વારસદાર (Varasdar 93)

Related

વારસદાર પ્રકરણ 93

નસીરખાન મંથનની ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે ખૂબ જ ખુશ હતો. એની ગણતરી ગમે તેમ કરીને ૧૦ કરોડ લેવાની હતી. જો મંથન ના આપે તો ધાક ધમકી પણ આપવાની હતી પરંતુ મંથન તો રાજા મહારાજા જેવો દિલદાર મરદ નીકળ્યો. સીધા ૪૦૦ કરોડ ! આટલી રકમમાં તો ફરી પાછું મોટું સામ્રાજ્ય ઊભું થઈ શકે. પરંતુ ના... હવે ડ્રગ્સના ધંધામાં નથી પડવું. બુટલેગરનો ધંધો પણ પોતે કરેલો છે અને એમાં પણ મોટો કારોબાર થઈ શકે. પરંતુ આ રકમ તો ઘણી મોટી છે એટલે હવે એમાં પણ નથી પડવું. મુંબઈ જેવા શહેરમાં કરવા માટે બીજા ઘણા ધંધા છે.

#આવકાર
વારસદાર

ગડાશેઠે મંથન મહેતા સાથે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં ભાગીદારી કરી હતી અને મંથનની ગાલા બિલ્ડર્સની બાંદ્રાની સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને એ પોતે પણ સારા એવા પૈસા કમાયો હતો. પરંતુ હવે તો એ જેલમાં જઈ આવ્યો હતો અને મથરાવટી પણ મેલી હતી એટલે મંથન પોતાને કોઈ સંજોગોમાં ભાગીદાર ન બનાવે. બીજું જ કંઈક વિચારવું પડશે.

ચિન્મય શાહને મળીને સ્ટોક માર્કેટમાં રોકાણ કરી શકાય પણ એ ધંધો જુગારનો છે અને ક્યારેક એમાં ૧૦૦ ના ૬૦ થઈ શકે છે એટલે પૈસા ઓછા થાય એવું કોઈ જોખમ લેવું નથી. ફિલ્મ લાઈન પણ એવી જ છે. પોતાના કોન્ટેક્ટ પણ છે. ગ્લેમર વર્લ્ડમાં પોતાનું નામ થાય પરંતુ ફિલ્મ જો ફ્લોપ થાય તો પૈસાનું પાણી થઈ જાય !

એના કરતાં મારે મંથન મહેતાની જ સલાહ લેવી પડશે. એની પાસે ધંધાની સૂઝ ઘણી સારી છે અને અમદાવાદથી આવીને થોડા વર્ષોમાં જ એણે મુંબઈમાં જબરદસ્ત નામ અને પ્રતિષ્ઠા મેળવ્યાં છે !

બીજા દિવસે સાંજે એ ફરીથી મંથન મહેતાની ઓફિસે ગયો. ૨૫ કરોડ કેશ પણ લેવાની હતી અને નવા ધંધા માટે માર્ગદર્શન પણ જોઈતું હતું.

" અસ્સલામ વાલેકુમ મંથન જી.. " નસીરખાને બીજા દિવસે ગુરુવારે મંથનની ચેમ્બરમાં પ્રવેશ કરતાં જ અભિવાદન કર્યું.

" વાલેકુમ અસ્સલામ. આવો. બેસો. " મંથન બોલ્યો.

"શેઠિયા કેશ તો ઠીક હૈ લેકિન મુજે તુમસે થોડા સલાહ મશવરા કરના હૈ. અબ ઇતની બડી રકમ તુમ મુઝે દે રહે હો તો મુઝે કોઈ બડા ધંધા કરના હૈ. આપને ગડાશેઠકો કન્સ્ટ્રક્શન કે બિઝનેસમેં બહોત પૈસે કમાકે દિયે. મેરા નામ તો અબ બદનામ હો ગયા હૈ તો તુમસે પાર્ટનરશીપ તો નહીં કર સકતા. લેકિન મેરે લિયે કુછ સોચો. મુજે તુમ્હારી યે લાઇન બહોત અચ્છી લગતી હૈ. " નસીરખાન બોલ્યો.

" મેં તો મારો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ બહુ લિમિટેડ કરી દીધો છે નસીરભાઈ. પરંતુ તમારે જો આ ધંધામાં પડવું જ હોય તો હું તમને મદદ ચોક્કસ કરી શકું. મારી પાસે તમારા મુસ્લિમ એરિયાના જે બે ત્રણ સારા પ્લોટો પડેલા છે એ તમે તમારી જમા રકમમાંથી બજાર ભાવે મારી પાસેથી ખરીદી લો. "

" કન્સ્ટ્રક્શન કરવા માટે મારો એક એન્જિનિયર અને એક કોન્ટ્રાક્ટર તમને આપું. મજૂરો મોકલાવુ. તમે તમારી પોતાની જ કંપની ઊભી કરીને બિલ્ડર તરીકે તમે ફરી પાછા ઉભા થાવ. તમામ પ્રકારની મદદ કરવા હું તૈયાર છું. પ્લાન પાસ કરાવવાથી માંડીને તમામ પરમિશન પણ મારો સ્ટાફ તમને લાવી આપશે." મંથન બોલ્યો.

" અરે યે તો બહોત અચ્છી બાત કહી તુમને ! માશાલ્લાહ બહોત આગે બઢ સકતા હું મેં ઇતને પૈસોં સે !! યે ૨૫ કરોડ કેશ હૈ ઓર મેરી પુરાની જગા ભી હૈ. ઉસકો બેચ કર એક બઢીયા ફ્લેટ બાંદ્રામેં ખરીદ લુંગા ઔર એક બઢીયા સી ઓફિસ ભી લેતા હું. ફિર કામ શરૂ કરતે હૈં . કંપની બનાને મેં ભી મુજે તુમ્હારી મદદ ચાહિયે." નસીરખાન ઉત્સાહથી બોલ્યો.

"તમારે જે પણ મદદ જોઈશે તે બધી જ મદદ મળી જશે. મારી પણ એ જ ઈચ્છા છે કે તમે પ્રતિષ્ઠા મળે એવા સારા ધંધામાં હવે આગળ આવો નસીરભાઈ." મંથન બોલ્યો અને એણે ૨૫ કરોડ ભરેલી બેગ નસીરખાનના હાથમાં સોંપી.

બીજા ત્રણેક મહિનાનો સમય પસાર થઈ ગયો. નસીરખાને બાંદ્રામાં જ બેન્ડ સ્ટેન્ડ એરિયામાં એક સરસ ઓફિસ ખરીદી લીધી. પોતાની જૂની જગ્યા વેચી દીધી અને ઓફિસથી થોડેક જ દૂર બાંદ્રા વેસ્ટમાં જ એક વિશાળ ફ્લેટ પણ ખરીદી લીધો.

મંથનની મદદથી સુફી બિલ્ડર્સ નામની એક કન્સ્ટ્રક્શન કંપની પણ ઉભી કરી દીધી. બાંદ્રાનું જ એક ૪૦૦૦ વારનું સારું લોકેશન મંથને નસીરખાનને વેચી દીધું. પોતાનો એક કોન્ટ્રાક્ટર અને એક એન્જિનિયર પણ નસીરખાનની ઓફિસે મોકલી આપ્યો. પ્લોટ ઉપર કન્સ્ટ્રક્શનનું ખોદકામ પણ ચાલુ થઈ ગયું. નસીરખાન ખૂબ જ ખુશ હતો.

મંથને કોણ જાણે કેમ કેવો ચમત્કાર કર્યો હતો કે રાજન અને શીતલનું દાંપત્યજીવન એકદમ સરસ થઈ ગયું હતું. શીતલે પોતાની ઇન્ટિરિયર ડિઝાઇનરની પ્રેક્ટિસ છોડી દીધી હતી. અઢળક પૈસો પોતાની પાસે હતો. હવે દોડાદોડ કરવાની કોઈ જરૂર ન હતી. ઘર ગૃહસ્થી સંભાળવા ઉપર જ એણે પોતાનું ધ્યાન આપ્યું. સાસુનું ધ્યાન પણ હવે એ રાખવા માંડી. રસોઈમાં પણ હવે એ પોતે જ ધ્યાન આપવા લાગી.

કેતાએ પણ શીતલમાં આવેલું આ પરિવર્તન નોંધ્યું. એને તો સમજાતું ન હતું કે પોતાની નાની બેન આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ ?

ચિન્મયને જ્યારે ખબર પડી કે મંથન સરે નસીરખાનના ભાગના ૪૦૦ કરોડ રૂપિયા અલગ રાખી મૂક્યા હતા. અને જેવો એ જેલમાંથી બહાર આવ્યો કે એને એનો હિસ્સો આપી દીધો ત્યારે એને મંથન સર માટે બહુ જ માન થયું. ઉપરથી એના માટે કન્સ્ટ્રક્શનનો ધંધો પણ સેટ કરી આપ્યો. આવા માણસો આજના કળિયુગમાં શોધો તો પણ ન મળે ! કેટલી બધી પ્રમાણિકતા ! કોઈ જ સ્વાર્થ નહીં, કોઈ લાલચ નહીં !

તલકચંદ શેઠનું એક જાણીતું જૈન ગ્રુપ દર વર્ષે જૈન યાત્રાધામોનું આયોજન કરતું હતું. આ વર્ષે એ ગ્રુપે ઝારખંડમાં જૈન યાત્રાળુઓને સમેત શિખરજીનાં દર્શન કરાવવાનું નું આયોજન કર્યું. ૧૫ થી ૨૦ જૈન શ્રાવકોને યાત્રા કરાવવાનું એ લોકોનું લક્ષ્ય હતું. આવા પ્રવાસો કે સંઘ કોઈ એક જ શ્રીમંત પાર્ટી તરફથી થતાં હોય છે.

આયોજક તરફથી મૃદુલામાસીને પણ ખાસ કહેવામાં આવ્યું. મૃદુલામાસી આમ પણ ધાર્મિક આત્મા હતો. એમને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે એમની આ યાત્રા કરવાની ઈચ્છા તીવ્ર બની. એકલા તો જઈ શકાતું ન હતું ત્યારે આ તો સમૂહમાં સંઘ તરફથી જવાનું હતું અને જ્યાં પાર્શ્વનાથ જેવા ૨૦ તીર્થંકરોએ સમાધિ લીધી હતી એવું પવિત્ર સ્થળ હતું !

"કેતા...ચુનીલાલભાઈ તરફથી આ વર્ષે આ જે સંમેત શિખરજીનું આયોજન થયું છે એમાં મારે તો જવાની ખાસ ઈચ્છા છે. તું જો મારી સાથે આવે તો મારી સગવડો સચવાય અને મને બીજી કોઈ તકલીફ ના થાય. ૧૦ દિવસનો પ્રવાસ છે. તું રજા લઈ લે તો મરતા પહેલાં એકવાર મોટી જાત્રા થઈ જાય." મૃદુલામાસી બોલ્યાં.

મમ્મીએ પહેલીવાર પોતાની પાસે કંઈક માગ્યું હતું અને એ પણ પવિત્ર યાત્રાધામમાં જવા માટેનો સાથ ! કેતા જેવી દીકરી ના કેવી રીતે પાડી શકે ?

ફાગણ સુદ બીજના દિવસે રાત્રે ૧૦:૩૦ વાગે કલકત્તા મેલમાં સંઘ નીકળવાનો હતો. કેતાએ ચુતીલાલ ભાઈ સાથે ફોન ઉપર વાત કરીને પોતાનું અને મમ્મીનું નામ નોંધાવી દીધું.

પ્રવાસના ત્રણ ચાર દિવસ પહેલાં કેતાએ નર્સિંગ સેવા સદનમાં દશ દિવસની રજા મૂકવા માટે મંથન સરને ફોન કર્યો પરંતુ મંથન તો એક અઠવાડિયા માટે પાલીતાણા જુનાગઢ અને દ્વારકાના પ્રવાસે હતો.

દ્વારકાનાં દર્શન કરવાની તો જો કે અદિતિની પણ ખૂબ જ ઈચ્છા હતી પરંતુ એક તો અઠવાડિયાનો પ્રવાસ હતો અને અલગ અલગ જગ્યાએ રખડવાનું હતું એટલે મંથને આ વખતે અદિતિને ના પાડી અને વચન આપ્યું કે જન્માષ્ટમી ઉપર ચોક્કસ આપણે દ્વારકા જઈશું.

પાલીતાણામાં જૈન મુનિઓને વિહાર કરવા માટે તળેટી રોડ ઉપર જે ઉપાશ્રય સાથેની ધર્મશાળા બનાવી હતી એ પણ એકવાર જોઈ લેવાની મંથનની ઈચ્છા હતી તો જૂનાગઢમાં સાધુ સંતો માટે જે આશ્રમ બનાવ્યો હતો એની પણ વ્યવસ્થા જોવાની હતી. ત્યાંથી પછી દ્વારકા જઈને સાધુ સંતો માટેનો સંન્યાસ આશ્રમ પણ જોવાનો હતો.

"ઠીક છે. તું ચાર્જ શરણ્યાને સોંપી દેજે. એને અનુભવ છે એટલે દશ દિવસ તો એ સંભાળી લેશે. " મંથન બોલ્યો.

ફાગણ સુદ બીજની રાત્રે દાદરથી ૧૦:૩૦ વાગે કલકત્તા મેલમાં ૨૦ યાત્રાળુઓ સમેત શિખરજી જવા માટે રવાના થઈ ગયા. શીતલ અને રાજન દેસાઈ બંને મમ્મીને મૂકવા માટે અને તીર્થયાત્રાની શુભેચ્છા પાઠવવા આવ્યાં હતાં.

શીતલ પિત્તળનો ગોળ ડબ્બો ભરીને સુખડી લઈ આવી હતી. ત્રણ ચાર દિવસ ચાલે એટલાં થેપલાં તો કેતાએ પોતે પણ બનાવીને લઈ લીધાં હતાં. જો કે જૈન સંઘ તરફથી એક રસોઈયો પણ સાથે લીધો હતો અને બે ટાઈમ ચા અને ગરમ નાસ્તો ટ્રેઈનમાં મળતો જ હતો. છતાં પોતાનો નાસ્તો સાથે રાખવાની ગુજરાતીઓને ટેવ હોય છે. ૩૦ કલાકની લાંબી મુસાફરી પછી ટ્રેઇન પારસનાથ સ્ટેશન પહોંચી ગઈ.

સૌથી પહેલાં તો મંથન ભાવનગર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બેસીને ભાવનગર પહોંચી ગયો અને ત્યાંથી એક સ્પેશિયલ ટેક્સી કરીને એ પાલીતાણા ગયો. દરેક ચેતનાઓને એ વંદન કરતો હતો એટલે ત્યાં ગયા પછી એને શેત્રુંજય પર્વતનાં પગથિયા ચઢીને ઉપર આદિશ્વર ભગવાનનાં દર્શન પણ કર્યાં. એ પછી પોતે બનાવેલી ધર્મશાળા પણ જોઈ લીધી અને અંદર જઈને બધી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. એને સંતોષ થયો. થોડાક આધુનિક ગણાતા જૈનમુનિ ભાઈમહારાજની ધર્મશાળામાં જઈને એમની સાથે પણ એણે થોડો સત્સંગ કર્યો !

ત્યાંથી એ જ ટેક્સીમાં એ જ સાંજે જુનાગઢ પણ પહોંચી ગયો અને ટેક્સીને છૂટી કરી દીધી. મંથન પહેલીવાર રાજન દેસાઈ સાથે જુનાગઢ આવ્યો ત્યારે જે હોટલમાં ઉતર્યો હતો એ જ હોટલમાં એ ત્રણ દિવસથી ઉતર્યો હતો. દર શિવરાત્રીએ સ્વામીજી ગિરનારની તળેટીમાં આવતા હતા અને આ વર્ષે પણ આવ્યા જ હશે એટલે મંથનની એમને રૂબરૂ મળવાની બહુ જ ઈચ્છા હતી. રોજ રાત્રે એ ધ્યાનમાં બેસીને ગુરુજીનું અનુસંધાન કરતો હતો પરંતુ આ વખતે એક પણ વાર ગુરુજી એ પોતે ક્યાં છે એનો કોઈ જ સંકેત આપતા ન હતા !

બે વાર તો એ બીજા દર્શનાર્થીઓ સાથે ગિરનારની તળેટીમાં ચક્કર પણ મારી આવ્યો હતો. તળેટીમાં ઘણા બધા નાગા બાવાઓનાં દર્શન થયાં પણ પોતાના ગુરુજીનાં દર્શન ના થઈ શક્યાં. મંથન થોડો નિરાશ થઈ ગયો.

ભવનાથ તળેટી રોડ ઉપર એણે રાજન દેસાઈની દેખરેખ નીચે જે સાધુ સંતો માટે આશ્રમ બનાવ્યો હતો એની બધી વ્યવસ્થા પણ જોઈ લીધી અને સંતોષ થયો. રસોઈયો બે ટાઈમ રસોઈ બનાવતો હતો અને સાધુ સંતોની સેવામાં એક મેનેજર તથા ત્રણ ચાર માણસનો સ્ટાફ પણ રાખેલો હતો ! દરેક આશ્રમનો એકાઉન્ટ ખોલીને એણે સારી એવી રકમ જમા રાખી હતી એટલે નિભાવ ચાલતો હતો.

પાંચ દિવસ રોકાઈને એ ત્યાંથી સીધો રાત્રે ૧૨:૩૦ વાગે ઉપડતી ટ્રેઇનમાં દ્વારકાના બદલે સીધો ઓખા જવા માટે નીકળી ગયો અને સવારે ૮ વાગે ઓખા પણ પહોંચી ગયો. ઓખા એને બહુ જ ગમતું હતું અને ખાસ કરીને જ્યારે એણે જાણ્યું કે પોતાના પૂર્વના પૂર્વ જન્મમાં એ ઓખામાં ગોપાલદાદાનો પુત્ર હતો ત્યારથી એનું આકર્ષણ વધી ગયું હતું.

ગયા વખતે એ જે હોટલમાં ઉતર્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાએ એને પકડ્યો હતો એ જ હોટલમાં એ ફરીથી ઉતર્યો કારણકે હોટલ સારી હતી અને સ્ટાફ પણ હવે એને ઓળખતો હતો.

હોટલમાં એને પ્રવેશ કર્યો કે તરત જ રિસેપ્શનની બાજુમાં ઊભેલો મેનેજર એને ઓળખી ગયો.

" આવો આવો સાહેબ. ઘણા સમય પછી ઓખા પધાર્યા ? " મેનેજર બોલ્યો.

" મુંબઈથી આટલે દૂર સુધી ક્યાં વારંવાર અવાય ? દ્વારકા સુધી આવવાનું થાય ત્યારે ઓખાની મુલાકાત લેવાની ઈચ્છા થાય. " મંથન બોલ્યો.

" જી સાહેબ. " મેનેજર બોલ્યો. ગયા વખતે ઝાલા સાહેબે મંથનની પાછળથી જે આગતા સ્વાગતા કરી હતી એનાથી મેનેજર પ્રભાવિત થયો હતો. એ તો એમ જ માનતો હતો કે ગાંધીનગરમાં આ સાહેબની કોઈ મોટી પોસ્ટ હતી !

" તમારા ઝાલા સાહેબ શું કરે છે ? " મંથને એમ જ પૂછ્યું.

"ઝાલા સાહેબની ટ્રાન્સફર તો અહીંથી ખંભાળિયા થયેલી. અત્યારે અહીં વાળા સાહેબ છે. " મેનેજર બોલ્યો.

" સારુ. મને એક સારો રૂમ આપી દો. મારા જમવાની વ્યવસ્થા પણ અહીંયા જ કરજો. અત્યારે મારા રૂમમાં સારી ચા મોકલાવી દો. " મંથન બોલ્યો.

" જી સાહેબ હાઈ ક્લાસ રૂમ તમને આપી દઉં છું. " કહીને મેનેજરે ઉપરના એક સ્પેશિયલ રૂમની ચાવી આપવાનું રિસેપ્શનિસ્ટને કહ્યું . મંથને રજીસ્ટરમાં એન્ટ્રી કરી દીધી અને ઉપર ગયો.

ગયા વખતે જે રૂમમાં ઉતર્યો હતો એની બાજુનો જ રૂમ હતો પણ આ રૂમ પ્રમાણમાં વધારે સારો હતો. સીધો દરિયો દેખાતો હતો. મંથને બ્રશ વગેરે પતાવી લીધું ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ.

ચા પાણી પીને એણે ગરમ પાણીથી નાહી લીધું અને એકદમ ફ્રેશ થઈ ગયો. એ પછી ગાયત્રી મંત્રની ૧૧ માળા કરી. વહેલી સવારે ટ્રેઇનમાં હોવાના કારણે આજે ધ્યાન કરી શક્યો ન હતો.

એ પછી એ લટાર મારવા નીકળ્યો અને ચાલતો ચાલતો એ જ દરિયા કિનારે વ્યોમાણી માતાના મંદિર પાસે ગયો જ્યાં એને તે દિવસે એક સન્યાસીનાં દર્શન થયેલાં. ભૂતકાળની યાદો તાજી થઈ ગઈ અને એક આધ્યાત્મિક ભાવ પણ ઉભરી આવ્યો.

ત્યાંથી ચાલતો ચાલતો જ એ ઓખાના નવી બજાર એરિયા તરફ ગયો જ્યાં તે દિવસે ગોપાલદાદાનું ઘર એટલે કે પોતાના પૂર્વ જન્મનું જન્મ સ્થાન જોયું હતું ! આજે એવું કોઈ દ્રશ્ય ત્યાં હતું નહીં. એ સ્થળે તો ઓરડીના બદલે બે માળના બંગલા હતા.

ઓરડીઓ ભલે બંગલા બની ગઈ હોય પરંતુ પવિત્ર ભૂમિ તો એ જ હતી ! આ ભૂમિ ઉપર ગોપાલદાદાએ અસંખ્ય ગાયત્રી પુરશ્ચરણો કર્યાં હતાં અને અનેક સિદ્ધિઓ મેળવી હતી. જ્યાં એને ગોપાલદાદાનાં દર્શન થયાં હતાં એ જગ્યા એણે શોધી કાઢી. ત્યાં જે બંગલો બન્યો હતો એના ઓટલા ઉપર એણે માથું ટેકવ્યું. સદ્ નસીબે ત્યાં સવારે ૧૧ વાગે એને જોનારું આજુબાજુ કોઈ જ ન હતું !

મંથન માથું ટેકવીને ફરી પાછો પોતાની હોટલ તરફ જવા નીકળ્યો ત્યારે વ્યોમાણી માતાના મંદિરની પાછળના દરિયા કિનારે અચાનક એને ફરી ગોપાલદાદાનાં દર્શન થઈ ગયાં. એ મંથનની સામે મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા !

મંથન ઝડપથી ચાલીને ગોપાલદાદાની પાસે પહોંચી ગયો. એમના ચરણ સ્પર્શ કર્યા.

"તને મેં કેતાની રક્ષા માટે આપેલો રુદ્રાક્ષનો મણકો ક્યાં ? " દાદા બોલ્યા.

" અરે એ તો મારા પૂજા રૂમના ડ્રોવરમાં જ છે ! એને હજુ સુધી મેં તો બાંધ્યો જ નથી !! " મંથનને ફાળ પડી.

"એ તો સુરક્ષા વિના જ યાત્રા કરવા નીકળી પડી છે. તેં કેટલી વિનંતી કર્યા પછી આ રુદ્રાક્ષ મેળવ્યો હતો ? તો પછી એના કાંડામાં બાંધ્યો કેમ નહીં ?" દાદા બોલ્યા.

" દાદા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ગમે તેમ કરીને એની રક્ષા કરો. એ અચાનક જ લાંબી યાત્રાએ નીકળી ગઈ છે. " મંથન બે હાથ જોડીને બોલ્યો.

પરંતુ દાદા જવાબ આપે તે પહેલાં જ અચાનક દરિયો અને ગોપાલદાદા બધું અદ્રશ્ય થઈ ગયું. મંથન તો નવી બજારમાં એ બે માળના બંગલાના ઓટલા ઉપર માથું ટેકવીને હજુ દાદાને પ્રાર્થના કરી રહ્યો હતો !

આ શું થઈ ગયું ? મુંબઈથી એક હજાર કિલોમીટર દૂર હું અહીં ઓખામાં. સુરક્ષા માટે દાદાએ આપેલો રુદ્રાક્ષનો મણકો મુંબઈમાં અને કેતા ઝવેરી છેક કલકત્તા પાસે પારસનાથમાં !!
લેખક - અશ્વિન રાવલ (અમદાવાદ)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post