વારસદાર (Varasdar 58)

Related

વારસદાર પ્રકરણ 58

" છોકરાનું નામ ધર્મેશ છે. એટલાન્ટામાં કોઈની સાથે લીવ ઇન રિલેશનશિપમાં છે. છોકરો ઐયાશી છે. " મંથનથી બોલી જવાયું.

" હેં !!! તમે ઓળખો છો એ ધર્મેશને ? " માસી બોલ્યાં. છોકરી અને એના પપ્પા પણ આશ્ચર્યથી મંથન સામે જોઈ રહ્યા.

#આવકાર
વારસદાર

" ના માસી હું કોઈને પણ ઓળખતો નથી. કોણ જાણે કેમ મારાથી બોલાઈ ગયું. " મંથન બોલ્યો. એને પોતાને પણ આશ્ચર્ય થયું હતું.

" પરંતુ એ છોકરાનું નામ ધર્મેશ છે એ તમને કેવી રીતે ખબર પડી ? " છોકરીના પપ્પા બોલ્યા.

" અરે વડીલ મારાથી આપોઆપ જ બોલાઈ ગયું. તમે પણ મને ક્યાં નામ દીધું હતું ? મને અંતઃસ્ફુરણા થઈ અને મેં કહી દીધું. " મંથન બોલ્યો.

"આ ભાઈ ખોટું બોલે છે. નક્કી એ ધર્મેશને ઓળખે છે. એણે જે જાહેરાત આપી હતી એ વિશે પણ આ ભાઈ બધું જાણતા લાગે છે. આપણે સુભાનપુરાની વાત કરી એટલે એ બધું સમજી ગયા. એમની પણ કોઈ બહેન કે રીશ્તેદાર ધર્મેશના પસંદગીના લિસ્ટમાં હશે ! આપણે ખસી જઈએ એટલા માટે જ આ વાત કરી ! " પેલી છોકરી બોલી.

" મેં તમને ચેતવી દીધાં. નિર્ણય તમારે લેવાનો છે. તમે મીટીંગ કરી શકો છો. મને કોઈ જ ફરક પડતો નથી. " મંથન બોલ્યો.

" આ ભાઈ સાચું કહે છે બેટા. એમને શું સ્વાર્થ હોય ? આપણે તો નામ પણ કહ્યું ન હતું અને એમણે બધું કહી દીધું. આપણે કોઈ મિટિંગ કરવી નથી. " માસી બોલ્યાં.

" આઈ ડોન્ટ બીલીવ ઓલ ધીસ ! મારે મીટીંગ કરવી જ છે. અમેરિકા જવાનો ચાન્સ મારે કોઈ સંજોગોમાં ગુમાવવો નથી. " છોકરી બોલી.

જોકે છોકરીના પપ્પાએ ૧૫ દિવસ પહેલાં જ ન્યૂ જર્સીમાં રહેતા એમના એક સંબંધીના દીકરા અખિલેશને ધર્મેશ વિશે થોડી તપાસ કરવાની વાત કરી જ હતી. અખિલેશની પણ એડીસનમાં એક મોટેલ હતી.

એ પછી કોઈ કંઈ બોલ્યું નહીં. મંથનને આ ચર્ચામાં કોઈ જ રસ ન હતો. એને અચાનક જે દ્રશ્ય દેખાયું એ એણે કહી દીધું. મંથનને એક સિદ્ધિ એવી મળી હતી કે એ કોઈ એક વ્યક્તિ કે ઘટના ઉપર ચિંતન કરે તો એની સામે આખો ઈતિહાસ આવી જતો.

બપોરે ૧૨ વાગે ભાટીયા ગયું એટલે માસીએ સાથેની બેગમાંથી થેપલાં, સુખડી, આથેલાં મરચાં, સવારે વઘારેલા ભાત અને દહીં બહાર કાઢ્યાં.

" તમે લેશો ભાઈ ? " માસીએ મંથનને પૂછ્યું.

" ના માસી. તમે લોકો ખાઓ. મેં ઓર્ડર આપેલો છે એટલે હમણાં આવશે. " મંથન બોલ્યો.

" એ તો ભલે આવે. બે થેપલાં તો ખાવ. સાથે થોડું દહીં અને મરચું પણ આપું. " માસી બોલ્યાં અને એમણે એક પેપર ડીશમાં મેથીનાં બે થેપલાં, એક આથેલું મરચું અને બાજુમાં થોડુંક દહીં મૂકીને મંથનના હાથમાં આપ્યું.

બપોરે ૩:૩૦ વાગે રાજકોટ સ્ટેશન આવ્યું એટલે મંથન નીચે ઉતર્યો અને સ્ટોલ ઉપર જઈને ચા પી લીધી.

રાત્રે સવા આઠ વાગે અમદાવાદ સ્ટેશન આવ્યું. અમદાવાદ સ્ટેશન ઉપર જ્યારે જ્યારે મંથન નીચે ઉતરતો ત્યારે એને ભૂતકાળની મીઠી યાદો ઘેરી વળતી. તોરલ, જયેશ, શિલ્પા, રફીક - આ તમામ પાત્રો ધીમે ધીમે ભૂતકાળમાં ગરકાવ થઈ રહ્યાં હતાં.

ગ્રીન સિગ્નલ દેખાયું એટલે મંથન કોચમાં ચડી ગયો અને પોતાની સીટ ઉપર જઈને બેઠો.

" અરે સાહેબ તમે તો ખરેખર જાદુગર છો ! તમને આ બધી કઈ રીતે ખબર પડી ગઈ એ જ સમજાતું નથી. હમણાં જ અમેરિકાથી અખિલેશનો ફોન આવ્યો કે તમે ધર્મેશ સાથે મીટીંગ કરાવશો નહીં. ધર્મેશની મોટેલમાં જ કામ કરતી એક ગોરી છોકરી સાથે એ રિલેશનશિપમાં છે. અખિલેશે જાતે એટલાન્ટા જઈને તપાસ કરી. તમે તો અહીં બેઠા બેઠા બધો ચિતાર આપી દીધો. " છોકરીના પિતા બોલ્યા.

" આઈ એમ સોરી. હું તમને ઓળખી ના શકી અને તમારું મ્હોં તોડી લીધું. મને માફ કરી દેજો. તમે મને બચાવી લેવાનો પ્રયત્ન કર્યો. " યુવતી બોલી.

" ઈટ્સ ઓલ રાઈટ. મને ઈશ્વરે જે સંકેત આપ્યો એ મેં તમને લોકોને કહી દીધો. તમારી આંખ ખુલી ગઈ અને તમે સાચો નિર્ણય લીધો એનો મને આનંદ છે. " મંથન બોલ્યો.

છોકરીને અંદરથી ખૂબ જ પસ્તાવો થતો હતો કે આ વ્યક્તિને પોતે ઓળખી ના શકી. એ મુગ્ધ થઈને મંથન સામે તાકી રહી હતી પરંતુ મંથન આ બધી વાતોથી સંપૂર્ણ નિર્લેપ હતો !

રાત્રે ૧૦:૩૦ વાગે બરોડા આવ્યું એટલે એ લોકો ઉતરી ગયા. જતાં જતાં ફરી મંથનનો દિલથી આભાર માન્યો.

એ લોકો ગયા પછી મંથને સૂવાનું પસંદ કર્યું. રાત્રે પોણા ચાર વાગે બોરીવલી સ્ટેશન આવી ગયું. રાત્રે પણ સ્ટેશન ધમધમતું હતું.

મંથને આગલા દિવસે જ સદાશિવને ફોન કરી દીધો હતો એટલે સદાશિવ મર્સિડીઝ લઈને સ્ટેશન ઉપર આવી ગયો હતો. ટ્રાફિક ઓછો હતો એટલે ૪:૩૦ વાગે તો મંથન સુંદરનગર પહોંચી ગયો.

સુંદરનગર પહોંચીને મંથને સદાશિવને રવાના કરી દીધો. ઉપર જઈને ડોરબેલ વગાડ્યો. વીણામાસીએ દરવાજો ખોલ્યો.

મંથને સૂવાના બદલે સૌથી પહેલાં નાહી લીધું. વીણા માસીને ચા મૂકવાનું કહીને એણે બ્રશ કરી લીધું. ચા પીધા પછી એ શાંતિથી ધ્યાનમાં બેસી ગયો અને એક કલાક ધ્યાન કર્યું. એ પછી ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. પૂજામાંથી પરવાર્યો ત્યારે સવારના ૭:૩૦ વાગી ગયા હતા.

"માસી અત્યારે હવે હું બોરીવલી જાઉં છું. મારી રસોઈ ના કરતાં. સાંજ નો પ્રોગ્રામ જે પણ હશે એ હું તમને કહી દઈશ પણ અત્યારે તો ત્યાં જમીશ. " મંથન બોલ્યો.

એ પછી એણે અદિતિ ને ફોન કર્યો. " અદિતિ હું અત્યારે ત્યાં જમવાનો છું થોડીવારમાં નીકળું છું. "

લગભગ સવારે ૯ વાગે મંથન મયુર ટાવર પહોંચી ગયો. ઝાલા સાહેબ પણ ઘરે જ હતા.

" આવો કુમાર. દ્વારકાની યાત્રા કરી આવ્યા ? " ઝાલાએ સ્વાગત કરતાં પૂછ્યું.

" હા પપ્પા. અત્યારે એકલો જ છું એટલે એમ થયું કે બે ત્રણ દિવસ ફરી આવું. " મંથને જવાબ આપ્યો.

" તમારી વાત સાચી છે. ધંધામાં થોડો સમય કાઢીને પણ યાત્રા અથવા મુસાફરી કરવી જ જોઈએ. બહારની દુનિયાનો અનુભવ ઘણી બધી તાજગી આપી જતો હોય છે. " ઝાલા બોલ્યા.

એટલામાં અદિતિ નાનકડા અભિષેકને લઈને આવી અને મંથનના બે હાથમાં આપ્યો. દીકરો ખરેખર ખૂબ જ સુંદર હતું. ઠંડી હોવાના કારણે ગરમ કપડાંથી એકદમ ગોટમોટ કર્યો હતો. માત્ર ચહેરો જ બહાર દેખાતો હતો. ચહેરા ઉપર સ્માઇલ હતું. આંખમાં કાજલ આંજ્યું હોવાથી ચહેરો ખૂબસૂરત લાગતો હતો.

" ખરેખર અદિતિ આ તો બિલકુલ તારા જેવો જ લાગે છે ! એકદમ ગોરો ગોરો અને નાક નકશી પણ એકદમ તારી જ !! " મંથન બોલ્યો.

" દીકરો મા ઉપર જાય એ ખૂબ જ નસીબદાર હોય છે. " સરયૂબા બોલ્યાં.

" તમારા ઉપર ગુરુજીની ખરેખર બહુ જ કૃપા છે કુમાર ! નહીં તો ડોક્ટરે તો કહી જ દીધું હતું કે ગર્ભાશય નાનું હોવાથી ગર્ભ ટકી જ નહીં શકે. " ઝાલા બોલ્યા.

" ગુરુજીએ તો મને જે આપ્યું છે અને જે અનુભવો કરાવ્યા છે એ કલ્પનાતીત છે. એમની કૃપા માટે તો પ્રશંસા પણ ઓછી પડે ! " મંથન બોલ્યો.

" આજે તો હવે તમે અહીં જ રોકાઈ જાવ. " અદિતિ બોલી.

" આજે આમ પણ રજા તો રાખી જ છે. છતાં વિચારું છું કે શીતલના ત્યાં એકાદ ચક્કર મારું. એ લોકોનું કેમનું ચાલે છે ? " મંથન બોલ્યો.

" હા તો જમીને જઈ આવો. " અદિતિ બોલી.

જમ્યા પછી મંથને બે કલાક આરામ કર્યો અને લગભગ ચાર વાગે એ મહાવીરનગર રાજનના ઘરે જવા માટે નીકળી ગયો. એણે જતા પહેલાં બપોરે રાજનને પણ ફોન કરી દીધો હતો કે હું તારા ઘરે આવું છું.

મંથન આ પહેલાં પણ એકવાર રાજનના ઘરે ગયેલો હતો એટલે એને ફ્લેટ શોધવામાં કોઈ તકલીફ ના પડી.

" અરે સર તમે ? " દરવાજો શીતલે જ ખોલ્યો એટલે મંથનને જોઈને એ આશ્ચર્ય પામી.

" હા ઘણા સમયથી તમને લોકોને મળ્યો નથી અને આજે ફ્રી હતો એટલે ઈચ્છા થઈ કે એક વાર મળી લઉં. " મંથન બોલ્યો.

રાજનના મમ્મી પપ્પા પણ હવે મંથનને ઓળખતા થયા હતા એટલે એમણે પણ આવીને મંથનનું સ્વાગત કર્યું. એ લોકો જો કે પછી પોતાના બેડરૂમમાં જતા રહ્યા. શીતલ એકલી જ મંથન ની સામે બેઠી.

" કેમ રાજન નથી આવ્યો ? મેં એને ફોન કર્યો હતો ને ! " મંથન બોલ્યો.

" ના હજુ સુધી તો નથી આવ્યા અને એમણે મને પણ કંઈ વાત કરી નથી કે તમે આવવાના છો ! " શીતલ બોલી.

" તને એણે વાત જ નથી કરી ? તમારા બંને વચ્ચે બધું બરાબર તો ચાલે છે ને ? " મંથને ચિંતાથી પૂછ્યું.

" આમ તો બધું બરાબર જ છે. મને અહીં કોઈ જ પ્રોબ્લેમ નથી. સાસુ સસરા પણ મને સરસ મળ્યા છે. મને નવી ગાડી પણ ગિફ્ટ કરી છે. બસ મારા અને રાજનના વિચારોમાં બહુ મેળ જામતો નથી. એ સમયની સાથે ચાલતા નથી જ્યારે હું સમયથી પણ આગળ દોડવાવાળી છું. " શીતલ બોલી.

" હમ્...." મંથન બોલ્યો.

" પર્સનલ લાઇફમાં પણ એ થોડા ઠંડા છે. મારે જ એગ્રેસીવ બનવું પડે છે. " શીતલ શરમ છોડીને બોલી.

" શીતલ દરેકને બધું જ નથી મળતું. જીવનમાં ક્યાંક તો સમાધાન કરવું જ પડે છે. રાજનને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી દિલનો ખૂબ જ સારો માણસ છે. તને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દે. બાકી પર્સનલ લાઇફમાં તો દરેકને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય જ. બંને પાત્રો એગ્રેસીવ હોય એ જરૂરી નથી. રાજન તને જ વફાદાર રહેવાનો છે એ વાત સૌથી મોટી છે. " મંથને એને સમજાવી.

એટલી વારમાં તો ડોરબેલ વાગ્યો. શીતલ ઊભી થઈને દરવાજો ખોલવા ગઈ. રાજન જ આવ્યો હતો.

" તું તો મારા પહેલા પહોંચી ગયો. આ ટ્રાફિકના હિસાબે મને વાર લાગી. ધંધાના કામે છેક મસ્જિદ બંદર સુધી ગયેલો. " રાજને સોફામાં બેસતાં કહ્યું.

" પણ તમે મને ફોન પણ ના કર્યો કે સર આવવાના છે ? " શીતલ બોલી.

" અરે પણ મને એમ કે એના પહેલા હું ઘરે પહોંચી જઈશ અને તને વાત કરીશ કે મંથન આપણને મળવા આવે છે. " રાજને ખુલાસો કર્યો.

" કંઈ વાંધો નહીં રિલેક્સ. હવે તો તું આવી ગયો છે. " મંથન વચ્ચે બોલ્યો.

" તમારું બંનેનું કેમનું ચાલે છે ? કારણ કે મેં લગ્ન કરાવ્યાં છે એટલે ગોર મહારાજ તરીકે મારી પણ ફરજ છે પૂછવાની. " મંથન હસીને બોલ્યો.

" તારી પસંદગી શ્રેષ્ઠ જ છે. શીતલથી મને પૂરેપૂરો સંતોષ છે. આઈ એમ પ્રાઉડ ઓફ હર !! " રાજન બોલ્યો.

મંથને નોંધ કરી કે શીતલની અપેક્ષા જ કંઈક વધારે છે. રાજન સંતોષી જીવ છે. આધ્યાત્મિક છે એટલે એને શીતલથી કોઈ જ ફરિયાદ નથી. એ દરેક પરિસ્થિતિમાં સુખ મેળવી શકે છે.

શીતલ પહેલેથી જ એડવાન્સ છે. તે દિવસે નડિયાદ હોટલમાં પણ એ મારી સાથે શારીરિક સંબંધ બાંધવા ઉતાવળી થઈ ગઈ હતી. મેં જ એને રોકી હતી. રાજન આધ્યાત્મિક માર્ગે વળેલો હતો. શીતલ જેટલા કામ ના આવેગો વારંવાર રાજનને ન આવતા હોય એવું બની શકે છે.

" કંઈ નહીં મને સંતોષ છે. બસ આજે વિચાર આવ્યો કે તમને લોકોને હું મળી લઉં. તારી ધ્યાન સાધના કેમની ચાલે છે ? " મંથને રાજનને પૂછ્યું.

" બસ આજ તો મારી મોટી ફરિયાદ છે. જ્યારે જુઓ ત્યારે બસ ધ્યાનમાં જ બેઠા હોય ! રાત્રે ચાર વાગે ઊઠીને ધ્યાનમાં બેસી જાય. નવાં નવાં લગન થયાં છે તો નવયુવાન પત્ની માટે સમય ફાળવવો જોઈએ ને ? રાત્રે ૧૨ થી ૪ સૂઈ જવાનું એટલે સૂઈ જવાનું. પાંચ મિનિટમાં તો નસકોરાં બોલવા લાગે." શીતલે ફરિયાદના સ્વરૂપમાં વાત કરી.

" અરે પણ ધ્યાન તો હું વર્ષોથી કરું છું ! અને તને મેં ક્યાં દુઃખી કરી છે ? તને પૂરતો સમય આપું જ છું ને ? " રાજન બોલ્યો.

" ૨૬ વર્ષની મારી ઉંમર છે. એમણે બે કલાકનો પિરિયડ મારા માટે નક્કી કર્યો છે. બસ... મારી કોઈ ઈચ્છાઓ જ ના હોય ? બાકીના ૨૨ કલાક મારાથી આઘા ભાગે !! કંઈ સમજતા જ નથી !! " શીતલ નારાજગીના સ્વરમાં બોલી.

" રાજન શીતલની વાતમાં હું થોડો ઘણો તો સંમત છું જ. દરેક સ્ત્રીના અરમાનો હોય છે. અને લગ્ન પછીનો થોડોક સમય તો તારે એના માટે ફાળવવો જ પડે. થોડો સમય ધ્યાન બંધ રાખ. એ તો આજીવન કરવાનું જ છે. આ બહુ સેન્સિટીવ ઇસ્યૂ છે. લગ્ન કર્યા છે એટલે તારી ફરજ છે. માત્ર રૂપિયા જ સુખ ના આપી શકે. એને તારા સાથની, તારા સંવનનની જરૂર છે. આવી અંગત વાતો એ બીજા કોઈની સાથે શેર ના કરી શકે. " મંથન બોલ્યો.

" હવે તમે શું લેશો સર ? ચા બનાવું કે ઠંડુ ફાવશે ? " શીતલ બોલી.

" ચા નો સમય થયો છે એટલે ચા જ બનાવ. આદુ ફૂદીનો ખાસ નાખજે." મંથન બોલ્યો.

" એની તમે ચિંતા ના કરો. અમે ચામાં લીલી ચા પણ નાખીએ છીએ." શીતલ હસીને બોલી અને કિચનમાં ગઈ.

મંથનની વાતોથી એને સારું લાગ્યું હતું. એના નસીબમાં એ ન હતો નહીં તો પહેલી પસંદગી મંથન જ હતો.!!

" રાજન તારે શીતલ માટે રાત્રે તો પૂરો સમય ફાળવવો જ પડે. હમણાં ધ્યાનને બાજુમાં મૂકી દે. તારા લગ્ન જીવનનો સવાલ છે. હજુ તો આ શરૂઆત છે. વધુ અસંતોષ એને ખોટા માર્ગે લઈ જઈ શકે છે !!" મંથન ધીમેથી બોલ્યો.

" અરે પણ તું ધારે છે એના કરતાં પણ વધારે એ એગ્રેસીવ છે. તને ખુલીને આ બધી વાત હું કરી શકતો નથી. મારા પુરુષત્વમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એની ડિમાન્ડને પહોંચી વળવું મુશ્કેલ છે. " રાજન બોલ્યો.

" હું સમજી શકું છું. કોઈ કોઈ સ્ત્રીમાં વધુ પડતો ઉન્માદ હોય છે. પરંતુ નવાં નવાં લગન છે એટલે બે ત્રણ વર્ષ તું નિભાવી લે. પછી આપોઆપ જ એની આક્રમકતા ઓછી થઈ જશે." મંથને સલાહ આપી.

થોડીવાર પછી ટ્રે લઇને શીતલ આવી. એણે બંનેના હાથમાં ચા ના કપ આપ્યા.

" રાજન તારા હાથમાં ચા નો જે કપ છે તે મને આપી દે અને મારો કપ તું લઇ લે. તને યાદ છે ? આપણે કોલેજમાં હતા ત્યારે પણ આ રીતે કોલ્ડ્રીંક્સના એકબીજાના ગ્લાસ બદલીને પીતા હતા. એ વખતે દિલીપકુમારનું પેલું ગીત વારંવાર રેડિયો ઉપર વાગતું હતું. - પીતે પીતે કભી કભી યે જામ બદલ જાતે હૈ !! " મંથન બોલ્યો.

" હા બરાબર છે. આપણે ઘણીવાર એવું કરતા. " રાજન બોલ્યો અને એણે એનો કપ મંથનને આપ્યો.

મંથને પોતાનો કપ એને આપ્યો. શીતલ તો અવાક થઈને મંથનની આ કપ બદલવાની રમત જોઈ જ રહી.

" તને કેમ અચાનક આ કપ બદલવાનું સૂઝ્યું ? " રાજને આશ્ચર્યથી પૂછ્યું.

" કારણ કે તારામાં પરિવર્તનની જરૂર છે. શીતલ તરફ તારું આકર્ષણ વધે એના માટે મેં એ કપમાં વાઇબ્રેશન્સ આપેલાં છે. મેં બરાબર કર્યું ને શીતલ? " મંથને શીતલ સામે જોઈને પૂછ્યું.

શીતલને તો જવાબ આપવાના કોઈ જ હોશ ન હતા. કારણ કે ૨ વર્ષ પહેલાં મંથનને વશ કરવા કોઈ બાબા પાસેથી જે ભભૂતિ એ લાવી હતી એ આજે એણે મંથનના કપમાં જ ઓગાળી દીધી હતી !!!

પણ કપ હાથમાં આવતાં જ મંથનની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગઈ હતી ! એણે વશીકરણ વાળો એ કપ રાજનને આપી દીધો. !!
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post