"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!

પ્રાયશ્ચિત (Prayaschit-25)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ - 25

કેતને આશિષ અંકલની ઓફિસમાંથી બહાર નીકળીને ગાડી પ્રતાપ અંકલના ઘર તરફ લેવડાવી. ઘરેથી નીકળ્યો ત્યારે તો ઘારીનું બોક્સ આપવાના બહાને ઊંડે ઊંડે વેદિકાને મળવાની ઈચ્છા પણ હતી. પરંતુ આશિષ અંકલે એને જે વાત કરી એનાથી એ ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો હતો.

#આવકાર
પ્રાયશ્રિત

એ અમેરિકા રહેલો હતો. આધુનિક વિચારસરણી વાળો હતો. બ્રોડ માઈન્ડેડ હતો. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી હોતો. વેદિકાએ પોતે એને એના ભૂતકાળ વિશે થોડીક વાત કરી હોત તો એને કોઈ જ વાંધો ન હતો. પરંતુ બહારથી આ વાત જાણવા મળી એના કારણે એ થોડો વ્યથિત હતો.

વેદિકા ને એ બે વાર મળ્યો હતો. એકવાર પણ એણે પોતાના પાસ્ટ વિશે કોઈ જ ઈશારો કર્યો ન હતો. એ રિલેશનશિપ કેટલી ઊંડી હતી એ જાણવું જરૂરી હતું. પ્રેમમાં આજકાલ પ્રેમીઓ ઘણી બધી છૂટ લઇ લેતાં હોય છે આગળ વધી જતાં હોય છે. માત્ર નિર્મળ પ્રેમ સુધી આ સંબંધો મર્યાદામાં રહ્યા હશે તો કેતન ને કોઈ જ વાંધો ન હતો ! પણ શારીરિક સંબંધો જો થયા હોય તો બેશક એને મંજૂર ન હતું !!

પણ આ જાણવું કઈ રીતે ? શું વેદિકા એટલી પ્રમાણિક હશે ? અને વેદિકા જો એમ કહે કે પોતે આજે પણ એટલી જ પવિત્ર છે તો એની વાતો ઉપર વિશ્વાસ કેટલી હદે રાખવો ? કેતન ખરેખર હવે અપસેટ થઈ ગયો હતો.

એવું ન હતું કે કેતને જાનકીના બદલે વેદિકા ઉપર પસંદગી ઉતારી હતી. પરંતુ એ બંને પાત્રો તરફ એ આકર્ષાયો તો જરૂર હતો !! એટલે લગ્ન માટે આ બંને પાત્રો એકબીજાની હરીફાઈમાં તો હતાં જ.

વિચારોમાં ને વિચારોમાં જ વ્રજભૂમિ સોસાયટી આવી ગઈ. પ્રતાપ અંકલના બંગલા પાસે ગાડી પાર્ક કરી ઘારીનું બોક્સ હાથમાં લઈ કેતને ઘરમાં પ્રવેશ કર્યો.

" અરે કેતનકુમાર તમે !!" દમયંતીબેન સફાળાં ઉભાં થઈ ગયાં.

" હા.. સુરત ગયો હતો એટલે તમારા લોકો માટે ઘારી લેતો આવ્યો હતો." કેતને સોફા ઉપર બેઠક લેતાં કહ્યું અને દમયંતીબેનના હાથમાં ઘારીનું બોક્સ આપ્યું.

" ઘરમાં તમારા સિવાય કોઈ નથી ? " કેતને પૂછ્યું.

" છે ને !! વેદિકા બાથરૂમમાં નહાવા ગઈ છે. એને રોજ સાંજે નહાવાની ટેવ છે. તમારા અંકલ બહાર ગયા છે. એ પણ થોડીવારમાં આવી જશે. " દમયંતીબેન બોલ્યાં અને પાણી લાવવા માટે ઊભાં થયાં.

" તમને ચા ફાવશે કે ઠંડુ લેશો ? અને આવ્યા જ છો તો અત્યારે જમવાનું અહીં જ રાખો. " પાણીનો ગ્લાસ કેતન ના હાથમાં આપીને દમયંતીબેન બોલ્યાં.

" ના માસી અત્યારે કંઈ જ નહીં. બસ આ પાણી પી લીધું. વેદિકા બહાર નીકળે એટલે હું જાઉં " કેતન બોલ્યો.

દમયંતીબેન બાથરૂમ પાસે ગયાં અને બાથરૂમનો દરવાજો ખટખટાવી ને મોટેથી વેદિકા ને કહ્યું.

" વેદી...જલદી બહાર નીકળ. કેતનકુમાર આવ્યા છે. "

" બસ પાંચ મિનિટ.. મમ્મી ! " વેદિકાએ અંદરથી જવાબ આપ્યો.

" તમારું નામ દીધું એટલે હવે પાંચ મિનિટમાં બહાર આવી જશે. નહીં તો અમારી વેદી આરામથી અડધા કલાકે બહાર નીકળે. પાણી જોઈને ગાંડી થઈ જાય. " દમયંતીબેને સોફા પર બેઠક લેતાં કહ્યું.

લગભગ સાતેક મિનિટ પછી માથા ઉપર ટુવાલ વીંટીને વેદિકા બહાર આવી અને ઝડપથી પોતાના બેડરૂમમાં ઘૂસી ગઈ. કેતન એને જોઈ જ રહ્યો. સદ્યસ્નાતા નવયૌવના હંમેશા આકર્ષક જ લાગતી હોય છે !!

દસેક મિનિટમાં એ વ્યવસ્થિત કપડાં પહેરીને બહાર આવી. પિંક કલરની કુર્તી અને બ્લેક પ્લાઝો એણે પહેર્યાં હતાં. ગોરી ચામડી ઉપર આ ડ્રેસ એને ખૂબ જ જામતો હતો.

"આવતા પહેલાં ફોન ના કરાય સાહેબ ? તો કમસે કમ તમારે આટલું વેઇટ તો ના કરવું પડે !! " વેદિકા બોલી.

" ક્યારેક સરપ્રાઈઝ આપવામાં પણ મજા છે. આવવાનો કોઈ પ્લાન ન હતો. માત્ર સુરતની ઘારી આપવા આવ્યો છું. આજે બપોરે જ સુરતથી આવ્યો. " કેતને જવાબ આપ્યો.

" બેડરૂમમાં બેસીશું ? " વેદિકા બોલી.

" ના..ના.. તમે લોકો વાતો કરો. હું તો રસોડામાં જાઉં છું " કહીને દમયંતીબેન ઊભાં થઈ ગયાં.

પરંતુ કેતનને વેદિકા સાથે અંગત ચર્ચા કરવી હતી એટલે એણે બેડરૂમમાં બેસવાનું પસંદ કર્યું.

"આપણે બેડરૂમમાં બેસીને જ વાતો કરીશું. કારણકે થોડીવારમાં અંકલ પણ આવી જશે." કેતન બોલ્યો અને ઉભો થયો.

બન્ને જણાં બેડરૂમમાં ગયાં અને પોતપોતાની બેઠક લીધી.

" હા તો હવે તમે શું કહેતા હતા ? સુરત જઈને શું વાતો કરી આવ્યા ? મારી કોઈ ચર્ચા કરી ? " વેદિકા બોલી.

" બીજુ તો કોઈ કંઈ ના બોલ્યુ પણ શિવાનીએ તારો ફોટો જોવા માગ્યો. અને મારા મોબાઈલમાં તો તારો કોઈ ફોટો હતો જ નહીં એટલે બિચારી નિરાશ થઈ ગઈ " કેતને કહ્યું.

" તમે પણ ખરા છો ને કેતન !! જ્યારે શિવાનીબેને મારો ફોટો જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મને તરત ફોન ના કરી દેવાય ? અથવા કમસે કમ મેસેજ તો કરી શકો ને કે તાત્કાલિક ફોટો મોકલ !! આપણે ક્યાં જૂના જમાનામાં જીવીએ છીએ સાહેબ કે ટપાલમાં ફોટો મંગાવવો પડે ? " વેદિકા હસીને બોલી.

" હા સાલું એતો મને યાદ જ ના આવ્યું." કેતને કબૂલ કર્યું.

" ચિંતા ના કરો. હું તમને આજે બે-ત્રણ સારા ફોટોગ્રાફસ વોટ્સએપ કરી દઈશ. તમે શિવાનીબેનને મોકલી દેજો. " વેદિકા બોલી.

" ઓકે ઓકે... હવે બોલ તારું કોલેજ લાઈફ કેમ ચાલે છે ? અમારા સુરતની જેમ તમારા જામનગરની કોલેજોમાં પ્રેમી યુગલો જોવા મળે છે કે નહીં ? અમારું સુરત અને મુંબઈ આવી બધી બાબતોમાં બહુ એડવાન્સ છે ! મોટાભાગના યુવક યુવતીઓ ક્યાંકને ક્યાંક રિલેશનશિપમાં બંધાઈ જતાં હોય છે " કેતને સાચવી રહીને દિલની વાત રમતી મૂકી.

" એનો મતલબ તમે સુરતમાં ભણ્યા છો એટલે તમે પણ રિલેશનશિપમાં રહી ચૂક્યા છો એમ ને ?" વેદિકાએ હસીને સામો સવાલ ઉઠાવ્યો.

" રિલેશનશિપમાં તો હું બિલકુલ ન હતો અને હું છોકરીઓથી હમેશાં દૂર જ રહ્યો છું. મારી એક ગર્લફ્રેન્ડ ચોક્કસ હતી પણ અમારા સંબંધો માત્ર નિર્દોષ મૈત્રીના હતા. તારો પણ કોઈ બોયફ્રેન્ડ તો હશે જ ને ?" કેતને પણ હસીને પૂછ્યું.

" અમારું જામનગર સુરત અને મુંબઈ જેટલું એડવાન્સ નથી સાહેબ. અહીંની કોલેજોમાં રોમાન્સનો એટલો બધો પ્રવેશ થયો નથી. કોલેજોમાં લવ અફેર્સ ની ટકાવારી અહીંયા માત્ર દસ-વીસ ટકા માંડ હશે." વેદિકા બોલી.

" હું સમજી શકું છું વેદિકા. તારા પાસ્ટમાં કદાચ કોઈ હોય તો પણ મને કોઈ જ ફરક નથી પડતો. કોઈનો ભૂતકાળ ફંફોળવાની મને ટેવ નથી. હું તો એટલું જ માનું છું કે વ્યક્તિએ લગ્નના સંબંધોમાં નિખાલસ અને પ્રમાણિક રહેવું જોઈએ. " કેતન વેદિકા સામે જોઇને બોલ્યો.

હવે વેદિકા અંદરખાને થોડીક મૂંઝાઈ ગઈ. કેતનને શું જવાબ આપવો ? શું કેતનને જયદેવ સોલંકી સાથેના મારા પ્રેમપ્રકરણની કોઈએ જાણ કરી હશે ? કે પછી કેતન એમ જ પૂછી રહ્યા છે ?

માની લો કે અત્યારે એમને મારા પાસ્ટ વિશે કોઈ ખબર નથી. પરંતુ જો કેતન સાથે જ લગ્ન થાય તો એ તો કાયમ માટે જામનગરમાં જ સેટલ થવાના છે એટલે મારા લવ અફેર્સની ક્યારેક તો એમને જાણ થાય જ. ના... મારે કોઈ પણ સંજોગોમાં જે સત્ય છે એ તો એમને કહેવું જ પડશે.

" તમારી વાત સાચી છે કેતન. દરેક વ્યક્તિએ લગ્નના સંબંધોમાં પ્રમાણિક રહેવું જ જોઈએ. આપણી વચ્ચે હજુ બે જ મુલાકાતો થઇ છે. સંબંધો આગળ વધે અને તમે લગ્ન માટે પોઝિટિવ જવાબ આપો ત્યારે આ બધી ચર્ચા કરવાની મારી ઈચ્છા હતી. પરંતુ આજે તમે એ ચર્ચા કાઢી જ છે તો હું પણ મારા પાસ્ટ વિશે તમને કંઈક કહેવા માગું છું. "

" એક વાત અત્યારે જ હું તમને કહી દઉં કે હું ખોટું બોલતી નથી. તમે મને પસંદ છો અને આપણાં લગ્ન થાય એવી મારી દિલની ઈચ્છા છે. છતાં માત્ર લગ્નની લાલચે હું તમારી સામે ખોટું નહીં બોલું કે મારી જાત સાથે પણ કોઈ છેતરપિંડી નહીં કરું. સત્ય કદાચ શરૂઆતમાં આંચકો આપી જાય તોપણ એના પાયા મજબૂત હોય છે. મારી વાત ઉપર વિશ્વાસ રાખવો કે ન રાખવો એ તમારી ઉપર છોડી દઉં છું. " વેદિકા બોલી.

" આયુર્વેદ કોલેજ માં ભણતી હતી ત્યારે સેકન્ડ યરમાં જયદેવ સોલંકી સાથે મારી મિત્રતા થયેલી. એ ખૂબ જ ખાનદાન યુવાન હતો. એના પપ્પા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા છતાં જયદેવમાં કોઈ જ એબ ન હતી. એ સારો ક્રિકેટ પ્લેયર હતો. હેન્ડસમ હતો. કોલેજનાં નાટકોમાં પણ એ ભાગ લેતો એટલે હું એનાથી આકર્ષાઈ હતી. ધીમે ધીમે અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. કોલેજ છૂટી ગયા પછી પણ અમે ક્યારેક-ક્યારેક છાની રીતે મળતાં રહેતાં." વેદિકા બોલી.

" આયુર્વેદની ડીગ્રી મળી ગઈ એ પછી અમે લગ્ન કરવાનું પણ નક્કી કરેલું. પરંતુ એક દિવસ મારા પપ્પાને અમારા સંબંધોની કોઈએ જાણ કરી. અને માત્ર બે જ દિવસમાં અમારા સંબંધોનો કાયમ માટે અંત આવી ગયો." વેદિકા બોલતી ગઈ.

" મારા પપ્પાનું જામનગરમાં મોટું નામ છે અને એમની વગ પણ ઘણી છે. ખબર નહીં એમણે જયદેવને મળીને એવી ધમકી આપી કે બીજા જ દિવસે જયદેવનો મારા ઉપર મેસેજ આવી ગયો કે આપણા સંબંધો આજે પૂરા થાય છે વેદી અને હવે પછી ક્યારે પણ મને મળવાની કોશિશ કરીશ નહીં. મેસેજ કરીને એણે મારો નંબર જ બ્લોક કરી દીધો. મારી જેમ એ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એટલે અત્યારે પણ એ કોલેજમાં મળે કે બહાર મળે તો મારી સામે જોતો પણ નથી. બસ આ મારો ભૂતકાળ છે સાહેબ ' વેદિકા બોલી.

" આ સિવાય તારે બીજું કંઈ કહેવું છે ? સ્પષ્ટ કહું તો આ સંબંધો કેટલા અંગત હતા ? જે પણ હોય હું સાંભળવા તૈયાર છું અને ફરી કહું છું કે સાંભળ્યા પછી મને કોઈ ફરક નહીં પડે. મને પ્રમાણિકતા ગમે છે. " કેતન બોલ્યો.

" ના કેતન.. અમુક મર્યાદાથી હું આગળ વધી નથી. સ્પષ્ટ કહું તો પ્રેમના આવેશમાં કરેલા આલિંગનથી વધારે અમારા બેઉની વચ્ચે કંઈ જ ન હતું !! અને એ પણ અમારા લગભગ બે વર્ષના સંબંધોમાં માત્ર બે જ વાર !! " વેદિકાએ કહ્યું.

" રિલેક્સ.. આઈ ટ્રસ્ટ યુ !! છેલ્લો એક સવાલ. પપ્પાએ ભલે તમારા સંબંધો તોડાવી નાખ્યા છતાં આજે પણ તું એને પ્રેમ કરે છે ? તારા દિલને પૂછીને જવાબ આપ. માની લો કે ગમે તેમ કરીને હું તમારા બંનેનાં લગ્ન કરાવી આપું તો તું તૈયાર છે ? પપ્પાની ચિંતા તું ના કરીશ. એ જવાબદારી મારી. હું સ્વાર્થી નથી. " કેતને સવાલ પૂછીને વેદિકાને આશ્ચર્યમાં મૂકી દીધી. વેદિકા ક્લીન બોલ્ડ થઈ ગઈ.

" એનો મતલબ તમે મારી સાથે લગ્ન કરવા ઈચ્છતા નથી ? " થોડીવાર પછી વેદિકાએ સામો સવાલ પૂછ્યો.

" ખોટો સવાલ પૂછ્યો વેદિકા. મારા સવાલની પાછળ એવો જરા પણ મતલબ નથી. ફરી કહું છું કે હું સ્વાર્થી નથી. હું બીજાનો વિચાર સૌથી પહેલાં કરું છું. તમારા બેઉ વચ્ચે બે વર્ષની રિલેશનશિપ છે. અને તું જો એને આજે પણ ભુલી શકી ના હોય અને સાચા હૃદયથી પ્રેમ કરતી હો તો હું ૧૦૦% તારાં લગ્ન જયદેવ સાથે કરાવી શકું એમ છું. તારું સુખ અને તારો આનંદ મારા માટે વધારે મહત્વનાં છે. લોકોમાં ખુશીઓ વહેંચવા માટે તો મારો જનમ છે. " કેતન બોલ્યો.

કેતનની વાત સાંભળીને વેદિકા તો આભી બનીને કેતનની સામે બસ જોઈ જ રહી !! એ તરત કોઈ જવાબ આપી શકી નહીં. કેતન મારાં લગ્ન જયદેવ સાથે કરાવશે ? આટલી બધી મહાનતા છે આ વ્યક્તિમાં !!!

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts. Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post