સમજોતા (Samjota)

Related

 સમજોતા
*************** Ramesh Jani_

“નિયતિ તારી અકળ ગતિ, કોઈ જાણી શક્યું નથી;
અંતે ધાર્યું ધણીનું જ થાય, એમાં લગીરે સંદેહ નથી.”

મોટા શહેરની ઝળહળતી રોશનીઓ વચ્ચે, વીસ માં માળે આવેલો ફ્લેટ અનન્યા અને આકાશના પ્રેમથી મહેકતો હતો. શહેરની ગગનચુંબી ઇમારતોમાં અનન્યા અને આકાશનું નાનકડું, પણ હસતું-રમતું જગત ધબકતું હતું. 

#આવકાર
સમજોતા

આકાશ એક જાણીતી મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પરનો એન્જિનિયર, સાથે MBAની ડિગ્રી પણ ખરી. જીવન જાણે સંપૂર્ણ હતું: પ્રતિષ્ઠા, પૈસો અને પ્રેમ. અનન્યા, એક હસમુખી, પ્રેમાળ પત્ની, અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર, આરવ, જેનું ઘરને ખૂણે-ખૂણે ગજવતું ખિલખિલાટ હાસ્ય આખા ઘરમાં વસંત લાવી દેતું હતું.

આકાશની નોકરીમાં કામનું દબાણ, કંપનીના નવા ટાર્ગેટસ નું પ્રેશર તેના કસાયેલા મગજ અને શરીર પર સતત રહેતું. આ પ્રેશરને સંતુલિત કરવા તે દરરોજ સવારે જીમમાં જઈને કસરત કરતો. તેના કસાયેલા સ્નાયુઓ તેની મહેનતની ચાડી ખાતા હતા.

પરંતુ, વિધાતાએ કંઈક અલગ જ લખ્યું હતું. એક સવારે, નિયમિત કસરત દરમિયાન, અચાનક આકાશના છાતી માં તીવ્ર પીડા ઉપડી. મિત્રો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયો, પણ સમયે સાથ ન આપ્યો. તબીબો કઈ સમજે તે પહેલાં જ, હસતા-ખીલતા પરિવારને છોડીને, આકાશનું પ્રાણપંખેરું ઉડી ગયું.

અનન્યાનું આખું વિશ્વ જાણે એક ક્ષણમાં તૂટી ગયું. જીવનનો વસંત વૈધવ્યની પાનખરમાં ફેરવાઈ ગયો. આરવની ભોળી આંખોમાં પિતા ક્યાં ગયા! તે સવાલનો જવાબ આપવો અનન્યા માટે અશક્ય હતો. દિવસો, મહિનાઓ અને પછી વર્ષો વીતવા લાગ્યા. અનન્યાએ આરવને ઉછેરવામાં પોતાનું આખું અસ્તિત્વ સમર્પિત કરી દીધું. દુઃખને ગળીને, તે એક સશક્ત માતા બનીને ઊભી રહી હતી.

*****
આકાશના અવસાન પછીનાં બે વર્ષો ખૂબ જ મુશ્કેલ હતાં. અનન્યાએ નોકરી શરૂ કરી અને પોતાના અને પુત્રના જીવનને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો. એક શનિવારે સાંજે, અનન્યા આરવ સાથે મોલના એક પુસ્તકોના સ્ટોરમાં હતી.
ત્યાં અચાનક, સામેથી આવતા એક પરિચિત ચહેરા પર તેની નજર થંભી ગઈ. એ હતો પાર્થ, જે કોલેજકાળમાં તેનો ખાસ મિત્ર હતો. બંને વચ્ચે માત્ર મિત્રતાનો નિર્દોષ સંબંધ હતો.

"અનન્યા, તું અહીં? કેટલા વર્ષો થઈ ગયા!" પાર્થના અવાજમાં સ્નેહ અને આશ્ચર્ય બંને હતા.

વાતચીત દરમિયાન બંનેને ખબર પડી કે તેમની નિયતિ લગભગ સરખી જ હતી. પાર્થ પણ વિધુર હતો. તેની પત્ની પણ એક ગંભીર બીમારીમાં એક વર્ષ પહેલાં અવસાન પામી હતી. પાર્થને પણ આરવની ઉંમરની એક નાની દીકરી હતી, જેનું નામ 'મીરા' હતું.

કોલેજકાળની મિત્રતાનો ધાગો ફરી બંધાયો. પણ આ વખતે સંબંધમાં ઉદાસીની સમજણ અને એકલતાનો આધાર હતો. 
તેમની મુલાકાતો ધીમે ધીમે વધતી ગઈ.

બંનેના બાળકો - આરવ અને મીરા - એકબીજા સાથે જલ્દી ભળી ગયા. મીરા આરવને 'ભાઈ' કહીને બોલાવતી અને આરવ મીરા માટે વસ્તુઓ લાવતો. આકાશ અને પાર્થ બંનેની ખોટ બંનેના જીવનમાં હતી. હવે બંને એકબીજાની શાંતિ, સહાયતા અને પરસ્પરની જરૂરિયાત બનવા લાગ્યા.

ખબર નહિ કેમ પણ ...બાળકોની નિકટતા અને એકબીજા પ્રત્યેની લાગણી તેમને એક નવા નિર્ણય તરફ ખેંચી રહી હતી.


*****
ધીમે ધીમે આ મુલાકાતો માત્ર મિત્રતા પૂરતી સીમિત ન રહી. તેમને એવી પ્રતીતિ થઈ રહી હતી કે બાળકોના લીધે અને પરસ્પરની જરૂરિયાતના લીધે તેઓ એકબીજાના જીવનમાં એક ખાલી જગ્યા પૂરી શકે એમ છે. અને એક સાંજે, પાર્થે હિંમત કરીને અનન્યાને લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો.

આ પ્રસ્તાવ અનન્યા માટે મોટી કસોટી હતો. પરિવારમાં આ બાબતે ચર્ચા કરતા અનન્યા ના રૂઢિચુસ્ત કુટુંબ તરફથી તરત જ વિરોધ શરૂ થયો. "બીજું લગ્ન ન કરાય," "વિધવા સ્ત્રીને સમાજમાં આવું પગલું ન શોભે," અને સૌથી મોટો ડર – "આપણી આબરુ જવાનો ડર." બીજી તરફ, પાર્થને પણ ચિંતા હતી કે સમાજ આ સંબંધને સામાજિક સ્વીકૃતિ આપશે કે કેમ.

બંને મૂંઝવણમાં હતા, નિર્ણય લઈ શકતા નહોતા. એવા સમયમાં એક બપોરે કોઈ કારણસર પાર્થ અનન્યાના ઘરે આવેલ હતો. આરવ અને મીરા લિવિંગ રૂમમાં ધમાલ મચાવી રહ્યા હતા. મીરા હસતાં હસતાં આરવ પાછળ દોડતી હતી. અચાનક આરવ પડી ગયો, પણ ...અરે! ભાઈ સંભાળ..જે કહી મીરાએ તેને પકડી લીધો. અને બંને એકબીજાને જોઈને ફરી હસી પડ્યા. 

એકબીજા સાથે હસતા-ખેલતા બાળકોના ચહેરા પરની નિર્દોષ ખુશી જોઈને અનન્યા અને પાર્થની આંખોમાં પાણી આવી ગયા. અને પોતાની આંખોમાં નવો ઉજાસ દેખાઈ રહ્યો હતો. હવે તેઓ સમજી ગયા હતા કે તેમનું સુખ કે સમાજનો ડર ગૌણ છે. મહત્વનું છે આ નાના બાળકોને મળતો એકબીજાનો પ્રેમ અને એક સ્થિર પરિવાર.

એક પળમાં જ તમામ મૂંઝવણો દૂર ફેંકાઈ ગઈ. "આપણે કોના માટે જીવીએ છીએ? સમાજ માટે કે આ બાળકો માટે?" પાર્થે પૂછ્યું.

"હા આપણે આ લગ્ન આપણા માટે નથી કરી રહ્યા, પાર્થ. આપણે આ સમજોતા આ બાળકો માટે કરી રહ્યા છીએ. જેથી તેમને ફરી માતા-પિતા બંનેનો છાંયો મળી શકે," અનન્યાએ કહ્યું.

પાર્થે તેના હાથ પર હાથ મૂક્યો. "તું સાચું કહે છે, અનન્યા. આપણે સમાજને ન્યાય આપી શકતા નથી, પણ આપણા બાળકોને તો આપી શકીએ. આપણે હવે “સમજોતા” કરીશું."

અંતે બંનેએ લગ્ન કર્યા. રૂઢિચુસ્ત કુટુંબનો વિરોધ સમય જતાં મંદ પડ્યો. આરવ અને મીરાને એકબીજાનું નિર્દોષ સાહચર્ય અને માતા-પિતા બંનેનો પ્રેમ મળ્યો. સમયની સાથે, તેમના જીવનમાં પ્રેમની નવી વસંત ખીલી ઉઠી, જે સમજોતા ની મજબૂત જમીન પર અડગ ઊભી હતી. (કથાબીજ: એક સાહિત્ય પ્રેમી મિત્ર તરફથી. – લેખન: Ramesh Jani)

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post