વારસદાર (Varasdar 79)

Related

વારસદાર પ્રકરણ 79

"અને હા, કાલે રાત્રે ટ્રેનમાં અચાનક ખાર રોડ કેમ ઉતરી ગયો ? તું તો બોરીવલી જવાનો હતો ને ! " મંથને હસીને પૂછ્યું.

નૈનેશ તો આભો બનીને મંથન સામે જોઈ જ રહ્યો !!!

#આવકાર
વારસદાર

નૈનેશ ખરેખર તો બોરીવલી જવા માટે જ નીકળ્યો હતો. પરંતુ બાંદ્રા ક્રોસ કર્યા પછી અચાનક જ એનો વિચાર બદલાઈ ગયો અને એ ખાર રોડ ઉતરી ગયો. કોઈ અદ્રશ્ય શક્તિ એને જૂહુ તારા રોડ ઉપરના બંગલા તરફ ખેંચી ગઈ હતી.

મંથને જ્યારે નૈનેશને હોસ્પિટલમાં આ સવાલ પૂછ્યો ત્યારે નૈનેશ ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો. એને સમજાયું નહીં કે પોતે બોરીવલી જવાના બદલે અચાનક ખાર રોડ ઉતરી ગયો એ ખબર આ મંથનભાઈને કેવી રીતે પડી ?

" તારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તું ખૂબ જ ગભરાયેલો હતો. ડરી ગયો હતો. અને દિશા શૂન્ય બની ગયો હતો એ મેં જોઈ લીધું હતું. મને એ પણ ખબર હતી કે તારા પપ્પા સલામત હતા. એટલે તારો ડર દૂર કરવા અને તારા પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે મેં જ તને ખાર રોડ ઉતરી જવાની પ્રેરણા આપી હતી. અને તેં જોયું કે એનું પરિણામ કેટલું સુખદ આવ્યું !! " મંથન બોલ્યો.

મૃદુલાબેન અને કેતા પણ મંથનની આ વાત સાંભળી રહ્યાં હતાં. એ પણ આશ્ચર્ય પામી ગયાં. મંથન સર પરિવારને એક કરવા માટે કેટલું બધું કરી રહ્યા હતા ?

"પરંતુ તમને કેવી રીતે ખબર પડી મંથનભાઈ કે હું બોરીવલી જવાનો હતો ? અને ખાર ઉતરી જવાનો નિર્ણય તો મારો પોતાનો જ હતો ને ? તો તમે પ્રેરણા કેવી રીતે આપી? મારો મતલબ તમે તો મને ક્યાંય મળ્યા જ ન હતા !" નૈનેશ બોલ્યો.

" અરે ભાઈ આ બધી વાતો સમજવા માટે તું હજુ બહુ નાનો છે. મંથન સર શું કરી શકે એમ છે એ તને કંઈ ખબર જ નથી ! ધ્યાનની સતત પ્રેક્ટિસના કારણે એમનું માઈન્ડ સુપર પાવર બની ગયું છે. એ અહીં બેઠા બેઠા પણ ઘણું જોઈ શકતા હોય છે. " કેતા બોલી.

નૈનેશ એ વાત તો સ્વીકારી જ શકતો હતો કે પોતે અચાનક જ ખાર રોડ ઉતરી ગયો હતો. અને કોઈ અજાણી શક્તિ એને જૂહુ તારા રોડના બંગલા તરફ ખેંચી રહી હતી. પરંતુ એ વાત એના મગજમાં નહોતી બેસતી કે એ પ્રેરણા આ મંથનભાઈએ આપી હતી !

"વિશ્વાસ નથી આવતો ને ? સારું. તારો મોબાઈલ તું ઘરે ભૂલી ગયો હતો બરાબર ? તું બોરીવલી જવા માગતો હતો. પરંતુ તારા મિત્ર સૌમિલનું એડ્રેસ તારી પાસે ન હતું. સૌમિલનો નંબર તારા મોબાઇલમાં સેવ હતો એટલે મોબાઈલ વગર તું એને ફોન પણ કરી શકતો ન હતો. તારા માટે બધા જ રસ્તા બંધ હતા. બોલ હવે કંઈ કહેવું છે ?" મંથન હસીને બોલ્યો.

" માની ગયો તમને બૉસ !! તમે તો ખરેખર જાદુગર છો. એકદમ સાચી વાત. હવે મને તમારી વાતમાં વિશ્વાસ આવે છે કે હું ખાર રોડ કેમ ઉતરી ગયો !! " નૈનેશ બોલ્યો.

"હા નૈનેશ. તારી મૂંઝવણ જોઈને તારા સબકોન્સિયસ માઈન્ડ ઉપર ફોકસ કરીને મેં તને ખાર રોડ ઉતરી જવાની સૂચના આપી. એટલું જ નહીં જૂહુ તારા રોડ ઉપરના બંગલે જવાનો પણ આદેશ કર્યો." મંથન બોલ્યો

" બેટા મંથનભાઈ ઉંમરમાં હજુ યુવાન છે પરંતુ આપણા બધા કરતાં એ ઘણા બધા આગળ છે. હું ગઈ કાલે જે બચી ગયો છું એની પાછળ પણ એમનો હાથ છે. તું અને આ કેતા આજે આટલા પ્રેમથી ભેગાં થઈને મને મળવા આવ્યાં એની પાછળ પણ આપણા બધાના હિતેચ્છુ આ મંથન ભાઈ છે !! " તલકચંદ બોલ્યા.

" થેન્ક્યુ મંથનભાઈ ! તમે મારા પરિવાર માટે જે પણ કર્યું એ માટે હું પણ તમારો આભાર માનું છું. તમારી પાસે કોઈ ડિવાઇન પાવર છે એ તો મને હવે ખ્યાલ આવી ગયો. મને મારા પરિવાર ભેગો કરવા બદલ દિલથી આભાર માનું છું. નહીં તો આ કેતાદીદી ની મુલાકાત ક્યારે પણ ના થાત !!" નૈનેશ બોલ્યો.

"હવે સાંભળ...ગઈકાલે રાત્રે હું અહીં આવ્યો એ પછી તારી વાઇફને મેં સમજાવીને ઘરે મોકલી દીધી છે. ખોટું ના લગાડતો નૈનેશ, પણ તારી વાઇફમાં નેગેટિવ એનર્જી બહુ જ છે. ખૂબ જ સ્વાર્થ અને નફરતના ભાવો એની ઓરામાં મને દેખાયા. તારા વિચારો એણે જ બદલ્યા છે. પહેલીવાર તેં તારા પરિવારનો પ્રેમ જોયો છે. ઘરે ગયા પછી હવે તું એની વાતોમાં ના આવતો. જીવનમાં કેટલાંક પાત્રો જોડવા માટે આવે છે તો કેટલાંક પાત્રો તોડવા માટે." મંથન બોલ્યો.

"તમારી વાત સાચી છે મંથનભાઈ. લગ્ન કર્યા પછી પપ્પાને છોડીને જુહુ તારાના સ્વતંત્ર બંગલામાં એકલા રહેવા જવાનું એણે ઘણીવાર દબાણ કર્યું હતું. પરંતુ પપ્પાને હું એકલા છોડવા માગતો ન હતો. વીલ બની ગયા પછી એણે જ મને સતત ઉશ્કેર્યો હતો એ હવે મને સમજાય છે." નૈનેશે કબૂલ કર્યું.

" હા એટલે જ કહું છું. તારો સંસાર હું તોડવા નથી માગતો પરંતુ એની વાતોમાં તું ના આવતો. તને જે યોગ્ય લાગે એ જ તું કરજે. તારા પિતા હવે વધુમાં વધુ ચાર પાંચ વર્ષના મહેમાન છે. એ છે ત્યાં સુધી પિતાનું સુખ ભોગવી લે અને તારી માતા પણ મેં મેળવી આપી છે. માનો પ્રેમ હજુ તેં જોયો જ નથી. એ તને એટલો પ્રેમ કરશે કે આખી જિંદગીની ખોટ પૂરાઈ જશે ! " મંથન બોલ્યો.

"એ તો મને કાલે રાત્રે જ સમજાઈ ગયું. હું તો હવે મારા પરિવાર સાથે જ રહેવા માગું છું. માતા અને પિતા બંનેમાંથી કોઈને પણ છોડવા માગતો નથી." નૈનેશે કહ્યું.

" અને હું હવે તને અલગ થવા દઈશ પણ નહીં. આટલા વર્ષો પછી મને મારો ભાઈ મળ્યો છે. " કેતા લાગણીથી બોલી.

એ પછી કેતા થર્મોસમાં જે ગરમ ચા લઈને આવી હતી એ એણે બે કપમાં કાઢી અને મંથન તેમ જ પપ્પાને આપી. મંથને હજુ બ્રશ કર્યું ન હતું છતાં એણે ચા પી લીધી.

"સર નાસ્તો કરવાની કોઈ ઈચ્છા હોય તો નૈનેશ નીચે કેન્ટીનમાં જઈને લઈ આવશે" કેતા બોલી.

" હા મંથનભાઈ પાંચ જ મિનિટમાં જે ગરમ નાસ્તો મળે તે લઈને આવું છું." નૈનેશ બોલ્યો.

" ના.... હું હવે ઘરે જાઉં છું. ધ્યાન તો સવારે પાંચ વાગે ઊઠીને કરી દીધું પરંતુ માળા કરવાની બાકી છે. તમે લોકો શાંતિથી બેસો. પપ્પાને કાલ સુધીમાં રજા આપી દેશે." કહીને મંથને ચા પી લીધી અને ઉભો થઈ ગયો.

તલકચંદ પોતાના પરિવારને એક સાથે આ રીતે આનંદમાં જોઈને અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મંથન પાસે ખરેખર કોઈ મોહિની શક્તિ હતી. એ બધાને વશ કરી લેતો હતો. જે સાવ અશક્ય હતું એ એણે શક્ય કરી બતાવ્યું હતું !!

મંથન ગયા પછી લગભગ અડધા કલાકમાં જ શીતલ અને રાજન દેસાઈ આવી ગયાં. શીતલ આવા પ્રસંગે પણ બની ઠનીને આવી હતી. સમાચાર જોવાની ટેવ ન હોવાથી શીતલને તો કંઈ ખબર હતી જ નહીં. રાત્રે કેતાએ જ શીતલને બધી વાત કરી હતી. પપ્પા હેમખેમ હતા એ વાત પણ એણે કરી હતી.

રાજન દેસાઈ ડાયમંડ માર્કેટમાં જ હોવાથી એને નૈનેશનો ચહેરો જાણીતો લાગ્યો. જો કે અંગત રીતે એ એને ઓળખતો ન હતો. પંચરત્નમાં એને ક્યારેક ક્યારેક જવાનું થતું એટલે કયાંક જોયો હોય એવું લાગ્યું.

"ભાઈ આ તારી બહેન શીતલ. એ મારા કરતાં નાની છે. અને શીતલ આ નૈનેશ છે આપણો ભાઈ. રાત્રે એ અમારા ઘરે જુહુમાં જ રોકાયો હતો." કેતાએ નૈનેશનો પરિચય કરાવ્યો.

" હેલો દીદી ... " કહીને નૈનેશે બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

" તારા સગા પિતા ઉપર તું ગોળી કઈ રીતે ચલાવી શકે ? " શીતલે નમસ્કાર કરવાના બદલે સીધો સવાલ કર્યો.

" શીતલ હવે આવા કોઈ સવાલો કરીશ નહીં. પપ્પાને હવે સારું છે. અને નૈનેશથી જે પણ ભૂલ થઈ ગઈ છે એ બદલ એને પોતાને પણ ખૂબ જ પસ્તાવો છે. પપ્પાએ પણ એને માફ કરી દીધો છે. " કેતા બોલી.

" અને નૈનેશ તારે પણ શીતલની વાતથી માઠું લગાડવાની કોઈ જરૂર નથી. એનું આવું રીએક્શન આવે એ સ્વાભાવિક છે. તને હવે આવા સવાલ કોઈ નહીં પૂછે ભાઈ. " કેતાએ નૈનેશને પણ આશ્વાસન આપ્યું. શીતલનો સવાલ કેતાને ગમ્યો ન હતો.

" મેં તને જોયેલો છે નૈનેશ. હું પણ ડાયમંડ માર્કેટમાં જ છું અને ક્યારેક ક્યારેક પંચરત્ન આવવાનું થતું હોય છે. તને આજે બધાની સાથે જોઈને મને ખરેખર આનંદ થયો છે. " રાજને વાતાવરણને હળવું કરવા માટે કહ્યું.

" નૈનેશ આ રાજન દેસાઈ આપણા જીજુ છે. " કેતાએ રાજનનો પણ પરિચય કરાવ્યો.

" જી.. નમસ્તે" નૈનેશે રાજન સામે બે હાથ જોડ્યા.

નૈનેશને બધાની વચ્ચે શીતલના આવા સવાલથી માઠું તો લાગ્યું જ હતું પરંતુ એણે પોતે ગુનો કર્યો જ હતો એટલે બહુ મન ઉપર ના લીધું. ગમે તેમ તોય એ પોતાની મોટી બહેન હતી. અને એ તો હવે લગ્ન કરીને સાસરે ગઈ હતી. એને કેતાદીદીનો સ્વભાવ બહુ જ સારો લાગ્યો.

" કેતાદીદી તમે લોકો વાલકેશ્વરના બંગલે આવી જાઓ. આપણે બધાં હવે સાથે જ રહીશું. " નૈનેશ બોલ્યો.

"એના કરતા બેટા.. તમે બંને જૂહુના બંગલે શિફ્ટ થઈ જાઓ. મારી પોતાની ઈચ્છા પણ હવે જિંદગીના પાછલા દિવસો જૂહુના બંગલામાં રહીને કેતાની સેવા લેવાની છે. પ્રોબ્લેમ એક જ છે કે તારી વાઈફ જૂહુ આવવા તૈયાર નહીં થાય. એને સ્વતંત્રતા જોઈએ છે." તલકચંદ બોલ્યા.

" હા પપ્પા... એ જ મોટો પ્રોબ્લેમ છે. કંઈ વાંધો નહીં. હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો નહીં માને તો હું એકલો જૂહુના બંગલે આવતો જતો રહીશ. મને પણ મમ્મી પપ્પાની સાથે રહેવાની હવે ઈચ્છા છે. આખી જિંદગી એકલો જ રહ્યો છું." નૈનેશ બોલ્યો.

"તારું જ ઘર છે ભાઈ. જો ભાભી માને તો આપણે બધાં સાથે રહી શકીશું. જો ન જ માને તો પછી તને જ્યારે પણ મન થાય ત્યારે તું આવીને થોડા દિવસ રહી શકે છે. " કેતા બોલી

બીજા દિવસે સાંજે તલકચંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે એ સીધા જૂહુ તારા રોડ ઉપરના બંગલા ઉપર જ ગયા. એ દિવસે નૈનેશ પણ કેતાની ગાડીમાં પપ્પાને મૂકવા જૂહુ ના બંગલે ગયો. શીતલ બંગલામાં જ રોકાઈ ગઈ જ્યારે રાજન દેસાઈએ ઘરે જવાનું નક્કી કર્યું.

નૈનેશની ઈચ્છા તો આજે પણ રોકાવાની હતી પરંતુ પોતાની પાસે બદલવાનાં કપડાં જ ન હતાં એટલે એ પણ રાજન દેસાઈની ગાડીમાં સ્ટેશન સુધી જવા માટે નીકળી ગયો.

"આ મંથનભાઈ તો ગજબના છે હોં જીજુ ! હું તો એમને પહેલી વાર જ મળ્યો પરંતુ એમની શક્તિઓ જોરદાર છે. " નૈનેશ બોલ્યો.

" અરે મંથન તો મારો મિત્ર છે. અમે બંને અમદાવાદ કોલેજમાં સાથે જ ભણેલા. અત્યારે તો એ પણ અબજોપતિ પાર્ટી છે. બિલ્ડર લોબીમાં એનું નામ છે. શીતલ અને કેતાદીદી ને મુંબઈમાં એ જ લઈ આવ્યો. શીતલ સાથે મારાં લગ્ન પણ એણે જ કરાવી આપ્યાં. " રાજને નૈનેશને મંથનનો પૂરો પરિચય આપ્યો.

" મંથન ઉપર એના ગુરુજીની બહુ જ કૃપા છે. અને એ વર્ષોથી ગાયત્રી મંત્રના જાપ કરતો હોવાથી એની પાસે કેટલીક દિવ્ય શક્તિઓ પણ છે. જો કે હમણાં હમણાંથી એ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણો આગળ વધી ગયો છે અને ધારેલું કામ કરી શકે છે. દિલનો એકદમ ચોખ્ખો માણસ છે. હંમેશા બીજાના માટે જ જીવે છે એમ કહી શકાય." રાજન બોલ્યો.

"તને ખબર છે અત્યારે એ વસઈમાં જનની ધામ બનાવી રહ્યો છે ! મુંબઈમાં સંતાનોએ છોડી દીધેલી ગરીબ વિધવા માતાઓને દત્તક લઈને જનની ધામમાં એ આશ્રય આપશે અને તમામ પ્રકારની સેવાઓ પણ આપશે. આવો વિચાર તો મંથનને જ આવી શકે !!" રાજન બોલ્યો.

" ગ્રેટ.. !! હું તો પહેલીવાર આવું બધું સાંભળી રહ્યો છું. કારણ કે નાનપણથી શ્રીમંતાઈમાં જ ઉછર્યો છું. " નૈનેશ નીખાલસતાથી બોલ્યો.

" તને ક્યાં ઉતારું ? મારા ઘરે આવવું હોય તો કાંદીવલી લઈ જાઉં " રાજન બોલ્યો.

" મારી ગાડી ચર્ની રોડ સ્ટેશને પડી છે. તમારે કાંદીવલી બાજુ જવું હોય તો મને અંધેરી સ્ટેશન ઉતારી દેશો તો પણ ચાલશે. " નૈનેશ બોલ્યો.

" હું પાર્લા સ્ટેશને જ ઉતારી દઉં છું. " રાજન બોલ્યો અને એણે ગુલમહોર રોડ થઈ ભાઈદાસ હોલ ક્રોસ કરીને સિગ્નલથી ગાડીને સીધી વિલે પાર્લે સ્ટેશન તરફ લીધી.

પોતાની ગાડી ચર્ની રોડ સ્ટેશન ઉપર પડી હતી એટલે વિલે પાર્લે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને એ ચર્ની રોડ ગયો અને ત્યાંથી ગાડી લઈને એ વાલકેશ્વર ગયો.

મંથન હોસ્પિટલથી સીધો મલાડ ગયો. મલાડથી મલબાર હિલનું અંતર વધારે હતું અને સિગ્નલો પણ ઘણાં આવતાં હતાં એટલે રાત્રે એ ટ્રેનમાં જ આવ્યો હતો. હોસ્પિટલથી ટેક્સી કરીને એ મરીન લાઈન્સ આવ્યો અને ત્યાંથી મલાડની ટ્રેઈન પકડી.

ઘરે આવીને સૌથી પહેલાં એણે બ્રશ કર્યું. હોસ્પિટલમાં બ્રશ વગર ચા તો પી લીધી હતી પરંતુ બ્રશ કર્યા વગર એને મજા નહોતી આવતી. એ પછી એણે નાહી લીધું અને પોતાની માળા પૂરી કરી. ધ્યાન કરવાનો આજે એની પાસે સમય ન હતો.

ચા પીતી વખતે અદિતિ સાથે બધી જ વાતો વિગતવાર એણે શેર કરી.

" ક્યારેક ક્યારેક કોઈ ઘટના નવા સંજોગોનું નિર્માણ કરતી હોય છે અદિતિ. આપણે ઘણીવાર ઈશ્વરની લીલા સમજી શકતા નથી. જો નૈનેશે તલકચંદને ગોળી મારી ન હોત તો આજે તલકચંદનો આખો પરિવાર જે રીતે એક થઈ ગયો એ ક્યારેય પણ ના થયો હોત ! અને નૈનેશના મનમાં એની સ્ટેપ મધર અને બહેનો તરફ નફરત ચાલુ જ રહી હોત !!

" તમારી વાત એકદમ સાચી છે મંથન. મને એ વાતનો આનંદ છે કે કેતાદીદી ના પરિવારને ભેગો કરવામાં તમે જ નિમિત્ત બન્યા છો ! તર્જનીને એનો હક અપાવવામાં પણ તમે જ ભાગ ભજવ્યો છે. શિલ્પાબેનનાં લગ્ન પણ તમે જ જયેશભાઈ સાથે કરાવી આપ્યાં. તમારો જન્મ જ કદાચ આવાં બધાં કાર્યો માટે થયો છે. તમે જે જનની ધામની વાત કરી એવો વિચાર પણ આજ સુધી કોઈને આવ્યો નથી !! " અદિતિ પોરસાઈને બોલી.

" અદિતિ સાવ સાચું કહું ને તો આ બધો જ યશ તને જાય છે. કારણ કે તારી સાથે જો લગ્ન ના થયાં હોત તો હું મુંબઈ સેટલ થવાનો જ ન હતો. અને આ જે પણ ઘટના ચક્રો બન્યાં તે ક્યારેય પણ બનવાનાં ન હતાં. તારાં પગલાં મારા માટે શુકનિયાળ છે !!

"રહેવા દો હવે. બીજાને યશ આપવાનું તો કોઈ તમારી પાસેથી જ શીખે !! કોઈ દિવસ પોતે યશ લેતા જ નથી. આટલાં સારાં કામ કરો છો છતાં યશ હંમેશા બીજાને જ આપો છો. વર્ષોથી હું તમને ઓળખું છું." અદિતિ બોલી.

મંથનની વાતો સાંભળીને અદિતિને મંથન માટે એટલું બધું વહાલ ઉભરાઈ આવ્યું કે જો વીણામાસી ત્યાં ન હોત તો એ મંથનને વળગી પડી જ હોત !!
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post