વારસદાર (Varasdar 90)

Related

વારસદાર પ્રકરણ 90

મંથને કેતાને બાંધેલો રુદ્રાક્ષ ખોવાઈ ગયા પછી કેતાને તો માત્ર એટલું જ કહ્યું કે તું ચિંતા ના કર પણ મંથનની પોતાની ચિંતા ઘણી વધી ગઈ.
વારસદાર

રુદ્રાક્ષ ખોવાઈ ગયો એનો મતલબ એટલો જ કે હવે પછીના એક વર્ષમાં ગમે ત્યારે પણ કેતાની જીવન દોરી કપાઈ જવાની ! કેતા પોતાના જીવનમાંથી ચાલી જાય એ મંથનને મંજૂર ન હતું. કેતા તો દશ વર્ષ પહેલાં જ વિદાય લેવાની હતી પરંતુ ગુરુજીની કૃપાના કારણે એને દશ વર્ષનું આયુષ્ય મળી ગયું હતું.

જો રુદ્રાક્ષ ના તૂટી ગયો હોત તો હજુ પણ કેતાને કોઈ આંચ ના આવત. પરંતુ કુદરતનો સંકેત મળી ગયો હતો. હવે આ બાબતે એકવાર ગુરુજી સાથે ચર્ચા કરવી જ પડશે.

બીજા દિવસે સવારે ચાર વાગે જ મંથન ઉંડા ધ્યાનમાં બેસી ગયો અને ગુરુજી સાથે સંવાદ સાધવા માટે મનોમન ખૂબ જ પ્રાર્થના કરી અને સતત સ્વામીજીનું સ્મરણ કર્યું. લગભગ અડધા કલાકની જહેમત પછી ગુરુજીનાં દર્શન થયાં.

" મને ખબર જ હતી કે આજે તું મારો સંપર્ક કરવાનો જ છે. વિધિના વિધાનને કોઈ મિથ્યા કરી શકતું નથી. એ તો તે દિવસે શિવરાત્રી હતી એટલે શિવજીએ પ્રસન્ન થઈને તારી ગાયત્રી ઉપાસનાના કારણે રુદ્રાક્ષનો પ્રસાદ તને આપ્યો હતો. વારંવાર એ શક્ય નથી. એક મહિના પછી શ્રાવણ મહિનો શરૂ થાય છે. આ વર્ષે પણ મહામૃત્યુંજયના જાપ અને ચારેય સોમવારે કેતા માટે રુદ્રાભિષેક કરાવી લે તો વધુમાં વધુ આવતા શ્રાવણ મહિના સુધી એને આયુષ્ય મળી શકે. " સ્વામીજી બોલ્યા.

" ગુરુજી એને બચાવવાનો કોઈ તો ઉપાય હશે ને ? હું એને ગુમાવવા નથી માગતો. " મંથન હાથ જોડીને બોલ્યો.

" એનો જવાબ તો મેં દશ વર્ષ પહેલાં જ આપેલો. એના માટે તારે કેતા સાથે લગ્ન કરવાં પડે. કેતા સાથે જો લગ્ન કરે તો કેતાને આયુષ્ય મળી જાય અને એક વર્ષમાં અદિતિને તારે ગુમાવવી પડે. હવે નિર્ણય તારે લેવાનો છે. હું આમાં હવે હસ્તક્ષેપ ના કરી શકું." ગુરુજી બોલ્યા.

" ગુરુજી છેલ્લે એક વાત પૂછું ? " મંથને નિરાશ થઈને પૂછ્યું.

" માની લો કે હું કેતાનાં લગ્ન બીજા કોઈ યુવાન સાથે ગમે તેમ કરીને કરાવી દઉં તો એને આયુષ્ય મળી શકે ? ભલે પછી મને મેળવવા માટે એને બીજો જન્મ લેવો પડે ! "

" આયુષ્યની વાત તો પછી આવે છે. તું એકવાર એનાં બીજાં લગ્ન માટે કોશિશ તો કરી જો ! " સ્વામીજી હસીને બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

ધ્યાનમાંથી બહાર આવ્યા પછી મંથન વિમાસણમાં પડી ગયો. એક તરફ એની વહાલી પત્ની અદિતિ હતી તો બીજી તરફ એને સતત પ્રેમ કરતી કેતા હતી. એક રાધા હતી તો બીજી મીરાં હતી ! બંને ડાબી જમણી આંખ જેવી હતી.

સ્વજનનું અચાનક મૃત્યુ થાય તો એનો આઘાત મૃત્યુ પછી લાગે છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ એક વર્ષમાં થવાનું છે એવી જો પહેલેથી ખબર હોય તો રોજે રોજ માણસ એના જ વિચારોમાં રહે છે. મંથનની હાલત પણ એવી જ થઈ ગઈ હતી. નિયતિ આગળ કોઈનું ચાલતું નથી એ મંથન બરાબર સમજતો હતો.

મંથને ભલે કેતા સાથે લગ્ન કર્યાં ન હતાં પરંતુ મનોમન તો એ એને ચાહતો જ હતો. કેતાની સામે એણે ક્યારેય પણ પોતાના પ્રેમની કબુલાત કરી ન હતી. એ અદિતિને વફાદાર રહેવા માગતો હતો. જરા પણ ચલિત ના થઈ જવાય એ માટે એ સતત સભાન રહેતો હતો.

કેતા બિચારી મારા પ્રેમ માટે તરસતી આ દુનિયા છોડી દે તો હું મારી જાતને ક્યારેય પણ માફ ના કરી શકું ! ભલે એની સાથે લગ્ન ના કરું પરંતુ એને એક આશ્વાસન તો આપવું જ પડશે કે હું પણ એને એટલો જ પ્રેમ કરું છું પરંતુ લગ્ન ન કરવાની મારી મજબૂરી છે.

હવે વધુને વધુ સમય કેતા સાથે ગાળી શકાય એ માટે એણે રોજ બે કલાક નર્સિંગ સેવા સદનમાં બેસવાનું ચાલુ કર્યું. સાંજે સાડા ત્રણ સુધી એ પોતાની મલાડની ગાલા બિલ્ડર્સની ઓફિસમાં બેસતો અને ૪ થી ૬ કેતાની ચેમ્બરમાં આવી જતો.

" આજ કાલ તો તમે રોજ બે કલાક હવે અહીંયા ગાળો છો ! શું વાત છે સર ? મારી ઉપર વોચ તો નથી રાખતા ને ? " ચાર પાંચ દિવસ પછી એક દિવસ કેતા હસીને બોલી.

"વોચ રાખું તો પણ એમાં કંઈ ખોટું નથી. મારો એટલો તો અધિકાર છે જ." મંથને પણ હસીને જવાબ આપ્યો.

" શું વાત છે સાહેબ ! આજે ઘણાં વર્ષો પછી તમે અધિકારની ભાવના બતાવી. ખૂબ જ સારું લાગ્યું !" કેતા બોલી.

" તેં મારા માટે આટલાં બધાં વર્ષો સુધી તપસ્યા કરી. તારી લાગણી હું સમજી શકું છું. મારા પિતાજીએ ઝાલા અંકલ પાસેથી મારાં લગ્ન અદિતિ સાથે જ થાય એવું વચન ના લીધું હોત તો મારી પ્રથમ પસંદગી તું જ હતી કેતા. મારા પિતા મને અઢળક સંપત્તિ વારસામાં આપી ગયા. આત્મહત્યા કરવા નીકળેલો હું આજે અબજોપતિ બની ગયો એ મારા પિતાના પ્રતાપે !" મંથન કહી રહ્યો હતો.

"તારી સાથે લગ્ન કરવાનું મેં મનોમન નક્કી કર્યું જ હતું છતાં મારે નિર્ણય બદલવો પડ્યો. તારે પણ હવે તારા પોતાના ભવિષ્ય માટે નિર્ણય બદલવો જોઈએ. મારી રાહ જોઈને આખી જિંદગી આ રીતે તપસ્યા ના કરાય કેતા. જે હવે શક્ય નથી એની પ્રતીક્ષા શા માટે કરવી ? " મંથન બોલ્યો.

" બોલી લીધું ? કે હજુ બીજું કંઈ કહેવું છે ? સર તમને કોણે કહ્યું કે હું તમારી સાથે લગ્ન થાય એની પ્રતીક્ષા કરી રહી છું ? મેં વર્ષો પહેલાં જ તમારી સાથે મનોમન લગ્ન કરી લીધાં છે. આ જન્મમાં લગ્ન શક્ય નથી તો આવતા જન્મે હું ફરીથી તમને પામવા જન્મ લઈશ. તમને વિશ્વાસ ના હોય તો હું એક વસ્તુ બતાવું. " કહીને કેતાએ પોતાની પર્સમાંથી એક મંગલસૂત્ર કાઢ્યું.

"જુઓ આ મંગલસૂત્ર. જે દિવસે તમે નડિયાદ મને પહેલીવાર મળવા આવ્યા હતા અને હોટલમાં મારી અથવા શીતલમાંથી કોઈ એકની પસંદગી કરવાની વાત થઈ હતી ત્યારે જ મેં તમને પતિ તરીકે માની લીધા હતા અને બીજા જ દિવસે આ મંગલસૂત્ર મેં ખરીદી લીધું હતું. આ મંગલસૂત્ર માત્ર પર્સમાં રાખવા માટે નથી લીધું સર. રોજ એક વાર ઘરે આ મંગળસૂત્ર કોઈને ખ્યાલ ન આવે એ રીતે બે મિનિટ માટે પહેરીને ઉતારી દઉં છું. " કેતા બોલતી હતી.

"છેલ્લાં નવ વર્ષથી હું અહીં જોબ કરવા આવું છું ત્યારે ઘરેથી બહાર નીકળીને આ મંગલસૂત્ર પહેરી લઉં છું અને ટ્રેનમાંથી ઉતર્યા પછી એને ફરી કાઢીને પર્સમાં મૂકી દઉં છું. હું મારી જાતને પરિણીતા જ માનું છું સર. આજે પહેલી વાર તમારી સમક્ષ આ વાત કરી રહી છું. " બોલતાં બોલતાં કેતાની આંખોમાં પાણી આવી ગયાં.

મંથન તો મંગળસૂત્રને જોઈને અને કેતાની વાત સાંભળીને અવાક જ થઈ ગયો. આટલો બધો પ્રેમ ! આટલી બધી સમર્પિતતા !! ગુરુજી આ બધું જ જાણતા હશે એટલા માટે તે દિવસે એ હસતા હતા કે એક વાર કોશિશ તો કરી જો !!

મંથનના મનમાં લાગણીઓ તો એટલી બધી ઉભરાઈ આવી કે ઊભા થઈને કેતાને ભેટી પડવાનું મન થયું. પરંતુ એણે પોતાની જાતને સંભાળી લીધી. ઘડીભર તો એમ પણ થયું કે કેતા સાથે ચૂપચાપ લગ્ન કરી લેવાં જેથી એનું મૃત્યુ ટળી જાય પરંતુ એનો સંસ્કારી આત્મા એને રોકતો હતો. એ અદિતિ સાથે વિશ્વાસઘાત કરવા માગતો ન હતો.

શ્રાવણ મહિનો આવી ગયો. મંથને કેતાને પૂજામાં બેસાડીને સવાલક્ષ મહામૃત્યુંજય મંત્રનો સંકલ્પ કરાવ્યો અને ત્રણ પંડિતોને દક્ષિણા આપીને જાપ ચાલુ કરાવ્યા. સાથે સાથે ચારે ચાર સોમવાર શિવજી ઉપર રુદ્રાભિષેક કરવાનું પણ આયોજન કરી દીધું. કમ સે કમ એક વર્ષ સુધી કેતાને કંઈ પણ ન થાય એ જ માત્ર એક ભાવના હતી !

મંથનને સૌથી મોટી ચિંતા મૃદુલામાસીની હતી. એમની ઉંમર ૭૦ આસપાસ થઈ ગઈ હતી. એમને વાની તકલીફ હતી એટલે બહુ ચાલી પણ શકતાં ન હતાં.

જો કેતાને કંઈ થઈ જાય તો પછી મૃદુલામાસીની સંભાળ કોણ રાખે ? નૈનેશ સારો છોકરો હતો. લાગણી પણ ધરાવતો હતો. છતાં પ્રિયા એની સાસુની સંભાળ રાખે એવી ન હતી. એટલે મૃદુલામાસીને વાલકેશ્વર નૈનેશ પાસે મોકલવાનો કોઈ મતલબ જ ન હતો.

શીતલ એમની સગી દીકરી હતી પરંતુ એ તો સાવ લાગણી વિહોણી હતી. પોતાના ઘરમાં પણ એણે રસોઈ કરવા માટે બાઈ રાખી હતી. કામ કરવા માટે ઘાટી રાખ્યો હતો. એ માની સેવા શું કરે ?

બધો વિચાર કર્યા પછી એને તર્જનીનો વિચાર આવ્યો. આ એક જ એવી વ્યક્તિ હતી જે કેતાની જેમ ખૂબ જ લાગણીશીલ હતી. સેવાભાવી હતી અને પોતાનો પડ્યો બોલ ઝીલનારી હતી.

ચિન્મય પણ મંથનનું ખૂબ જ રિસ્પેક્ટ જાળવતો હતો. ચિન્મય આજે જે પણ હતો એની પાછળ મંથનનો જ હાથ હતો. સ્ટોક માર્કેટમાં લઈ જનાર પણ મંથન જ હતો. ચિન્મય અને તર્જનીને મૃદુલામાસીની ભલામણ કરવામાં આવે તો એ ચોક્કસ એમને પ્રેમથી રાખે.

પરંતુ અત્યારથી તર્જનીને જો આ વાત પૂછવામાં આવે તો એ તરત સવાલ કરે કે કેતાદીદી તો એમની સેવા કરે જ છે. તો પછી અમારા ઘરે મૃદુલામાસીને રાખવાની વાત મંથનભાઈ કેમ કરે છે ?

એટલે હાલ પૂરતું કોઈને કંઈ પણ નહીં કહેવાનું મંથને નક્કી કર્યું. પડશે એવા દેવાશે.

મંથન પોતે મૃદુલામાસી માટે આટલી બધી ચિંતા કરતો હતો પરંતુ એમની ખુદની દીકરી શીતલને પોતાની મમ્મી માટે જરા પણ મમતા ન હતી. રાજન ઘણીવાર પોતાની સાસુને થોડા દિવસ માટે પોતાની સાથે રાખવા માટે શીતલને કહેતો પણ શીતલ દરેક વખતે વાતને ટાળી દેતી.

આજે પણ મૃદુલામાસીને લઈને રાજન અને શીતલ વચ્ચે એ જ વાત ફરીથી થઈ.

" નવરાત્રી આવી રહી છે તો આ વર્ષે તારા મમ્મીને આપણા ઘરે લઈ આવીએ. તારી કેતા દીદી પણ થોડા દિવસ માટે રિલેક્સ થાય. " રાજન બોલ્યો.

" તમને કેતાદીદીની બહુ ચિંતા થવા લાગી ! દીદીને શું તકલીફ છે ? માત્ર બે જણની રસોઈ કરવાની હોય છે. અને મેં તો દીદીને ઘણી વાર કહ્યું કે તું રસોઈ કરવા માટે એક બાઈ રાખી લે. પણ માને તો ને ? કરોડો રૂપિયાનું બેન્ક બેલેન્સ છે. મંથન સર એક લાખ રૂપિયા પગાર પણ આપે છે. તો પણ વાસણ કપડાં કચરા પોતું બધું જ કામ જાતે કરવાનું. એક નોકર પણ રાખ્યો નથી ! " શીતલ બોલી.

" બધું કામ જાતે કરે છે તો એમાં ખોટું શું છે ? એમની તંદુરસ્તી જો. તને આ ઉંમરે બીપી ની ગોળીઓ ચાલુ થઈ ગઈ. સાંધા દુઃખવા લાગ્યા છે. રોજ રાત્રે નોકર બાઈ પાસે પગ દબાવડાવે છે. " રાજન કટાક્ષમાં બોલ્યો.

"તમારામાં ને કેતાદીદી માં કોઈ ફરક નથી. તમે હંમેશા એમનો જ પક્ષ લો છો. અને મારે મમ્મીને હમણાં અહીં લાવવાં નથી. નવરાત્રીમાં મારે પાર્ટી પ્લૉટમાં હરવું ફરવું હોય તો મારા પગ બંધાઈ જાય. દીદી એમની સેવા કરે છે તો કરવા દો. મારે હવે કોઈ જ નવી જવાબદારી લેવી નથી. તમને એમનું બહુ લાગી આવતું હોય તો તમારે ખબર કાઢી આવવાની. " શીતલ બોલી.

તો બીજી બાજુ તર્જની ચિન્મયનાં મામા મામીને થોડા દિવસ માટે અભિષેક એવન્યુમાં લઈ આવવાનો આગ્રહ ચિન્મયને કરી રહી હતી.

" કહું છું કાલથી નવરાત્રી શરૂ થાય છે. એકાદ મહિના માટે તમારાં મામા મામીને આપણા ઘરે લઈ આવીએ તો ! બિચારાં ઉંમરલાયક થઈ ગયાં છે. આપણા આ અભિષેક એવન્યુમાં નવરાત્રીના ગરબા બહુ સરસ થાય છે. ભાંગવાડીના માળામાં એમણે આખી જિંદગી ગાળી છે તો ભલે ને એકાદ મહિનો અહીં રહી જતાં. દિવાળી કરીને પછી જશે. " તર્જની બોલી.

" ત્રણ વર્ષ પહેલાં પણ તું એમને આપણા ઘરે બે મહિના માટે લઈ આવી હતી. તારી કુટુંબ ભાવના ખરેખર ખૂબ જ સારી છે તર્જની. એટલા માટે જ મામા મામી તારાં વખાણ કરતાં થાકતાં નથી. " ચિન્મય બોલ્યો.

" એ ક્યાં પારકાં છે ? મમ્મી પપ્પા ના ઠેકાણે જ છે ને ! અને હવે તો આપણી આ સોસાયટીમાં મોટું જૈન દેરાસર પણ મંથનભાઈએ બનાવ્યું છે. " તર્જની બોલી.

અને બીજા જ દિવસે ચિન્મય ગાડી લઈને મામા મામીને તેડવા માટે ગયો. જો કે એણે આગલા દિવસે રાત્રે ફોન તો કરી જ દીધેલો કે તમે તૈયાર રહેજો.

" અરે પણ બેટા તું શું કામ આટલી બધી તકલીફ લે છે ? અહીંયા પણ વર્ષોથી નવરાત્રી થાય જ છે. અને હવે આ ઉંમરે આવું બધું જોવાની ઈચ્છા પણ થતી નથી. મને રાત્રે ઉધરસ પણ ચડે છે. તમને લોકોને ઊંઘમાં ખલેલ પહોંચે. હવે આ ઉંમરે ઘરમાં જ રહેવું સારું." મામા બોલ્યા.

" કેમ એ તમારું ઘર નથી મામા ? અને તમે અમારા મા-બાપની જગ્યાએ જ છો ને ! તર્જનીનો જ આગ્રહ છે કે મામા મામીને લઈ આવો મહિના માટે. તમે કાયમ માટે અમારા ઘરે રહો તો પણ અમને કોઈ વાંધો નથી મામા. અને હવે તો તમારે સેવા પૂજા માટે અમારી બાજુમાં જૈન દેરાસર પણ બની ગયું છે. " ચિન્મય બોલ્યો.

ભાણાની વાત સાંભળીને મામા મામી ગળગળાં થઈ ગયાં. ચિન્મય આટલો મોટો માણસ થઈ ગયો પરંતુ હજુ સંસ્કાર ભૂલ્યો નથી !
લેખક: અશ્વિન રાવલ: 63588 41199
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post