વારસદાર (Varasdar 92)

Related

વારસદાર પ્રકરણ 92

રાજન દેસાઈ ઘરેથી નીકળી ગયા પછી શીતલે એ દિવસે ત્રણેક વાર ફોન કર્યા પરંતુ રાજને ફોન કટ કર્યા. શીતલ સમજી ગઈ કે પોતાના શબ્દોથી રાજનને ખૂબ જ ખોટું લાગ્યું છે. એ એક પુરુષ હતો અને પત્ની તરીકે રાત્રે એણે જે ચાબખા માર્યા હતા એ કોઈ પણ પતિ સાંભળી ના શકે !

વારસદાર

એ દિવસે પોતાની ઓફિસથી રાત્રે શીતલ ઘરે આવી ત્યારે પણ રાજન પાછો આવ્યો ન હતો. રાત્રે પણ એણે વાત કરવા પ્રયત્ન કર્યો પણ રાજને એક પણ ફોન ઉપાડ્યો નહીં. શીતલે એને ' સોરી ' નો વોટ્સએપ મેસેજ પણ કર્યો છતાં રાજને એ મેસેજ જોયો પણ નહીં.

હવે મહાવીરનગર જઈને જ રાજનને રૂબરૂ મળીને મનાવવો પડશે. પરંતુ સવારે રાજનના ઘરે જતાં પહેલાં એણે પોતાના દિયર પિયુષને જ ફોન કર્યો.

" પિયુષભાઈ તમારા ભાઈ ઘરે છે અત્યારે ? તો હું નીકળું. ઝેની એમને ખૂબ જ મિસ કરે છે. " શીતલ બોલી.

" ના ભાભી રાજનભાઈ તો આજે વહેલી સવારે કોઈ અંગત કામથી જુનાગઢ જવા માટે નીકળી ગયા. " પિયુષ બોલ્યો.

" ઓહ્... ઠીક છે. એ આવી જાય એટલે મને જણાવજો. " કહીને શીતલે ફોન કાપી નાખ્યો. ગુસ્સો તો એને બહુ જ આવ્યો હતો.

હવે આ બાબતમાં મારે મંથન સરને જ મળવું પડશે અને એમને જ વચ્ચે લાવવા પડશે.

"સર મારે તમને રૂબરૂ મળવું છે. કેટલા વાગે આવી શકું ? " શીતલે મંથનને ફોન કર્યો. આજે મન બેચેન હતું એટલે એણે પોતાની ઇન્ટિરિયર ડિઝાઇનરની ઓફિસમાં રજા રાખી હતી.

"ઠીક છે સાંજે પાંચ વાગ્યે મારી ઓફિસે આવી જજે. " મંથન બોલ્યો.

" ઓકે. હું પહોંચી જઈશ." શીતલ બોલી અને ફોન કટ કર્યો.

શીતલનો ફોન આવ્યા પછી બે મિનિટ માટે મંથન ઓફિસમાં જ ધ્યાનમાં બેસી ગયો અને રાજન તથા શીતલ ઉપર ફોકસ કર્યું અને શું થયું હતું એ બધું જ જાણી લીધું. કારણ કે બીજાના વિચારો જાણવાની સિદ્ધિ એને ગોપાલદાદા તરફથી મળી હતી. પૂરેપૂરો વાંક શીતલનો જ હતો અને રાજન ખરેખર ખૂબ જ સહન કરી રહ્યો હતો એનું પણ એને દુઃખ થયું. કારણ કે આ લગ્ન એણે જ કરાવ્યાં હતાં.

શીતલ બનીઠનીને પાંચ વાગે એની ઓફિસમાં હાજર થઈ ગઈ.

" નમસ્તે સર ! " શીતલ બે હાથ જોડીને સામે બેઠી.

"નમસ્તે. હવે તમારા બંનેના ડિવોર્સના પેપર તૈયાર કરાવી દઈએ. તું સુખી ના હોય તો આ લગ્ન ચાલુ રાખવાનો પણ કોઈ મતલબ નથી શીતલ. મેં જ આ લગ્ન કરાવ્યાં છે તો હું જ વચ્ચે રહીને બંનેને છૂટા કરી દઉં. " મંથને ધડાકો કર્યો.

" તમને આ ડાયવર્સ લેવાની વાત રાજને કરી ? " શીતલ તો મંથનની વાત સાંભળીને સડક જ થઈ ગઈ. એને એ સમજણ ના પડી કે મંથન સર કેમ સીધી ડિવોર્સની વાત કરે છે !

" પણ એમાં મારો શું વાંક સર ? પતિ પત્ની વચ્ચે ઝઘડા ના થાય ? અમારે એક નાનકડી દીકરી પણ છે તો તમારી આગળ ડાઈવર્સની વાત એ કેવી રીતે કરી શકે ? " શીતલ બોલી.

" અરે શીતલ તું મને ઓળખતી નથી ? રાજને મને કંઈ જ નથી કહ્યું. તું મારી ઓફિસમાં પગ મૂકે અને હું તારા મનની વાત જાણી લઉં છું. રાજન અત્યારે જુનાગઢ તરફ જતી કોઈ ટ્રેનમાં બેઠેલો મને દેખાય છે. એ પણ તારા વિચારોથી દુઃખી છે. મનની શાંતિ માટે નીકળ્યો છે." મંથન બોલ્યો.

શીતલ કંઈ બોલી નહીં. એ ચૂપચાપ મંથનની સામે જોઈ રહી.

"તે દિવસે તારા ઘરે આવ્યો હતો ત્યારે મારી ચામાં તેં મને વશ કરવા માટે મંત્રેલી પડીકી નાખેલી. મેં તને કંઇ જ કહ્યું ન હતું અને હું નીકળી ગયો હતો. હું બધું જ જાણી શકું છું. તું રાજન સાથે કેવા વ્યવહાર કરે છે એ બધી જ મને ખબર છે. એટલે હું તો મારી જાતને દોષ દઉ છું કે મેં શા માટે એની સાથે તારાં લગ્ન કરાવ્યાં. નડિયાદમાં તું એની પાછળ આકર્ષાઈ ગઈ હતી એટલે તારી ઈચ્છા પૂરી કરવા માટે મેં આ બધું કર્યું પરંતુ મારી ગણતરી ઊંધી પડી." મંથન નિસાસો નાખીને બોલ્યો.

"હું રોજે રોજ એમની સાથે ખરાબ વ્યવહાર નથી કરતી. મારા અને એમના વિચારોમાં ઘણો ફેર છે. હું આજના યુગની એક મહત્વકાંક્ષી યુવતી છું. જ્યારે આજે પણ એ ગાંધીજીના જમાનામાં જીવતા હોય એ રીતે સાવ સાદગીમાં માને છે. રોજ સવારે ચાર વાગે ધ્યાનમાં બેસી જાય. સંસારી બાબતોમાં કોઈ રસ જ નહીં ! હજુ ક્યાં ઘડપણ આવી ગયું છે ? " શીતલ બોલી.

મંથન થોડીવાર શીતલની સામે જોઈ રહ્યો. બે મિનીટ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો અને પછી બોલવાનું ચાલુ કર્યું.

" મહત્વકાંક્ષાની પણ એક લીમીટ હોય શીતલ ! ઈશ્વરે તમને અબજો રૂપિયા આપ્યા છે છતાં આટલી બધી દોડાદોડ ? ક્યારેય એની પાસે બેસીને પ્રેમથી તેં લાડ પ્યાર કર્યા છે ? જાતે રસોઈ કરીને એને ભાવતી કોઈ ડીશ બનાવી આપી છે ? અરે એ તો ઠીક... તમને શું ભાવે છે એવું પણ ક્યારે પૂછ્યું છે ? એના મા-બાપથી તેં એને અલગ કર્યો. તને કોઈની સેવા કરવી ગમતી નથી. હું ધારું તો તમારા બંને વચ્ચે થતા સંવાદો અત્યારે પણ સાંભળી શકું છું. મારે તમારા પર્સનલ લાઇફમાં પડવું નથી. તું એક સારી પત્ની નથી બની શકી એનો મને અફસોસ છે ! " મંથન બોલતો હતો.

" રાજનને વારસામાં સસરા તરફથી એટલે કે તારા પિતા તરફથી કરોડો રૂપિયા મળ્યા. પણ મેં જ એને ના પાડી હતી કે જે મળ્યું છે તે સાચવી રાખજે. કોઈ ખોટું સાહસ થઈ જશે તો ૧૦૦ ના ૬૦ થઈ જશે. એ વખતે તું જ કહીશ કે આવડત વિના મારા બાપના પૈસા તમે વેડફી નાખ્યા. એણે એક પણ રૂપિયો ઓછો નથી કર્યો એ જ એની મહાનતા છે. ઓફિસેથી ઘરે આવે ત્યારે પાણીનો પ્યાલો આપવા માટે તું હાજર નથી હોતી. જ્યારે અદિતિ ? રાત્રે મારા પગ દબાવે છે. સવારે શું રસોઈ બનાવવી એ મને રોજ પૂછે છે. એક દિવસ મારા ઘરે આવીને મારો ઘરસંસાર ક્યારેક જોઈ જા. " મંથન આક્રોશથી બોલ્યો.

શીતલ ચૂપચાપ સાંભળી રહી. મંથનની વાત સાંભળીને એને પણ થયું કે એ જીવન ખોટી રીતે જીવી રહી છે. આમ જોવા જઈએ તો એણે રાજનને કંઈ જ સુખ આપ્યું નથી. આજે એ જે પણ છે એ રાજનના સ્વભાવની ઉદારતાના કારણે છે. નહીં તો પતિ ધારે તો એણે પ્રેક્ટિસ પણ છોડી દેવી પડે. જાહેર સમારંભો પણ છોડી દેવા પડે. રાજન જ આ બધું સહન કરી રહ્યા છે. ક્યારે પણ મને કંઈ કહ્યું નથી કે રોકી નથી ! પોતાની બિમાર માને થોડા દિવસ માટે ઘરે લાવવાની વાત કરી તો ઉપરથી મેં એને કેટલું બધું સંભળાવી દીધું ?

" તમારી વાત સાચી છે સર. રાજને મને બહુ સહન કરી છે. આજ સુધી એમણે મારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી. અબજો રૂપિયા જોઈને મારામાં ઘમંડ આવી ગયો હતો. તમે તો મને એક સારા પતિ જ આપ્યા છે પણ હું જ એમને ઓળખી ન શકી. હવેથી હું ફરિયાદનો કોઈ જ મોકો નહીં આપું સર. મને માફ કરી દેજો. " કહીને શીતલ ઊભી થઈને સીધી બહાર નીકળી ગઈ.

પોતાની ગાડીમાં બેસીને એ સીધી મહાવીરનગર પહોંચી ગઈ. એના ગયા પછી મંથને એક સ્માઈલ કર્યું.

"મમ્મી હું તમને લેવા આવી છું. રાજને મને કહ્યું કે તમે બિમાર છો. એકાદ બે મહિના મારા ત્યાં રહો. સારામાં સારી ટ્રીટમેન્ટ આપણે કરાવીશું. તમારી સેવા માટે નર્સ પણ બોલાવી લઉં છું. હું પણ તમારું ધ્યાન રાખીશ. તમારે જે પણ કપડાં કે દવાઓ વગેરે લેવાનું હોય એ મને બતાવી દો તો હું પેક કરી દઉં. ઝેની ને એકલી મૂકીને આવી છું એટલે આપણે જલ્દી નીકળીએ. પપ્પાને પણ આવવું હોય તો કાલે સવારે લઈ જાઉં. " શીતલ બોલી.

"ના બેટા. મારી તો તબિયત સારી છે. તું તારી મમ્મીને લઈ જા. થોડા દિવસ હવા ફેર થશે એટલે એને પણ સારું લાગશે. " પપ્પા બોલ્યા.

તારાબેન તો આશ્ચર્યથી પોતાની આ વહુને જોઈ જ રહ્યાં. એમના તો માન્યામાં જ નહોતું આવતું કે આ બધું શીતલ બોલી રહી છે !

એમણે સાથે લઈ લેવાની બધી જ વસ્તુઓ શીતલને બતાવી દીધી. જે દવાઓ ચાલુ હતી એ પણ બધી પેક કરાવી દીધી. સાડી બદલી દીધી અને પિયુષની વહુને કહીને એ શીતલ સાથે ઘરની બહાર નીકળ્યાં.

શીતલની દેરાણી પણ જેઠાણીના આ વર્તનથી આજે આશ્ચર્ય પામી ગઈ. એ લોકો ગયા પછી એણે પિયુષને ફોન ઉપર વાત કરી.

"કહું છું મોટાં ભાભી મમ્મીને પોતાની સાથે અદિતિ ટાવર્સ પોતાના ઘરે લઈ ગયાં છે. એક બે મહિના મમ્મી એમના ત્યાં જ રહેશે. આ તો મને બધું નવાઈ જેવું જ લાગે છે. તમે મોટાભાઈ સાથે ફોન ઉપર વાત કરી લો. "

અને પીયુષે પળના પણ વિલંબ વિના રાજન દેસાઈને ફોન જોડ્યો.

"રાજનભાઈ હમણાં શીતલભાભી ઘરે આવ્યાં હતાં. એ બે મહિના માટે મમ્મીને તમારા ઘરે અદિતિ ટાવર્સ લઈ ગયાં છે. " પિયુષ બોલ્યો.

" વ્હોટ ! શીતલ આવીને મમ્મીને ઘરે લઈ ગઈ ? " રાજન આશ્ચર્યથી બોલ્યો.

" હા ભાઈ. ઘરેથી ફોન હતો કે ભાભી નો સ્વભાવ પણ થોડો બદલાયેલો લાગ્યો. એ તો પપ્પાને પણ લઈ જવાની વાત કરતાં હતાં. " પિયુષ બોલ્યો.

" સારું. હું રાજકોટથી જ પાછો વળી જઈશ. " રાજન બોલ્યો. એને સમજાયું નહીં કે શીતલમાં આટલું બધું પરિવર્તન અચાનક કેવી રીતે આવી ગયું !!

પરંતુ એના આ પરિવર્તન પાછળ મંથન નો હાથ હતો. શીતલ જ્યારે એની ઓફિસમાં એની સામે બેઠી હતી ત્યારે જ મંથને શીતલના સબકોન્સીયસ માઈન્ડ ઉપર ફોકસ કરીને એના વિચારોનું પરિવર્તન કર્યું હતું. શીતલે જ્યારે મંથનની સામે પોતાની ફરિયાદો રજૂ કરી ત્યારે મંથન બે મિનિટ માટે અટકી ગયો હતો. અને થીટા લેવલ ઉપર જઈને એણે શીતલના વિચારો બદલવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી હતી !

એ પછી મંથને જે પણ શિખામણો અને ઠપકો શીતલને આપ્યાં હતાં એ બધાં સીધાં એના સબકોન્સિયન્સ માઈન્ડને ફોકસ કરીને આપ્યાં હતાં. જેથી મંથનની વાતો શીતલના દિલમાં સોંસરવી ઉતરી ગઈ હતી અને મંથનની ઓફિસમાં જ એનામાં પરિવર્તન આવી ગયું હતું !

બીજા દિવસે સવારે ૧૦ વાગે રાજન દેસાઈ સીધો પોતાના ઘરે અદિતિ ટાવર્સમાં આવ્યો. એના આશ્ચર્ય વચ્ચે શીતલ આ ટાઈમે તો ઓફિસ જવા નીકળી ગઈ હોય છતાં એ ઘરે જ હતી. ઝેની પપ્પાને જોઈને દોડીને વળગી પડી !

" જુઓ.. ઝેની તમને કેટલી મિસ કરે છે. ગઈકાલે કેટલી યાદ કરતી હતી ? " શીતલ પ્રેમથી બોલી અને અંદર જઈને પાણીનો ગ્લાસ ભરી લાવી અને રાજનને આપ્યો. રાજન માની શકતો ન હતો કે આ શીતલ જ છે !!

બુધવારે સાંજે ચાર વાગે દલાલ સ્ટ્રીટમાં ચિન્મય શાહની ઓફિસના દરવાજે ટકોરા મારીને નસીમખાન અંદર પ્રવેશ્યો અને ચિન્મયની સામે બેઠક લીધી.

"મેરે હિસ્સેકા ફિર તુમને કયા સોચા શેઠિયા ? " નસીમખાન બોલ્યો.

"જી ભાઈ. મારે મંથનભાઈ સાથે બધી વાતચીત થઈ ગઈ છે. દલીચંદ ગડાનો બધો વહીવટ એમણે જ કરેલો છે. મારાં લગ્ન પણ એમણે જ કરાવી આપેલાં છે. આ એમનું કાર્ડ છે. તમે એમને ફોન કરીને ગમે ત્યારે મળી શકો છો. " કહીને ચિન્મયે નસીમખાનના હાથમાં મંથનનું ઓફિસ કાર્ડ આપ્યું.

"ચલો ઠીક હૈ ... " કહીને નસીમખાન ઊભો થઈ ગયો. બીજી જ મિનિટે બહાર નીકળી ગયો.

નીચે ઉતરીને નસીમખાને મંથન મહેતાને મોબાઈલ ડાયલ કર્યો.

" નસીમખાન પઠાણ બોલતા હું શેઠ. બાંદ્રા મેં રહેતા હું. તુમ તો મુજે અચ્છી તરહ પહેચાનતે હી હો. મેરે દો નંબર કે પૈસે દલીચંદ ગડાને તુમ્હારી બોરીવલી વાલી સ્કીમ મેં ઇન્વેસ્ટ કિયે થે. " નસીમખાન બોલ્યો.

" તમારે આટલો લાંબો પરિચય આપવાનો હોય જ નહીં નસીમભાઈ. રફીકે હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે જ તમારી ઓળખાણ કરાવેલી. હું મારી ઓફિસમાં જ છું. ગમે ત્યારે આવી શકો છો. " મંથન નમ્રતાથી બોલ્યો.

નસીમખાનને મંથનની વાતચીત કરવાની ઢબ સારી લાગી. એની પાસેથી કંઈક મળવાની આશા પણ જાગી. પેપર ઉપર તો કોઈ લખાણ છે જ નહીં. એટલે પોતે ફરીથી ઊભો થઈ શકે અને કોઈ ધંધો કરી શકે એટલું મળે તો પણ બસ. એની અપેક્ષા આઠ દશ કરોડથી વધારે મોટી ન હતી.

એ ટેક્સી કરીને ચર્ચગેટ સ્ટેશન આવ્યો અને ત્યાંથી ટ્રેન પકડીને મલાડ પહોંચી ગયો. સ્ટેશનથી રીક્ષા કરીને મંથનની ઓફિસ શોધી કાઢી.

" આવો આવો પઠાણ સાહેબ. રફીકે તમારી બહુ જ ભલામણ કરેલી કે કંઈ પણ કામ હોય તો મારા મામુ બાંદ્રામાં રહે છે અને એમનો મોટો કારોબાર છે. હું આજે મુંબઈમાં જે પણ છું એના પાયામાં તમે છો. તમે ના મળ્યા હોત તો દલીચંદ પણ મને ના મળ્યા હોત. " નસીમખાન કંઈ પણ બોલે તે પહેલાં જ મંથને ગુજરાતીમાં જ પોતાની વાત કરી.

" જી બહોત બહોત શુક્રિયા...મંથન જી " નસીમખાન ખુરશી ઉપર બેસીને બોલ્યો.

નસીમખાન બીજું કંઈ પણ બોલે તે પહેલાં જ અસલી હીરાનું એક પેકેટ એણે ટેબલ ઉપર મૂક્યું. દલીચંદ શેઠે જે ૭૮૨ કરોડના ૧૦૩ હીરા મંથનને આપ્યા હતા એ હીરા એણે પહેલાં તો તલકચંદને વેચી નાખેલા. પરંતુ તલકચંદ પાસેથી અડધા હીરા એણે નસીમખાન માટે પાછા ખરીદી લઈ અલગ રાખ્યા હતા અને બેંકના લોકરમાં મૂકી દીધા હતા. તે દિવસે ચિન્મયનો ફોન આવ્યા પછી લોકરમાંથી હીરા લઈને એ ઓફિસે લઈ આવ્યો હતો.

" આ અસલી ડાયમંડ છે નસીમભાઈ. તમારા અને એમના બે નંબરના બધા જ પૈસા એમણે હીરામાં રોક્યા હતા. એક બિઝનેસ પાર્ટનર તરીકે મને જે પણ એમણે આપ્યું છે એનો પ્રોફિટ તો મેં એમને જે તે વખતે આપી જ દીધેલો. ધંધાનો મારો હિસાબ હું અલગ જ રાખું છું. તમારું રોકાણ જે એમની સાથે હતું એ બધું એમણે આ હીરામાં રોકેલું. " મંથન નસીમખાનની સામે નજર મિલાવીને જ વાત કરતો હતો.

" એટલે મને મળેલા હીરામાંથી એમના ભાગના મેં રાખેલા છે અને તમારા હિસ્સાના મેં અલગ સાચવેલા છે. આજના ભાવ પ્રમાણે આ હીરાની કિંમત લગભગ ૪૦૦ કરોડ જેવી છે. તમારી જ અમાનત છે. તમે એને લઈ જઈ શકો છો અને નવેસરથી સારી જિંદગી જીવી શકો છો ! " મંથને ધડાકો કર્યો.

મંથનની વાત સાંભળીને નસીમખાન તો સડક જ થઈ ગયો. એને કલ્પના પણ ન હતી કે ૪૦૦ કરોડ જેવી અધધધ રકમ મંથન એને આપશે !! મંથનની પ્રમાણિકતા ઉપર એ ઓવારી ગયો.

"રફીકને મુંબઈ આકર મુઝે આપકે લિયે સિફારીશ કી થી લેકિન તબ મુઝે પતા નહીં થા કી આપ ઈતને દિલદાર ઇન્સાન હો ! કાશ... આપ મુજે પહેલે મિલે હોતે મંથન જી ! અબ તો હમારી પક્કી દોસ્તી હો ગઈ. આપ મેરે ઉપર એક ઔર મહેરબાની કરો." નસીમ ખાન બોલ્યો.

" જી ફરમાવો " મંથન બોલ્યો.

" ડાયમંડ મેં મેરી કોઈ સમજ નહીં હૈ. યે હીરા આપ હી રખીએ. મેરી ૪૦૦ કરોડ કી અમાનત આપકે પાસ રહેગી. ફિલહાલ આપ મુજે ૨૫ કરોડ તક કેશ કરવા દીજીએ. બાકી રકમ જબ ભી મુજે જરૂરત પડેગી મેં આપસે લેતા રહુંગા. અબ આપકે ઉપર મેરા પૂરા ભરોસા હૈ. " નસીમખાન બોલ્યો.

" જી ઠીક છે. તમે આવતીકાલે જ આવીને ૨૫ કરોડ કેશ લઈ જાવ. બેગ તૈયાર જ હશે. હું બહુ જ પ્રમાણિક છું નસીમભાઈ. કોઈના પણ હકના પૈસા હું લેતો નથી. તમારી અમાનત તમને આપીને આજે મને ખૂબ જ આનંદ થયો છે. એક જવાબદારીમાંથી હું મુક્ત થયો છું !! " મંથન બોલ્યો.

" આપસે મિલકર બહોત ખુશી હુઈ. મેરે લાયક કોઈ ભી કામ હો તો આધી રાતકો મુજે ફોન કર સકતે હો. મૈં ભી દોસ્તી નિભાના જાનતા હું ઔર દોસ્તોં કે લિયે જાન ભી હાજીર હૈ ! " કહીને નસીમખાને ઉભા થઈને મંથન સાથે હાથ મિલાવ્યા અને બહાર નીકળી ગયો.
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post