આનું નામ દાન – Aanu Naam Daan

આનું નામ દાન .."
********************* હું ભણ્યો ઓછું. એક શેઠના બંગલે હું ચોકીદાર (Watchman) નું કામ કરતો. નાનું કામ, નાનો પગાર, મોટી કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે પણ હું સતત ઉત્સાહમાં રહેતો.

આવકાર
આનું નામ દાન

માલિકના આવવા-જવાના સમયે હું ઉત્સાહપૂર્વક બંગલાનો અને ગાડીનો દરવાજો ખોલતો. હસીને "નમસ્તે, સાહેબ" કહેતો. માલિક ક્યારેય એનો જવાબ ન વાળતા કે ન તો એક અછડતું સ્મિત પણ આપતા..!!

મોટા માણસ હતા. 🤷‍♂️ મોટા બંગલામાં મોટી મોટી મિજબાનીઓ થતી. ખાવાની વાનગીઓ બહુ વધતી. હું એ બધું કચરામાં ફેંકવાને બદલે મારે ઘેર લઈ જતો. મારા કુટુંબને ક્યારેય જોવા પણ ન મળે એવી વાનગીઓ ભરપેટ ખાવા મળતી.

એક મિજબાનીને અંતે હું ઉત્સાહપૂર્વક પ્લેટ સાફ કરી કરીને ખાવાનું કોથળીઓમાં ભરતો હતો ત્યાં મેં જોયું કે શેઠ એક બાજુ ઉભા ઉભા મને જોઈ રહ્યા હતા. અમારી નજર મળી અને એ મોઢું ફેરવી ચાલ્યા ગયા.

મારા મનમાં ફફડાટ થયો. નોકરી જવાની બીકથી હું ખિન્ન થઈ ગયો. છતાં મન મનાવ્યું કે કાલે નોકરી જવાની હશે તો જશે જ, તો આજે છેલ્લી વખત મારા કુટુંબને આ વાનગીઓ ખવડાવી લઉં. રાતે જતાં પહેલાં ઘરનો બધો કચરો બંગલાની પાછળના ભાગમાં રાખવામાં આવતાં કચરાનાં પીપડાંમાં નાખીને પછી મારે જવાનું એ મારી રોજની જવાબદારી હતી. એ પ્રમાણે કામ પતાવી, હું રાતે પેલી કોથળીઓ લઈને મારે ઘેર જવા નીકળ્યો.

પેલો ડર મનમાં સતત હતો એટલે ચોર નજરે મેં બંગલા તરફ પાછું વળીને જોયું. અંધારામાં વિશેષ ન દેખાયું, પણ મને લાગ્યું કે કોઈ ઉપરની બારીમાંથી મને બારીકાઈથી જોઈ રહયું હતું.

બીજા દિવસે આવ્યો ત્યારે "હિસાબ કરી લે અને કાલથી ન આવતો" એવું સાંભળવાની બીકે ફફડી રહ્યો હતો, પણ એવું કાંઈ ન બન્યું. રાતે કચરો નાખવા ગયો ત્યારે કચરાનાં પીપડાંની બાજુમાં એક કોથળીમાં થોડાં બટાટા, ટમેટાં, ભાજી, કેળાં, અડધો કિલો ચોખા - એવું બધું પડ્યું હતું.અહીં કચરાનાં પીપડાં પાસે પડ્યું છે એટલે નક્કામું જ હશે એમ માની હું એ ઘેર લઈ ગયો.

પછી તો એ રોજનું થઈ ગયું. ક્યારેક દાળ, ક્યારેક લોટ, મસાલા, ઋતુ પ્રમાણે શાકભાજી, ફળો - એવું રોજ કાંઈ ને કાંઈ મળતું. મારું કુટુંબ ત્યાર પછી ક્યારેય ભૂખ્યું ન રહ્યું.

અચાનક.... અચાનક એક દિવસ બંગલાના દરવાજે સાહેબની નહીં, પોલીસની ગાડી આવી. એક અકસ્માતમાં સાહેબનું મૃત્યુ થઈ ગયું હતું. બંગલો સુમસામ થઈ ગયો.

સાથે સાથે... પેલી કોથળીઓ બંધ થઈ ગઈ. મારી મુસીબતોનો પાર ન રહ્યો. વિધવા બહેનજીને "મને હવે આ નોકરી નથી પોષાતી.

તમે બીજો ચોકીદાર શોધી લ્યો" એમ કહેવાની હિંમત પણ નહોતી.

છેવટે જ્યારે મુશ્કેલીઓ બહુ વધી ગઈ ત્યારે મેં પગાર વધારો માગ્યો.

બહેને પૂછ્યું, "આટલાં વર્ષોથી કામ પર છો. તમને આ સંજોગોમાં વધારો માગવાનું સૂઝ્યું?"

મેં પેલી કોથળીઓથી મારું ઘર કેવી રીતે ચાલતું હતું એની વાત કરી. મેં કહ્યું, "હવે સાહેબના જતાં આપને ન પોષાય એટલે આપે કોથળીઓ બંધ કરી એ હું સમજું છું, પણ મનેય નથી પોષાતું." મારી સ્થિતિ પણ સાવ નાજુક છે. ...બહેન ચોધાર આંસુએ રડી પડ્યાં..""

હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, "માફ કરજો. મારે તમારી પરિસ્થિતિ સમજવી જોઈતી હતી. મારે પગાર વધારો નહોતો માગવો જોઈતો." બહેન બોલ્યાં, "એવું નથી. મને પણ જાણ નહોતી એવું તારું આ સાતમું કુટુંબ છે જે તારા શેઠની મદદથી ખાવા પામતું હતું."

હું અવાચક થઈ ગયો. સાવ રુક્ષ અને જેણે એક વાર પણ "નમસ્તે, સાહેબ" નો જવાબ આપ્યો નથી એ સાહેબ આ બધી મદદ કરતા હતા?

બીજા દિવસથી કોથળીઓનો ક્રમ ફરી ચાલુ થયો, પણ હવે કોથળીઓ કચરાનાં પીપડાં પાસે નહીં, પણ શેઠનો દીકરો મને હાથોહાથ આપતો.

એ પણ શેઠ જેવો જ સાવ રુક્ષ. ન બોલે, ન જવાબ આપે. હું રોજ એને "Thank You" કહેતો. એ તોછડાઈથી ચાલ્યો જતો.

એક વખત એક વડીલને દાવે, એની રીતભાત સુધારવાના હેતુથી મેં હાથ હલાવી, હોઠ પહોળા કરી, એને "Thank You" કહી, એની આંખોમાં આંખ પરોવી.

એ મારી સામે જોઈ રહ્યો.

પછી એણે પોતાના કાન ઉપર હાથ મૂકી, અંગુઠા ગોળ ગોળ હલાવ્યા. એનું કહેવું હું સમજ્યો. હું ચોંકી ગયો. એ સાંભળી શકતો નથી. મારું હૃદય દ્રવી ઉઠ્યું. મને દુઃખી થયેલો જોઈ, એ મારી પાસે આવ્યો. પોતાના ગળાની ચેઇનમાં રહેલું લોકેટ ખોલ્યું.

એના બાપ સાથેનો એનો ફોટો એમાં હતો.

એણે એક હાથની આંગળી બાપના ફોટા પર અને બીજા હાથની આંગળી પોતાના ફોટા પર મૂકી.

પછી બન્ને હાથ બન્ને કાનને અડાડી, અંગુઠા ગોળ ગોળ ફેરવ્યા.

બાપ-દીકરો બન્ને મુક-બધિર. આટલાં વર્ષોથી હું "નમસ્તે, સાહેબ" ના જવાબમાં "નમસ્તે" સાંભળવા તલસી રહ્યો હતો. કારણ સમજ્યા વગર કોઈને રુક્ષ ગણી બેઠો હતો.

એની સામે તાકતો હું દડદડ આંસુએ રડી પડ્યો..!!😭😭
              – અજ્ઞાત" (આ વાત ના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

Conclusion:
Be sure to check out our homepage for the latest Updates. Thanks for visit this Post, Stay connected with us for more Posts. —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! .🌺

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you so much for your feedback 😊

વધુ નવું વધુ જૂનું