વારસદાર (Varasdar 62)

Related

વારસદાર પ્રકરણ 62

"મહેતા સાહેબ કાલે સવારે ૭ વાગે જાતે ગાડી ચલાવીને મુલુંડ મારી ઓફિસે એકલા આવી જાઓ. સાથે ડ્રાઇવરને ના લાવતા અને વિલંબ પણ ના કરતા. હું તમારી રાહ જોઇશ. " દલીચંદ ગડા ગભરાયેલા હતા.

મંથનને દલીચંદ ગડાના ફોનથી ખૂબ જ આશ્ચર્ય થયું. ગડા શેઠ વહેલી સવારે ૭ વાગ્યે પોતાને બોલાવી રહ્યા હતા અને એ પણ એકલા જ જવાનું હતું !

#આવકાર
વારસદાર

નક્કી ગડાશેઠ કોઈ ટેન્શનમાં આવી ગયા લાગે છે. જે હશે તે સવારે ખબર પડશે. મંથન બધી ચિંતા બાજુમાં મૂકીને સૂઈ ગયો.

સવારે વહેલા નીકળવાનું હતું એટલે આજે એણે ધ્યાન ન કર્યું અને નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા કરીને સવારે છ વાગે મુલુંડ જવા માટે નીકળી ગયો.

મંથન નીકળી ગયા પછી લગભગ અડધા કલાક પછી ગડાશેઠનો ફરી ફોન આવ્યો.

" મારા ઓફિસ કોમ્પ્લેક્સ થી ચાર પાંચ કોમ્પ્લેક્સ છોડીને આગળ આવજો. મારી ૯૯૯૯ નંબરની બ્લેક બીએમડબલ્યુ ઉભી હશે. ગાડીની નજીક પહોંચી જાઓ એટલે તરત મને મિસ કોલ મારજો અને મારી પાછળ પાછળ આવજો. ગાડીમાંથી બહાર નીકળશો નહીં." દલીચંદ બોલ્યા.

" જી શેઠ. " મંથન બોલ્યો. એને સમજાતું ન હતું કે ગડાશેઠ આટલી બધી સાવધાની કેમ રાખતા હતા !

સવારે ૭ વાગ્યે એ ગડાશેઠની ઓફિસે મુલુંડ પહોંચી ગયો. ધીમે ધીમે ગાડી એણે આગળ લીધી. દલીચંદ ગડાની ગાડી દૂરથી દેખાઈ. એણે મિસ કોલ માર્યો એટલે આગળની ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. મંથને એ ગાડીની પાછળ પાછળ પોતાની ગાડી લીધી. આજે ગાડી દલીચંદ શેઠ જાતે જ ચલાવી રહ્યા હતા.

ચાર પાંચ કિલોમીટર ગયા પછી હાઇવે ઉપર ગડાશેઠે ગાડી બાજુમાં ઉભી રાખી. મંથને પણ એમની પાછળ ગાડી ઊભી રાખી. ગડાશેઠે પ્લાસ્ટિકનાં બે સ્ટીકર મંથનની ગાડીની નંબર પ્લેટ ઉપર આગળ પાછળ ચોંટાડી દીધાં.

" આ નંબર પ્લેટ કામચલાઉ છે. તમને કોઈપણ જાતની તકલીફ ના થાય એટલા માટે આટલી સાવધાની રાખવી જરૂરી છે. ઘરે પહોંચીને તમે કાઢી નાખજો. આકસ્મિક સંજોગો માટે ગાડીની નંબર પ્લેટનાં આવા સ્ટીકરો હું મારી પાસે રાખું છું. " દલીચંદ બોલ્યા અને પોતાની ગાડીમાં બેસી ગયા.

એમની ગાડી લાલબહાદુર શાસ્ત્રી માર્ગ થઈને ભાંડુપ તરફ જઈ રહી હતી. ભાંડુપથી થોડાક પહેલાં ગાડી ડાબી બાજુ વળી. મંથને પણ પાછળ પાછળ ગાડીને ડાબી બાજુ વાળી. ગાડી એક જૂના કોમ્પ્લેક્સ પાસે જઈને ઉભી રાખી. આજુબાજુ બધું સૂમસામ હતું.

શેઠની ગાડી જોતાં જ ત્યાંનો ચોકીદાર સહદેવસિંહ દોડતો આવ્યો. ગડાશેઠે એના હાથમાં ચાવીનો જુડો આપ્યો. ચોકીદાર શરીરે ખૂબ જ પડછંદ હતો ઉંમર પણ ૫૫ આસપાસ લાગતી હતી.

" સહદેવસિંહ ગોડાઉન કો ખોલ ઓર નીચે જાને કા રાસ્તા સાફ કર દે " ગડા શેઠ બોલ્યા.

નામ ઉપરથી ચોકીદાર યુપીનો લાગતો હતો. આ કોમ્પ્લેક્સમાં કોઈ ઓફિસો ચાલુ હોય એવું લાગતું ન હતું. ઓફિસનાં શટરોમાં ધૂળ ચડી ગઈ હતી. માત્ર ગોડાઉન માટે જ એનો વપરાશ થતો હશે એવી મંથને કલ્પના કરી.

એ પછી ગડાશેઠ નીચે ઉતર્યા અને એમની પાછળ પાછળ મંથન પણ નીચે ઉતર્યો. બંને જણા આ જૂના કોમ્પ્લેક્સ તરફ ધીમે ધીમે આગળ વધ્યા.

"મહેતા સાહેબ માફ કરજો પરંતુ આજે મારા આ ગોડાઉનનો માલ તમને સોંપી દેવો પડશે. તમારી પાસે એ સલામત રહેશે. મારા એક મિત્રના ત્યાં રેડ પડી છે અને એનો રેલો મારા સુધી પણ આવી શકે એમ છે. મારા મિત્રના પૈસાનો વહીવટ હું કરું છું. બધા જ બે નંબરના પૈસા આ ગોડાઉનમાં પડેલા છે. છેલ્લા દશ વર્ષથી મારો આ ચોકીદાર આખા કોમ્પ્લેક્સ નું ધ્યાન રાખે છે. " ગડાશેઠ બોલ્યા.

" એક વાત પૂછી શકું શેઠ ?" મંથન બોલ્યો.

" હા હા પૂછો ને ! " શેઠ બોલ્યા.

"માની લીધું કે આપના મિત્રને ત્યાં રેડ પડી છે તો પણ ઇન્કવાયરી આવે તો તમારી ઓફિસે આવે અથવા તમને બોલાવે. તમારે આ ગોડાઉનનો માલ ખસેડવાની શું કામ જરૂર પડી ? " મંથને પૂછ્યું.

" અરે મહેતા સાહેબ હું તમને શું કહું ? તમે મારા પાર્ટનર છો. તમારાથી શું છાનું રાખવું ? મારો આ મિત્ર એમડી ડ્રગ્સ નું મોટું રેકેટ ચલાવે છે અને એના તમામ પૈસા મેં આ ગોડાઉનમાં સાચવ્યા છે. ગોડાઉનમાં બધો માલ એનો જ છે. જો કે આ ગોડાઉનની મારા એ મિત્રને પણ ખબર નથી. હું કોઈ કાચું કામ કરતો નથી. એ મને માલ પહોંચાડે એટલે હું અહીં સલામત જગ્યાએ ગોઠવી દઉં." દલીચંદ કહી રહ્યા હતા

મંથન માટે આ વાત આંચકા જેવી હતી. દલીચંદે અહીં મને ડ્રગ્સ લઈ જવા માટે બોલાવ્યો હોય તો મારે સ્પષ્ટ ના પાડવી પડશે.

" મહેતા સાહેબ જો આ રેલો મારી તરફ આવે તો આ ગોડાઉનની બધી જ વિગતો મારી ઓફિસમાંથી મળી આવે અને મારા સ્ટાફના બે અંગત માણસો પણ આ ગોડાઉન વિશે જાણે છે. પોલીસ આગળ એ લોકો જો વટાણા વેરી નાખે તો મારી હાલત કફોડી થાય. કરોડોનો માલ આ ગોડાઉનમાં પડ્યો છે." દલીચંદ બોલ્યા.

" મારો આ સહદેવ એકદમ વફાદાર છે. દર મહિને પચાસ હજાર પગાર આપું છું. બધો માલ તમને સોંપી દઉં પછી કાલે ઉઠીને અહીં જો રેડ પડે તો અહીંથી કંઈ પણ ના મળે અને મારા આ ચોકીદારની જો પૂછપરછ થાય તો એ મરી જાય તો પણ એક શબ્દ એના મોઢામાંથી ના નીકળે. " ગડાશેઠ બોલ્યા.

"અને મહેતા સાહેબ તમે બીજી કોઈ ચિંતા ના કરશો. અહીંના બીજા એક ગોડાઉનમાં ડ્રગ નો માલ છે એ હું પોતે મારી ગાડીમાં અત્યારે જ સગેવગે કરી દઈશ. તમારે માત્ર સોનાની લગડીઓ અને રોકડા રૂપિયા લઈ જવાના છે. લગડીઓ એક બોક્સમાં છે અને નોટોનાં બંડલો બે ત્રણ કોથળામાં ભરેલાં છે. તમે મારી સાથે આવો. " દલીચંદ બોલ્યા અને આગળ થયા.

સહદેવે ગોડાઉન તરીકે વપરાતી ઓફિસ ખોલી નાખી હતી. મંથને ગડા શેઠની પાછળ પાછળ ગોડાઉનમાં જઈને જોયું તો અંદર બીજું ભોંયરું હતું. લાઈટની વ્યવસ્થા હતી એટલે અંદર સ્પષ્ટ દેખાતું હતું. ત્યાં એક બોક્સ હતું અને ત્રણ કોથળા બાંધેલા હતા.

"યે બોક્સ ઓર તીન થેલે ઉઠાકે યે નવીન શેઠકી ગાડી મેં રખ દો." કહીને દલીચંદે સહદેવ સિંહને એક લાખ રૂપિયા રોકડા આપ્યા. જાણી જોઈને એમણે મંથનનું નામ છુપાવ્યું હતું. એ કોઈ પણ રિસ્ક લેવા માંગતા ન હતા.

ન કરે નારાયણ અને પોલીસનો માર ખાઈને સહદેવસિંહ કદાચ કંઈ બોલી જાય તો પણ ગાડીનો નંબર બનાવટી હોવાથી અને મંથનનું નામ પણ નવીન હોવાથી મંથનને કોઈ વાંધો ન આવે. દલીચંદ શેઠે બધી જ કાળજી લીધી હતી.

સહદેવે સોનાની લગડીઓનું વજનદાર બોક્સ ઉપાડ્યું અને મંથનની પાછળ પાછળ ચાલ્યો. મંથનની ડેકીમાં બોક્સ ગોઠવી દીધું અને એ પછી પાછલી સીટ ઉપર ત્રણે ત્રણ કોથળા પણ ગોઠવાઈ ગયા.

" અબ વો ચાર નંબર કા ગોડાઉન ખોલ દો " ગડાશેઠે સહદેવને સૂચના આપી.

સહદેવસિંહ ગયા પછી મંથને ફરીવાર ગડા શેઠને સવાલ કર્યો.

" અહીં આવતી વખતે આપની ગાડી ઓફિસ કોમ્પલેક્ષથી દૂર કેમ ઉભી રાખી હતી ? " મંથને પૂછ્યું.

" સાવધાની બહુ જરૂરી હોય છે મહેતા સાહેબ. બહુ જ જોખમી આ ધંધો છે. એક એક ડગલું સાચવીને ચાલવું પડે છે. મારી ઓફિસની દીવાલોને પણ આંખ હોય છે. હવે તમે મેઈન રોડથી નીકળી જાઓ. મારે હવે બીજા ગોડાઉનમાંથી ડ્રગ્સનો માલ લઈને સગેવગે કરી દેવો પડશે. " દલીચંદ બોલ્યા.

"અને તમે પણ અહીં આવ્યા હતા એ બધું ભૂલી જજો. જો કે મારે તમને આ બધું કહેવાની કોઈ જરૂર નથી. મને તમારામાં વિશ્વાસ છે. જ્યાં પણ ગોઠવી શકાય ત્યાં આ માલ તમે ગોઠવી દેજો. બને ત્યાં સુધી તમારી ઓફિસે કે તમારા ઘરે ન રાખશો. થોડા દિવસ જવા દો પછી આ બાબતમાં વાત કરીશું. " ગડાશેઠ બોલ્યા.

મંથને વિદાય લીધી અને મેઈન રોડ ઉપર જમણી બાજુ યુ ટર્ન લઈને ગાડી સાઈડમાં ઉભી રાખી. નીચે ઉતરી નંબર પ્લેટનાં બંને સ્ટીકરો ઉખાડી લીધાં અને ગાડી થાણા તરફ લીધી.

થાણાથી ઘોડબંદર રોડ થઈને મંથને ગાડી બોરીવલી તરફ લીધી. આગળ ફાઉન્ટન હોટેલથી ટર્ન લઈને બોરીવલી સીધો રસ્તો જતો હતો.

રસ્તામાં મંથનને યાદ આવ્યું કે રફીકના મામુ નસીરખાન ડ્રગ્સના ધંધામાં હતા અને એમના કહેવાથી જ દલીચંદ ગડાએ બોરીવલીની સ્કીમમાં પૈસાનું રોકાણ કરેલું. પરંતુ એ વખતે મંથનને એવી જ કલ્પના હતી કે દલીચંદ ગડા ડાયમંડના મોટા વેપારી હતા અને રફીકના મામુના અંગત મિત્ર હતા ! ડ્રગ્સનો માલ દલીચંદ પોતે જ સાચવતા હશે એવી તો મંથનને કલ્પના જ ન હતી !!

પોતાની ગાડીમાં સોનાની લગડીઓ અને કરોડો રૂપિયાનાં બંડલો હતાં. આ પ્રકારનું કોઈ કામ આજ સુધી એણે કર્યું ન હતું એટલે મનમાં એક પ્રકારનો ગભરાટ પણ હતો. રસ્તામાં સાચવીને જવા જેવું હતું. મંથને પોતાની સુરક્ષા માટે ગુરુજીને દિલથી પ્રાર્થના કરી જેથી ઘર સુધી કોઈ જ વાંધો ન આવે.

એણે ઝાલા અંકલને ફોન કરીને બધી વાત વિગતવાર કરી.

" તમે એક કામ કરો. દહીસર નજીક આવો એટલે મને ફોન કરો. હું પણ ઘરેથી નીકળું છું. આ વસ્તુ આપણા ઘરે નહીં રાખી શકાય. મારી પાસે બોરીવલી ઇસ્ટમાં એક જગ્યા છે. શરૂઆતમાં વકીલાતની પ્રેક્ટિસ માટે એક ઓફિસ મેં રાખેલી. એ પછી નવી મોટી ઓફિસ લીધા પછી એ ઓફિસ બંધ છે. ત્યાં આપણે આ બધું ગોઠવી શકીશું. " ઝાલા બોલ્યા.

દહીસર પહોંચવા આવ્યો એટલે મંથને ઝાલા સાહેબને ફોન કર્યો. ઝાલા સાહેબે એને નેશનલ પાર્ક પાસે આવી જવાનું કહ્યું. મંથન ત્યાં પહોંચ્યો ત્યારે ઝાલા સાહેબની ગાડી ત્યાં ઉભી જ હતી. મંથને પોતાની ગાડી એમની પાછળ પાછળ લીધી.

દોલતનગરથી સહેજ આગળ એક કોમ્પ્લેક્સ આગળ ગાડી ઉભી રાખી. ઝાલા સાહેબની ઓફિસ પહેલા માળે જ હતી. લિફ્ટમાં બોક્સ અને કોથળા લઈને પહેલા માળની ઓફિસમાં ગોઠવી દીધાં. અહીં બધું સલામત હતું.

"ચાલો હવે ગડાશેઠનો માલ તો આપણે સલામત રીતે મૂકી દીધો. પરંતુ તમે કહો છો તેમ જો ગડાશેઠ આવા ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા હશે તો એમના માટે મુસીબત ઊભી થઈ શકે એમ છે. નસીરખાનના ત્યાં રેડ પડી છે અને કોઈ પણ રીતે જો દલીચંદ ગડાનું નામ ખુલશે તો પોલીસ એમને પણ એરેસ્ટ કરી શકે છે. સમાજમાં મોટી બદનામી થશે. " પાછા વળતી વખતે ઝાલા અંકલ બોલ્યા.

"તમારી શંકા સાચી છે. ગડાશેઠ પોતે પણ ગભરાયેલા દેખાતા હતા. રાત્રે જ મને ફોન કરીને વહેલી સવારે બધો માલ સગેવગે કરી દીધો. આટલી મોટી પ્રતિષ્ઠાવાળી વ્યક્તિએ આવા ધંધામાં શા માટે રસ લેવો જોઈએ એ જ મને સમજાતું નથી." મંથન બોલ્યો.

" પૈસા કમાવાની લ્હાયમાં માણસ ગમે તે રસ્તા પકડી લે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે. હજારો કરોડ રૂપિયા એમનેમ થોડા આવે છે ? ડાયમંડના ધંધામાં એ સારું કમાયેલા જ છે પછી ડ્રગ્સના ધંધામાં હાથ કાળા કરવાની શું જરૂર ? " ઝાલા બોલ્યા.

" ચાલો જેવી એમની ઈચ્છા. આપણે શું કરી શકવાના હતા ?" મંથન બોલ્યો.

બોરીવલી સ્ટેશન આવી ગયું એટલે મંથને ગાડી એસવી રોડ થઈને મલાડ પોતાના ઘર તરફ લીધી અને ઝાલા અંકલે ચંદાવરકર લેન તરફ વાળી.

મંથને સવારે ભાગદોડમાં ન્યુઝ પેપર વાંચ્યું ન હતું. આજના ન્યુઝ પેપરમાં ડ્રગ્સ રેકેટના સમાચાર પહેલા પાને જ ચમક્યા હતા. ઘણું મોટું રેકેટ પકડાયું હતું. આ ધંધામાં કોણ કોણ સંકળાયેલા છે એની પોલીસ તપાસ ચાલુ થઈ ગઈ હતી.

બીજા દિવસે પણ ડ્રગ્સની તપાસ ચાલુ રહી. દલીચંદ ગડાની ઓફિસમાંથી મંથનને સમાચાર મળ્યા કે પોલીસની રેડ દલીચંદ ગડાની ઓફિસમાં પણ પડી છે. પોલીસ ગડાશેઠને પણ પૂછપરછ માટે લઈ ગઈ છે.

એ પછીના ત્રીજા દિવસે ગડાશેઠની ઓફિસમાં ઇન્કમટેક્સની પણ રેડ પડી. ૩ દિવસ સુધી રેડ ચાલી. ગડાશેઠ ના ગોડાઉનની પણ તપાસ થઈ. દલીચંદ શેઠની ઓફિસમાં કામ કરતો કિરણ મંથનને બધી જ વિગતવાર માહિતી આપતો હતો. ઓફિસમાંથી ઘણું કાળું નાણું પકડાયું હતું. ગડાશેઠના બે નંબરના વ્યવહારો પણ પકડાઈ ગયા હતા.

મંથન ભૂતકાળમાં ગડાશેઠનો ભાગીદાર હતો એટલે બે અધિકારીઓ પોલીસને લઈને મંથનની ઓફિસમાં પણ આવ્યા. મંથનને બધી પૂછપરછ કરી. મંથનને ગુરુજીની સહાય હતી. મંથને બધી સ્પષ્ટતા કરી અને એ પણ કહી દીધું કે છ મહિના પહેલા જ અમારી ભાગીદારી છૂટી થઈ ગઈ છે અને અત્યારે હું એમની કંપનીનો ભાગીદાર નથી. જે પણ ડેવલપમેન્ટ છે એ મારી પોતાની કંપનીનું છે. મારા બધા જ હિસાબો ક્લિયર છે.

મંથન ખૂબ જ હોશિયાર હતો. એણે પોતાના બધા જ ચોપડા ક્લિયર જ રાખ્યા હતા. બે નંબરના બધા જ હિસાબ અલગ રાખ્યા હતા અને એની કોઈ પણ નોંધ એની ઓફિસમાં રાખી ન હતી. દલીચંદ શેઠની ભાગીદારીમાં જે પણ એક નંબરની લેવડદેવડ થઈ હતી માત્ર એનો જ હિસાબ એની ઓફિસમાં મળી શકે એમ હતો.

અધિકારીઓએ તપાસ કરી પરંતુ કંઈ પણ વાંધાજનક ન મળ્યું. મંથનને આ બાબતમાં ક્લીન ચીટ આપીને એ લોકો રવાના થઈ ગયા.

"તમે ગડાશેઠની ભાગીદારીમાંથી છૂટા થઈ ગયા એ તમારા ગુરુજીની તમારા ઉપર વિશેષ કૃપા છે કુમાર. તમે જે પણ નિર્ણય લીધો છે એ ખરેખર યોગ્ય લીધો છે. જો તમે ભાગીદાર હોત તો તમે પોતે પણ ફસાઈ જાત. ભલે તમે નાર્કોટિક્સની તપાસમાં ના આવો. પરંતુ ઇન્કમટેક્સ વાળા તમારા ત્યાં પણ દરોડા પાડે. " ઝાલા સાહેબે મંથનને ફોન કરીને કહ્યું.

" પપ્પા જ્યારથી ગડાશેઠની ભાગીદારીમાંથી છૂટા થવાનો ગુરુજીનો મને સંકેત મળ્યો ત્યારથી હું સાવધ થઈ જ ગયો હતો. અને ભાગીદારી છુટ્ટી કર્યા પછી તો મારા અને દલીચંદ ગડા વચ્ચેના જે પણ વ્યવહારો હતા એ પણ મેં બધા વ્યવસ્થિત કરી દીધા હતા. જેથી ભવિષ્યમાં કદી ઇન્કવાયરી આવે તો પણ મને કોઈ તકલીફ ના પડે. છ મહિનાનો ટાઈમ મારા માટે ઘણો હતો." મંથન બોલ્યો.

" તમે હોશિયાર છો જ એટલે વાંધો ના આવ્યો. બાકી દલીચંદ જેવો આટલો પ્રતિષ્ઠિત માણસ ડ્રગ્સના ધંધામાં સાથ આપતો હશે એવી તો આપણે કલ્પના પણ કેવી રીતે કરી શકીએ ? " ઝાલા બોલ્યા.

" મને પણ એ જ વાતનું આશ્ચર્ય થાય છે. સૌ સૌના કર્મની સજા ભોગવે છે. મને ગુરુજીએ બચાવી લીધો એ જ મારા માટે સંતોષની વાત છે." મંથને કહ્યું.

દલીચંદ શેઠની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ. રોજે રોજ પોલીસ સ્ટેશનના ધક્કા ચાલુ થઈ ગયા. બે નંબરના કરોડો રૂપિયા પકડાઈ ગયા. સમાજમાં ક્યાંય પણ મ્હોં બતાવવા જેવું રહ્યું નહીં. મુંબઈના તમામ વર્તમાન પત્રોમાં દલીચંદ શેઠનું નામ ખરડાઈ ગયું.

દલીચંદ શેઠ આ સહન કરી શક્યા નહીં. ઊંઘ હરામ થઈ ગઈ હતી. એક દિવસ મોડી રાત્રે એમના બેડરૂમમાંથી ધડાકો સંભળાયો. એમણે પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી માથા ઉપર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી !!!
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post