"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!

પ્રાયશ્ચિત (Prayaschit-48)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ- 48

સ્વામીજીએ ઊંડા ધ્યાનમાં તાજેતરમાં બનેલી ઘટનાઓનું વિશ્લેષણ કરી બતાવ્યું ત્યારે કેતન આશ્ચર્ય પામી ગયો. નિયતિ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પાછલા જન્મના સંબંધો ફરી પાછા કેવી રીતે જોડાઈ જાય છે એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેતન હળવોફૂલ થઇ ગયો. 

#આવકાર
પ્રાયશ્રિત

હવે એને રાકેશના મૃત્યુનો કોઈ અફસોસ રહ્યો નહીં. આ બધો નિયતિનો જ ખેલ હતો એ એને સ્પષ્ટ સમજાઈ ગયું. સ્વામીજીએ તો એને ત્યાં સુધી કહ્યું કે નીતા મિસ્ત્રીના પડોશમાં મકાન મળવું એ પણ પ્રારબ્ધનો જ એક ખેલ હતો. 

નીતા મિસ્ત્રીને એણે મદદ ના કરી હોત તો એનો સંપર્ક રાકેશ સાથે કે ફઝલુ સાથે ક્યારે પણ થવાનો ન હતો. નીતા નિમિત્ત બની એટલે જ આ ઘટના ચક્રો સર્જાયાં અને પાછલા જન્મના હિસાબ ચૂકતે થયા. 

ધ્યાનમાંથી જાગ્યા પછી કેતનને શાંતિથી ઊંઘ આવી ગઈ અને આજે એ થોડો મોડો ઉઠ્યો. દક્ષામાસી પણ આવી ગયાં હતાં એટલે ચા પણ તૈયાર જ મળી. 

એ નાહી ધોઈને ફટાફટ ફ્રેશ થઇ ગયો. બધા ભય અને બધું ટેન્શન સમાપ્ત થઈ ગયું હતું. શતચંડી યજ્ઞનો પ્રભાવ પણ એણે જાણી લીધો હતો. જાણે કે માતાજીએ જ એને અચાનક અસલમની  મુલાકાત કરાવી હતી. 

સવારનું પેપર વાંચવાનું ચાલુ કર્યું તો પહેલા પાને જ રાકેશની હત્યાના સમાચાર હતા. જામનગરથી લગભગ દસેક કિલોમીટર દૂર  રાજકોટ હાઈવે ઉપર ધુંવાવ પાસે રાકેશની કારમાં જ એને બે ગોળી મારવામાં આવી હતી. ઘટના લગભગ રાત્રે બાર થી એક વચ્ચે  બની હતી. પોલીસને એક વાગે ખબર પડી હતી.  કોઈ અંગત અદાવતમાં તેનું ખૂન થયું હશે એવું પોલીસનું પ્રારંભિક અનુમાન હતું અને તપાસ ચાલુ હતી. 

સમાચાર વાંચીને એણે અસલમ શેખને ફોન જોડ્યો. હવે એને કોઈ ડર ન હતો. 

" અસલમ કેતન બોલું. " 

" તેં મને કેમ ફોન કર્યો એ હું સમજી ગયો પણ આઇ એમ સોરી કેતન.  તને કદાચ ખ્યાલ નથી પણ તારું  મર્ડર કરવાની સોપારી એ હરામીએ મારા જ માણસને આપેલી. તે દિવસે ચાર વાગ્યે જે માણસ આવેલો એ જ ફઝલુને એણે સોપારી આપેલી. તને મારી સાથે બેઠેલો જોઈને ફઝલુ ઓળખી ગયો એટલે એ મને અંદર લઇ ગયો અને બધી વાત કરી. બસ એ ક્ષણે જ મેં નિર્ણય લઈ લીધો. તારી જિંદગી જોખમમાં હું કોઈપણ સંજોગોમાં ના મૂકી શકું. " અસલમ બોલ્યો 

" મને ખબર છે અસલમ. બસ તારો આભાર માનવા માટે જ મેં ફોન કર્યો છે. તેં ખરેખર તો મને બચાવી લીધો છે. " કેતન બોલ્યો. 

"તારા માટે જાન કુરબાન છે કેતન. કોઈપણ તકલીફ હોય મારા દરવાજા તારા માટે ખુલ્લા છે. " અસલમ બોલ્યો. 

" ચોક્કસ. હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે આપણે મળીએ જ છીએ. " કેતને આમંત્રણને દોહરાવ્યું. 

" ગમે તેવું કામ પડતું મૂકીને આવીશ. " 

" ચાલો ત્યારે ફોન મૂકું. અગેઈન થેંક્યુ વેરી મચ. " કહીને કેતને ફોન કટ કર્યો.  

એણે ફરી પેપર હાથમાં લીધું  અને બીજા સમાચાર વાંચવાના ચાલુ કર્યા ત્યાં જ નીતા મિસ્ત્રીનો ફોન આવ્યો. 

" સર નીતા બોલું. મેં હમણાં ફોન કરેલો પણ તમારો ફોન એંગેજ આવતો હતો. " 

" હા મારે વાત ચાલતી હતી. " કેતન બોલ્યો. 

" સમાચાર તો તમે વાંચી જ લીધા હશે. બસ તમારી ચિંતા મને થતી હતી. પણ હવે એ ભય પણ દૂર થઇ ગયો છે. સૌને પોતાના કર્મોનો બદલો મળે છે સર. " નીતા બોલી.

" તારી વાત સાચી છે. અને તે દિવસે મને સાવધાન કરવા બદલ ખુબ ખુબ આભાર. મારા પોલીસ ઇન્સ્પેક્ટર મિત્રે લખાને પકડેલો. તારી વાત સાચી હતી.  લખાએ તે દિવસે મારો ફોટો નહીં પણ મારી વીડિયો ક્લિપ જ ઉતારી હતી. ચાલો ઈશ્વર સૌને સદબુદ્ધિ દે. માતાજીએ મારી રક્ષા કરી છે. " કેતન બોલ્યો. 

" હા સર તમારી વાત સાચી છે. અને તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. તમે પણ મને બચાવી જ છે. આજે સવારે છાપામાં વાંચ્યું એટલે મેં તમને ફોન કર્યો. " નીતા બોલી. 

" મને તો કાલે સવારે ૧૦ વાગે જ ખબર પડી ગઈ હતી. એક મિનિટ નીતા.... કોઈ આવ્યું લાગે છે.  હું ફોન મૂકું. " કહીને કેતને ફોન કટ કર્યો અને ડોરબેલ વાગ્યો હોવાથી એ બહાર ગયો. 

એણે દરવાજો ખોલ્યો તો સામે  લખો  અને રામકિશન તિવારી ઉભા હતા. જો કે એ તિવારીને તો ઓળખતો ન હતો પણ સાથેના યુવાનને જોતાં  એને લાગ્યું કે તે દિવસે નીતાનું ઘર પૂછનાર આ જ માણસ હતો અને એણે જ વીડિયો ક્લિપ ઉતારી હતી. 

" અંદર આવું સાહેબ ? " રામકિશન તિવારી બોલ્યો. 

" હા આવો ને..મને તમારી ઓળખાણ ના પડી." કેતને ઘરમાં જઈને સોફામાં બેસતાં કહ્યું. 

" જી મારું નામ રામકિશન તિવારી અને આનું નામ લક્ષ્મણ. અમે બધા એને લખો કહીએ છીએ. " તિવારી ઘરમાં પ્રવેશ કરીને બે હાથ જોડીને ઊભો રહ્યો. 

" બેસો ને ભાઈ. " કેતન બોલ્યો.  

" સાહેબ... અમે તમારી માફી માગવા આવ્યા છીએ. આ છોકરાઓને હવે તમે જ બચાવી શકો એમ છો. રાકેશ સાથે જે થયું તે થયું. પણ એના આ બધા મિત્રો કારણ વગરના મરી જશે. પરમ દિવસે સાંજે જ રાજકોટથી ' ભાઈ 'નો ફોન મારા ઉપર આવેલો. મારો દીકરો દીપક, આ લખો અને એનો ભાઈબંધ રણમલ. એ ત્રણેના જીવ જોખમમાં છે. ભાઈ એમને જીવતા નહીં છોડે. એમને બચાવી લો. એમણે તમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી." રામકિશન બોલ્યો અને પછી સોફામાં બેઠો. 

" આ લખાએ જ તે દિવસે મારો વિડીયો ઉતારેલો મારી સોપારી આપવા માટે.  બરાબર લખા ? " કેતને લખા સામે જોઈને કહ્યું. 

લખો હવે ધ્રૂજી ગયો. એણે ઉભા થઇને કેતનના પગ પકડી લીધા. 

" મને માફ કરી દ્યો સાહેબ. રાકેશ અમારો લીડર હતો. બધો પ્લાન એનો જ હતો. એના આદેશ પ્રમાણે અમે લોકો દોડતા. હું તો તમને ઓળખતો પણ નહોતો સાહેબ. એના કહેવાથી જ હું આવેલો " લખો રડવા જેવો થઈ ગયો. 

" હા સાહેબ લખાની વાત સાચી છે. એ લોકો તો રાકેશ જેમ કહે એમ કરતા. મારો દીકરો પણ એમાં આવી ગયો. મેં એને કાલે જ ભગાડી દીધો છે. ત્રીજો રણમલ કરીને છે. એ પણ જામનગર છોડીને ભાગી ગયો. ભાઈને તમે જો કહેશો તો આ બધા લોકોને માફ કરી દેશે. એ લોકો વતી હું તમને વચન આપું છું કે આજ પછી આવા ધંધા છોડી દેશે.  હું તમારી બે હાથ જોડીને માફી માગું છું ભાઈ. છોકરાઓને બચાવી લો સાહેબ." રામકિશન તિવારી બે હાથ જોડી હજુ પણ કરગરતો હતો. 

" માણસને વર્ષોથી જે આદત પડી હોય એ કદી જતી નથી. એમને આજે છોડી દઈશ તો ચાર છ મહિના પછી ફરી પાછા એ આવા જ કોઇ ધંધામાં જોડાઈ જશો. નોકરી તો એમને લોકોને કોઈ આપશે નહીં. " કેતન બોલ્યો. 

" ના...ના.. ભાઈ. હું તમને વચન આપું છું. નાનો મોટો કોઈ પણ ધંધો કરશે કે રેકડી કરશે પણ આજ પછી ગુંડાગીરીના ધંધામાં એ નહીં પડે. " રામકિશન બોલ્યો. 

કેતનને યાદ આવ્યું કે અસલમ શેખે એને કહેલું કે મારો જામનગરનો ઇંગ્લીશ દારૂનો ધંધો રામકિશન તિવારી સંભાળે છે જે મારો એજન્ટ છે. આ એ જ માણસ લાગે છે. ગમે તેમ તોય એ અસલમનો જ માણસ છે. 

આમ પણ કેતનનું હૃદય કોમળ હતું. જે મુખ્ય દુશ્મન હતો એ તો ઉપર પહોંચી ગયો હતો. હવે એના સાગરીતોને પણ અસલમ મોતને ઘાટ ઉતારે  એ કેતનને મંજુર નહોતું.  કેતને તરત જ અસલમને ફોન લગાવ્યો. 

" અસલમ. હું કેતન બોલું. રામકિશન તિવારી મારા ઘરે આવ્યા છે. રાકેશના એક સાગરીત લખા ને લઈને આવ્યા છે. બાકીના ડરના માર્યા જામનગર છોડી ભાગી ગયા છે. તિવારીજી બધા વતી  મારી માફી માગે છે. બિચારા ફફડી રહ્યા છે. રાકેશ તો ગયો. આ લોકોને હવે માફ કરી દઈશું ?  " કેતન બોલ્યો. 

" કેતન તું તિવારીને  ફોન આપ " અસલમ બોલ્યો. 

" તિવારી જી  તમે વાત કરો. અસલમ લાઈન ઉપર છે. " કેતન બોલ્યો અને એણે ફોન તિવારીને આપ્યો. 

" જી ભાઇજાન " તિવારી બોલ્યો. 

" યે તેરે સામને જો બેઠા હૈ ના વો મેરા બડા ભાઈ હે. મેં ઉસકે પૈર છુતા હું. પૈર પકડ લે ઉસકે. યે મેરા ભાઈ બીચ મે ના હોતા તો તીનોં લડકોં કી દો દિન મેં ખટિયા ખડા કર દેતા. કિતને દિન ભાગતે રહેતે ?  ચારોં મિલકે સાલે મેરે ભાઈકો મારનેકી સાજીશ કર રહે થે !! ફિર ભી ભાઈ કિતના દિલવાલા હૈ કી તુમ લોગો કો માફ કરનેકી બાત કર રહા હૈ " અસલમ ગુસ્સાથી બોલ્યો. 

" જી ભાઈ. બહોત બડી ગલતી હો ગઈ હૈ. હમ કેતનભાઇકે શરણમેં આયે હૈ.  ભાઈ બડા દિલ રખકે  માફ કર દીજીએ તીનોં કો. " તિવારી બોલ્યો.

" ઠીક હૈ ફોન દે ભાઈ કો " અસલમ બોલ્યો અને તિવારીએ ફોન કેતનને આપ્યો. 

" હા કેતન ઠીક છે જવા દે એ લોકોને. આમ પણ તારું ટેન્શન તો ખતમ થઇ ગયું છે. " અસલમ બોલ્યો. 

" હા ભાઈ ખુદા-હાફિઝ " કેતને કહ્યું અને ફોન કટ કર્યો.  

" સાહેબ અમે તમને ઓળખી ના શક્યા. આ ત્રણ છોકરાઓને માફ કરી દો. એ આજીવન તમારી સેવામાં રહેશે. મારે લાયક પણ કંઈ કામ હોય તો અડધી રાત્રે ફોન કરજો.  તમે તો હવે મારા બૉસના પણ મોટાભાઈ છો. " કહીને તિવારીએ સાચેસાચ કેતનના પગમાં પડીને માથું નમાવ્યું.   
  
ખરેખર તો કેતન જે રીતે બૉસ જોડે વાત કરી રહ્યો હતો એ જોઈને પેલા બંને જણા અવાક થઈ ગયા હતા.  

" ઠીક છે હવે મારી વાત તમે લોકો ધ્યાનથી સાંભળો. " કેતન બોલ્યો. 

બંને જણા આશાભરી આંખે કેતન સામે જોઈ રહ્યા. 

" જી ભાઈ હુકમ કરો. બસ એ લોકોની જિંદગી બચાવી લો. " ફરી રામકિશન બોલ્યો. 

" મારી એક મોટી હોસ્પિટલ બની રહી છે વિકાસ ગૃહ રોડ ઉપર. ત્રણ મહિના પછી હોસ્પિટલ ચાલુ થઇ જશે. આ ત્રણે જણાને એ હોસ્પિટલમાં નાની મોટી નોકરી કરવાની ઇચ્છા હોય તો મને જણાવજો. પગાર સારો એવો મળશે. એમનામાં આવડત હશે તો આગળ પણ વધી શકશે. એ બહાને એ સારી લાઈન ઉપર આવી જશે.  " કેતને બંનેની સામે જોઇને કહ્યું. 

" સાહેબ ત્યાં સ્વિપરની નોકરી કરવા પણ હું તૈયાર છું.  બસ અમારી જિંદગી બચાવી લો. " લખો બે હાથ જોડીને બોલ્યો. 

" હા ભાઈ. ના પાડવાનો કોઈ સવાલ જ નથી.  તમે આ છોકરાઓને જીવતદાન આપ્યું છે. તમે ઈચ્છો છો એ પ્રમાણે જ થશે. એ બંને છોકરાઓ સાથે પણ હું વાત કરી લઈશ " રામકિશન ઉત્સાહથી બોલ્યો. 

કેતનભાઈની ભલામણથી એના દિકરા દીપકની જિંદગી બચી ગઇ હતી. એટલું જ નહીં એક સારી જીંદગી જીવવાની પણ તક એ આપી રહ્યા હતા. આવા દેવ જેવા માણસને છોકરાઓ ઓળખી ના શક્યા !! 

બંને જણા ઉભા થઈ ગયા. કેતનને પગે લાગીને બહાર નીકળ્યા. રામકિશન પોતાની ગાડી લઈને આવ્યો હતો. બન્ને જણા એમાં બેઠા. અને ગાડી સ્ટાર્ટ કરી. 

" લખા તું બંને જણાને ફોન કરી દે અને કહી દે કે ઘરે પાછા આવી જાય. શેઠ સાથે સમાધાન થઈ ગયું છે.  બાકીની વાત એ લોકો ઘરે આવે પછી કરીશું. " રામકિશન બોલ્યો. 

લખાએ પહેલાં દીપક સાથે અને પછી રણમલ સાથે વાત કરી લીધી. 

"લખા... તમે લોકોએ આ  માણસને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. જે માણસ આટલી મોટી હોસ્પિટલ બનાવી રહ્યો હોય, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાથે જેના અંગત સંબંધો હોય એને મારવાની સાજીશ કરાય કોઈ દિવસ ?  તમે પૂરતી તપાસ પણ ના કરી કે આ માણસ છે કોણ ? " રામકિશન ગાડી ચલાવતાં ચલાવતાં કહી રહ્યો હતો. 

" રાકેશે તો ફઝલુ સાથે સોદો કરવાનું કામ મને જ સોંપ્યું હતું.  પણ ઈશ્વરે મને સદબુદ્ધિ આપી અને હું સીધો પિક્ચરમાં ના આવ્યો. મેં એને ના પાડી દીધી અને કહી દીધું કે તું જાતે જા અને તું  જ વાત કર. બસ મારું નામ દઈ દેજે. મેં જો ફઝલુ સાથે સોદો કર્યો હોત તો રાકેશની જગ્યાએ મારી લાશ પડી હોત !!  " તિવારી બોલ્યો. 
                                          
લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts. Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post