વારસદાર (Varasdar 76)

Related

વારસદાર પ્રકરણ 76

જમવા માટે એક પછી એક જે આઈટમો કેતા અને શીતલ પીરસતી ગઈ એ જોઈને જમવા બેઠેલાં ચારેય જણાં આશ્ચર્યચકિત થઈ ગયાં !!

શિખંડ, પૂરી, કાચા કેળાંનું ભરેલું શાક, કોબીજ નો સંભારો, મગની લચકો દાળ, ખાંડવી, દહીંવડાં, કઢી ભાત અને ચોખાના તળેલા પાપડ.

#આવકાર
વારસદાર

" અરે બેટા આ ઉંમરે આટલો બધો શિખંડ ના હોય. થોડો ઓછો કરી દે. અને મારા માટે આટલી બધી મહેનત કરવાની હોય ? " તલકચંદ બોલ્યા.

"પપ્પા કેટલા વર્ષો પછી તમે અમને મળ્યા છો ? અને આજે દરેક વસ્તુ ઘરે બનાવેલી છે. કોઈપણ આઈટમ બહારની નથી. અને શિખંડ તો કેતાદીદી ની સ્પેશિયાલિટી છે. એમણે જાતે બનાવેલો છે." શીતલ બોલી.

"વાઉ ! આટલો સરસ શીખંડ કેતા દીદીએ જાતે બનાવેલો છે ? આઈ કાન્ટ બીલીવ !! " રાજન દેસાઈ બોલ્યો.

"જીજુ મારી વાત જવા દો. આ ખાંડવી અને દહીંવડાં શીતલના હાથની કમાલ છે. " કેતા બોલી.

"શીતલ તેં તો આપણા ઘરે ક્યારે પણ તારો આ હાથ અજમાવ્યો નથી ! " રાજન દેસાઈ બોલ્યો.

" હવે તો ખબર પડી ને જીજુ ? બસ આજ પછી તમે નવા નવા ફરસાણની ફરમાઈશ કરતા રહેજો. એને ફરસાણ બનાવવાનો શોખ છે. " કેતા બોલી.

વાતો કરતાં કરતાં બધાંએ જમવાનું પૂરું કર્યું. બંને બહેનોએ ભેગા થઈને રસોઈ માટે ખૂબ જ મહેનત કરી હતી અને દિલથી રસોઈ બનાવી હતી.

" પપ્પા તમારે આરામ કરવો હોય તો બેડરૂમ તૈયાર કર્યો છે. બે કલાક સૂઈ જાઓ. ત્યાં સુધી અમે જમી લઈએ અને પછી કીચનનું બધું કામ પણ આટોપી લઈએ." કેતા બોલી.

" હા એ જ ઠીક રહેશે. ઘરે પણ જમ્યા પછી બે કલાક આરામ કરવાની હવે ટેવ પડી ગઈ છે. " તલકચંદ બોલ્યા અને કેતાની સાથે બેડરૂમમાં ગયા. રૂમ સ્પ્રે ના કારણે બેડરૂમ પણ મહેંકી રહ્યો હતો.

" બેટા મેં તમને લોકોને આટલાં વર્ષો સુધી તરછોડી દીધાં એનું મને બહુ જ દુઃખ છે. " બેડ ઉપર આડા પડ્યા પછી તલકચંદ બોલ્યા.

" પપ્પા હવે એ બધું યાદ નહીં કરવાનું. હવે તો અમે તમારી સાથે જ છીએ ને ! તમને પગ દબાવી આપું ? " કેતા બોલી અને જવાબની રાહ જોયા વગર જ પગ દબાવવા લાગી.

"અરે ના ના બેટા..હજુ તારું જમવાનું પણ બાકી છે. તું પહેલાં જમી લે. પગ દબાવવાની મારે ટેવ પાડવી નથી. સાથે રહેવાનું થાય ત્યારે દબાવજે. " તલકચંદ બોલ્યા.

છતાં કેતા પાંચ મિનિટ પગ દબાવીને પછી જ જમવા માટે ગઈ. તલકચંદ પણ થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયા. પોતાના આ પ્રેમાળ પરિવારને જોઈને એક અજબ પ્રકારની શાંતિનો આજે એ અનુભવ કરવા લાગ્યા હતા.

મંથનના પ્રયત્નોથી વર્ષો પછી કેતા શીતલને પિતા મળ્યા અને પરિવાર એક થઈ ગયો. રવિવારનો એ દિવસ ખૂબ જ રળિયામણો રહ્યો. મંથને સાંજે ઘરે જઈને અદિતિને બધી જ વાત વિગતવાર કરી.

અને એ જ રવિવારે તર્જની જેને શશીમામા કહેતી હતી એ શશીકાંત શાહને મળવા એમના ઘરે ગઈ હતી. શશીકાંત શાહ મૂળ ભાવનગરના હતા અને કાલબાદેવી રોડ હનુમાન ગલીમાં સાડીઓના હોલસેલ બિઝનેસમાં હતા. પૈસેટકે ખૂબ સુખી હતા. વર્ષો પહેલાં એ પારલા નંદનિવાસની રૂમમાં રહેતા હતા. પરંતુ સારા એવા પૈસા કમાઈ લીધા પછી નહેરુ રોડ ઉપર એમણે પોતાનો ફ્લેટ લઈ લીધો હતો.

સુજાતા દેસાઈ નાટકોમાં કામ કરતાં હતાં ત્યારથી શશીકાંતભાઈ એમને ઓળખતા હતા. જો કે એમને નાટકો જોવાનો કોઈ જ શોખ ન હતો. એમની ઓળખાણ સુજાતા દેસાઈના નાના ભાઈ અમુલ દેસાઈ ના કારણે હતી.

અમુલ દેસાઈ કાપડ માર્કેટમાં દલાલ હતો અને સાડીઓના ધંધાના કારણે શશીકાંતભાઈની ઓફિસમાં પણ એની આવન જાવન હતી. બંને વચ્ચે મિત્રતા જેવો સંબંધ થયેલો. બે ત્રણ વાર શશીકાંતભાઈ પણ અમુલ દેસાઈના ઘરે ભુલેશ્વરમાં અનંતવાડી ગયેલા. ભાઈ બહેન ત્યાં એકલાં ભાડે રહેતાં હતાં.

અમુલ દેસાઈનું એકવાર અચાનક યુવાનીમાં જ મૃત્યુ થઈ ગયું. દલીચંદ શેઠ જોડેના અંગત સંબંધોના કારણે સુજાતાને એ વખતે પૈસાની કોઈ જ તકલીફ ન હતી પરંતુ એ એકલાં પડી ગયેલાં. એ શશીકાંતભાઈને પણ પોતાના ભાઈ જેવા જ માનતાં હતાં.

મિત્રની બહેનના સંબંધે ક્યારેક ક્યારેક શશીકાંતભાઈ સુજાતાની ખબર કાઢી જતા.

દલીચંદ શેઠ જોડે સંબંધ તોડ્યા પછી ગર્ભપાત કરાવવાના બદલે સુજાતાએ બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. પરંતુ અનંતવાડી એનો વર્ષોનો પરિચિત વિસ્તાર હતો એટલે અહીં રહીને કુંવારી માતા બનવું યોગ્ય ન હતું. ઘર પણ પાઘડીનું હતું એટલે એ કાઢીને ગમે ત્યાં જઈ શકે એમ હતી.

એણે શશીકાંતભાઈને સંજોગોના કારણે મકાન બદલવાની વાત કરી તો શશીકાંતભાઈએ પોતાનો ખાલી પડેલો રૂમ એને ભાડેથી રહેવા માટે આપી દીધો.

પારલા રહેવા આવ્યા પછી સુજાતા શશીભાઈના ઘરે પણ જતી આવતી. શશીભાઈનાં પત્ની પણ સગર્ભા સુજાતાનું ધ્યાન રાખતાં. સુજાતાએ શશીભાઈને દલીચંદે પોતાની સાથે કરેલા વિશ્વાસઘાતની વાત પણ કરેલી પરંતુ શશીકાંતભાઈ જેવા સીધા માણસ માટે દલીચંદ સામે પડવું યોગ્ય ન હતું !!

સુજાતાએ દીકરીને જન્મ આપ્યો અને શશીભાઈએ વર્ષો સુધી એને સાથ આપ્યો. સુજાતાના મૃત્યુ પછી દીકરીને પણ પોતાની સગી ભાણીની જેમ સાચવી.

"મામા ઈશ્વરે છેવટે મારી મમા સાથે થયેલો અન્યાય દૂર કર્યો છે. મને મારા પિતાની ભાળ મળી ગઈ છે. હીરાના જાણીતા વેપારી અબજોપતિ શેઠ દલીચંદ ગડા જ મારા પિતા હતા. એ હવે આ દુનિયામાં રહ્યા નથી. તમે જાણીતા બિલ્ડર મંથન મહેતાનું નામ તો સાંભળ્યું હશે ! " તર્જની બોલી.

" મંથન મહેતા બિલ્ડરને ? મુંબઈના ખૂબ આગળ પડતા બિલ્ડર છે. " શશીકાંતભાઈ બોલ્યા.

" હા એ મારા ઘરે આવ્યા હતા અને મને દલીચંદ ગડાના ઘરે મુલુંડ લઈ ગયા હતા. એમનાં પત્ની સુશીલા શેઠાણીએ મને પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી છે અને બંગલામાં રહેવા આવી જવાનું પણ કહી દીધું છે. " તર્જની એકીશ્વાસે બોલી ગઈ.

"અરે પણ એવું કઈ રીતે બને ? અને મંથન મહેતા આમાં વચ્ચે કેવી રીતે આવ્યા ? " શશીકાંતભાઈ કંઈ સમજ્યા નહીં.

તર્જનીએ શરૂઆતથી માંડીને બધી જ વાત શશીમામાને કરી. પોતાને બહેન બનાવી દીધી છે એ વાત પણ કહી દીધી.

" આ તો બધું ચમત્કાર જેવું લાગે છે તર્જની. દલીચંદ ગડા બહુ મોટું નામ છે અને એ તો અબજોપતિ પાર્ટી હતી. એનો મતલબ કે તું પણ હવે અબજોપતિ પિતાની દીકરી બની ગઈ !! " શશીકાંતભાઈ બોલ્યા.

" હા મામા. હવે હું રૂમ ખાલી કરીને ચાર પાંચ દિવસમાં જ મુલુંડ કાયમ માટે જતી રહેવાની છું. ભાઈ મને લેવા માટે આવશે." તર્જની ખૂબ જ ઉત્સાહમાં હતી.

" ચાલો. તું ખુશ એટલે હું પણ ખુશ. સુજાતાબેનનો આત્મા જ્યાં પણ હશે ત્યાં ખુશ થશે. " શશીકાંતભાઈ બોલ્યા.

એ જ સુજાતાબેનના આત્મા સાથે વાતચીત કરવા માટે મંથન વહેલી સવારે ચાર વાગે ધ્યાનમાં બેઠો હતો. એણે બે દિવસથી સૂક્ષ્મ જગતનો અનુભવ કરાવવા ગુરુજીને સતત પ્રાર્થના કરી હતી.

ઊંડા ધ્યાનમાં અડધો કલાક બેઠા પછી ગુરુજીનો સંપર્ક કરવામાં આજે એને ખૂબ જ મહેનત કરવી પડી. છેવટે ગુરુજીના ધ્યાનના લેવલ સુધી એ પહોંચી ગયો. ગુરુજીનો ચહેરો સ્પષ્ટ દેખાયો. એણે સુજાતા દેસાઈના આત્મા સાથે વાત કરવાની ઈચ્છા ફરી પ્રગટ કરી.

થોડી મિનિટો પછી ઊંડા ધ્યાનમાં બેઠેલા મંથનનો આત્મા ઉપર તરફ ખેંચાઈ ગયો અને શરીર જડ બની ગયું. અદભુત શાંતિના સામ્રાજ્યમાં એ પ્રવેશી ચૂક્યો હતો. સૂર્યનો દિવ્ય પ્રકાશ ચારે બાજુ પથરાઈ રહ્યો હતો. એક અદભુત સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી જે એણે જિંદગીમાં ક્યારેય પણ અનુભવી ન હતી !!

ચારે બાજુ અનેક આત્માઓ વિચરી રહ્યા હતા. કેટલાક આત્માઓ એકદમ પ્રકાશમય અને પારદર્શક હતા તો કેટલાક થોડાક આછા રાખોડી રંગના પણ દેખાતા હતા. આત્મા જેટલો પવિત્ર અને નિષ્કામ હોય એટલો એ સફેદ અને પારદર્શક દેખાય અને કર્મનાં બંધન હોય એવા આત્માઓ સૂક્ષ્મ શરીર રૂપે વિચરતા હોય !

મનુષ્ય યોનિની સાથે સાથે યક્ષો અને ગંધર્વો પણ ફરતા હતા. ક્યાંક ક્યાંક પાંખોવાળા દેવદૂતો પણ ઉડતા દેખાતા હતા. રંગબેરંગી વૃક્ષો, સરોવરો, બગીચા, પક્ષીઓ, પ્રાણીઓ બધું જ એને જોવા મળ્યું. પૃથ્વી પર પણ જોયા ન હોય એવા અદભુત રંગો ફૂલોના જોયા.

દૂર દૂર એક મંદિર પણ એને દેખાયું અને કેટલાક ભગવાંધારી સાધુઓ પણ દેખાયા. અત્યારે એ ચોથા લોકમાં હતો. અહીં અલગ અલગ ધર્મોનાં અલગ અલગ ક્ષેત્રો અને મંડળો હતાં. ગુરુજીનો દિવ્ય આત્મા એને સનાતન ધર્મના ક્ષેત્રમાં ફેરવી રહ્યો હતો.

થોડીવારમાં હવામાંથી અચાનક જ સુજાતા દેસાઈનું સૂક્ષ્મ શરીર પ્રગટ થયું. ત્રીજા લોક સુધી સૂક્ષ્મ શરીર સ્થૂળ હોય છે. ચોથા લોકમાં પારદર્શક કહી શકાય એવું હોય છે. જ્યારે પાંચમા લોકમાં જનારા આત્માઓને કર્મોનાં બંધન હોતાં નથી તેથી તે એકદમ પારદર્શક અને પ્રકાશમય હોય છે.

સુજાતાના આત્માએ વાતચીત કરવા માટે પૃથ્વી તત્વ અને જળ તત્વનો આધાર લઈને પૃથ્વી પર દેખાતું હતું એવું શરીર ધારણ કરી લીધું. આત્મા આ રીતે જે પણ સ્વરૂપ ધારણ કરવું હોય તે ધારણ કરી લેતો હોય છે.

" તમારા ગુરુજીએ મને તમારો પરિચય આપ્યો છે. તમે ખૂબ જ પુણ્યશાળી આત્મા છો કે તમને આવા સમર્થ ગુરુ મળ્યા છે નહીં તો સદેહે અહીં આવવું શક્ય નથી. બોલો તમે મને કેમ મળવા માગતા હતા ? " સુજાતાએ કહ્યું. અવાજ ખૂબ જ ધીમો આવતો હતો. પરંતુ મંથન સૂક્ષ્મ જગતમાં જ હોવાથી સ્પષ્ટ સાંભળી શકતો હતો.

"મારે તમને કોઈ પણ અંગત સાંસારિક સવાલો પૂછવા નથી. મારે તમારી અહીંની સ્થિતિ જાણવી છે અને મારા મનમાં કેટલાક પ્રશ્નો છે એનું સમાધાન જોઈએ છે. " મંથન બોલ્યો.

" પૂછો."

" મૃત્યુ વખતે તમને કેવો અનુભવ થયો ? " મંથને સવાલ શરૂ કર્યા.

"મૃત્યુ પહેલાંના દરેકના અનુભવો અલગ અલગ હોય છે. હું હોસ્પિટલમાં હતી અને મને ખૂબ જ વેદના થતી હતી. આખા શરીર ઉપર સોજા હતા. ગળામાં, નાકમાં ટ્યુબો નાખેલી હતી. ગળામાં સખત કફ જામી ગયો હતો. હું બોલી શકતી ન હતી. અંદરથી મને ખૂબ જ વેદના અને મૂંઝવણ થતી હતી. રાત્રે અચાનક હૃદયમાં મને સખત દુખાવો ઉપડ્યો. મારું આખું શરીર જાણે કે કોઈ કપડાની જેમ નીચોવી રહ્યું હતું. એ પીડાનું વર્ણન થઈ શકે એમ નથી." સુજાતાનો આત્મા વર્ણન કરી રહ્યો હતો.

" અચાનક જ કોઈએ જાણે કે મારો આત્મા બહાર ખેંચી લીધો. મારી બધી જ વેદના શાંત થઈ ગઈ. પીડામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગઈ. હું મારા દેહને જોઈ શકતી હતી. હું મારી જાતને એકદમ હલકી ફુલ અનુભવી રહી હતી. મારી દીકરી રડી રહી હતી. મેં એને માથે હાથ ફેરવવા કોશિશ કરી પરંતુ સ્પર્શ થઈ શકતો ન હતો. " સુજાતા બોલી રહી હતી.

"છેલ્લે છેલ્લે હું ઈશ્વર તરફ વળી ગઈ હતી અને સતત ' હરિ ૐ' મંત્રનું સ્મરણ કરતી હતી એટલે મને લેવા માટે બે સાધુ જેવા આત્માનો આવ્યા હતા. એ બે આત્માઓ મને બહુ જ ઊંચે એક દિવ્ય આત્મા પાસે લઈ ગયા. સુંદર બગીચામાં એ બેઠેલા હતા." સુજાતાનો આત્મા બોલી રહ્યો હતો.

" એમની સામે ઉભા રહેતાં જ મારા જન્મથી મૃત્યુ સુધીની સંપૂર્ણ યાત્રા એક ફિલ્મની જેમ મારાં અંતરચક્ષુ સામેથી પસાર થઈ ગઈ. આખા જીવનનું દર્શન થોડીક ક્ષણોમાં મને થઈ ગયું. સારાં ખરાબ કર્મો બધું જ મેં જોઈ લીધું. એ પછીનું વર્ણન હું કરી શકું એમ નથી કારણકે મને કોઈ રોકી રહ્યું છે." સુજાતા બોલતી હતી.

" મેં મારા ખરાબ કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે તાત્કાલિક જન્મ લેવાના બદલે અહીં જ સમય પસાર કરવાનો માર્ગ પસંદ કર્યો છે. હું અહીં ખૂબ જ ખુશ છું. " સુજાતા બોલી.

" અહીં તમને કેવું લાગે છે ? સમય કેવી રીતે પસાર કરો છો ? " મંથન બોલ્યો.

"અહીં દિવસ કે રાત હોતાં નથી. અહીં સમય જેવું પણ કંઈ હોતું નથી. પૃથ્વી ઉપર બધું સમય સાથે જોડાયેલું છે જ્યારે અહીં એવું કંઈ જ નથી. અહીં કોઈ ઋતુઓ પણ હોતી નથી એટલે ઠંડી ગરમીના કોઈ અનુભવ પણ થતા નથી. ઊંઘવાનો કે આરામ કરવાનો પણ હોતો નથી. અમે કાયમ માટે એકદમ સ્ફૂર્તિમાં જ હોઈએ છીએ. જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જઈ શકીએ છીએ. ભૂખ કે તરસ જેવું હોતું જ નથી. છતાં પૃથ્વીની આદતના કારણે જો ભૂખની ઈચ્છા થાય તો જે ભોજનની કલ્પના કરીએ એ ભોજન જમ્યાનો અનુભવ તરત થઈ જાય છે. પાણી પીવાની ઈચ્છા થાય તો સરોવર પાસે અચાનક પહોંચી જઈએ છીએ. અહીં ફળ ફૂલ બધું જ છે. અહીં એવાં પણ ફળ છે જે પૃથ્વી ઉપર ક્યારેય પણ જોયાં નથી. " સુજાતા બોલી રહી હતી.

" પ્રથમ લોકમાં રહેતા પ્રેતાત્માઓનું જીવન વધારે અઘરું હોય છે. અમારી જેમ એમની ઈચ્છા પૂરી થતી નથી. એમને ભૂખ તરસ લાગતી હોય છે કારણ કે અહીંના લોક કરતાં એ નીચેના લોકમાં સૂક્ષ્મ શરીર થોડું સ્થૂળ હોય છે એટલે ભૂખ તરસનો અનુભવ કરે છે. ખાવા પીવાની અને શરીર સુખની વાસના પણ રહે છે અને તેથી અતૃપ્ત પ્રેતાત્મા ભટક્યા કરે છે. દલીચંદ શેઠ કમનસીબે પ્રથમ લોકમાં છે. " સુજાતા બોલી.

"તમે તમારા સ્વજનોના વિચારો જાણી શકો છો ? એમના મૃત્યુ વિશે જાણી શકો છો ? " મંથને પૂછ્યું.

" હા. અમે જેનો વિચાર કરીએ એના વિશે બધું જ જાણી શકીએ. એના વિચારો જાણી શકીએ અને એના ભવિષ્યને પણ જાણી શકીએ. સ્વજન ના મૃત્યુનો વિચાર કરીએ તો એ પણ અમે અગાઉથી જાણી શકીએ. પરંતુ આત્મા જેટલો પવિત્ર હોય એટલો એ આ બધું જાણી શકે. પહેલા અને બીજા લોકમાં વસતા જીવોમાં આ શક્તિ થોડી મર્યાદિત હોય છે. પહેલા લોકમાં રહેતા પ્રેતાત્માઓને કોઈના વિશે જાણવું હોય તો એમને એમના ગાઇડને પૂછવું પડે." સુજાતા બોલી.

" તમે અહીં ક્યાં સુધી રહેવાનાં છો ? તમારા નવા જન્મ વિશે તમને ખબર પડે ? " મંથને પૂછ્યું.

" અમને એક નિશ્ચિત સમય માટે અહીં સમય પસાર કરવાની પરમિશન મળી હોય છે. એ સમય પૂરો થાય એટલે અમારાં કર્મોના ભોગવટા માટે પૃથ્વી ઉપર અનુકૂળ સંજોગો અને વાતાવરણ ઊભું થાય એટલે અમારે જન્મ લેવો જ પડતો હોય છે. દરેકના પોતાના કર્મો પ્રમાણે જે તે સ્થળ અને માતા-પિતા નક્કી કરવામાં આવે છે અને સમય પાકે ત્યારે અમને કહેવામાં આવે છે કે આ જગ્યાએ આ માતાના ગર્ભમાં તમારે હવે જન્મ લેવાનો છે." સુજાતા બોલી રહી હતી.

"અમારાં પાછલાં કર્મોના કારણે નવા જન્મમાં કયાં કયાં સુખ દુઃખ અમારે ભોગવવાં પડશે એ પણ અમને જન્મ લેતાં પહેલાં ખબર હોય છે પરંતુ જન્મ લીધા પછી ઈશ્વરની માયાથી આ બધું ભૂલાઈ જતું હોય છે." સુજાતા બોલી.

"અને સૌથી અગત્યની વાત તો એ છે કે તમારા અને અમારા સમયની ગણના અલગ હોય છે. સૂર્ય બ્રહ્માંડમાં એક રાશિ ચક્ર ફરે એટલે પૃથ્વી ઉપર એક વર્ષ પૂરું થાય જ્યારે અહીં માત્ર એક દિવસ પૂરો થાય. મતલબ તમારું એક વર્ષ બરાબર અમારો એક દિવસ. ઘણીવાર કોઈ જીવનો જન્મ ૧૦૦ વર્ષ પછી થાય તો મતલબ સૂક્ષ્મ લોકમાં તો એણે ૧૦૦ દિવસ જ પસાર કર્યા કહેવાય" સુજાતા બોલી.

મંથન એક બાળકની જેમ આ બધું અચરજથી સાંભળી રહ્યો હતો. આ બધી વાતોથી એને નવાઈ લાગતી હતી !
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post