વારસદાર (Varasdar 55)

Related

વારસદાર પ્રકરણ 55

" તારું ધ્યાન હવે સિદ્ધ થઈ ગયું છે. તું જ્યારે પણ ધ્યાનમાં બેસીશ કે તરત જ ઊંડા ધ્યાનમાં ઉતરી શકીશ અને ઈચ્છા થાય ત્યારે મારી સાથે પણ સંવાદ સાધી શકીશ. તારી સાધનાથી હું પ્રસન્ન થયો છું. ૧૧ ગાયત્રીની માળા ફરી ચાલુ કરી દે. " સ્વામી સર્વેશ્વરાનંદજીની સ્પષ્ટ વાણી મંથનને સંભળાઈ.

#આવકાર
વારસદાર

ધ્યાનની ઊંડી અવસ્થામાં એ મંથનની સામે ઊભા રહીને હસી રહ્યા હતા !
ઘણા સમયથી જેની પ્રતીક્ષા હતી એ ગુરુજીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થઈ ગયો. મંથન માટે આ અમૂલ્ય ક્ષણ હતી.

" સ્વામીજી મારા માટે બીજો કંઈ આદેશ ? " મંથન ધ્યાન અવસ્થામાં જ ગુરુજી સાથે સંવાદ કરી રહ્યો હતો.

" ગયા જન્મની તારી બધી જ મનોકામના આ જનમમાં પૂરી થઈ ગઈ છે. હવે ભૌતિક સંપત્તિ માટે તારે આગળ દોડવાની જરૂર નથી. નવી કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરતો નહીં. થોડું થોડું લોક કલ્યાણ માટે પણ વાપરવાનું શરૂ કરી દે. તારો દીકરો મોટો થઈને તારો વારસો સંભાળે ત્યાં સુધી તારે હવે કંઈ જ કરવાની જરૂર નથી. " સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી." મંથને પ્રત્યુતર વાળ્યો.

" હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તારે તાત્કાલિક સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરવાનું છે. દ્વારકાથી આગળ જતાં છેલ્લું સ્ટેશન ઓખા આવે છે. તું વહેલી તકે ત્યાં પહોંચી જા. ઓખામાં દરિયા કિનારે માતાજીનું એક મંદિર છે. " સ્વામીજી બોલતા હતા.

" જી ગુરુજી. " મંથન ગુરુજીની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

" એ મંદિરની પાછળના દરિયા કિનારે ભગવાં વસ્ત્રધારી એક સાધુ મહાત્માનાં તને દર્શન થશે. વહેલી સવારે સૂર્યોદય સમયે જ એ ત્યાં આવે છે અને દરિયાના પાણીમાં ઊભા રહી સૂર્યને અર્ઘ્ય આપે છે અને તર્પણ કરે છે. વહેલી પરોઢે સાડા પાંચ વાગે જ તારે દરિયા કિનારે પહોંચી જવું પડશે. એ મહાત્મા માત્ર તને જ દેખાશે." ગુરુજી બોલી રહ્યા હતા.

" સૂર્યને અર્ઘ્ય અને તર્પણ કરીને એ સાધુ મહાત્મા કિનારા તરફ પાછા ફરે એટલે તરત જ એમના ગળામાં ગુલાબનો હાર પહેરાવી દેજે અને એમનાં ચરણોમાં થોડાંક ફૂલ અને બીલીપત્ર મૂકી દેજે. તારે એક શબ્દ પણ બોલવાનો નથી. મૌન રહેવાનું છે. એ પછી એ મહાત્મા ચાલવા લાગશે. તું એમની પાછળ પાછળ જજે. થોડેક દૂર સુધી ચાલ્યા પછી એક મકાનના દરવાજે જઈને એ 'નમો નારાયણ' બોલીને અદ્રશ્ય થઈ જશે. બસ તારે એ જ ઓરડીમાં જવાનું." સ્વામીજી બોલ્યા.

" ઓરડીમાં ગોપાલભાઈ નામના એક વયોવૃદ્ધ પુરુષ તને જોવા મળશે. આખા ઓખામાં એમના અસલી સ્વરૂપને કોઈ જ જાણતું નથી. સિદ્ધ પુરુષ છે અને ગાયત્રી મંત્રનાં અનેક પુરશ્ચરણો કરી ચૂક્યા છે. ઘણી બધી સિદ્ધિઓ એમને મળેલી છે. અદ્રશ્ય થવાની શક્તિ, પરકાયા પ્રવેશ, એક સાથે અનેક સ્થળે પ્રગટ થવાની સિદ્ધિ પણ એ ધરાવે છે. સૂર્યની ઉર્જાનું વિઘટન કરીને કોઈપણ વસ્તુ પેદા કરી શકે છે. " સ્વામીજી બોલતા હતા. મંથન આશ્ચર્યથી સાંભળતો હતો.

" આ બધું હોવા છતાં પોતે એકદમ નિર્લેપ છે. કોઈપણ સિદ્ધિનો ઉપયોગ કરતા નથી. સામાન્ય માનવીની જેમ જીવન જીવે છે. ઉંમર ૯૦ ની આસપાસ છે. હવે એમનું માત્ર સાત દિવસનું આયુષ્ય બાકી છે. દિલથી એમની સેવા કરજે. પથારીવશ અવસ્થામાં છે. તું એમની પાસે કંઈ પણ માગતો નહીં. અને હા, સાવધાન રહેજે. કેટલીક અદ્રશ્ય શક્તિઓ વિઘ્નો નાખવા પ્રયત્ન કરશે. ગાયત્રી મંત્રનું સ્મરણ ચાલુ રાખજે." કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

મંથન ધીમે ધીમે ધ્યાનમાંથી બહાર આવી ગયો. અડધી કલાકમાં બ્રશ વગેરે પતાવી ફ્રેશ થઈ નાહી ધોઈ લીધું. એ પછી ગુરુજીના આદેશ પ્રમાણે એણે પૂરી ૧૧ માળા કરી. સવારના આઠ વાગવા આવ્યા હતા.

વીણામાસીએ ચા નાસ્તો તૈયાર જ રાખ્યો હતો. અભિષેકના જન્મ સાથે જ આટલી મોટી સિદ્ધિ પોતાને મળી ગઈ એનાથી મંથન ખૂબ જ ખુશ હતો. પુત્રનું નામ એણે અભિષેક રાખ્યું હતું.

અદિતિ તો હજુ એક બે મહિના પિયર રહેવાની હતી અને ઓફિસમાં એની બે-ચાર દિવસની ગેરહાજરીથી કોઈ ફરક પડવાનો ન હતો એટલે એણે તત્કાલ ઓખા જવાનો નિર્ણય લીધો.

ઓખા પોર્ટ મુંબઈથી લગભગ ૧૦૦૦ કિલોમીટર દૂર હતું. મર્સિડીઝમાં જઈ શકાય પરંતુ આટલો લાંબો રસ્તો ગાડી લઈને જવાનું હિતાવહ ન હતું. આવા કામમાં સદાશિવને સાથે રાખવો પણ યોગ્ય લાગતું ન હતું. જિંદગીમાં અમુક યાત્રાઓ એકલાએ જ કરવાની હોય છે.

એણે ગૂગલમાં ફ્લાઈટની તપાસ કરી તો એક જ ફ્લાઇટ જામનગર જતું હતું જે સવારે ૧૧ વાગે ઉપડતું હતું. આજે તો ઘણું મોડું થઈ ગયું હતું. એણે આવતીકાલની જામનગરની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દીધી.

બે ત્રણ દિવસ કદાચ બહાર રહેવાનું થાય એટલે ઓફિસમાં જઈને એણે પોતાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચના આપી દીધી.

અદિતિને પણ ફોન ઉપર જાણ કરી.

" અદિતિ ઓખામાં એક સંત મહાત્માને મળવાનો ગુરુજીનો આદેશ થયો છે એટલે આવતી કાલના ફ્લાઈટમાં હું જામનગર જાઉં છું અને ત્યાંથી પછી ઓખા જઈશ. કદાચ બે ત્રણ દિવસ રોકાવાનું થાય. " મંથન બોલ્યો.

" ગુરુજીનો આદેશ હોય એટલે તમારે જવું જ જોઈએ. મેં સાંભળ્યું છે કે દ્વારકા પણ એની આજુબાજુ જ ક્યાંક છે. છેક એટલે સુધી જાઓ છો તો દ્વારકા પણ દર્શન કરતા જ આવજો. " અદિતિ બોલી.

" હા દ્વારકા ગયા વગર તો ચાલે જ નહીં. વળતી વખતે દ્વારકા જવાનું મેં નક્કી કરેલું જ છે. અમારા અભિષેક બાબા શું કરે છે ? " મંથને વહાલથી પૂછ્યું.

" તમારો અભિ તમારા જેવો સંત મહાત્મા જ છે. કોઈ કકળાટ નહીં. મને જરા પણ પજવતો નથી. સાહેબને ભૂખ લાગે ત્યારે રડવા લાગે બાકી તો એકદમ ડાહ્યો ડમરો ! " અદિતિ બોલી.

" હા તો તો બિલકુલ મારા જેવો જ કહેવાય. મેં પણ તને ક્યાં પજવી છે ?" મંથન રોમેન્ટિક મૂડમાં બોલ્યો.

" જાઓ ને હવે.... અને સાંભળો મારા વતી દ્વારકાધીશનાં દર્શન કરજો પાછા." મીઠો છણકો કરીને અદિતિએ વાત બદલી.

હસીને મંથને ફોન કટ કર્યો. એણે ઓખાની યાત્રા ઉપર મન ફોકસ કર્યું.

બીજા દિવસે સવારે વહેલો નીકળીને ૧૦ વાગે એરપોર્ટ ઉપર પહોંચી ગયો. ફ્લાઈટ સમયસર જ હતું. દોઢ કલાકમાં ૧૨:૩૦ વાગે ફ્લાઇટ જામનગર પણ પહોંચી ગયું. મંથન પહેલીવાર જ જામનગર આવતો હતો.

એરપોર્ટની બહાર આવ્યો ત્યારે એક વાગવા આવ્યો હતો. સૌથી પહેલાં તો જમવાની વ્યવસ્થા કરવાની હતી. એણે ગુગલ સર્ચ કરીને બે-ત્રણ રેસ્ટોરન્ટ વિશે માહિતી મેળવી અને છેવટે ગ્રાન્ડ ચેતનામાં જમવા માટે એણે રીક્ષા કરી. જામનગર રજવાડી શહેર લાગતું હતું.

જમતાં જમતાં એણે ઓખામાં કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસ હોય તો એના માટે સર્ચ કર્યું. ઓખા બહુ જ નાનકડું ટાઉન હતું. એક ગેસ્ટ હાઉસ અને એક ધર્મશાળા વિશે એને માહિતી મળી.

જામનગરમાં રહેવા કરતાં સીધા ઓખા જઈને જ આરામ કરવો એને વધુ યોગ્ય લાગ્યું. સૌરાષ્ટ્ર મેલ નીકળી ગયો હોવાથી રીક્ષા કરીને એ બસ સ્ટેન્ડ પાસે આવેલા ટેક્સી સ્ટેન્ડે જવા નીકળી ગયો. રસ્તામાં ફૂલોની એક દુકાનમાંથી એણે ગુલાબનો તાજો હાર લીધો. સાથે થોડાં ગુલાબનાં ફૂલ અને બીલીપત્ર પણ લીધાં.

બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ્સની એક ઓફિસમાં સારી ટેક્સી માટે એણે પૂછપરછ કરી. એના સારા નસીબે સ્વિફ્ટ ગાડી એને મળી ગઈ.

બપોરે ત્રણ વાગે સ્વિફ્ટ કારમાં એણે જામનગર છોડી દીધું.

દ્વારકા જેમ જેમ નજીક આવ્યું એમ દરિયા તરફથી આવતા ઠંડા પવનની લહેરખીઓનો એણે અદભુત અનુભવ કર્યો. અહીંનું વાતાવરણ ખરેખર ખૂબ જ ખુશનુમા હતું. રોડની બંને તરફ પવનચક્કીઓની લાઈન હતી. એક તો પોષ મહિનાની ઠંડી હતી એટલે છેક ઓખા સુધી ઠંડા પવનોનો એણે અનુભવ કર્યો.

સાંજે છ વાગે ઓખા પહોંચી ગયો. નાનકડા બેટ જેવું આ ટાઉન ખૂબ જ શાંત વિસ્તાર હતો. ગાંધીનગરી એરિયામાં આવેલી હોટેલ રાધે માં ટેક્સી પહોંચી ગઈ.

આજુબાજુ વાતાવરણ એકદમ સૂમસામ હતું. દીવાદાંડીનો પ્રકાશ થોડી થોડી વારે આકાશમાં લીસોટા પાડી રહ્યો હતો. દરિયા તરફથી ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. દરિયાનાં મોજાંનો ઘૂઘવાટ છેક હોટેલ સુધી સંભળાતો હતો. ધ્યાન માટે ઉત્તમ જગ્યા હતી.

મંથને હોટેલની અંદર જઈને રૂમ લઈ લીધો. રૂમની બારીમાંથી દરિયાનાં દર્શન થતાં હતાં. એકાદ કલાક એ આડો પડ્યો. મુસાફરીનો પણ એક થાક હોય છે. આઠ વાગ્યા એટલે એ ઉભો થયો.

ભૂખ લાગી હતી. નીચે ડાઇનિંગ હોલ હતો. જમવા માટે એ નીચે ગયો.

જમવામાં ફિક્સ થાળી હતી તેમજ પંજાબી ડિશ પણ હતી. એણે પંજાબી જમવાનું પસંદ કર્યું. વેઈટરને એણે ઓર્ડર આપ્યો.

એની બાજુના ટેબલ ઉપર બેઠેલો ૩૫ ૪૦ આસપાસનો દેખાતો એક યુવાન મંથનને જોઈને એના ટેબલ ઉપર આવી ગયો.

" મારું નામ સૌરભ શાહ. જાણીતા લેખક સૌરભ શાહ નહીં હોં ! કોઈ ગેરસમજ ના કરતા. પત્રકાર છું. તમે ક્યાંથી આવો છો ? " સૌરભ બોલ્યો.

" મુંબઈથી."

" કોઈ કંપનીના કામે આવ્યા છો ? અહીં ઓખા જે લોકો આવે છે તે માત્ર કંપનીના કામે જ આવે છે. અહીં ઘણી બધી કંપનીઓ છે. ફરવા જેવું તો અહીં બીજું કંઈ છે જ નહીં. " સૌરભ બોલ્યો.

" ના માત્ર ફરવા જ આવ્યો છું. મુંબઈના ધમાલિયા જીવનથી દૂર હિલ સ્ટેશન જવાની ઈચ્છા હતી. ઓખા હિલ સ્ટેશનથી જરા પણ કમ નથી. દ્વારકા દર્શન પણ કરી લેવાશે." મંથન બોલ્યો. આ માણસ વધુ પૂછપરછ ના કરે તો સારું.

" વેલ... હું બરોડાથી આવું છું. ચાલો તમારી કંપની રહેશે. હું પણ રાધેમાં જ ઉતર્યો છું. " સૌરભ બોલ્યો.

જમવાની પ્લેટો આવી ગઈ હતી એટલે મંથને જમવાનું ચાલુ કર્યું. સૌરભે માત્ર બ્રેડ બટર અને ચા જ મંગાવી હતી.

" હું તો જ્યારથી આવ્યો છું ત્યારથી વહેલી સવારે પાંચ વાગે ઉઠીને ઓખાના દરિયા કિનારે લટાર મારું છું. ઘણીવાર રાત્રે ૧૨ વાગે પણ જાઉં છું. કાલે સવારે તમે પણ મારી સાથે ચાલો. મજાનો દરિયા કિનારો છે. ચાલતા ચાલતા વ્યોમાણી માતાના મંદિર સુધી જઈશું. " સૌરભ બોલ્યો.

હે ભગવાન આ માણસ ક્યાંથી ભટકાઈ ગયો ! આ તો હવે છાલ છોડશે નહીં. હું જે કામ માટે આવ્યો છું એમાં આ જ મોટું વિઘ્ન છે. ગુરુજીએ મને કહેલું. હવે આને ફૂટાડવો કેવી રીતે !!

" સોરી. મને વહેલા ઊઠવાની આદત નથી. તમે તમારે નીકળી જજો." મંથન બોલ્યો.

" અરે એક દિવસ તો મારી સાથે ચાલો. અહીં રાત્રે દરિયામાં ડ્રગ્સની હેરાફેરી થાય છે. ડ્રગ્સ છોડાવનારા ઓખામાં જ છુપાઈને રહે છે. પત્રકાર તરીકે હું બધું જ જાણું છું. દરિયા કિનારે એકાદ પેકેટ જો મળી જાય તો આપણો બેડો પાર ! શું કહો છો ? " સૌરભ બોલ્યો.

" મને ડ્રગ્સમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી સૌરભભાઈ. " મંથને કંટાળીને કહ્યું.

" તમારું નામ જાણી શકું ? " સૌરભ બોલ્યો.

" મંથન મહેતા મારું નામ." મંથને જવાબ આપ્યો.

" તમે ઝાલા સાહેબને ઓળખો છો ?" સૌરભે ફરી પ્રશ્ન કર્યો.

મંથન હવે ખરેખર ચોંકી ગયો. કોળિયો હાથમાં જ રહી ગયો. આ શું થઈ રહ્યું છે ! શું જવાબ આપવો આને !

મંથન ઝાલાનું નામ સાંભળીને ચોંકી ગયો એની નોંધ સૌરભે લીધી. એ મંથનની સામે જ જોઈ રહ્યો હતો.

" કયા ઝાલા સાહેબ? " મંથને પૂછ્યું.

"સબ ઇન્સ્પેક્ટર ઝાલા. ઓખા પોલીસ સ્ટેશન. જેનાથી તમે ભાગતા ફરો છો. " સૌરભ બોલ્યો.

" અરે ભાઈ તમારી કોઈ ગેરસમજ થાય છે. હું કોઈ ઝાલાને ઓળખતો નથી. અને મારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. હું તો આજે ઓખા માત્ર ફરવા માટે જ આવ્યો છું. " મંથન બોલ્યો.

"તમે ઝાલાને ના ઓળખતા હો તો આજે ઓળખી લો. હું જ સબ ઇન્સ્પેક્ટર ઝાલા છું. હોટલના મેનેજરે માહિતી આપી કે તરત હું આવી ગયો. તને કેટલા દિવસથી હું શોધી રહ્યો છું. હવે મારા હાથમાંથી તું છટકી નહીં શકે. ગમે એટલા વેશ બદલે. તારું વોરંટ મારા ખિસ્સામાં જ છે. આજે જ તને રિમાન્ડ ઉપર લઈશ. સીધી રીતે કહી દે ડ્રગ ક્યાં છુપાવ્યું છે ? " ઝાલા બોલ્યો.

આ વળી નવી મુસીબત ! ગુરુજી સાચું જ કહેતા હતા કે સાધુ મહાત્માને મળવામાં વિઘ્નો આવી શકે છે. કાલે સવારે મહાત્માજી ને મળવાનું છે અને આ સબ ઇન્સ્પેક્ટર રાત્રે ૯ વાગે મારી પથારી ફેરવવા આવ્યો છે !

સબ ઇન્સ્પેક્ટરે ફોન કરીને પોલીસવાન બોલાવી લીધી. મંથનને એરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા. રસ્તામાં મંથને ગાયત્રી મંત્ર ચાલુ કરી દીધો. ગુરુજીને પ્રાર્થના પણ કરી.

જામનગરથી આવેલો ટેક્સીવાળો આ બધું જોઈ રહ્યો હતો. જેવી પોલીસ વાન ગઈ કે એ પણ સ્વિફ્ટ લઈને જામનગર તરફ ભાગ્યો. પૈસા લેવા પણ રોકાયો નહીં. પોલીસના લફરામાં કોણ પડે ?

ઝાલા મંથનને ઓખા પોલીસ સ્ટેશન લઈ ગયો.

" બોલ ભાઈ ડ્રગ્સ વિશેની બધી જ માહિતી મને આપી દે. હું તને બચાવવાનો પ્રયત્ન કરીશ. જો માહિતી નહીં આપે તો મને ઓકાવતાં આવડે છે. " ઝાલા બોલ્યો.

" ઝાલા સાહેબ હું તમારું રિસ્પેક્ટ કરું છું. હું મુંબઈનો બિલ્ડર છું. દ્વારકા અને ઓખા માત્ર ફરવા માટે આવ્યો છું. મારે તમારા ડ્રગ્સના કેસ સાથે કોઈ જ લેવાદેવા નથી. મારું આઈડી તમે ચેક કરો. " મંથન બોલ્યો.

" બકવાસ બંધ કર. તારા જેવા માણસને મારે દંડા મારવા પડે એના કરતાં સીધી રીતે સાચી વાત કરી દે. મને ગુસ્સે ના કરીશ. " ઝાલા બોલ્યો.

" હું સાચું જ કહું છું ઝાલા સાહેબ. તમે બહુ મોટી ગેરસમજ કરી રહ્યા છો. મારું આઈડી ચેક કરો. તમારી સામે જ પડ્યું છે. " મંથન બોલ્યો.

એટલામાં મંથનના ફોનની રીંગ વાગી. ઝાલાએ ફોન મંથનના હાથમાંથી ખેંચી લીધો અને ફોન સ્વીચ ઓફ કર્યો.

" (ગાળ) ઉભો થા. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. તું સીધી રીતે હવે નહીં માને." ઝાલા બોલ્યો અને દંડો લઈને ઊભો થયો. ત્યાં જ ઝાલાના પોતાના મોબાઈલમાં રિંગ વાગી.

" જી સર. જી ... જી ... સર. સોરી સર. " બોલતાં બોલતાં ઝાલાનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો. એ ઢીલો ઢફ થઈ ગયો.

" સાહેબ મને માફ કરો. મારી નોકરીનો સવાલ છે. તમને ઓળખવામાં મારી ભૂલ થઈ ગઈ. ગાંધીનગરથી આઈજી સાહેબનો મારા ઉપર ફોન હતો. મને સસ્પેન્ડ કરવાની વાત કરી. હવે મારી ઉપર કડક એક્શન પણ લેવાશે." ઝાલા રડમસ અવાજે બોલ્યો.

" એ તમારે પહેલાં વિચારવા જેવું હતું. તમારી ભૂલની તમે સજા ભોગવો. હું આમાં કંઈ જ ના કરી શકું. નિર્દોષ માણસોને આ રીતે તમે ત્રાસ આપો એ માફીને લાયક નથી. મેં મારું આઈડી જોવા માટે આપ્યું. તમે જોવાની પણ દરકાર ના કરી. " મંથન બોલી રહ્યો હતો.

" મારી ભૂલ થઈ ગઈ સાહેબ." ઝાલા ફરી હાથ જોડીને બોલ્યો.

" મારે હોટલ જવું છે. મારું જમવાનું પણ અધૂરું છોડાવ્યું. " મંથન ગુસ્સાથી બોલ્યો.

" હું જાતે મૂકી જાઉં છું સાહેબ. જમવાનું પણ તમે જે માંગો તે મળશે. હું ત્યાં કહી દઉં છું. પ્લીઝ મારા ઉપર રહેમ કરો કે મને બીજી કોઈ સજા ના કરે. " ઝાલા કરગરતો હતો.

" ઠીક છે હું ગૃહ પ્રધાનને વાત કરી દઈશ. " મંથન બોલ્યો.

મંથનના શબ્દો સાંભળીને ઝાલા ચમકી ગયો. આખું પોલીસ સ્ટેશન પણ સ્તબ્ધ થઈ ગયું. છેક ગૃહપ્રધાનને આ સાહેબ વાત કરી શકે છે અને ઝાલા એમને જ પકડીને લાવ્યા.

ઝાલાએ અંદર જઈને પોતાનો યુનિફોર્મ પહેરી લીધો. હવે એ અસલ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ડ્રેસમાં આવી ગયો. મંથન વિશેના હોટલ મેનેજરના ફોન પછી એણે સિવિલ ડ્રેસ ધારણ કર્યો હતો.

ઝાલા મંથનને માનભેર પોલીસવાનમાં બેસાડીને રાધે હોટલ લઈ ગયો. ત્યાં જઈને મંથનને ડાઇનિંગ હોલમાં જવાનું કહ્યું અને પોતે મેનેજરની ચેમ્બરમાં ગયો.

" લોચો વાગી ગયો ! આ તો મોટા સાહેબ છે. તમે મને ખોટી માહિતી આપી અને હું એમને પકડવા અહીં દોડતો આવ્યો. તમારા ભરોસે મેં કેટલી મોટી ભૂલ કરી ? એ તો સારું થયું કે મને રસ્તામાં જ એમણે ઓળખાણ આપી એટલે ચા પાણી પાઈને અહીં મૂકવા આવ્યો. સાહેબને ફરીથી જે જમવાની ઈચ્છા હોય તે જમાડો. એમને જેટલું પણ રોકાવું હોય એક પણ પૈસો લેવાનો નથી. તમે એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપજો. " ઝાલા બોલ્યો.

મેનેજર પણ ખસિયાણો પડી ગયો અને પોતાની ભૂલ બદલ માથું ખંજવાળવા લાગ્યો !!
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺 

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post