મારી અગાસીનું આકાશ (Mari AgasiNu Aakash)

Related

 "મારી અગાસીનું આકાશ''
~~~~~~~~~~~~~~~~~~~~~~ વિજય મહેતા

અને પુસ્તકમેળામાં ફરતા ફરતા સુધાબહેનના પગ થંભી ગયા.

#આવકાર
મારી અગાસીનું આકાશ

અહીંથી નવલકથા વિભાગ શરુ થતો હતો. અનેક નામી અનામી લેખકોના પુસ્તકો સુંદર રીતે ગોઠવ્યા હતા. પણ સુધાબહેન તો એક જ પુસ્તકને ફેરવી ફેરવીને જોતા હતા.

"મારી અગાસીનું આકાશ''

લેખક : સુકેતુ જોશી..

આકર્ષક રંગ. અને પૃષ્ઠ ચિત્ર પણ એજ સ્થળનું. પથ્થરના ચણતરની એક જૂની મેડી. બાજુમાં જ અગાસીમાં ખુલતું બારણું. અને ત્યાં હાથ ફેલાવી આવકારતું આખું આકાશ. પહેલા જ પાના પર લેખકનો ફોટો. અને નીચે લખ્યું હતું, ''જીવનના પ્રારંભ કાળે પ્રેરણા બની જેણે શબ્દોના ઐશ્વર્યનું આખું આકાશ મને આપ્યું, એવી નેહ નીતરતી બે આંખોને આ પુસ્તક સમર્પિત..''.

સુધાબહેનના હૃદય ધબકારા જાણે વધી ગયા. લેખકના ફોટા પરથી પુરા બેતાલીસ વર્ષ ખસેડયા, 
અને નજર સામે એ યુવાન ચહેરો તરવરી ઉઠ્યો. સપ્રમાણ એકવડીયો બાંધો. ગૌર વર્ણ. ભરાવદાર ચહેરા પર શોભતી કાળી ઝીણી દાઢી..ખાદીના ઝભ્ભામાં એ કેવો સોહામણો લાગતો ?

"બહેન ! આઠ વાગી ગયા.પુસ્તક મેળો બંધ કરવાનો સમય થઈ ગયો. કાલે આવજો."" ત્યાં ટેબલ પાસે ઉભેલી છોકરીએ અત્યંત નમ્રતાથી કહ્યું. અને સુધાબહેન વિચારતંદ્રામાંથી સફાળા જાગ્યા હોય એમ.."હે....? હા...હા ! સોરી..સોરી.!.કહેતા ઝડપથી બહાર નીકળી ગયા. પણ જતા જતા આ નવલકથાના પુસ્તકની કિંમત જોતા ગયા.પુરા પાંચસો રૂપિયા. મનમાં હિસાબ માંડ્યો. દસ ટકા ડિસ્કાઉન્ટ.તો ય સાડા ચારસો તો ખરી જ.

આજ સવારે જ પુત્રવધુ મેનાએ બીપી અને ડાયાબિટીસની દવા લેવા પાંચસો રૂપિયા આપ્યા હતા. પણ તે આપતી વખતે મેનાએ બતાવેલો અણગમો યાદ આવ્યો. અને સુધાબહેને એ પુસ્તક ખરીદવાનો વિચાર માંડી વાળ્યો. તે આગળ ચાલતા હતા,પણ મન પાછળ ભૂતકાળમાં.

એ પોતાના પિયરના ગામની જૂની દેરાસર વાળી શેરી. બધા જૂની બાંધણીના મકાનો. એના ફળિયાની જમણી બાજુ જ સામે કલકતાસ્થિત નેમચંદ કાકાની એ મેડી. અગાસીમાં ખુલતું બારણું..અને બહાર લીલા ખેતરો પર ઝળુંબતું ખુલ્લું આકાશ.તે ત્યાં જ રહેવા આવ્યો હતોને.!..શિક્ષક તરીકે આ ગામમાં એની પ્રથમ નિમણૂક હતી. સાલો અડધો લેખક તો ત્યારે પણ હતો.. શાળા સિવાયના સમયે એ અગાસીમાં ખુરશી નાખી વાંચ્યા લખ્યા કરતો, કે સુંદર મૌસમમાં આકાશના રંગોને જોયા કરતો.

અને પોતે ? પોતે હાલતી ચાલતી કામ કરતી એને જ નિહાળ્યા કરતી. પાછલી બપોરે ભીંતને છાંયે ખાટલો રાખી તે બારમાં ધોરણની પરીક્ષાનું વાંચતી તો ખરી, પણ ધ્યાન તો ઘડી ઘડી મેડીએ જ..એમાં પણ પર્યુષણમાં એણે શ્રાવકો,મહારાજશ્રીઓની ઉપસ્થિતિમાં' 'જૈન ધર્મના સિદ્ધાંતો'' પર પ્રવચન આપ્યું, અને તે જાણે એની વાણી અને છટા પર ઓવારી ગઈ. પછી તો પુસ્તકો વાંચવાનો ચેપ પોતાને પણ લાગ્યો..પુસ્તકો લેવા આપવાના બહાને સામસામા પ્રેમપત્રો પતંગિયાની જેમ ઉડવા લાગ્યા.એક પત્રમાં એણે લખ્યું હતું

" સુધા ! હું જ્યારે અગાસીમાં બેસી આ દૂર ક્ષિતિજ સુધી વિસ્તરેલા આકાશને નિહાળુ છું, અને જાણે તું યાદ આવી જાય છે. પછી તને જોવા માટે મારુ મન વિહ્વળ બની જાય છે. દુષ્યંતની શકુંતલા કે કલાપીની શોભનાની કલ્પના કરું છું અને તું જ આંખો સામે ચિતરાઈ જાય છે.''

તો પોતે પણ પુરી રંગાઈ ગઈ હતી. પણ હંમેશા બને છે એમ જ માતા-પિતાને આ વાતનો અણસાર આવી ગયો. અને વધુ અભ્યાસના બહાના તળે મુંબઈ મામાને ત્યાં મોકલી દીધી. દિવાળીના વેકેશનમાં આવી, ત્યારે જોયું તો સાંજનો ઝાંખો પીળો તડકો ઓઢીને મેડી સુની ઊભી હતી.

અગાસી અને આકાશ જાણે એકલા અટુલા ભાસતા હતા..મેડીની કનેરીઓમાં પોપટના ટોળા ઉડી ઉડી બોલતા હતા. અને એ ?

બદલી કરાવી એના વતન તરફ ક્યાંક જતો રહ્યો હતો. તે થોડા દિવસ ખૂબ વ્યાકુળ રહી. કોઈ ક્ષણે તો દીક્ષા લઈ લેવાનો વિચાર સુધ્ધાં આવી જતો. પણ ધીમે ધીમે મનના ઉધામા શાંત થતા ગયા. એક બપોરે ગામને પાદર નદીએ કપડાં ધોવા ગઈ ત્યારે પેલા બધા પત્રો ફરી ફરી વાર વાંચી જળમાં પધરાવી દીધા..અને જીવન પ્રવાહ પણ ક્યાં ક્યારેય અટકયો છે. એ જ વરસે માતા પિતાએ શોધેલા ઘર અને વરમાં તે સમાઈ ગઈ.

હા ! નાની ઉંમરમાં વૈધવ્ય આવ્યું. પણ છતાં ખાનગી શાળાના અતિ ટૂંકા પગારમાં પુત્ર વિરાગ અને પુત્રી વૈભવીને લઈ જીવન નૌકા આગળ હાંકી. આજે પોતે વિરાગ મેના અને પૌત્રી વિશ્વા સાથે ખુશ રહેવા મથતા હતા.

લગભગ પાંસઠે પહોંચવા આવેલા સુધાબહેન મંદિરે કે કથામાંથી ઘરે પાછા આવતા ખૂબ થાકી જતા, પણ આજ આ પુસ્તક જોયા પછી, વિચારમાં ને વિચારમાં ઘર ક્યારે આવી ગયું, તે ખ્યાલ પણ ન રહ્યો.

મેના રસોડામાં હતી. વિશ્વા એનું દફતર પાથરીને બેઠી હતી. તે સીધા જ પૂજા સ્થાને ગયા. દરરોજના ક્રમ પ્રમાણે માળા ફેરવવા લીધી, પણ મન લાગ્યું નહિ..નજર સામે પેલું પુસ્તક જ આવતું હતું. ત્યાં જ વિશ્વાને અચાનક યાદ આવ્યું હોય ,એમ દોડતી આવી, અને બોલી" દાદી ! તમે કથામાં ગયા ત્યારે એક બુઢ્ઢા અંકલ આવ્યા હતા, દરવાજેથી જ એણે આ પુસ્તક આપ્યું, અને કહેતા ગયા, તારા દાદીને ....કહેજે સમય મળશે તો ફરી આવીશ ''

સુધાબહેન જોઈ રહયા એ પુસ્તકને. જાણે હાથમાં આખું આકાશ આવી ગયું હોય એમ, એનું હૃદય ઉછળતું હતું. અરે ! આટલા વરસે પણ ન મળી શક્યાના રંજ સાથે પુસ્તક ખોલ્યું. પુસ્તકના પ્રથમ પાને ખૂણામાં સ્યાહી પેનથી લખ્યું હતું. '"

" मिच्छामी दुक्कड़म ''

-- સુકેતુ જોશી.

એ ચાર દિવસમાં એ નવલકથા વાંચતા સુધાબહેન સમજી ગયા કે સત્તર પ્રકરણમાં પથરાયેલી નવલકથામાં ભલે કલ્પનાના અનેક રંગો નાખ્યા હોય, પણ મૂળ બુનિયાદ તો એ મેડી..એ અગાસી...એ આકાશ અને એ જ પ્રેમ કહાની છે. નામ બદલાવ્યા છે.

પણ બે દિવસ પછી ટી.વી.પર સાંજના સમાચારમાં ન્યૂઝ રીડર બોલી રહી હતી...

""આજે વહેલી સવારે અમદાવાદ ખાતે જાણીતા લેખક સુકેતુ જોશીનું અચાનક અવસાન થતાં સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓની છેલ્લી નવલકથા ....

"મારી અગાસીનું આકાશ' હતી.

સુધાબહેન સ્તબ્ધ થઈ સાંભળી રહ્યા. તેઓ ધીમા પગલે અગાશીમાં ગયા..સાંજ ઢળી ચુકી હતી. મંદિરોમાં આરતીના ઝાલર નગારા વાગી રહ્યા હતા..આકાશમાં એક તારો ઝબુકી રહ્યો હતો..એને એ જોઈ રહ્યા ભીની સજળ આંખે..

મનમાં નવલકથાના નાયકે નાયિકાને ઉદ્દેશી કહેલો છેલ્લો સંવાદ ગુંજતો હતો..

"કદાચ કાલે હું નહિ હોઉં. સાંભરી જાઉં તો આકાશ જોઈ લેજે..ત્યાં હું તારો બની ઝબુકતો હોઈશ.''' ★★★★★
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post