અહેસાન
*************
ઓફિસે પહેરીને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા, ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો...જેમ એક મઘ્યમવર્ગની દશા એક સાંધે અને તેર તૂટે એવી જ દશા મારા બુટની હતી....
અહેસાન
કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકીને કહે...કે દર્દી લાબું નહીં જીવે...ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી.. તેમ મારા મોચીએ કીધું સાહેબ...નવા બુટ ખરીદી લ્યો...ઘણો ક્સ કાઢ્યો...હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી.
આજે રવિવાર હોવાથી...મેં મારા બુટ ચમ્પલના સ્ટેન્ડની સાફ સફાઈના બહાને ઘરના સભ્યોના ચપ્પલ-બુટની વર્તમાન દશા શું છે એ જોવા પ્રયત્ન કર્યો...
મારા નસીબ સારા હતા..ઘરની વ્યક્તિઓ સમજુ હતી...સામેથી કોઈપણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં..એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી.
મારો પગાર પણ સારો, બચત પણ સારી....પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ ધીરે ધીરે આદત બનતી જાય છે...બુટ ચમ્પલનું સ્ટેન્ડ...ઘરના દરેક સભ્યના નવા બુટ ચમ્પલ લેવાનું મને કહેતું હતું....
મેં કાવ્યાને બુમ મારી બોલાવી કીધું...આ તારા ચંમ્પલ અને બાળકોના બુટ...તમને એમ નથી થતું...હવે નવા બુટ ચમ્પલ લેવા જોઈએ..?
કાવ્યા બોલી....પ્રથમ તમારે જરૂર છે...બુટ માંથી અંગુઠો બહાર આવવાની તૈયારી કરી રહ્યો છે..
હું પિન્ટુ અને મારી દીકરી શીતલ હસી પડ્યા....
સારું આજે સાંજે બુટ અને ચંપ્પલ લેવા આપણે સાથે જઇએ છીએ....
સાંજે ફરતા ફરતા શહેરમાં ઘણા સમયથી ફેમસ બનેલ "બુટ હાઉસ" ના શોરૂમ પાસે અમે ઉભા રહ્યા...
પિન્ટુ બોલ્યો પપ્પા આપણા શહેરમાં આ શોરૂમનું નામ છે આવા બીજા બે શોરૂમ પણ આ શહેરમાં છે...નવી નવી બુટ ચમ્પલની ડિઝાઈન અહીંથી આપણને મળી રહેશે...
શોરૂમ જોઈ અંદર જવા ની હિંમત થતી ન હતી..છતાં પણ બાળકો અને પત્નીની ઈચ્છા હતી એટલે...પ્રથમ પાકીટ અને ક્રેડિટ કાર્ડ ખીસામાં છે કે નહીં એ ખાતરી કરી હિંમત એકઠી કરી શોરૂમ માં અમે પ્રવેશ કર્યો...
કઈ બાજુથી શરૂઆત કરવી એ જ ખબર પડતી ન હતી..
બુટની રેન્જ ચાલુ જ ત્રણ હજાર થી થતી હતી....શોરૂમ ના સેલ્સમેન પણ વારંવાર મારા બુટ તરફ નજર કરતા હતા, તેઓનો પ્રતિસાદ નબળો હોવાનું કારણ મારા બુટ હતા એ હું સમજી ગયો હતો...
AC શોરૂમમાં મને પરસેવો થતો જોઈ મારા સમજદાર પરિવારે મને કીધું ....પપ્પા આના કરતાં શહેરમાં સસ્તા મળે...આ તો એરિયાનો ભાવ લે છે...
અમારી વાતચીત અને હાવભાવ જોઈ... એક યુવાન વ્યક્તિ ચેમ્બર માંથી બહાર આવી....
આવો સાહેબ
તમારા માટે આ ડિઝાઈન પરફેક્ટ છે....મેં બુટની કિંમત જોઈ 4999/- રૂપિયા...મેં કીધું ભાઈ મને બીજે તપાસ કરવા દે...
અરે વડીલ અમારા ગ્રાહક જ અમારા ભગવાન છે....એ શેઠ યુવાન હોવા છતાં મારા પગ પકડી નીચે બેસી મને બુટ પહેરાવવા લાગ્યા...સેલ્સ સ્ટાફે તેમને ચેમ્બરમાં જવા વિનંતી કરી
પણ આ શોરૂમનો યુવાન માલિક બોલતો હતો... ભગવાન આજે સામે ચાલી ને આપણે ત્યાં આવ્યા છે....
તેના સ્ટાફ ને બોલાવી કીધું..આ બુટ પેક કરો.. સાહેબ ના બુટ અને સાઇઝ મને યાદ છે...
હું ધારી ધારી ને આ વ્યક્તિને જોતો રહ્યો..સાચો સેલ્સમેન તો આને કહેવાય.
મારી પત્ની કાવ્યા સામે જોઈ શેઠ બોલ્યા બેન તમારા માટે આ સેન્ડલ યોગ્ય છે, તેની કિંમત મેં જોઈ 2999/- રૂપિયા.
હવે તેણે પિન્ટુ સામે જોયું, તું યુવાન છે આ સ્પોર્ટશૂઝથી તારો વટ પડશે..તેની કિંમત 5899/-...મેં કીધું અરે ભાઈ તમે મને તો પૂછો કિંમત મને પરવડે છે કે નહીં...એ વ્યક્તિએ કંઈ સાંભળ્યું જ નહીં
શીતલના પણ સેન્ડલ 2999/- પેક કરવા પોતાના માણસને આપી કેશ કાઉન્ટર ઉપર મોકલ્યો..અને પાછળ પાછળ પોતે ગયો.
પાકીટ માંથી આટલા રૂપિયા નીકળશે એ ચિતા માં હું હતો ત્યાં એ સજ્જન વ્યક્તિ મારી પાસે આવી બોલી...લ્યો સાહેબ આ તમારું બિલ...કેશ કાઉન્ટર ઉપર જમા કરાવી...ડિલિવરી લઈ લ્યો
બે મિનિટ તો ઝગડો કરી લેવાની ઈચ્છા થઈ...પણ જયારે મેં બિલ જોયું ત્યારે હું ઠંડો થઈ ગયો...
ટોટલ રકમ ઉપર ડિસ્કાઉન્ટ 100% ચૂકવવા પાત્ર રકમ
ઝીરો રૂપિયા...
મેં એ વ્યક્તિ સામે જોઈ કીધુ તમે અમારી મજાક તો ઉડાવતા નથી ને...?
એ યુવાન શેઠ હાથ જોડી ઉભો રહી ગયો અને બોલ્યો,
અરે સાહેબ...જીંદગી જ્યારે અમારી મજાક ઉડાવતી હતી..ત્યારે તમે અમારો હાથ પકડ્યો હતો, તમારી મજાક ઉડાવવા માટે અમારી કોઈ હેસિયત જ નથી.
યાદ આવ્યું કંઈ...સાહેબ?
ના...કંઈ યાદ નથી આવતું મેં કીધું.
સાહેબ...બુટપોલીશ...યાદ આવ્યું...!
અરે તમે રામ અને શ્યામ....
હા વડીલ....હું રામ
હું દોડી ને તેને ભેટી પડ્યો....અરે બેટા આવડી મોટી વ્યક્તિ તું બની ગયો
શ્યામ ક્યાં છે....?
શ્યામ કેશ કાઉન્ટર ઉપર થી હસતા હસતા દોડીને આવ્યો.. મને ભેટીને પગે લાગ્યો..
અરે સાહેબ અમારી જીંદગી તમારા અહેસાનને આભારી છે, જો તમે એ સમયે અમારો હાથ પકડ્યો ન હોત તો આજે અમે લોકોની બુટપોલિસ જ કરતા હોત
આ શોરૂમ તમારો છે...અમારા વડીલ ગણો-માઁ બાપ કે દેવ ગણો તમે જ છો...અમે આ શોરૂમ નું ઉદ્ઘાટન તમારા હાથે કરવા તમને યાદ કર્યા હતા, તમારી ઓફીસે ગયા, ત્યાંથી તમારી ટ્રાન્સફર થઈ ગઈ હતી પણ અમારી ઈચ્છા આજે પુરી થઈ...
આવો ચેમ્બરમાં અને અમે ચેમ્બરમાં ગયા...
રામ, પિન્ટુ સામે જોઈ બોલ્યો બેટા વર્ષો પહેલા તારા પપ્પા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા અમે બન્ને તારા પપ્પાને બુટપોલીશ કરાવવા માટે પાછળ પડ્યા...તેમણે બુટપોલિશ માટે બુટ આપ્યા પછી એક બુટ મેં લીધું અને એક શ્યામે,
તારા પપ્પાએ દસ રૂપિયા આપ્યા, પાંચ રૂપિયા મેં રાખ્યા પાંચ શ્યામને આપ્યા.. તારા પપ્પાએ આવું કરવાનું કારણ પૂછ્યું
મેં કીધું અમે બન્ને ખાસ મિત્રો છીએ, સવાર થી બોણી નથી થઈ, અમે નક્કી કર્યું છે આપણે મહેનત પણ સરખી કરશું અને કમાઈ પણ સરખા ભાગે વહેચી લેશું.
તારા પપ્પાએ કીધું આવો જ સંપ મોટા થઈને પણ રાખશો તો ખૂબ આગળ નીકળી જશો...અને એ અમે યાદ રાખ્યું.
પછી તારા પપ્પાએ અમને પૂછ્યું હતું.. તમારે ભણવું છે...?
અમે કીધું હા....
અમે હજુ ભૂલ્યા નથી એ દિવસે તારા પપ્પાએ રજા પાડી અમારું સરકારી સ્કૂલમાં એડમિશન પાક્કું કર્યું.. નોટ-ચોપડી, સ્કૂલડ્રેસ તથા અન્ય ખર્ચ તેમણે ઊપાડી લીધો.
તારા પપ્પાએ તેમની ઓફીસનું સરનામું અમને આપ્યું હતું ત્યાંથી અમે આકસ્મિક ભણવાનો કોઈ ખર્ચ આવે તો લઈ આવતા.... બાર ધોરણ પછી કોલેજનો ખર્ચ અમે જાતે ઉપાડવાનું નક્કી કર્યું. અમે બને ગ્રેજ્યુએટ થઈ.... લઘુ ઉદ્યોગ માટે ની લોન લઈ બુટ ચમ્પલ બનાવવાની ફેક્ટરી ખોલી...મહેનત અને ઈમાનદારીનું પરિણામ તું આજે જુએ છે...
પણ આ બધાની પાછળ..જે વ્યક્તિનું યોગદાન છે એ તારા પપ્પા છે....એ ફક્ત તારા પપ્પા નહીં અમારા પણ છે....અમે માઁ બાપ જોયા નથી....પણ કલ્પના જયારે હું કરું ત્યારે તારા પપ્પા મારી નજરમાં પ્રથમ આવે...
અમારી તો કોઈ ઓળખ જ હતી નહીં....રસ્તા વચ્ચે ઠેબા મારતા પથ્થર જેવી દશા ને દિશા અમારી હતી...અચાનક દેવદૂત બનીને તારા પપ્પા....આવ્યા અમારી દશા અને દિશા નક્કી કરનાર આ તારા પપ્પા સામાન્ય વ્યક્તિ નથી.
આ બુટ ચંપ્પલ ની કિંમત કંઇ જ નથી...જે વ્યક્તિ પોતાના મોજશોખ ઉપર કાપ મૂકી બીજા ને મદદ કરે એ વ્યક્તિ સામાન્ય ન હોય..
રામ અને શ્યામ ઉભા થયા... મને અને કાવ્યા ને પગે લાગ્યા..પોતાનું કાર્ડ આપી કહ્યુ 24×7કલાક અમે તમારા માટે ઉભા છીએ...
પિન્ટુને અને શીતલને પણ કીધું..અમે તમારા મોટા ભાઈઓ છીએ એવું સમજી લ્યો, જીવનમાં સુખ દુઃખ વખતે અમે તમારી સાથે પડછાયો બની ઉભા રહેશું એ અમારું વચન છે..
હવે આ દુનિયાની ભીડમાં તમે ફરી પાછા ખોવાઈ જાવ એ પહેલાં તમારા મોબાઈલ નંબર અને ઘરનું સરનામું અમને આપતા જાવ....આવતા રવિવારે અમારા ઘરે ડિનર તમારા બધાનું પાક્કું.
મારી આંખ ભીની થઈ ગઈ...
અજાણતા કરેલ થોડી અમથી મદદ કોઈની જીંદગી માટે યાદગાર બની જાય છે..આશ્રમ અને મોટા મંદિર માં આપેલ દાન ની કોઈ નોંધ પણ નથી લેતું અને આવી વ્યક્તિઓ આપણી મદદ ને દિલ ઉપર કંડારી દેતા હોય છે.
અમે એક યાદગાર મુલાકાત પછી છુટા પડ્યા...
મિત્રો, તમારાથી કોઈને મદદ ન થાય તો કંઈ નહીં પણ કોઈનું મોરલ તૂટી જાય તેવા શબ્દો બોલવા નહીં સમય બળવાન છે. આજે સમય મારી સામે ઉભો હતો, મેં મારી નજર સામે સમયને બદલાતો જોયો છે..
પરમાર્થ કરતા રહો...
આર્થિક, માનસિક, શારીરિક તમારી પાસે જે યોગ્યતા હોય તે મદદ કરતા રહો... તમારી નાની મદદ કોઈનું જીવન બદલી નાખે છે...
દાન યોગ્ય જગ્યા એ કરો.. .જ્યાં નદી વહે છે ત્યાં પાણીના પરબનું કોઈ મહત્વ નથી....તેનું મહત્વ તો રણ પ્રદેશમાં જ છે.
– અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories