વારસદાર (Varasdar 27)

Related

વારસદાર પ્રકરણ 27

મંથન અને અદિતિનું નવપરિણીત યુગલ સુંદરનગર પહોંચ્યું. અદિતિ આજે આખા રસ્તે ચૂપ હતી. આજે એ નવોઢા હતી એટલે મર્યાદામાં હતી. મંથન જ્યારે સુંદરનગર પહોંચ્યો ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયો !!


#આવકાર
વારસદાર

આખો સી બ્લોક રોશનીથી ઝગમગતો હતો. ૬ નંબરનો ફ્લેટ પણ લાઈટો અને ફૂલોના હારથી શણગારેલો હતો ! ગુલાબના પરફ્યુમની સુગંધ છેક નીચે સુધી આવતી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાએ આખા ફ્લેટને સવારથી જ સજાવી દીધો હતો.

સહુથી પહેલાં પંડિતજીને લઈને વીણામાસી જયેશ અને શિલ્પા ઉપર ફ્લેટમાં ગયાં. વરકન્યાને વધાવવાની તમામ તૈયારીઓ કરવાની હતી. પંદરેક મિનિટ પછી જયેશે મંથનને ગેલેરીમાંથી ઉપર આવી જવા ઈશારો કર્યો. જેવાં મંથન અને અદિતિ દરવાજે પહોચ્યાં કે તરત જ અંદરથી પંડિતજી બહાર આવ્યા.

મંત્રોચ્ચારની વચ્ચે વીણામાસી તથા શિલ્પાએ વરઘોડિયાનું સ્વાગત કર્યું. અદિતિનાં કંકુ પગલાં પણ પાડયાં. માની ન શકાય એટલું બધું એડવાન્સ પ્લાનિંગ ઝાલા અંકલે કર્યું હતું.

વરકન્યાનો ઘરમાં મંગલમય પ્રવેશ કરાવ્યા પછી પંડિતજી બંનેને પૂજારૂમ પાસે લઈ ગયા અને ત્યાં ગણેશજીનું વિધિપૂર્વક પૂજન કરાવ્યું. જગદંબાની પણ પૂજા કરી. તમામ વિધિ પતી ગઈ પછી મંથને પંડિતજીને ૧૦૦૦ દક્ષિણા પણ આપી. એ પછી ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા રવાના થયા અને એમની પાછળ પાછળ પંડિતજી પણ ઘરે જવા નીકળી ગયા. સાંજના ૭ વાગી ગયા હતા.

શિલ્પાએ ભાવપૂર્વક સગી દેરાણીની જેમ અદિતિનું સ્વાગત કર્યું. વીણા માસીને અદિતિ ખૂબ જ ગમી ગઈ. પોતાના દીકરા જેવા મંથનની વહુને એ પ્રેમથી ભેટી પડ્યાં અને બંનેને ખૂબ જ આશીર્વાદ આપ્યા.

સાંજે જમવા માટે પણ ઝાલા અંકલે જ વ્યવસ્થા કરી હતી. રાત્રે ૮ વાગે જ બધાં માટે ભોજન આવી ગયું. જમ્યા પછી મંથને ફોન કરીને સુનિતાને બોલાવી લીધી. એણે આવીને વાસણ ઘસી દીધાં અને મંથનના બેડરૂમને છોડીને ઘરની પણ સાફ-સફાઈ કરી દીધી.

" ચાલો મંથન અમે રજા લઈએ. કાલે વહેલી સવારની ફ્લાઈટ છે એટલે મેં મુંબઈ આવતાં પહેલાં જ પાર્લેની એક હોટલમાં રૂમ ઓનલાઇન બુક કરાવી દીધો છે. તમારી આજે સુહાગરાત છે અને વહેલી સવારે તમને લોકોને ડિસ્ટર્બ કરવાની અમારી કોઈ ઈચ્છા નથી. મારી તમને બંનેને શુભેચ્છાઓ છે. આટલો ભવ્ય લગ્ન સમારંભ મારી જિંદગીમાં મેં આજ સુધી જોયો નથી." જયેશ બોલ્યો.

" અરે પણ મને કહ્યું હોત તો મેં હોટેલ બુક કરાવી દીધી હોત ને ! તારે શું કામ પૈસા ખર્ચવા પડે ? " મંથન બોલ્યો.

" તેં આટલું બધું કર્યું એ ઓછું છે મંથન ? અમારા બંનેની આવવા જવાની ફ્લાઇટની ટિકિટ પણ તેં મોકલી આપી. હવે મારી ચિંતા છોડ. તમે લોકો ક્યારે આવો છો અમદાવાદ ? " જયેશ બોલ્યો.

" એક વીકમાં ગમે ત્યારે આવી જઈશું. મારે પણ માધુપુરામાં અંબાજીનાં દર્શન કરવાં છે. " મંથન બોલ્યો.

" ત્યાં સુધીમાં તો અમારાં પણ લગ્ન થઈ ચૂક્યાં હશે. હનીમૂનનો કોઈ મોટો પ્લાન ના બનાવ્યો હોય તો અમે લોકો તો લગ્ન પછી માઉન્ટ આબુ જવાનાં છીએ. અંબાજીનાં દર્શન પણ થઈ જશે. તું ઈચ્છે તો અમારી સાથે જોઈન થઇ શકે છે. એકથી બે ભલા." જયેશ હસીને બોલ્યો.

" જે હશે તે હું તને કહી દઈશ. કારણ કે અત્યારે તો હજુ કોઈ પ્લાન બનાવ્યો નથી. " મંથન બોલ્યો.

જયેશ અને શિલ્પા મંથન અને અદિતિની રજા લઈને પારલા જવા નીકળી ગયાં. વીણામાસીને રહેવા માટે અલગ બેડરૂમ હતો.

આજે મંથન અને અદિતિની સુહાગરાત હતી. મંથનનો બેડરૂમ વિદેશી પર્ફ્યુમથી મઘમઘતો હતો. બેડની ચારે બાજુ ગુલાબના હાર લટકતા હતા. બેડ ઉપર પણ ગુલાબની પાંખડીઓથી બનાવેલું દિલનું સુંદર ચિત્ર વાતાવરણને રોમાન્ટિક બનાવતું હતું.

રાત્રે ૧૦:૩૦ વાગે મંથન અને અદિતિ એ પોતાના બેડરૂમમાં પ્રવેશ કર્યો. આજે શરમ અને સંકોચના કારણે અદિતિની વાણી મૌન થઈ ગઈ હતી પરંતુ હૃદયમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. ૨૨ વર્ષથી જેની પ્રતીક્ષા કરી હતી એ એના મનનો માણીગર આજે એને મળ્યો હતો.

બેડરૂમમાં પ્રવેશ કરીને મંથન વોશરૂમમાં ગયો અને સ્યૂટ કાઢીને એણે રેશમનો સફેદ પાયજામો અને ક્રીમ કલરનો કુરતો પહેરી લીધો.

મંથન કપડાં બદલવા અંદર ગયો ત્યાં સુધીમાં અદિતિએ પોતાના શરીર ઉપરનાં તમામ ભારે ઘરેણાં ઉતારીને બાજુમાં મૂકી દીધાં હતાં.

બહાર આવીને મંથન બેડ ઉપર તકીયાને અઢેલીને અદિતિની બાજુમાં બેઠો. મંથન જેવો બેઠો કે તરત જ અદિતિએ પોતાનું માથું મંથનના ખભા ઉપર ઢાળી દીધું.

" આજે આપણા મિલનની રાત છે. તને જોઈ ત્યારથી જ આ રાતની હું પ્રતીક્ષા કરતો રહ્યો છું. આટલું અદભુત સૌંદર્ય મારા નસીબમાં હશે એની મને કોઈ કલ્પના ન હતી. મારા જીવનમાં તારું સ્વાગત કરું છું ડાર્લિંગ. " મંથન અદિતિના ખભે હાથ મૂકીને બોલ્યો.

મંથન એટલા પ્રેમથી અને ભાવથી આ શબ્દો બોલ્યો કે અદિતિ ભાવવિભોર બની ગઈ અને એણે મંથનના પગ લાંબા કરીને એના ખોળામાં જ માથું ઢાળી દીધું.

" તમારી અદિતિ હવે તમારી જ છે. મન વચન અને કર્મથી પત્નીનો સંબંધ હું આજીવન નિભાવીશ. " કહીને અદિતિએ મંથનનો હાથ હાથમાં લઈને પોતાની ધડકતી છાતી ઉપર મૂકી દીધો.

અદિતિના શરીરના એ મુલાયમ સ્પર્શથી મંથનના આખા ય શરીરમાં વીજળીનો જાણે કે કરંટ પસાર થઈ ગયો. એના હૃદયની ધડકનો પણ તેજ થઈ ગઈ અને અનંગના આક્રમણથી ક્યારે એ બંને એકબીજામાં ખોવાઈ ગયાં એ કોઈને પણ ભાન ના રહ્યું !!

રાતના ચાર વાગ્યા સુધી બંનેના આવેશો બેકાબૂ હતા એટલે ચાર વાગ્યા પછી થાકીને આંખ ક્યારે મળી ગઈ એ કોઈને પણ ભાન ન રહ્યું.

સૌથી પહેલા અદિતિની આંખ ખુલી ત્યારે સવારના ૮:૩૦ થવા આવ્યા હતા. અદિતિ ઊભી થઈ ગઈ અને સાડી વીંટી વોશરૂમમાં દોડી ગઈ. નાહી ધોઈને સાદાં વસ્ત્ર પહેરી બહાર આવી ત્યારે સવા નવ વાગી ગયા હતા. મંથન હજુ પણ સૂતો હતો.

" મંથન ઉઠો... સવા નવ વાગી ગયા છે. " અદિતિએ મંથનના કાનમાં ધીમેથી કહ્યું.

અવાજ સાંભળીને મંથન સફાળો જાગી ગયો અને બેઠો થઈ ગયો.

" વ્હોટ !! સવા નવ વાગી ગયા ? મને જગાડ્યો નહીં ? " મંથન બોલ્યો.

" વોશરૂમ એક જ છે. તમને જગાડું તો તમારે બેસી રહેવું પડે એટલે હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. હવે તમે જલ્દી જલ્દી તૈયાર થઈ જાવ. માસી બિચારાં રાહ જોતાં હશે કે આ લોકો ક્યારે બહાર આવશે !! " અદિતિ હસીને બોલી.

મંથન અડધા કલાકમાં તૈયાર થઈ ગયો અને બંને જણાં બહાર આવ્યાં.

" ગુડ મોર્નિંગ માસી. તમને બહુ રાહ જોવડાવી. " મંથન બોલ્યો.

" ના રે ભાઈ. એવું કંઈ જ નથી. અત્યારે તમારા દિવસો છે. હવે હું ફટાફટ ચા બનાવી દઉં. હવે રસોઈ કરવાવાળી બાઈ બોલાવવાની પણ કોઈ જરૂર નથી. મારો પણ ટાઈમ પસાર થાય. " વીણામાસી બોલ્યાં અને કિચનમાં ગયાં.

" માસી તમે રહેવા દો. ચા તો હું બનાવી દઉં છું. " અદિતિ કિચનમાં જઈને બોલી.

" તું બેટા આરામ કર. મને કરવા દે. આ કંઈ મહેનતનું કામ નથી. હમણાં થઈ જશે. " વીણામાસી બોલ્યાં. એમણે પોતાની ચા સવારે જ બનાવીને પી લીધી હતી. આદુ ફુદીનો ગરમ મસાલો બધું જ મંથનના કિચનમાં તૈયાર હતું.

વીણામાસીએ બપોરે રસોઈ ખૂબ જ સરસ બનાવી. રસોઈમાં વીણામાસીનો હાથ બહુ સારો હતો. મંથન અને અદિતિએ દિલથી રસોઈનાં વખાણ પણ કર્યા.

રસોઈ કરવાવાળાં દેવીબહેનને મંથને હાલ પૂરતી ના પાડી દીધી. કારણ કે હવે વીણામાસી રોકાવાનાં હતાં. સુનીતા સમયસર આવીને વાસણ કપડાં અને કચરા પોતું કરી ગઈ.

રાતનો ઉજાગરો હોવાથી દોઢ વાગે મંથન અને અદિતિ બેડરૂમમાં જઈને સૂઈ ગયાં તે છેક સાંજે પાંચ વાગે આંખ ખુલી.

જાગ્યા પછી અડધો કલાક ફરી પાછાં યુવાનીની મસ્તી માં ખોવાઈ ગયાં અને સાડા પાંચ વાગે બહાર આવ્યાં. એ લોકો બહાર આવ્યાં કે તરત જ વીણા માસીએ એમની ચા મૂકી દીધી.

" માસી તમારે હવે કાયમ માટે અમારી સાથે જ રહેવાનું છે. તમે છો તો અમને ઘરમાં ઘણી હૂંફ મળે છે. વડીલ વગરનું ઘર ખાલી ખાલી લાગે. " અદિતિ બોલી.

" તું ચિંતા ના કર અદિતિ. હું એમને ક્યાંય જવા દેવાનો નથી. એમનો દીકરો બનીને એમની સેવા કરીશ." મંથન બોલ્યો.

વીણામાસી આ લોકોની આટલી ભાવના જોઈને ગદગદિત થઈ ગયાં. એમની આંખો ભીની થઈ ગઈ.

"સાંજે તમારે જે પણ જમવું હોય એ કહી દેજો. બંને ટાઈમ રસોઈની જવાબદારી હવે મારી રહેશે. રસોઈનો મને શોખ છે અને મને નવરા બેસી રહેવું ગમતું નથી. " માસી બોલ્યાં.

" માસી બેઉ ટાઇમ જો તમે જ રસોઈ કરશો તો અદિતિ રસોઈ ભૂલી જશે. " મંથન હસીને બોલ્યો.

" એ હું કંઈ ન જાણું. હા તારે કોઈ નવી નવી વાનગી ખાવાની ઈચ્છા હોય એ દિવસે અદિતિ રસોડું સંભાળશે. બાકી દાળ ભાત શાક રોટલી ભાખરી તો હું જ કરીશ. " માસી બોલ્યાં.

અદિતિને માસીનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો. એણે વીણામાસીને મનોમન પોતાની સગી સાસુનું સ્થાન આપ્યું.

"મંથન તમે લોકો શાકમાર્કેટમાંથી સાંજે થોડું શાક લઈ આવો. કારણ કે ઘરમાં બટેટા સિવાય બીજું કંઈ પડ્યું નથી. લીંબુ ધાણાભાજી ફૂદીનો આદુ અને એક કિલો ડુંગળી પણ લેતા આવજો." વીણામાસીએ કહ્યું.

"ભલે માસી એ હું લઈ આવીશ. " અદિતિ બોલી.

દૂધ તો સવારે છ વાગે જ ઘરે આવી જતું હતું એટલે એની કોઈ ચિંતા ન હતી.

આમને આમ ત્રણ દિવસ બીજા પસાર થઈ ગયા. ચોથા દિવસે સરયૂબાનો અદિતિ ઉપર ફોન આવ્યો. લગ્ન પછી પગફેરા માટે પહેલીવાર ઝાલા અંકલ અને સરયૂબા અદિતિને તેડવા આવવાનાં હતાં.

" તમે લોકો જે ટાઈમ આપો એ પ્રમાણે કાલે અમે તને તેડી જઈએ બેટા. કાલનું મુહુરત સારું છે. " સરયૂબા બોલ્યાં.

" કાલે બપોર પછી ગમે ત્યારે આવી જાઓ મમ્મી અને નીકળો ત્યારે મને ફોન કરજો એટલે હું તૈયાર રહું. " અદિતિ બોલી.

" સારુ. કાલે બપોર પછી તૈયાર રહેજે" સરયૂબા બોલ્યાં અને ફોન કટ કર્યો.

બીજા દિવસે સાંજે ૪ વાગે ઝાલા અંકલ અને સરયૂબા મંથનના ઘરે આવ્યાં.

" હવે તમારું ઘર ભર્યું ભર્યું લાગે છે મંથનકુમાર. સ્ત્રી એ ઘરની શોભા છે. " ઝાલા અંકલ બોલ્યા.

" સાચી વાત છે ઝાલાભાઈ. અમારા ઘરમાં તો અદિતિ આવ્યા પછી જાણે કે રોનક આવી ગઈ છે. " વીણામાસી બોલ્યાં.

" મમ્મી આ માસી મને કોઈ પણ કામ કરવા દેતાં નથી. આમને આમ હું તો આળસુ થઈ જઈશ. રસોઈ પણ એ જ કરે છે. ચા પણ એ જ મૂકે છે." અદિતિએ મીઠી ફરિયાદ કરી.

" મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું કરું છું. મને આનંદ આવે છે. નવરા બેસી રહેવું મને ગમતું નથી. નવાં નવાં લગન છે એટલે અત્યારે એમના હરવા ફરવાના દિવસો છે. કામ તો પછી આખી જિંદગી કરવાનું જ છે. " વીણા માસી બોલ્યાં.

" તમારા જેવાં વડીલ આ ઘરમાં છે એનો મને આનંદ છે વીણાબેન. અદિતિને પણ તમારી કંપની રહેશે. એકાદ મહિનામાં ઓફિસ ચાલુ થાય પછી મંથનકુમાર તો રોજ ઓફિસ જવાના. " ઝાલા સાહેબ બોલ્યા.

" મંથનકુમાર તમે તો છૂપા રુસ્તમ નીકળ્યા. દલીચંદ ગડા જેવો અબજોપતિ માણસ તમારું નામ સાંભળીને ૪૦ ૫૦ કરોડ રૂપિયાનું આપણી સ્કીમમાં રોકાણ કરે એ વાત હજુ પણ મારા મગજમાં બેસતી નથી." ઝાલા અંકલ બોલ્યા.

" પપ્પા તમે જોતા રહો. ૪૦-૫૦ કરોડ નહીં. હું જો કહીશ તો બંને ટાવરો આખેઆખાં એ ખરીદી લેશે. હા આપણી સાથે એ ભાવતાલ ચોક્કસ કરશે અને પછી ઊંચા પ્રોફિટમાં બધા ફ્લેટ વેચી નાખશે. " મંથન હસીને બોલ્યો.

" તમારી આટલી બધી અહીં ઓળખાણો અને વર્ચસ્વ છે એ તો મને હવે ખબર પડી. મને લાગે છે કે એક વર્ષમાં તમારું નામ બિલ્ડર લોબી માં છવાઈ જશે. વિજયભાઈ કરતાં પણ તમે તો સવાયા નીકળ્યા. " ઝાલા અંકલ બોલ્યા.
અદિતિ આ બધી વાતો સાંભળી રહી હતી અને પતિની પ્રશંસા સાંભળી મનોમન પોરસાઈ રહી હતી.

અડધો કલાક બેસીને ઝાલા સાહેબ અને સરયૂબા ઊભાં થયાં. મંથન પણ ઉભો થઈને એમને પગે લાગ્યો.

"એકાદ અઠવાડિયું અદિતિ અમારા ઘરે રહેશે. એ પછી તમારે હનીમુન માટે જ્યાં પણ જવાનો પ્લાન બનાવવો હોય તે બનાવજો અને આવીને તેડી જજો. અમે એને નહીં રોકીએ. દીકરી તો હવે સાસરે જ શોભે." સરયૂબા બોલ્યાં.

મંથન છેક નીચે સુધી વળાવવા ગયો. અદિતિને મંથનની એટલી બધી માયા અને આકર્ષણ થઈ ગયું હતું કે એને હવે ઘરે જવાનું મન જ નહોતું થતું. મંથનની હાલત પણ કંઈક એવી જ હતી. એને પણ અદિતિથી છૂટા પડવું જરા પણ ગમતું ન હતું.

લોહચુંબકની જેમ મંથન અદિતિ તરફ ખેંચાઈ ગયો હતો. નવાં નવાં લગ્ન હતાં. બંનેનાં હૈયાં નવયુવાન હતાં અને કામનાં બાણે બંનેને પૂરેપૂરાં ઘાયલ કરી દીધાં હતાં !!
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post