વારસદાર (Varasdar 89)

Related

વારસદાર પ્રકરણ 89

( જે વાચકોને ધ્યાન શીખવું છે એ લોકોએ આજનું પ્રકરણ ખૂબ જ ધ્યાનથી એક બે વાર વાંચવું. )

સમય સરકતો ગયો. દિવસો પછી મહિના અને મહિના પછી વર્ષ. દશ વર્ષનો સમયગાળો જોતજોતામાં પસાર થઈ ગયો.

મંથન ૪૫ નો થઈ ગયો. અદિતિ પણ ૪૩ ની થઈ. અભિષેક ૧૪ વર્ષનો થયો. વીણામાસી પણ ૭૫ આસપાસ પહોંચી ગયાં. હવે એમને કોઈને કોઈ બીમારીની દવાઓ ચાલુ થઈ ગઈ હતી.

વારસદાર

ઝાલા સાહેબ પણ ૭૩ ની ઉંમરે પહોંચવા આવ્યા હતા અને હવે સંપૂર્ણ નિવૃત્ત જીવન ગાળતા હતા.

૪૦ વર્ષનો ચિન્મય શાહ સ્ટોક માર્કેટનો કિંગ બની ગયો હતો. શેરબજારમાં એનું નામ બહુ આદરથી લેવામાં આવતું. હવે એ બજારને રમાડતો થઈ ગયો હતો. માત્ર સ્ટોક માર્કેટમાંથી જ એ કરોડો રૂપિયા કમાઈ ગયો હતો. મોંઘીદાટ ગાડી અને સિક્યુરિટી પણ રાખતો થઈ ગયો હતો. લોઅર પરેલનો અભિષેક એવન્યુ ફ્લેટ એને ફળ્યો હતો એટલે એણે જગ્યા બદલી ન હતી !

દશ વર્ષના ગાળામાં તર્જની અને ચિન્મય બે સંતાનનાં માતા-પિતા બન્યાં હતાં. સૌથી મોટી દીકરી કિયારા સાત વર્ષની થઈ હતી જ્યારે નાનો દીકરો કુંતલ ચાર વર્ષનો. કિયારા તર્જનીની બિલકુલ બેઠી કોપી હતી !

દર વર્ષે શ્રાવણ મહિનામાં કેતા પાસે સંકલ્પ લેવડાવીને મંથન મહામૃત્યુંજય મંત્રના સવાલક્ષ જાપ અને ચારેય સોમવારે અષ્ટાધ્યાયી રૂદ્રીના અભિષેક ખાસ કરાવતો. કેતા આજ્ઞાંકિત બાળકની જેમ પૂજામાં બેસતી. એણે જીવની જેમ રુદ્રાક્ષના મણકાને પોતાના કાંડા ઉપર સાચવ્યો હતો.

તલકચંદના ગુજરી ગયા પછી પ્રિયાના આગ્રહથી નૈનેશ વાલકેશ્વરના બંગલે સ્વતંત્ર રહેવા માટે ગયો હતો. જો કે એને પોતાને મૃદુલા મમ્મી અને કેતાદીદી પ્રત્યે ખૂબ જ લાગણી હતી એટલે અવારનવાર એ જૂહુ આવતો જતો રહેતો.

શીતલે ૭ વર્ષ પહેલા જ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. જેનું નામ એણે ઝેની રાખ્યું હતું. શીતલ હવે બોરીવલીમાં અદિતિ ટાવર્સમાં રહેતી હતી. રાજન દેસાઈ પોતાના સાળા નૈનેશની ભાગીદારીમાં ડાયમંડનો બિઝનેસ કરતો હતો. બિઝનેસ સારો ચાલતો હતો પણ અબજોપતિ બનવાની રાજનની કોઈ મહત્વકાંક્ષા ન હતી. એના કારણે રાજન અને શીતલ વચ્ચે ક્યારેક ક્યારેક ખટરાગ પણ થતો હતો. પોતાના પિતા તલકચંદ પાસેથી કરોડો રૂપિયા શીતલને મળ્યા હતા છતાં એને સંતોષ ન હતો.

મંથનની ત્રણેય સંસ્થાઓ મુંબઈમાં ખૂબ જ પ્રસિદ્ધિ પામી હતી. નર્સિંગ સેવાનું કામ ખૂબ જ વધી ગયું હતું અને છેલ્લા ૯ વર્ષથી કેતા પોતે જ મહેતા નર્સિંગ સેવા સદન સંભાળતી. એને પોતાને આ સેવાના કામમાં બહુ જ મજા આવતી હતી. વહેલા ઉઠી મમ્મી માટે રસોઈ કરી સવારે વહેલી આવી જતી અને મોડે સુધી રોકાતી.

મંથને એટલું બધું કમાઈ લીધું હતું કે નવી સ્કીમોનું કામ ઘણું ઓછું કરી નાખ્યું હતું. પોતાના સ્ટાફની આવક ચાલુ રહે એટલા માટે વર્ષમાં એકાદ બે નવી સ્કીમો કરતો. પોતાનો ૯મા ધોરણમાં ભણતો અભિષેક સિવિલ એન્જિનિયર બની જાય અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ સંભાળે ત્યાં સુધી એ ગાલા બિલ્ડર્સનો બિઝનેસ ચાલુ જ રાખવા માગતો હતો.

********************

" હવે મારે પણ ધ્યાન શીખવું છે અને ગાયત્રી મંત્રની માળા ચાલુ કરવી છે." એક રાત્રે અદિતિએ મંથનને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી.

" ઠીક છે. એમાં કંઈ મોટી વાત નથી. બસ ધ્યાન શું છે એની સમજ હોવી જોઈએ. એક વસ્તુ યાદ રાખ કે ધ્યાન કરવાનું હોતું નથી ધ્યાન આપોઆપ થઈ જતું હોય છે. આપણે રોજ રોજ કોઈ ને કોઈ ધ્યાન કરતાં જ હોઈએ છીએ પરંતુ આપણને ખબર જ નથી." મંથન કહી રહ્યો હતો.

"તું સોયમાં દોરો પરોવતી હોય ત્યારે તારું સંપૂર્ણ ધ્યાન સોયના નાકા ઉપર જ હોય છે. બસ આ પણ એક ધ્યાન છે. બે થાંભલા ઉપર લાંબું દોરડું બાંધીને હાથમાં લાકડી પકડી એના ઉપર ચાલતી નટ છોકરીનું સંપૂર્ણ ધ્યાન પોતાના બેલેન્સ ઉપર હોય છે કે એ પડી ના જાય. નાનું બાળક ઘૂંટણિયે ચાલતું ચાલતું સળગતી સગડી તરફ જાય ત્યારે માતાનું સંપૂર્ણ ધ્યાન બાળક ઉપર હોય કે એ દાઝી ના જાય. બસ આ પણ એક ધ્યાન છે." મંથન સમજાવી રહ્યો હતો.

" ધ્યાન એટલે મનની એવી સ્થિતિ કે મન બધા વિચારો હટાવીને કોઈ એક જ લક્ષ્ય ઉપર કેન્દ્રિત થાય. આવું ધ્યાન આપણે રોજબરોજની જિંદગીમાં કરતા જ હોઈએ છીએ. જ્યારે આધ્યાત્મિક ભાષામાં ધ્યાન એ સમજપૂર્વકનું ધ્યાન છે. એમાં ધ્યાન વખતે મન જાગૃત હોય છે. આજે સવારે ચાર વાગ્યે મારી સાથે ઉઠી જજે. હું તને ધ્યાન શીખવાડી દઈશ." મંથને વાત પૂરી કરી.

અને અદિતિ વહેલી સવારે મંથનની સાથે જ જાગી ગઈ. મ્હોં ધોઈને ફ્રેશ થઈ ગઈ. મંથન પણ બેડ ઉપર પોતાના રોજના સ્થાને બેસી ગયો.

" હવે મારી સામે તું ટટ્ટાર બેસી જા. શરીરને ખેંચીને અક્કડ બનાવવાનું નથી એમ સાવ ઢીલા પણ બેસવાનું નથી. એકદમ નોર્મલ પોઝિશનમાં સીધા બેસવાનું છે. પલાંઠી વાળીને બેસવાનું. ધ્યાન માટે પદ્માસન કરવાની જરૂર નથી આજના યુગમાં પદ્માસન શક્ય પણ નથી. " મંથને અદિતિને કહ્યું.

"હવે હાથની પોઝિશન બે રીતે રાખી શકાય. બંને હાથ બંને ઘૂંટણ ઉપર ટેકવીને સીધા રાખી શકાય જેમાં હથેળી ખુલ્લી રાખવાની હોય અને અંગુઠાની બાજુની તર્જની આંગળી અંગુઠા તરફ વાળીને અંગુઠા સાથે જોડવાની હોય . બાકીની ત્રણ આંગળીઓ એકદમ સીધી રાખવાની હોય. " મંથન કહી રહ્યો હતો.

"બીજી પદ્ધતિ વધારે સરળ છે. ડાબા હાથને ખોળામાં રાખીને હથેળી ખુલ્લી રાખવાની અને એના ઉપર જમણા હાથની હથેળી એવી રીતે ગોઠવવાની કે બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ કરે ! હથેળીઓને ઢીલી રાખવાની. સીધી ટટ્ટાર ખેંચવાની જરૂર નથી. ટૂંકમાં હથેળીમાં કોઈપણ પ્રકારનું ખેંચાણ થવું ન જોઈએ. જેને જે ફાવે તે રીતે કરી શકે. "

આદિતીએ પણ આ સરળ આસન જ પસંદ કર્યું અને ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની હથેળી ગોઠવી દીધી. બંને અંગૂઠા એકબીજાને અડીને રહે એ રીતે હથેળી ગોઠવી.

" બસ હવે આંખો બંધ કરીને માનસિક રીતે બંને ભ્રમરની વચ્ચે સહેજ ઊંચે નજરને કેન્દ્રિત કરવાની. આ જગ્યા આજ્ઞાચક્રની છે. આ જગ્યાએ ધ્યાન કરવાથી ગુરુજીની કૃપા થાય છે. જ્ઞાન પ્રાપ્તિ થાય છે. આગળનું માર્ગદર્શન આપોઆપ મળે છે. કુંડલિની જાગૃત થાય છે. યાદ એ રાખવાનું કે અંદરથી આંખોને ઉપર તરફ ખેંચવાની નથી. એકદમ સહજ રીતે બંને ભ્રમર વચ્ચે નજર રાખવાની છે." મંથને કહ્યું.

અદિતિએ બંને આંખો બંધ કરી દીધી અને નજરને બે ભ્રમરની વચ્ચે રાખવાની કોશિશ કરી.

" બસ હવે શરૂઆતમાં ત્રણ ઊંડા શ્વાસ લે અને પછી નોર્મલ શ્વાસ ચાલુ રાખ. હવે તારા શ્વાસ ઉપર જ ધ્યાન આપ. માત્ર શ્વાસ ઉપર. બીજો કોઈ પણ વિચાર તારે કરવાનો નથી. માત્ર શ્વાસને સાંભળવાનો છે. નજર બન્ને ભ્રમરની વચ્ચેથી કદાચ ખસી જાય તો પણ ચિંતા નહીં કરવાની. શરૂઆતમાં તું માત્ર શ્વાસ ઉપર ધ્યાન આપ. શ્વાસ લીધો.... શ્વાસ બહાર નીકળ્યો.... શ્વાસ લીધો... શ્વાસ બહાર નીકળ્યો. બસ સતત આજ કરવાનું છે. જતા આવતા શ્વાસને જોવાનો છે. " મંથન એકદમ ધીમે ધીમે બોલી રહ્યો હતો.

" શ્વાસ અંદર ઊંડે સુધી ગયો... ફરી પાછો નાક દ્વારા બહાર નીકળ્યો. ફરી અંદર ગયો.. ફરી પાછો બહાર નીકળ્યો... શ્વાસને સતત જોવાથી બાકીના બધા વિચારો બંધ થઈ જશે. એક મહિના સુધી માત્ર આ જ કરવાનું છે. પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ. જ્યાં સુધી બેસી શકાય ત્યાં સુધી." મંથન કહી રહ્યો હતો.

" સતત પ્રેક્ટિસ કરવાથી એક દિવસ એવો આવશે કે શ્વાસનો આ અવાજ વહેતા ઝરણાનો અવાજ બની જશે. ઘુઘવતા સાગરનો અવાજ બની જશે. બ્રહ્માંડમાં સતત સંભળાતા ૐ નો નાદબ્રહ્મ બનતો જશે. શ્વાસ ઉપર ધ્યાન આપ તર્જની. શ્વાસ લીધો... શ્વાસ છોડ્યો... શ્વાસ લીધો... શ્વાસ છોડ્યો. ધીમે ધીમે તું પોતે જ અંદર ખોવાઈ જઈશ. " મંથન સૂચનાઓ આપતો હતો.

લગભગ ૨૦ મિનિટ સુધી અદિતિએ ધ્યાનની પ્રેક્ટિસ કરી. એને ખૂબ જ મજા આવી અને એકદમ ફ્રેશ થઈ ગઈ.

" લગભગ એક મહિના સુધી માત્ર આટલું જ કર્યા કર. એ પછી આ અવસ્થા સહજ થઈ જાય અને બધા વિચારો બંધ થઈ જાય એટલે થોડા દિવસો પછી એવી કલ્પના કરવાની કે બંધ આંખોની સામે ઉગતો સૂર્ય દેખાઈ રહ્યો છે અને સૂર્યનાં સોનેરી કિરણોએ મને ઘેરી લીધી છે. સૂર્ય કિરણો મારા શરીરમાં પ્રવેશી મારામાં એક નવી જ ઉર્જા પેદા કરી રહ્યાં છે. હું અદિતિ નથી. હું માત્ર એક ઉર્જા છું. હું દિવ્ય ઉજ્જવળ પ્રકાશમાં તરતો એક આત્મા છું. " મંથન બોલ્યો.

" ધ્યાનમાં કોઈપણ મંત્ર બોલવાનો નથી હોતો. માત્ર શ્વાસને જોવાનો હોય છે. પોતાની અંદર ખોવાઈ જવાનું છે. કોઈ વિચાર આવે તો પણ ફરી શ્વાસ ઉપર ધ્યાન આપવાનું અને વિચારને ભગાવી દેવાનો. આપણે શ્વાસ અંદર લઈએ અને પાછો શ્વાસ બહાર કાઢીએ એ બેની વચ્ચે એક ક્ષણ માટે શ્વાસ બંધ હોય છે. બસ આ શૂન્ય અવસ્થા છે. એ ધીમે ધીમે વધારવાની છે. આ બધું પ્રેક્ટિસથી શક્ય છે અદિતિ. "

"તને એકદમ ધ્યાન સિદ્ધ થઈ જાય પછી તું તારી ઈચ્છા પ્રમાણેની કલ્પના કરી શકે છે. તું પોતે જ દિવ્ય ચેતના છે. તું શરીરથી અલગ સફેદ રંગનો આત્મા છે. બ્રહ્માંડમાં મન ફાવે ત્યાં તું જઈ શકે છે. ચૈતન્યનાં મોજાં તારી આજુબાજુ ફરી વળ્યાં છે. દરેક પોતાને ફાવે તે રીતે કલ્પના કરી શકે છે. દરેકને જુદા જુદા અનુભવો પણ થાય છે. " મંથને કહ્યું.

" અને હવે તો યુ ટ્યુબ ઉપર ધ્યાન માટેના ખાસ સંગીતના વિડિયો છે. ઈયર ફોન કાનમાં ભરાવીને આલ્ફા વેવ્સ ના વીડિયો તું સાંભળી શકે છે. આલ્ફા વેવ્સ ધ્યાન માટેનું ઉત્તમ સંગીત છે. હું તને કાલે સર્ચ કરી આપીશ. એ સાંભળીશ એટલે તને સરળતાથી ધ્યાન લાગી જશે. " મંથન બોલ્યો અને પછી પોતે ઊંડા ધ્યાનમાં સરકી ગયો.

મંથન ધ્યાનમાં બેઠો પછી અદિતિએ ગાયત્રી મંત્રની માળા કરવા કોશિશ કરી પરંતુ મંત્રમાં મન લાગતું ન હતું અને બગાસાં આવતાં હતાં. માળા કરતાં કરતાં મન બીજા વિચારે ચડી જતું હતું. ૧૧ માળા તો દૂર માંડ એક માળા કરીને એ સૂઈ ગઈ.

" કહું છું... તમે ધ્યાનમાં બેઠા પછી મેં ગાયત્રી મંત્રની માળા કરવા કોશિશ કરી પરંતુ માંડ એક માળા થઈ. મન લાગતું જ નથી. " સવારે ચા પીતી વખતે અદિતિ બોલી.

" પ્રેક્ટિસ ન હોય તો એકદમ માનસિક માળા ના થઈ શકે. પહેલાં મોટેથી બોલીને મંત્રની પ્રેક્ટિસ કરવી જોઈએ. તમને પોતાને મંત્ર સંભળાય એટલું મોટેથી બોલી શકાય. મંત્રની એકદમ ફાવટ આવી જાય પછી બીજાને અવાજ ન સંભળાય એ રીતે માત્ર હોઠ ફફડાવીને મંત્ર જાપ કરવા પડે. મંત્રની થોડી સ્પીડ આવી જાય પછી માનસિક રીતે જાપ કરી શકો. " મંથને એને સમજાવ્યું.

" ગાયત્રી મંત્રની માળા પરોઢિયે જ કરવી જરૂરી છે ? એવું પણ સાંભળ્યું છે કે સ્નાન કર્યા વગર ગાયત્રી મંત્ર ના કરી શકાય. સ્ત્રીઓથી પણ ના કરી શકાય." અદિતિએ પૂછ્યું.

" સવારે ત્રણ વાગ્યાથી શરૂ કરીને બપોરના ૧૦ સુધી ગાયત્રી જાપ કરવા અતિ ઉત્તમ. સૂર્ય જ્યારે ઉગવાનો હોય ત્યાંથી શરૂ કરીને જ્યાં સુધી સૂર્યનાં કિરણો કોમળ હોય ત્યાં સુધી જગતમાં પ્રાણતત્ત્વ વરસતું હોય. મધ્યાહને અગ્નિતત્ત્વ વરસે. સૂર્યાસ્ત થવા આવે ત્યારે પ્રાણતત્ત્વ ઘટતું જાય. એટલે ગાયત્રી મંત્ર ના જાપ પરોઢિયે જ કરવા એ જરૂરી નથી. સવારે ઉઠ્યા પછી પણ ૧૦ વાગ્યા સુધી કરી શકાય. અનુષ્ઠાન હોય ત્યારે વધુમાં વધુ માળા સવારે કરવી અને થોડીક સંધ્યાકાળે કરવી." મંથન બોલ્યો.

" ગાયત્રી મંત્ર માટે સ્નાન ફરજિયાત નથી. શરીર શુદ્ધિ હોવી જરૂરી છે જેથી કમસેકમ હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જવું. હા અનુષ્ઠાન વખતે સ્નાન ફરજિયાત છે. રોજે રોજ દૈનિક ગાયત્રી મંત્ર દરમિયાન દીવો કે અગરબત્તી જરૂરી નથી. તું માસિક ધર્મના ચાર દિવસ બાદ કરતાં ગાયત્રી મંત્ર જાપ કરી શકે છે. માનસિક ગાયત્રી મંત્ર ૨૪ કલાક કરી શકાય. " મંથને અદિતિને વિગતવાર સમજાવ્યું.

"ગુસ્સો ના કરો તો એક સવાલ પૂછું ?" અદિતિ બોલી.

" તને ખબર છે કે હું તારા ઉપર ક્યારે પણ ગુસ્સે થતો નથી. " મંથન હસીને બોલ્યો.

" માળા કેમ જમણા હાથથી જ કરવામાં આવે છે ? પૂજા પણ જમણા હાથથી થાય છે. ચાંદલો પણ જમણા હાથથી થાય છે. ડાબા હાથથી કેમ નહીં ? પ્રસાદ પણ જમણા હાથમાં જ લેવામાં આવે છે. ઘણા લોકો તો પૈસા પણ જમણા હાથમાં જ લેતા હોય છે" અદિતિએ પૂછ્યું.

" આપણા શાસ્ત્રોમાં જમણા અંગને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. જમણું અંગ પુરુષ છે જ્યારે ડાબું અંગ પ્રકૃતિ છે. શરીરનું જમણું અંગ સૂર્ય નાડી સાથે જોડાયેલું છે જ્યારે ડાબું અંગ ચંદ્ર નાડી સાથે જોડાયેલું છે. સૂર્યની પોઝિટિવ ઉર્જા જમણા હાથમાંથી શરીરમાં પ્રવેશ કરે છે અને શરીરની તમામ નેગેટિવિટી ડાબા હાથમાંથી બહાર નીકળે છે. સૂર્ય સ્થિર છે જ્યારે ચંદ્રની અવસ્થા ક્ષીણ પણ થતી હોય છે. એટલે મનુષ્યનો ડાબો હાથ શરીરની ઊર્જાને ઓછો કરનારો છે. આશીર્વાદ પણ જમણા હાથે જ આપવામાં આવે છે જેથી પોઝિટિવ ઉર્જા સામેની વ્યક્તિમાં દાખલ થાય." મંથન કહી રહ્યો હતો.

" હસ્તમેળાપ પણ જમણા હાથથી જ કરવામાં આવે છે. જમણા હાથથી ભગવાનની આરતી ઉતારવામાં આવે છે જ્યારે ડાબા હાથથી ઘંટડી વગાડી નેગેટિવ ઉર્જાને ભગાડવામાં આવે છે. ડાબા હાથમાં નેગેટિવ શક્તિઓ વધારે હોય છે. કોઈને માર મારવો હોય કે તમાચો મારવો હોય તો પણ મોટાભાગે ડાબા હાથનો ઉપયોગ થાય છે." મંથને પોતાની વાત પૂરી કરી.

"તમે તો મહાન જ્ઞાની છો પ્રભુ ! મારા એક સવાલ માટે કેટલું બધું જ્ઞાન મને આપી દીધું ? " અદિતિ હસીને બોલી.

પણ ત્યાં તો સવારે ૧૦ વાગે કેતાનો ફોન આવ્યો.

" સર આજે ઓફિસ આવતાં ટ્રેઈનની ભીડમાં રુદ્રાક્ષનો દોરો તૂટી ગયો છે અને રુદ્રાક્ષ ક્યાંક પડી ગયો છે. હું લોઅર પરેલ સ્ટેશને ઉતરી ત્યારે મને ખબર પડી. ૧૦ વર્ષથી એને જીવની જેમ સાચવતી હતી. દોરો ખૂબ જ ઘસાઈ ગયેલો. " કેતા બોલી.

" ઠીક છે કેતા. ચિંતા ના કરીશ." મંથન એટલું જ બોલી શક્યો પણ મનમાં તો એ સમજી જ ગયો કે ગુરુજીએ કેતાને આપેલું જીવનદાન હવે ૪૩મા વર્ષે ગમે ત્યારે પૂરું થઈ શકે છે.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post