અતૂટ શ્રધ્ધા (Atut Shraddha)

Related

"અતૂટ શ્રધ્ધા"
`````` ~~~~~~~~~~~~ "હરે કૃષ્ણ"
"આ તો ભગતાઈ ચડી છે બાપ! હવે એ ઈ સંસાર નો માંડે!" ત્યાં ભાભી બોલ્યા "એ તો કામ ન કરવાના બહાનાં છે."

#આવકાર
અતૂટ શ્રધ્ધા

આદરીયાણા ગામ. નામ સાંભળતા જ મનમાં રણની કાંધી અને ખારાપાટની ભૂમિ આંખો સામે તરી આવે. વૈશાખ મહિનાની આકરી ગરમીમાં જ્યાં ધૂળની ડમરીઓ આકાશને આંબી જાય, આવી આ ખારાપાટની ધરતી પણ માણસો સ્વભાવે બહુ મીઠાં! તેમનો ઈશ્વર પરનો વિશ્વાસ અને શ્રદ્ધા અફાટ; આસ્થા રાખવામાં તેઓ કદી ઉણા ન ઉતરે!

આ જ આદરીયાણા ગામમાં એક ભાલૈયા કુટુંબમાં અખીનો જન્મ થયો. નાનપણથી જ અખીને સંસારની માયા કરતાં ભગવાનનો નેડો વધારે લાગ્યો હતો. તેનું હૃદય ભક્તિની ધૂણી ધખાવવા તલસતું હતું, પણ જવાબદારીનું બંધન તેને ખેતીના કામ તરફ ખેંચી રાખતું.

એકવાર અખી પોતાના ભાઈબંધો સાથે મુજપુર ગામનો મેળો માણવા ગયા. હજારો લોકોની ભીડમાં તેની આંખ એક અવધૂત પર ઠરી ગઈ. આ અવધૂત એટલે ભુતનાથ બાપુ. અખીનું હૈયું જાણે જન્મજન્માંતરની ઓળખની સાક્ષી પૂરવા લાગ્યું. અખી અવધૂતના આસન નજીક પહોંચ્યા અને ક્ષણવારમાં જ તેના પર ભક્તિનો એવો રંગ લાગ્યો કે સંસારની મોહમાયા વિસરાઈ ગઈ. અખીને ભુતનાથ બાપુના ચરણોમાં ગુરુ મળ્યા.

સમય વીતવા લાગ્યો. અખી ભગત દિવસ દરમિયાન ખેતીનું કામ કરે અને રાત્રે પગપાળા મુજપુર જાય. મુજપુર અને આદરીયાણા વચ્ચેનું બાર ગાઉ નું અંતર, શરીર થાકતું, પણ ગુરુસેવાની ધગશ તેના પગમાં નવી ઊર્જા પૂરતી હતી.

સમય વીતતાં અખી ભગતની શ્રદ્ધાની કસોટીનો દિવસ આવી પોગ્યો!
એ વરસે ચોમાસું મન મૂકીને વરસી પડ્યું! અષાઢ મહિનાની અવિરત હેલી પંદર-પંદર દિવસ સુધી ચાલી. બધું જળબંબાકાર થઈ ગયું. રુપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું, નદી બે કાંઠે વહી રહી હતી. તેનો પ્રવાહ એવો પ્રચંડ હતો કે જાણે કોઈ યૌવના પિયુને મળવા ઉતાવળી થઈ હોય.
....આવી ગાંડીતૂર થયેલી નદીની ભેખડો એવી ડરામણી ગાંજતી હતી કે કાંઠે ભૂતાવળ બેઠી હોય!

આ બાજુ, અખી ભગત ચિંતામાં ડૂબેલા હતા. તેમને માત્ર એક જ વિચાર હતો, જો ગુરુની સેવામાં ચૂક થઈ ગઈ, તો બાપ, જીવતર નકામું!

અખી ભગત રાત્રિના અંધકારમાં હાલી નીકળ્યા. બાજુમાં સૂતેલા ભાઈને શંકા ગઈ કે ક્યાંક અખીના પગ ઘરના સંસ્કાર તો નથી ભૂલ્યા ને! ભાઈએ ચાંપતા પગે અખીનું પગેરું દબાવતા એની પાછળ પાછળ પગ ઉપાડયા!

પણ અખીનું મન તો મુજપુર પહોંચી ગયું હતું. અખી ત્યાંથી નીકળી ગયા અને ભાઈ પાછળ પાછળ!

આખરે અખી ભગત રૂપેણ નદીના કાંઠે આવીને ઊભા રહ્યા. સામે નદીનું રોદ્ર રૂપ ચરમસીમા પર હતું. આજુબાજુનો ડરામણો અવાજ, કાચો પોચો માણસ હોય તો ત્યાંથી પાછો વળી જાય પણ .. અખીએ આંખ બંધ કરીને ગુરુનું સ્મરણ કર્યું.

તેમના મુખમાંથી વચન નીકળ્યું, "હે મા, મેં જો તન-મનથી મારા ગુરુનું સ્મરણ કર્યું હોય ......તો મને મારગ આપ!"

કહેવાય છે કે, આ રુપેણ નદીના પ્રચંડ વહેણમાં બે ફાડા થઈ ગયા! જાણે રસ્તો આપી રહી હોય. અખી ભગત વચ્ચેથી સૂકી જગ્યા પર ચાલીને ગુરુની સેવામાં પહોંચી ગયા. આ બધું નજરે જોનારા તેમના ભાઈએ અખીની શ્રદ્ધા અને ભક્તિ સામે માથું ઝુકાવ્યું.

આ એ જ અખી ભગત છે, જેમની ભક્તિની ગાથા આજેય અમર છે. તેમનાં ભજનો ચીમનલાલ દંતાણી જેવા કલાકારોએ આકાશવાણી અમદાવાદ પર ગાયાં હતાં.

તેમની એક રચના – "ઠાકર મંદિરમાં હોય થાળી, તમે જમવા આવોને મારા વનમાળી..." આજે પણ ગુજરાતના ગામે-ગામ ગવાય છે. લોટેશ્વર મહાદેવની બાજુમાં અડીખમ ઊભેલું આ સ્થળ એ ગુરુ-શિષ્યની ભક્તિની ગાથા ગાય છે.

અને આદરીયાણા ગામમાં ભુતનાથનો ચોરો અને પાંચસો વર્ષ જૂનો વખડો અડીખમ ઊભેલા છે. અખૈયા અથવા અખઈદાસના નામથી ઓળખાતા આ સંત અખી ભગતની જગ્યા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનાં આદરીયાણા ગામે આવેલી છે.

દર મહિનાની પૂર્ણિમાના દિવસે ગામની સ્ત્રીઓ અને અમાસના દિવસે પુરુષો આ ચોરામાં અખંડ ધૂનભજન કરે છે.

આવી વાતો આપણી સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે. આવી ઘટનાઓ આપણને જીવતા શીખવે છે, ...કારણ કે "અતૂટ શ્રધ્ધા" અને નિષ્ઠા સામે કુદરત પણ માર્ગ આપી દે છે. .."જય ઠાકર ધણી!"

કથાબીજ આપનાર: અનિલભાઈ પંડ્યા પાટણ
----->આલેખન: ©હરેકૃષ્ણ"\_રમેશભાઈ જાની.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post