમે કેટલી ખાધી ? " જમી લીધા પછી મંથને અદિતિને પૂછ્યું.

" હું તો આજે ગણતરી કરવાનું જ ભૂલી ગઈ." અદિતિ બોલી.

જમીને મંથન તથા ઝાલા અંકલ બહાર ડ્રોઈંગ રૂમમાં આવીને બેઠા. .

" તમને પાન કે એવું કંઈ ખાવાનો શોખ ખરો કે ? " અંકલ બોલ્યા.

" ના અંકલ. મને રોજ પાન ખાવાની ટેવ નથી. છતાં ક્યારેક સારા મૂડમાં હોઉં ત્યારે પાન ખાઈ લઉં છું. " મંથન બોલ્યો.

" હમ્... તમારો કાલનો શું પ્રોગ્રામ છે ?" અંકલે પૂછ્યું.

" વિચારું છું કે પરમ દિવસે સવારે શતાબ્દીમાં અમદાવાદ જતો રહું. મારું અહીંનું કામ તો પૂરું થઇ ગયું છે. " મંથન બોલ્યો.

" ઠીક છે. તમે જે પણ નિર્ણય લો એ મને જણાવજો. " ઝાલા અંકલ બોલ્યા.

" હા અંકલ હમણાં તમે અદિતિને કોઈ વાત ના કરશો. કારણકે તમે વાત કરી દેશો તો અત્યારે મારી સાથે જે મજાક મસ્તી એ કરતી હોય છે એ બધું બંધ થઈ જશે. શરમ અને સંકોચ પેદા થઈ જશે. " મંથન બોલ્યો.

" વાહ. તમારી પરિપક્વતા જાણીને ખૂબ જ આનંદ થયો. કેટલું બધું તમે વિચારો છો !!" અંકલ બોલ્યા.

" નાનપણથી જ પિતાની છત્રછાયા ન હતી અને ગરીબીના કારણે કોઈનો સપોર્ટ પણ ન હતો એટલે જિંદગીએ ઘણું બધું મને શીખવાડ્યું છે. મારી મમ્મી મને ખૂબ જ શિખામણો આપ્યા કરતી. " મંથન બોલ્યો.

" તમને જો આધ્યાત્મિક બાબતોમાં રસ હોય તો અહી ચંદાવરકર રોડ ઉપર પટેલ શોપિંગ સેન્ટરમાં મારા એક બિલ્ડર મિત્ર મનસુખભાઈ ના ઘરે હિમાલયથી એક ગુરુજી પધાર્યા છે. ગઈકાલે મનસુખભાઈ નો ફોન હતો. દર્શન કરવાની તમારી ઈચ્છા હોય તો કાલે મારી સાથે આવો. હું તો જવાનો જ છું. "

" મને તો આવી બધી બાબતોમાં બહુ જ રસ છે. અમદાવાદમાં પણ ઘણીવાર હું સાધુ-સંતોને જમાડતો હોઉં છું. મારા ઘરેથી કોઇ સાધુ ખાલી હાથે ન જાય. યથાશક્તિ દાન-દક્ષિણા આપી જ દઉં." મંથન બોલ્યો.

" શું વાત કરો છો ? તમારા વિશે જેમ જેમ જાણતો જાઉં છું એમ તમારા માટે મારું માન વધતું જાય છે. આટલી નાની ઉંમરે પણ સાધુ સંતોનો આટલો આદર કરો એ આ જમાનામાં ઘણું કહેવાય !" ઝાલા અંકલ બોલ્યા.

" મારી માના સંસ્કાર છે વડીલ. અમારી આખી પોળમાં કોઈ બીમાર પડે તો મમ્મી સૌથી પહેલાં સેવા કરવા જાય. કોઈને કંઈ તકલીફ હોય તો મમ્મી એના ઘરે જઈને રસોઈ પણ કરી આવે. " મંથન બોલ્યો.

" એટલા માટે જ કદાચ વિજયભાઈ ગૌરીભાભીને ભૂલી શકતા ન હતા. મેં તો એમને જોયાં નથી પણ તમારા પપ્પા એમની પ્રશંસા બહુ જ કરતા હતા. " ઝાલા અંકલ બોલ્યા.

" દસ વાગવા આવ્યા છે. હવે તમે આરામ કરો. આજે આખો દિવસ દોડધામ રહી છે. કાલે સવારે નવ વાગ્યે તો ગુરુજીને મળવા જવું છે." ઝાલા અંકલ બોલ્યા.

" મને તમારા એ ગુરુજીનો થોડો પરિચય તો આપો ? તમે પહેલાં એમને ક્યારે મળેલા ? "મંથને પૂછ્યું.

" હું ત્રણેક વાર દર્શન કરવા ગયો છું. એમના સત્સંગનો લાભ લીધો છે. તમારા પપ્પા વિજયભાઈ પણ એકવાર એમને મળેલા છે. વિજયભાઈ તો ગુરુજીને એકલાને એકાંતમાં મળેલા છે. ગુરુજીની ઈચ્છા થાય તો ક્યારેક ક્યારેક કોઈને સામેથી એકાંતમાં એમના ધ્યાન રૂમમાં મળવાનું કહેતા હોય છે. " ઝાલા અંકલ બોલ્યા.

" ધ્યાન રૂમમાં એટલે ? હું સમજ્યો નહીં " મંથને પૂછ્યું.

" મનસુખભાઈએ એમના ફ્લેટમાં ગુરુજીને એક અલગ રૂમ આપેલો છે જ્યાં તેઓ ધ્યાન પણ કરે છે અને આરામ પણ કરે છે. પરંતુ જાહેર સત્સંગ અને મુલાકાત એ બહાર ડ્રોઇંગરૂમમાં બેસીને કરે છે. એમના અંગત રૂમમાં બધાને પ્રવેશ નથી. " અંકલ બોલતા હતા.

" ગુરુજી કોઈને એકાંતમાં કંઈ કહેવા માંગતા હોય તો એ ભક્તને અલગ ટાઈમ આપીને ફરી બોલાવે છે અને એ વખતે એ એમના અંગત રૂમમાં બેસીને ચર્ચા કરે છે." ઝાલા અંકલે સમજાવ્યું.

" એમને મળીને તમને કેમ લાગ્યું ? આપણો દેશ સંતોને પૂજનારો દેશ છે. પરંતુ કેટલાક સાધુ ચમત્કારો કરીને લોકોને આંજી દેતા હોય છે. સાચા સંતને પારખવા મુશ્કેલ છે. " મંથન બોલ્યો.

" ના ના મંથન ભાઈ. આ તો એક અલગારી સાચા સંત છે એમના ચહેરાને જોઈને જ તમને લાગશે કે એ એક દિવ્ય પુરૂષ છે. ચમત્કારો બતાવવામાં એમને કોઈ જ રસ નથી પણ મનની વાત જાણી લે છે. એમની હાજરીમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. " ઝાલા અંકલ બોલ્યા.

" તમારા પપ્પાને એમણે જ કહેલું કે તમારી પત્ની અને પુત્ર બંને હયાત છે પરંતુ આ જન્મમાં તમે એમને મળી નહીં શકો. એમની આ વાત એકદમ સાચી પડી છે. " ઝાલા અંકલ બોલ્યા.

" તો તો મારે ચોક્કસ એમનાં દર્શન કરવાં છે. શું નામ છે એ ગુરુજીનું ? " મંથને પૂછ્યું.

" સ્વામી સર્વેશ્વરાનંદ ! " અંકલ બોલ્યા.

" છેલ્લો સવાલ. તમે એમને ગુરુજી કેમ કહો છો ? તમે એમને ગુરુ કરેલા છે ? " મંથને કુતુહલતાથી પૂછ્યું.

" બધા એમને ગુરુજી ગુરુજી કહીને સંબોધન કરે છે. એ કોઈને દીક્ષા આપતા નથી. " ઝાલા અંકલ હસીને બોલ્યા.

" ઓકે અંકલ. મેં તમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. હવે તમે પણ આરામ કરો. " મંથન બોલ્યો અને ઉભો થઈને બેડરૂમમાં ગયો.

બેડરૂમમાં પાણીનો જગ અને ગ્લાસ રાખેલાં હતાં. એણે થોડું પાણી પીધું. બાથરૂમ જઈ આવ્યો અને એસી ચાલુ કરીને સૂઈ ગયો.

બીજા દિવસનો સૂર્યોદય મંથન માટે ઘણાં રહસ્યો ખોલવાનો હતો.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺)

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post