"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!

પ્રાયશ્ચિત (Prayaschit-44)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ- 44

પૃથ્વીસિંહ ઝાલા કાબેલ પોલીસ ઓફિસર હતો અને ખુદ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબે એને આ કામ સોંપ્યું હતું એટલે એ કોઈપણ જાતની કચાશ રાખવા માગતો નહોતો.

#આવકાર
પ્રાયશ્રિત

એ સવારે સાડા પાંચ વાગે જ પટેલ કોલોની ની ૪ નંબરની શેરી બહાર આવી ગયો અને બાઇકને સાઈડમાં પાર્ક કરી દીધી. દૂર જઈને એ ઉભો રહ્યો.

સવારે છ અને પાંચ મિનિટે કેતન સરને એણે બહાર આવતા જોયા. આનંદ ગાર્ડન સુધી કેતન ચાલતો ગયો અને પાછળ અમુક અંતર રાખીને પૃથ્વીસિંહ પણ ચાલવા લાગ્યો. લગભગ અડધો કલાક જોગિંગ કરીને કેતન ઘરે પાછો ફર્યો ત્યાં સુધી કોઈ રેકી કરનારો જોવા ન મળ્યો.

પૃથ્વીસિંહે કેતનને ફોન કર્યો. " સર હું તમારી પાછળ જ હતો પરંતુ અત્યારે તો કોઈ આવ્યું નથી. હવે દિવસ દરમિયાન તમારો બહાર નીકળવાનો પ્રોગ્રામ શું હોય છે ? "

" મારું અત્યારે તો કોઈ જ ફિક્સ શિડ્યુલ નથી હોતું કારણ કે મારી હોસ્પિટલ હજુ રિનોવેટ થઈ રહી છે. મોટા ભાગે તો હું ઘરે જ હોઉં છું. છતાં જ્યારે બહાર જવાનો હોઈશ ત્યારે એડવાન્સમાં પંદર-વીસ મિનિટ પહેલાં હું તમને ફોન કરી દઈશ. ત્યાં સુધી તમે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. " કેતન બોલ્યો.

" જી..સર. તો હું એ પ્રમાણે જ કરું છું. કારણ કે તમારા ઘરે તો હવે કોઈ નહીં જ આવે. જે પણ વ્યક્તિ તમારા ઉપર વોચ રાખતો હશે એ શેરીની બહાર જ ઉભો રહેશે. અને તમારો રોજેરોજનો કાર્યક્રમ થોડા દિવસ વોચ કરશે. જ્યારે પણ બહાર જવાના હો ત્યારે મને ફોન કરી દેજો. " પૃથ્વીસિંહ બોલ્યો અને એણે બાઇક સ્ટાર્ટ કરી.

આ બાજુ બે દિવસ પહેલાં મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા પછી જાનકીએ બધાંને પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કરેલો.

" પપ્પા પ્લીઝ તમે મુંબઈ આવ્યા જ છો તો એકવાર ઘરે આવો. આપણો આખો પરિવાર સાથે છે તો મને પણ ખૂબ જ આનંદ થશે. રાત્રે મારા ઘરે જ રોકાજો. અને વહેલી સવારે સુરતની ઘણી ટ્રેનો જાય છે. " જાનકી બોલી.

" જાનકી આટલો આગ્રહ કરે છે તો આપણે જઈ આવીએ. એક રાતમાં કંઇ ખાટું-મોળું થઈ જવાનું નથી. કાલે સવારે તો સુરત પહોંચી જઈશું. " જયાબેને જાનકીની વાતને સપોર્ટ આપ્યો.

કેતનના પરિવારમાં એક રિવાજ હતો કે વડીલો બોલે ત્યાં સુધી બાળકો વાતમાં માથું મારતાં નહીં ભલે એ યુવાન હોય. જગદીશભાઈ અને જયાબેન જ તમામ નિર્ણયો લેતાં. સિદ્ધાર્થ અને કેતન બંને આજ્ઞાંકિત પુત્રો હતા.

" પણ મારી એક શરત. અમે લોકો તારા ઘરે આવશું. જમીશું પણ ખરા. પરંતુ રહેવાની વ્યવસ્થા અમે હોટલમાં કરીશું. એટલે અત્યારે સૌથી પહેલા દાદરની કોઇ સારી હોટલમાં અમે રોકાઈશું. ત્યાંથી તું ટેક્સી કરીને માટુંગા જતી રહેજે. હજુ તો સાડા ત્રણ વાગ્યા છે. અમે સાત વાગ્યા આસપાસ તારા ઘરે આવી જઈશું. " જગદીશભાઈ એ પોતાનો નિર્ણય જાહેર કર્યો.

જાનકી માટે હવે કોઈ દલીલને અવકાશ ન હતો અને દલીલ કરાય એમ પણ નહોતું. એણે વાત સ્વીકારી લીધી અને ઘરે મમ્મી પપ્પાને પણ વાત કરી લીધી.

" સિદ્ધાર્થ તું ગૂગલ ઉપર દાદરની કોઈ સારી હોટલ સર્ચ કરી લે એ પછી ટેક્સી કરીને ત્યાં જઈએ. " જગદીશભાઈ બોલ્યા.

" અરે પપ્પા દાદર ઈસ્ટમાં રામી ગેસ્ટલાઈન બેસ્ટ હોટેલ છે. ફોર સ્ટાર છે. હું એકવાર ત્યાં ઉતરેલો છુ. આપણે ટેક્સી ત્યાં જ લઈ જઈએ. " સિદ્ધાર્થ બોલ્યો.

" ઠીક છે તો પછી આપણે એમ જ કરીએ. " જગદીશભાઈ બોલ્યા અને એરપોર્ટ ઉપરથી જ બે ટેકસી કરી લીધી.

જગદીશભાઈ અને જયાબેન એક ટેક્સી માં બેઠાં જ્યારે સિદ્ધાર્થ રેવતી શિવાની અને જાનકી બીજી ટેક્સીમાં બેઠાં.

હોટલ આવી ગઈ એટલે બાકીનાં બધાં નીચે ઉતરી ગયાં જ્યારે જાનકીએ એ જ ટેક્સી માટુંગા એના ઘરે લેવડાવી.

હોટેલ ખરેખર ખૂબ જ સુંદર હતી. બે રૂમ બુક કરાવી દીધા. શિવાનીને હોટલોમાં રોકાવાનો ચાન્સ બહુ ઓછો મળતો એટલે એને તો આ હોટલ એટલી બધી ગમી ગઈ કે ના પૂછો વાત !!

જાનકીએ ઘરે પહોંચીને મમ્મી સાથે સૌથી પહેલાં રસોઈની જ ચર્ચા કરી. વેવાઈ વેવાણ આખા પરિવાર સાથે પહેલીવાર આવી રહ્યાં હતાં એટલે કીર્તિબહેન પણ થોડાં ટેંશનમાં આવી ગયાં હતાં.

"તમે લોકો આટલા બધા ટેન્શનમાં ના આવો. તે દિવસે કેતનકુમાર આવ્યા ત્યારે આપણે જે મેનુ રાખ્યું હતું એ જ અત્યારની સિઝન પ્રમાણે બેસ્ટ છે. હું શ્રીખંડ અને ખમણ લઈ આવું છું. પુરી સાથે બટેટાની સુકીભાજી જ બેસ્ટ રહેશે. સાથે કઢી ભાત બનાવી દો." દેસાઈ સાહેબ બોલ્યા.

" ચાલો એમ જ કરીએ. તારા પપ્પાની વાત સાચી છે. બહુ બહુ તો શ્રીખંડ ના બદલે દૂધપાક કરી શકાય. " કીર્તિબહેન બોલ્યાં.

" ના મમ્મી દૂધપાક તો હમણાં જ અમે જામનગરમાં બનાવ્યો હતો. દક્ષામાસી શું રસોઈ બનાવે છે મમ્મી !! એમના હાથ તો કમાલના છે !! " જાનકી બોલી.

" ઠીક છે તો પછી તમે બે કિલો શ્રીખંડ જ લઈ આવો. અને આવતી વખતે પેલા આપણા શાકવાળા પાસેથી ધાણાભાજી અને કઢી માટે મીઠો લીમડો ખાસ લેતા આવજો. " કીર્તિબહેન બોલ્યાં.

" અને મમ્મી એ લોકો સાત વાગ્યા આસપાસ આવી જશે. તું એ લોકો આવે એ પહેલાં આ ડ્રેસ બદલી નાખજે. બહુ વાર પહેરેલો છે. પહેલી વાર એ લોકો આપણા ઘરે આવે છે. કોઈ સારો ડ્રેસ પસંદ કર. " જાનકીએ મમ્મીને કહ્યું.

" હા ભાઈ હા બદલી નાખીશ. તું તો અત્યારથી જ ગાંડીઘેલી થઈ ગઈ છે. " કીર્તિબહેન હસીને બોલ્યાં.

૭:૩૦ વાગ્યે મહેમાનો આવી ગયા. પૂરું એડ્રેસ સમજાવેલું હતું એટલે આવવામાં કોઈ તકલીફ ના પડી અને જાનકી સોસાયટી ના ગેટ ઉપર જ ઉભી હતી.

શિરીષભાઇ દેસાઇ અને કીર્તિબહેને વેવાઈ વેવાણનું અને એમના પરિવારનું ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું. બધાંએ સોફા ઉપર બેઠક લીધી. જાનકી અને શાલિની રસોડામાં તૈયારી કરવા ગયાં.

" તમને બધાંને મળીને આજે અમને લોકોને ખૂબ જ આનંદ થયો છે. અમારી જાનકી તો તમારા પરિવાર નાં વખાણ કરતાં થાકતી જ નથી. લગ્ન પણ થયાં નથી છતાં બબ્બેવાર જામનગર જવાનો અવસર એને મળ્યો. " દેસાઈ સાહેબ બોલ્યા.

" તમારી જાનકી તો અમારી લાડકી છે. જેવી અમારી આ રેવતી એવી જ તમારી જાનકી. અમને તો બંને દીકરીઓ જ મળી છે. શિવાની પણ બંને સાથે ખૂબ જ ભળી ગઈ છે. " જયાબેન બોલ્યાં.

" એ જ તમારી ખાનદાની છે જયાબેન. અમારી દીકરી ખરેખર ભાગ્યશાળી છે કે એને આવું સરસ ઘર મળ્યું. " કહેતાં કહેતાં કીર્તિબહેનની આંખમાં પાણી આવી ગયાં.

" દરેક વ્યક્તિ એનું નસીબ લઈને આવે છે બેન. કેતનને પણ જાનકી ઉપર જ સૌથી વધુ મન હતું. " જયાબેન બોલ્યાં.

" જગદીશભાઈ લગ્નનું મુહૂર્ત તમે કઢાવશો કે અમે કઢાવીએ ? " દેસાઈ સાહેબ બોલ્યા.

" તમે કન્યાવાળા છો સાહેબ. અને પાછા બ્રાહ્મણ પણ છો ! ડિસેમ્બર નું કોઈ સારું મુહૂર્ત કઢાવી લો. અમે જાન લઈને હાજર થઈ જઈશું. વધારે તૈયારી તો તમારે કરવાની હોય. " જગદીશભાઈ હસીને બોલ્યા.

" તમારી વાત સો ટકા સાચી છે સાહેબ. જાનકી મારી એકની એક લાડકી દીકરી છે. " દેસાઈ સાહેબ બોલ્યા.

" મારી બીજી એક વાત પણ સાંભળી લો દેસાઈ સાહેબ. જાનકી મારે મન દીકરી જેવી જ છે. મારે કંકુ અને કન્યા જોઈએ છે. દીકરીને તમારે જે ચડાવવું હોય તે ચડાવજો. કેતન માટે કે અમારા લોકો માટે કોઇપણ જાતનો ખર્ચ કરતા નહીં. બ્રાહ્મણ પરિવાર પાસેથી અમારે વધુ લેવાય પણ નહીં. એટલું જ નહીં લગ્નનો જે પણ ખર્ચો થાય એ તમામ અમે તમને આપી દઈશું. તમારે આ લગ્ન માટે જરા પણ દેવું કે કર્જ કરવાનું નથી. તમારી જે પણ બચત છે એ જરા પણ ઓછી કરવાની નથી." જગદીશભાઈ બોલ્યા.

દેસાઈ સાહેબ અને કીર્તિબહેન પણ વેવાઈના વિચારો જાણીને ભાવવિભોર થઈ ગયાં.

"તમે આટલું કહ્યું જગદીશભાઈ એમાં ઘણું બધું આવી ગયું પરંતુ ગમે તેમ તોય દીકરીનો બાપ છું. મારો પોતાનો પણ થોડો હરખ હોય જમાઈ માટે. " દેસાઈ સાહેબ બોલ્યા.

" તમે કેતનને માત્ર એક વીંટી કે પછી સોનાની ચેન આપજો. બીજો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. હું દિલથી કહું છું દેસાઈ સાહેબ. તમારી બચતને જરા પણ ઓછી ના કરશો. " જગદીશભાઈ બોલ્યા.

" પપ્પા જમવાનું તૈયાર છે તમે જ્યારે કહો ત્યારે અમે પીરસવાનું ચાલુ કરી દઈએ. " રસોડામાંથી જાનકી બહાર આવી અને કહ્યું.

" હા ચાલો આપણે બધાં જમી લઈએ. એ લોકોને પણ કામનો પાર આવે. આટલાં બધાં વાસણ ધોવાનો પાછો એક કલાક બીજો થશે. " જયાબેન બોલ્યાં.

" મમ્મી તમે અમારા કામની ચિંતા ના કરો. ભૂખ લાગે ત્યારે જ જમવા બેસો. " જાનકી બોલી.

પરંતુ જયાબેન બહુ જ પ્રેક્ટિકલ હતાં. એ પોતે જ ઊભાં થઈ ગયાં અને વોશબેઝિન પાસે જઇને હાથ ધોયા. તેમનું અનુકરણ કરીને એક પછી એક બધાં ઉભાં થયાં. આમ પણ આઠ વાગી ગયા હતા.

જાનકી અને કીર્તિબેને બધાંને પ્રેમથી જમાડ્યાં. શિવાની પણ પીરસવાનું કહેતી હતી પરંતુ જાનકીએ ના પાડી. દેસાઈ સાહેબ પણ જગદીશભાઈને કંપની આપવા માટે જમવા બેસી ગયા હતા.

રસોઈ ખુબ જ સ્વાદિષ્ટ બની હતી. કીર્તિબેન પણ રસોઈ ખૂબ સારી બનાવતાં હતાં. કસૂરી મેથી નાખીને બનાવેલી બટેટાની સુકીભાજી બધાંને ભાવી.

દુનિયામાં જેમ બધાના ચહેરા અલગ હોય છે એમ કુદરતની એ પણ એક કમાલ છે કે દુનિયાની દરેક સ્ત્રીની રસોઈ એકબીજાથી અલગ જ હોય છે. દરેક ઘરનો કંઈક નવો જ ટેસ્ટ હોય છે !!

જમી લીધા પછી જાનકી અને કીર્તિબેને ઘણી ના પાડી તેમ છતાં રેવતી અને શિવાની વાસણ માંજવાના કામમાં લાગી ગયાં. સ્ત્રીઓને આ સમજ એમની ગળથૂથીમાંથી જ મળેલી હોય છે.

સાડા નવ વાગી ગયા એટલે જગદીશભાઈ ઉભા થયા અને બધાંની રજા લીધી. પહેલીવાર જાનકીના ઘરે આવ્યા હતા એટલે જગદીશભાઈ અને જયાબેને ધીમેથી મસલત કરીને જાનકીના હાથમાં ૫૦૦૦ મૂક્યા.

" અરે પણ જગદીશભાઈ આટલી મોટી રકમ આપવાની કોઈ જરૂર નથી. તમે આશીર્વાદના ખાલી ૫૦૦ મૂકશો તોયે અમારા માટે ૫૦૦૦ બરાબર છે. " દેસાઈ સાહેબ બોલ્યા.

" તમારે કંઈ જ બોલવાનું નહીં. મારી દીકરીને હું ગમે તે આપું. આ તો અચાનક આવવાનું થયું નહીં તો કોઈ વસ્તુ લઈને જ અમે આવતાં ને ? " જયાબેન બોલ્યાં.

છેક મેઇન રોડ સુધી જાનકી અને દેસાઈ સાહેબ ચાલતા ચાલતા મહેમાનોને મૂકવા ગયા. પહેલી જે ટેક્સી આવી એમાં જગદીશભાઈ અને જયાબેન બેસી ગયાં. એ પછી પાંચ મિનિટ પછી બીજી ટેક્સી આવી એમાં બાકીનાં ત્રણ જણાં ગોઠવાઈ ગયાં. બંને ટેક્સીઓ હોટલ તરફ રવાના થઈ ગઈ.

" બેટા તું ખરેખર ખૂબ જ નસીબદાર છે. આ લોકોનો સ્વભાવ જોઈને મને અને તારી મમ્મીને ખૂબ જ સંતોષ થયો છે. અમે લોકોએ જાતે શોધ્યું હોત તો પણ આપણી અનાવિલ જ્ઞાતિમાં આવો મુરતિયો ના મળત. ભલે કરોડોપતિ હોય પણ સ્વભાવે ખુબ જ ઉદાર અને વિવેકી છે. " શિરીષભાઇ દેસાઇ વેવાઈ વેવાણ ના વિચારોથી ખૂબ જ અભિભૂત થઇ ગયા હતા.

" હા પપ્પા... મારી પસંદગી પણ એટલી જ સરસ છે. કેતન પણ આવા જ ઉદારવાદી અને રમૂજી સ્વભાવના છે. " જાનકી ચાલતાં ચાલતાં બોલી.

" આજે આ લોકોની મુલાકાત પછી મારી ઘણી બધી ચિંતા ટળી ગઈ. આવડા મોટા ઘરમાં તું જવાની હતી એટલે મને પણ ઘણા વિચારો આવતા હતા. કારણ કે આપણે મધ્યમ વર્ગના માણસો છીએ. " દેસાઈ સાહેબ બોલ્યા.

" તું તો રસોડામાં હતી. મને કહે કે લગ્નનો તમામ ખર્ચો અમે કરીશું. તમારે માત્ર કંકુ અને કન્યા આપવાની. કેતનકુમારને પણ એકમાત્ર સોનાનો દોરો આપજો. તમારી દીકરીને જે ચડાવવું હોય તે ચડાવજો. ખોટા ખર્ચા કરીને તમારી બચત ઓછી ના કરશો. આવું કોણ કહે બેટા ? " દેસાઈ સાહેબ આજે લાગણીવશ થઈ ગયા હતા.

જાનકીને તો આ વાતની ખબર જ ન હતી. એ રસોડામાં હતી ત્યારે આ બધી ચર્ચા થઈ હતી. પપ્પાની વાત સાંભળીને એની આંખમાં પણ પાણી આવી ગયાં. ખરેખર ગયા જન્મમાં શિવજીની મેં ચોખા ચઢાવીને દિલથી પૂજા કરી હશે !!

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts. Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post