વારસદાર (Varasdar 48)

Related

વારસદાર પ્રકરણ 48

પોતાની થાળીમાં આજે બીજી વાર માલપૂડા અને દૂધપાક જોઈને મંથન અવાક થઈ ગયો. રાજન દેસાઈનો માઈન્ડ પાવર જબરદસ્ત કામ કરતો હતો ! એણે મનોમન રાજનને સલામ કરી.

ક્રિએટિવ મેડીટેશન આટલું સરસ રીતે કામ કરતું હશે એ મંથનને પહેલીવાર સમજાયુ. એણે મનની શક્તિ ઉપર વાંચ્યું તો ઘણું હતું પણ પ્રેક્ટીકલ અનુભવ રાજને એને કરાવ્યો. રાજન નો પોતાના મન ઉપર જબરદસ્ત કાબુ હતો.

#આવકાર
વારસદાર

જમીને બંને જણાં બેડરૂમમાં ગયાં. આજે રાત્રે અઠવાડિયાના વિરહ પછી પ્રેમી પંખીડાં ભેગાં થયાં હતાં. અદિતિને પોતાની ભૂલ સમજાઈ હતી તો મંથનને ગુરુદેવે એના પૂર્વ જન્મની વાત કરીને અદિતિના કારણે જ આ બધી જાહોજલાલી છે એવી વાત કરી હતી એટલે અદિતિ તરફ એને ખૂબ જ વહાલ પ્રગટ્યું હતું.

બન્ને તરફથી વહાલનો દરિયો ઉભરાઈ રહ્યો હતો એટલે આજની રાત એમના માટે ફરી પાછી સુહાગરાત બની ગઈ. સંવનનના આવેશો શાંત થતા જ ન હતા ! સવાર ક્યારે પડી ગઈ એ ખબર જ ના રહી.

વીણા માસીએ બંનેને મોડે સુધી સૂવા દીધાં અને પોતાની ચા બનાવીને પી લીધી. રસોઈ પણ એમણે ચાલુ કરી દીધી. બંને જણાં રૂમમાંથી બહાર આવ્યાં ત્યારે સવારના ૯ વાગી ગયા હતા.

લગભગ આખી રાતનો ઉજાગરો હતો એટલે આજે ઓફિસમાં રજા રાખવાનું જ મંથને નક્કી કર્યું. જે કામો જરૂરી હતાં એની સૂચના એણે સેક્રેટરીને અને પોતાના એન્જિનિયરોને આપી દીધી અને ફીડબેક પણ લઈ લીધો.

જમવા માટે શું બનાવવું એની કોઈ ચર્ચા મંથન સાથે થઈ ન હતી એટલે વીણામાસીએ આજે એને ભાવતી દાળઢોકળી જ બનાવી દીધી.

રાતનો ઉજાગરો હતો એટલે બપોરનો સમય બન્નેએ આરામ કરવામાં જ પસાર કર્યો.

ચાર વાગે ઉઠ્યા પછી મંથને અદિતિને જુનાગઢ અને ગિરનાર તળેટીની બધી જ વાતો વિગતવાર કરી. એટલું જ નહીં રાજન દેસાઈએ એને જે અનુભવ કરાવ્યો એની પણ એણે ચર્ચા કરી.

" માલપૂડા અને ખીરવાળી વાત તો ખરેખર નવાઈ કહેવાય. માની શકાય એમ જ નથી. કાલે તમને બબ્બે વાર માલપૂડા ખીરનું ભોજન મળ્યું. જુઓને બાજુવાળાં માસી ક્યારે પણ આ રીતે વાટકી વ્યવહાર કરતાં નથી. કોઈ નવી આઈટમ આપણા ત્યાં આપી જતાં નથી. આજે પહેલી વાર એમને માલપૂડા આપવાનો વિચાર આવ્યો. " અદિતિ બોલી.

"વાત સાવ સાચી છે અદિતિ. તને આજે દૂધપાક એટલે કે ખીર બનાવવાની ઈચ્છા થઈ અને માસીને આજે માલપૂડા બનાવવાની ઈચ્છા થઈ. માણસના વિચારોનાં આંદોલનો કેવી રીતે કામ કરે છે એ ખરેખર રહસ્યમય છે ! " મંથન બોલ્યો

"સાંભળો. હવે આપણે એક વાર ડોક્ટરને ફરી મળવું પડશે. તે દિવસે આ બધી ગેરસબજ થઈ ગઈ એમાં હું નીકળી ગઈ અને પાછળ પાછળ તમે પણ નીકળી ગયા. એટલે જે કારણોથી ડોક્ટરે તમને બોલાવ્યા હતા એ તો વાત અધુરી જ રહી ગઈ." અદિતિ બોલી.

"વાત થઈ ગઈ છે અદિતિ. હું ડોક્ટરને મળી આવ્યો હતો અને ડોક્ટર શું કહેવા માંગે છે એ પણ સાંભળી લીધું છે. " મંથન બોલ્યો.

" તો મને કહો ને ! મને તો ખરેખર હવે ચિંતા થાય છે. પ્લીઝ કહો ને ડોક્ટરે શું કહ્યું ? " અદિતિ બોલી.

" જો અદિતિ. તારે સંતાન માટે આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને મને ખરેખર કોઈ ફરક નથી પડતો. આપણે કોશિશ કરી શકીએ. બાકી તો બધું ઈશ્વરને હાથ છે .સંતાન થાય કે ના થાય મારા પ્રેમમાં કોઈ ઓટ નહીં આવે. મારા વિચારો આખા અલગ છે. " મંથને કહ્યું.

" એનો મતલબ મને સંતાન નહીં થાય ? સાચું કહો ને ડોક્ટરે શું કહ્યું ? " મંથનની વાતથી અદિતિ ચિંતામાં પડી ગઈ.

" મેં તને એવું ક્યાં કહ્યું કે સંતાન નહીં થાય ? પણ માનો કે ન થાય તો પણ ચિંતા નહીં કરવાની. આપણે દત્તક લઈ લઈશું. તારે નિરાશ થવાની જરૂર નથી. " મંથન બોલ્યો.

" તમે મારાથી છુપાવો છો મંથન. જરૂર ડોક્ટર એવું કંઈક કહ્યું છે જેના કારણે તમે આવા જવાબ આપો છો. હવે મને ખરેખર ચિંતા થાય છે. મારે ડોક્ટરને મળીને બધું પૂછવું પડશે. " અદિતિ બોલી.

" ડોક્ટરે કહ્યું છે કે ફીફ્ટી ફીફ્ટી ચાન્સ છે. મતલબ તું ગર્ભ તો ચોક્કસ ધારણ કરી શકીશ. પરંતુ તારું ગર્ભાશય ખૂબ જ નાનું છે એટલે ગર્ભ અમુક મહિના પછી ટકી ના શકે અને મિસ કેરેજ થઈ જાય. " મંથને કહ્યું.

" એ તો એનું એ જ થયું ને મંથન ? ગર્ભ રહે અને બે-ચાર મહિના પછી પડી જાય. એ તો ઉપરથી મારે હેરાનગતિ ! ડોક્ટરે શું કહ્યું તમને ? આનો ઉપાય શું હોઈ શકે ? " અદિતિ ચિંતાથી બોલી.

"એ વિશે મારે વાત નથી થઈ. ડોક્ટરે કહ્યું છે કે બીજા ઘણા રસ્તા છે. " મંથન બોલ્યો.

" તો વહેલી તકે આપણે ડોક્ટરને મળવું જોઈએ. કારણ કે લગ્નને દોઢ વર્ષ થઈ ગયું છે. મમ્મી પપ્પાની પણ ઈચ્છા છે કે એક સંતાન તો હોવું જ જોઈએ. જે પણ રસ્તો કરવો પડે એ આપણે કરીશું. " અદિતિ લાડથી બોલી.

"જોઈશું ભવિષ્યમાં. હજુ ક્યાં ઉતાવળ છે અદિતિ ? એકાદ બે વર્ષ જવા દે. તું પણ યુવાન છે હું પણ યુવાન છું. અત્યારથી મા બનવાના ચક્કરમાં ક્યાં પડે છે ? આપણને તાત્કાલિક સંતાનની જરૂર પણ ક્યાં છે ? વડીલો તો હંમેશા કહેતા જ હોય છે. " મંથન હસીને બોલ્યો.

" ના. તમે આમ વાતને ટાળો નહીં. આપણે ડોક્ટરને મળીને ચર્ચા તો તાત્કાલિક જ કરવી પડશે. તમે કહેતા હો તો કાલે જ આપણે જઈ આવીએ. એકવાર ચર્ચા તો કરી લઈએ. બીજા કયા ઉપાયો છે, કેટલી શક્યતા છે એ બધું મારે સાંભળવું છે. " અદિતિ બોલી.

" ઠીક છે બાબા. કાલે જ ડોક્ટરને મળી લઈએ. તું ટાઈમ લઈ લે." છેવટે મંથને હાર માની લીધી.

બીજા દિવસે સવારે ૧૧ વાગ્યાની જ એપોઇન્ટમેન્ટ મળી ગઈ.

મંથન અને અદિતિ ૯:૩૦ વાગે જ નીકળી ગયાં કારણકે સવારે ટ્રાફિક વધારે હોય છે. ટાઈમસર ડૉ. ચિતલેના ક્લિનિક ઉપર પણ પહોંચી ગયાં.

" સર તમે મારા મિસ્ટર સાથે મારા ગર્ભાશય અંગેની જે પણ વાત કરી તે મારે વિગતવાર સમજવી છે. ગર્ભ રહેવાના ચાન્સીસ કેટલા અને સંતાન થવાના ચાન્સીસ કેટલા ? પ્લીઝ અમને ક્લિયર માર્ગદર્શન આપો. " અદિતિ બોલી.

ડોક્ટરે ફરીથી અદિતિની સોનોગ્રાફી કરી અને ગર્ભાશયનું માપ લઈ લીધું. ફેલોપિયન ટ્યુબ પણ ચેક કરી લીધી.

" જુઓ હોર્મોસના ઇન્જેક્શન ના કારણે તમારા એગ્સ હવે બનવા લાગ્યા છે. ફોલિકલ્સ પણ હવે રેગ્યુલર ડેવલપ થશે. એટલે ગર્ભ તો રહેવાનો જ છે. સવાલ એ છે કે ગર્ભાશયની સાઇઝ ઘણી નાની છે એટલે બાળકનો ગ્રોથ અંદર ના થઈ શકે. ત્રણ ચાર કે વધુમાં વધુ પાંચ મહિને મિસકેરેજ થઈ જાય અને એ વધુ તકલીફ કરે. " ડોક્ટર બોલ્યા.

" તો પછી આનું સોલ્યુશન શું ? " મંથને પૂછ્યું.

" અત્યારે સરોગેટ મધરની પ્રથા સમાજમાં પ્રચલિત થઈ છે અને મારી દ્રષ્ટિએ એ સૌથી સારામાં સારું ઓપ્શન છે. તમારા માટે તો એ જ એક માત્ર વિકલ્પ છે. " ડોક્ટર બોલ્યા.

" એમાં કેવી રીતનું હોય ? તમે જરા વિગતવાર સમજાવશો ? " અદિતિએ પૂછ્યું.

" સૌથી પહેલા તો તમારે એવી કોઈ સ્ત્રી શોધી કાઢવી જોઈએ જે તમારા બન્નેના બાળકની મા બનવા માટે તૈયાર થાય. એનું ગર્ભાશય તંદુરસ્ત હોવું જોઈએ. તમારું એગ અને તમારા મિસ્ટરનું શુક્રાણું સ્પેશિયલ નીડલ દ્વારા ભેગું કરીને આઈવીએફ ટ્રીટમેન્ટથી લેબોરેટરીમાં ફર્ટિલાઇઝ કરવું પડે. ગર્ભ ડેવલપ થવા માંડે એટલે એ ગર્ભને લેબોરેટરીમાંથી બહાર કાઢીને એ સ્ત્રીના ગર્ભાશયમાં રોપવામાં આવે. " ડોક્ટર સમજાવી રહ્યા હતા.

"બસ આ જ એની પ્રક્રિયા છે. નવ મહિના સુધી સરોગેટ મધર એ ગર્ભનો ઉછેર કરે અને ડીલીવરી થાય એટલે સંતાન તમને આપી દે. અત્યારે કોઈ કોઈ સ્ત્રીઓ આર્થિક કારણોસર સરોગેટ મધર બનવા માટે તૈયાર થઈ જતી હોય છે. " ડોક્ટરે કહ્યું.

" આ તો બહુ મુશ્કેલ પ્રશ્ન થઈ ગયો. આવી રીતે તો આપણા સમાજમાં કોઈ તૈયાર ના થાય અને પૈસા માટે કદાચ કોઈ ગરીબ સ્ત્રી તૈયાર થાય તો પણ એના સંસ્કાર કેવા છે, કઈ જ્ઞાતિમાંથી આવે છે એ બધું જ વિચારવું પડે. કારણ કે જે તે સ્ત્રીના સંસ્કારો અને વિચારોની છાપ બાળકમાં આવે જ. " મંથન બોલ્યો.

" આ સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. તમારી પાસે સમય છે. તમે શાંતિથી આ દિશામાં કોશિશ કરો. મારી પાસે પણ એકપાત્ર ધ્યાનમાં છે પરંતુ સૌથી પહેલાં તમારી પસંદગી. મારું પાત્ર લાસ્ટ ઓપ્શન રહેશે. " ડોક્ટર હસીને બોલ્યા.

બીજી તો કોઈ ચર્ચા ડોક્ટર પાસે કરવાની ન હતી એટલે બંને જણાં ઉભાં થયાં અને ત્યાંથી મયુર ટાવર ગયાં. અદિતિનું ઘર બાજુમાં જ હતું.

" આવો આવો. " દરવાજામાં અદિતિ અને જમાઈને જોઈને સરયૂબા ને બહુ જ આનંદ થયો. અઠવાડિયાથી એ પણ ખૂબ ચિંતામાં હતાં.

" અમે લોકો ડોક્ટર પાસે ગયાં હતાં. અદિતિની જીદ હતી કે એને એકવાર ડોક્ટરને મળીને એમનો અભિપ્રાય લેવો હતો. " મંથન બોલ્યો.

" શું કહ્યું ડોક્ટર સાહેબે ? " મમ્મીએ કુતુહલથી પૂછ્યું.

" હવે એ બધી વાતો અદિતિ તમારી સાથે કરશે. " મંથન બોલ્યો અને એણે વાતચીતનો હવાલો અદિતિને આપ્યો.

અદિતીએ એની મમ્મીને ડોક્ટર સાથે થયેલી વાતચીત વિગતવાર કહી.

" મારું ગર્ભાશય નાનું છે એટલે ડોક્ટરે પ્રેગ્નન્સીની ના પાડી દીધી કે આ જોખમ લેવા જેવું નથી. સરોગેટ મધર જ શોધવી પડશે. " છેલ્લે અદિતિ બોલી.

" મેં તો અદિતિને કહી દીધું કે આપણે બાળકની કોઈ ઉતાવળ નથી. હજુ તો આપણે યુવાન છીએ. એક બે વર્ષ પછી વિચારીશું. પરંતુ એ તમારા બધાંનો વિચાર કરે છે. " મંથન બોલ્યો.

" મા બાપનો વિચાર તો કરે જ ને કુમાર ? એ અમારી દીકરી છે. અમારી હવે ઉંમર થઈ ગઈ. ક્યારે તેડું આવે એ આ જમાનામાં કંઈ કહી શકાતું નથી. હાલતાં ચાલતાં એટેક આવતા હોય છે. કમસે કમ એક બાળક હોય તો અમને પણ રમાડવાની ઈચ્છા થાય. ઘર પણ ભર્યું ભર્યું લાગે. " મમ્મી બોલ્યાં.

એ પછી મંથન કઈ બોલ્યો નહીં. એ વડીલોનું રિસ્પેક્ટ રાખનારો માણસ હતો. એટલે બિનજરૂરી દલીલબાજી એ કરતો જ નહીં.

" મંથન બે દિવસ માટે જુનાગઢ ગીરનાર ગયા હતા મમ્મી. એ પરમ દિવસે રાત્રે જ મુંબઈ આવ્યા છે. " અદિતિ બોલી.

"ખાલી ફરવા જ ગયા હતા જુનાગઢ ?" મમ્મીએ પૂછ્યું.

" હા મમ્મી. મારો એક મિત્ર જતો હતો. એની ઈચ્છા હતી કે હું એને કંપની આપું. મૂડ પણ થોડો ખરાબ થયેલો હતો એટલે જઈ આવ્યો. ગિરનારની તળેટીમાં બહુ જ મજા આવી. બોરીવલી આવ્યા હતા એ ગુરુજી જ ત્યાં અઘોરી બાબા સ્વરૂપે મળી ગયેલા. " મંથન બોલ્યો.

" તમે શું વાત કરો છો મંથન ? આ વાત તો તમે મને કરી જ નહીં !!" અદિતિ બોલી.

" હા અદિતિ એ વાત કહેવાની જ રહી ગઈ. સ્વામી સર્વેશ્વરાનંદ પોતે જ હતા. એમનો અવાજ મને પરિચિત લાગ્યો એટલે મેં જ એમને પૂછેલું. એમણે મને કહ્યું કે શિવરાત્રીમાં શિવજીની લીલા જોવા માટે એ અઘોરી બાવા નું સ્વરૂપ ધારણ કરીને તળેટીમાં આવ્યા છે. એ ખરેખર ખૂબ જ સિદ્ધ મહાત્મા છે. આપણા બંનેના પૂર્વ જન્મની વાતો પણ કરી. એ બધી ચર્ચા ફરી ક્યારેક તારી સાથે કરીશ. " મંથન બોલ્યો.

" તમે જુનાગઢ જઈ આવ્યા એ બહુ સારું કામ કર્યું. વચ્ચે વચ્ચે કામમાંથી સમય કાઢીને ચેન્જ ખાતર તમારે લોકોએ ક્યાંક ફરી આવવું જોઈએ. " સરયૂબા બોલ્યાં.

" ચાલો જઈશું અદિતિ ? વીણામાસી રાહ જોતાં હશે. " મંથન બોલ્યો.

" હા ચાલો. આપણે નીકળીએ. " અદિતિ બોલી એટલે મંથન પણ ઉભો થયો.

બંને જણાં બહાર નીકળ્યાં અને કલાકમાં સુંદરનગર પણ પહોંચી ગયાં.

" આજે તો બહુ મોડું થઈ ગયું. વાસણ માંજવા માટે કામવાળી એક વાર આવીને પાછી ગઈ. જલદી જમી લો એ અડધી કલાક પછી ફરી આવશે. " વીણામાસી બોલ્યાં.

" હા માસી બસ જમવા જ બેસી જઈએ છીએ. મમ્મીના ઘરે ગયાં હતાં એટલે મોડું થયું. " અદિતિ બોલી અને રસોડામાં જઈને એને દાળ શાક ગરમ કરી દીધાં.

જમવામાં આજે રોટલી દાળ ભાત અને પાપડી રીંગણનું શાક હતું.

આજે પણ ઓફિસ જવાનો કોઈ મૂડ ન હતો એટલે મંથને બપોરે આરામ કરવાનું જ નક્કી કર્યું.

બેડરૂમમાં જઈને આડા પડખે થયા પછી અદિતિએ પાછી એ જ ચર્ચા ચાલુ કરી.

" ગુરુજીએ આપણા પૂર્વ જન્મ વિશે શું કહ્યું ? મને કહો ને ? " અદિતિ બોલી.

" ગુરુજીએ કહ્યું કે તારી આ જન્મની પત્ની ગયા જન્મમાં તારી સગી બહેન હતી. તમે લોકોએ ગયા જન્મમાં બહુ જ ગરીબીનો સામનો કર્યો હતો. તને દુઃખી જોઈને તારી બેન સતત ઈશ્વર પાસે તારા સુખની કામના કરતી હતી. તું પૈસાદાર બને એવી વારંવાર એ પ્રાર્થના કરતી હતી. તેં ગયા જન્મમાં નર્સ બનીને લોકોની ખૂબ જ સેવા પણ કરી હતી. " મંથન કહી રહ્યો હતો.

" ગયા જનમમાં તમારા લોકોનું પ્રારબ્ધ કર્મ નબળું હતું એટલે ગયા જનમમાં તો ગરીબી દૂર ના થઈ પણ તારી ઈચ્છા પૂરી કરવા આપણા બંનેનો આ નવો જનમ થયો અને તું પત્ની તરીકે મારી સાથે ત્રણ વર્ષની ઉંમરથી જ જોડાઈ ગઈ. " મંથને પોતાની વાત પૂરી કરી.

" આ બધી વાતો કેટલી બધી અદભુત લાગે છે નહીં ? ગુરુજી કહે છે એટલે એ સો ટકા સાચું જ હોય પરંતુ દરેક જન્મમાં બદલાતા નવા સંબંધોની આપણે કલ્પના પણ ના કરી શકીએ. આ દુનિયા બહુ જ રહસ્યમય છે ! " અદિતિ બોલી.

હવે બંનેની આંખો ઘેરાવા લાગી હતી એટલે આગળ લાંબી કોઈ વાતચીત ચાલી નહીં. અને બંને જણાં ઊંઘમાં સરી પડ્યાં.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post