"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!

વારસદાર (Varasdar-95)

Related

વારસદાર (અંતિમ) પ્રકરણ 95
ગંગાસાગર પહોંચ્યા પછી તમામ યાત્રાળુ ગંગાસાગર પથનિવાસ ગેસ્ટ હાઉસ પહોંચી ગયાં. અગાઉથી ફોન કરીને છ રૂમ બુક કરાવી દીધા હતા. ગંગાસાગરમાં મકરસંક્રાંતિના દિવસે મેળો ભરાય છે બાકીના દિવસોમાં તો કોઈને કોઈ ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જ જતી હોય છે.

વારસદાર

અગાઉથી જૈન ભોજન બનાવવાનો ઓર્ડર પણ આપ્યો હતો એટલે એ પણ કોઈ ચિંતા ન હતી. બપોરનો એક વાગવા આવ્યો હતો એટલે સૌથી પહેલાં ફ્રેશ થઈને બધાંએ જમી લીધું.

ગંગાસાગર નું બીજું નામ સાગરદ્વીપ પણ છે. આ એક ટાપુ છે અને અહીં હુગલી નદી ધસમસતા પ્રવાહ સાથે સાગરને મળે છે. આ પવિત્ર સંગમ ઉપર હરિદ્વારની જેમ દીપદાન પણ થતું હોય છે. અને એ પછી શ્રદ્ધાળુઓ કપિલમુનિ આશ્રમમાં દર્શન કરે છે.

બીજું તો અહીં કંઈ જોવાનું હતું નહીં એટલે સાંજે દીપદાન વગેરે પતાવી કપિલમુનિનાં દર્શન કરી બીચ ઉપર લટાર મારીને સાંજે સાડા સાત વાગે તો નીકળી જવાનું હતું.

સાંજે છ વાગે કેટલાક જૈન યાત્રાળુઓ ચોવીહાર કરવા બેઠા તો છ સાત જણાનું યુવાન સર્કલ દરિયાકિનારે બીચ ઉપર લટાર મારવા નીકળ્યું. મૃદુલામાસી તો ચોવીહાર નહોતાં કરતાં પરંતુ વાની તકલીફ ના કારણે એમને બીચ ઉપર ફરવામાં આ ઉંમરે કોઈ રસ ન હતો. એટલે એ ધર્મશાળામાં જ રોકાયાં.

ભરતીના કારણે દરિયાનાં મોજાં છેક દૂર દૂરથી ઉછળી ઉછળીને આવી રહ્યાં હતાં. સૂસવાટા મારતો પવન પણ ઘણો હતો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો એટલે દ્રશ્ય પણ ખૂબ જ સુંદર હતું. ઘણાં બધાં પ્રવાસીઓ દરિયા તરફ આગળ વધીને મોજાંનો આસ્વાદ લઈ રહ્યાં હતાં. કેતાને પણ આ દરિયા કિનારો ખૂબ જ ગમ્યો. પાણી જોઈને આમ પણ એ ગાંડી થઈ જતી !

એ થોડેક સુધી આગળ વધી. દરિયાનું એક મોટું મોજુ એને આખું ભીંજવી ગયું. મોજાંની છાલકથી ધક્કો પણ વાગતો હતો અને મજા પણ આવતી હતી.

" અરે બહેનજી બહોત આગે મત બઢો. સમંદર કા કોઈ ભરોસા નહીં." એક હિન્દીભાષી યુવાન ત્યાં દૂર ઉભો હતો એ બોલ્યો.

પરંતુ કેતા તો પોતાની મસ્તીમાં જ હતી. સામેથી બીજું એક વિશાળકાય મોજું આવી રહ્યું હતું. કેતા એને ઝીલવા માટે બે હાથ ઊંચા કરીને ઉભી રહી !

ધસમસતું મોજું આવ્યું અને એણે કેતાને પછાડી દીધી. પરંતુ જલપ્રવાહ એટલો બધો વધારે હતો કે વળતું મોજું પોતાની સાથે નીચે પડી ગયેલી કેતાને પણ દરિયાની અંદર દૂર દૂર ખેંચી ગયું !

ચારે બાજુ બૂમાબૂમ થઈ પડી. કેતાની સાથે આવેલા યુવક યુવતીઓ પણ ગભરાઈ ગયા. બે-ત્રણ જણા તો ગેસ્ટ હાઉસ તરફ બધાંને સમાચાર આપવા માટે દોડ્યા. ત્યાં ઉભેલા કેટલાક તરવૈયાઓ તરત જ દરિયામાં કૂદી પડ્યા.

પાંચ સાત મિનિટ પછી બીજું એક મોટું મોજુ કેતાને થોડુંક નજીક ખેંચી લાવ્યું એટલે એક તરવૈયાએ એને પકડી લીધી. બીજો તરવૈયો પણ નજીક આવી ગયો અને કેતાને ઘસડીને કિનારે લાવ્યા. કેતા બેહોશ થઈ ચૂકી હતી ! કેતાએ ખભે લટકાવેલું પર્સ દરિયામાં ખેંચાઈ ગયું હતું જેમાં એણે મંગળસૂત્ર રાખ્યું હતું !!

કેતાના પેટ અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. બે ત્રણ યુવાનોએ પેટ દબાવીને પાણી કાઢવાની કોશિશ પણ કરી પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. પાંચ સાત મિનિટ સુધી સતત પાણીમાં ડૂબેલી કેતાએ આ દુનિયા છોડી દીધી હતી. એના પ્રાણ નીકળી ચૂક્યા હતા.

બીજા એક એક્સપર્ટ યુવાને સીઆરપી આપીને એના પ્રાણ બચાવવાની કોશિશ કરી પરંતુ નિયતિએ પોતાનો ખેલ ખેલી લીધો હતો !!

તમામ યાત્રાળુઓ ભેગા થઈ ગયા. મૃદુલામાસીએ રોકકળ ચાલુ કરી દીધી. એમના આગ્રહના કારણે જ કેતા પારસનાથ આવી હતી. પોતાની વહાલસોઈ દિકરી પોતાને છોડીને જતી રહી હતી ! બીજા યાત્રાળુઓએ માંડ માંડ એમને છાનાં રાખ્યાં. હવે વહેલી તકે અહીંથી નીકળી જવું યોગ્ય હતું.

એક યાત્રાળુએ બધી જવાબદારી પોતાના માથે લીધી. કેતાના સગા ડેડ બોડી લેવા આવે તો પણ ફ્લાઈટમાં કલકત્તા જ આવી શકે એટલે ડેડબોડી હાવડાની જ કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું.

બધા તાત્કાલિક ગંગાસાગરથી નીકળી ગયા અને હાવડા પહોંચીને નજીકની એક હોસ્પિટલના મૉર્ગ રૂમમાં કેતાના મૃતદેહને રાખવામાં આવ્યો. રસ્તામાં જ મૃદુલામાસી પાસેથી નંબર લઈને રાજન દેસાઈને જાણ કરવામાં આવી.

રાજન દેસાઈ માટે આ સમાચાર બહુ જ આઘાતજનક હતા. તાત્કાલિક કલકત્તા જવા નીકળવું પડશે એટલે તરત જ એણે મંથનને ફોન કર્યો.

"એક ખરાબ સમાચાર છે મંથન. તારી જાતને સંભાળી લેજે. કેતા હવે આ દુનિયામાં નથી રહી. આપણે તાત્કાલિક કલકત્તા જવું પડશે. તું ટિકિટ બુક કરાવી દે. હું તને લેવા આવું છું. " રાજન એટલું જ બોલી શક્યો.

સાંજે ૭:૩૦ વાગે મંથન એ સમયે ગાડી જાતે ડ્રાઇવ કરીને ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો. સદાશિવ આજે એક દિવસ માટે રજા ઉપર હતો. માથા ઉપર વીજળી પડી હોય એવી રીતે મંથન હચમચી ગયો. માંડ માંડ એણે ગાડી સાઈડમાં લીધી. એ પોતાની જાત ઉપર કાબુ રાખી શક્યો નહીં. નાના બાળકની જેમ સ્ટીયરીંગ ઉપર માથું ઢાળીને એ રડી પડ્યો. ખૂબ રડ્યો !!

એની નજર સામે બસ કેતા જ દેખાતી હતી ! કેતાના બોલાયેલા તમામ સંવાદો એના કાનને ઘેરી વળ્યા !!

-----------------------------------

( પ્રથમ મુલાકાત વખતે બોરીવલીની એ હોટલમાં થયેલા સંવાદો....)

#એક વાત પૂછું ? તમે સાચો જવાબ આપશો ? " કેતા બોલી.

" હા હા પૂછો ને " મંથન બોલ્યો.

" તમારી લાઇફમાં કોઈ છે ? " કેતા બોલી.

" ના. અત્યારે તો કોઈ નથી. એક પાત્ર હતું પણ એની સગાઈ થઈ ગઈ. " મંથન બોલ્યો.

"તમારી લાઈફમાં હું એન્ટર થઈ શકું ? તમને હું લાઈક કરવા લાગી છું પરંતુ મારી સાથે જે બની ગયું છે એના કારણે કહેવાની મારી હિંમત ચાલતી નથી. અત્યારે તો હું જાઉં છું પરંતુ તમારા જવાબનો ઈન્તજાર કરીશ. મારો સ્વીકાર કરશો તો એને મારું સૌભાગ્ય માનીશ અને માત્ર તમારી બનીને રહીશ. " કેતા બોલી.

" તમારી લાગણીની હું કદર કરું છું. મને થોડો સમય આપો. થોડા દિવસોમાં મારો નિર્ણય હું તમને જણાવીશ. તમારો નંબર પણ મેં સેવ કરી લીધો છે. " મંથન બોલ્યો. કેતા ખૂબ જ આકર્ષક હતી.

" હું જાઉં હવે ? " જવાનું મન થતું ન હતું છતાં મંથન બોલ્યો.

" ના. થોડીવાર તો બેસો. શું ઉતાવળ છે ? હવે ફરી ક્યારે મળીશું ? અને તમે આમ દૂર દૂર ના બેસો. અહીં બેડ ઉપર મારી પાસે બેસો ને ? " કેતા ધીરેથી બોલી.

" હું તમને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું મંથન. મારી લાગણીઓ હું તમને બતાવી શકતી નથી. મારું હૈયું અત્યારે મારા કાબૂમાં નથી. તમને હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. " કેતા બોલી.

" આપણે ચોક્કસ મળીશું કેતા. હું કોઇ કમિટમેન્ટ કરીને તમારો વિશ્વાસઘાત કરવા માગતો નથી એટલે ચૂપ છું. " મંથન બોલ્યો.

" અને હવે તમે મને 'તમે તમે' કહેવાનું બંધ કરો. તમે મને તું કહી શકો એટલો અધિકાર તો મેં તમને આપી જ દીધો છે." કેતા બોલી.

(કેતાના નડિયાદના ઘરે બોલાયેલા સંવાદો....)

#શીતલને પસંદ કરું તો તને દુઃખ નહીં થાય ? જસ્ટ પૂછું છું. " મંથન બોલ્યો.

" ના. કારણ કે એ મારી નાની બહેન છે. મેં આટલી મોટી ભૂલ કરી છે તો એની થોડી સજા તો મને મળવી જ જોઈએ. અને તમે બીજી જ કોઈ છોકરી સાથે લગ્ન કરી લો એના કરતાં તો શીતલ સાથે લગ્ન કરાવીને અમારા ઘરની જવાબદારી હું તમારા હાથમાં સોંપું તો એનાથી ઉત્તમ બીજું શું ? " કેતા બોલી.

" હમ્... "

" તમારે શીતલ સાથે મીટીંગ કરવી છે ? તો હું એને ઉપર મોકલું. " કેતા બોલી.

( કેતાના બોરીવલીના ફ્લેટમાં બોલાયેલા એ શબ્દો....)

#મારો નિર્ણય અફર છે સર. અને ગઈકાલે રાત્રે મમ્મી સાથે પણ મારે વાત થઈ ગઈ છે. શરૂઆતમાં મમ્મી તૈયાર ન હતી પરંતુ મેં એને સમજાવી દીધી છે. તમે જે મારા પરિવાર માટે કર્યું છે એ બધી વાત મેં એને કરી. એટલે એણે પણ મને સરોગેટ મધર બનવા માટે હા પાડી દીધી છે." કેતા બોલી.

" કેતા હું તને શું કહું ? મારી પાસે કોઈ શબ્દો જ નથી. " મંથન બોલ્યો.

" તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી સર. જે પોતાના હોય એનો આભાર માનવાનો ના હોય. તમારા ઘરમાં રમતું બાળક મારું પણ બાળક હશે એ વિચારથી જ હું રોમાંચિત થઈ જાઉં છું. એ બધી વાતો છોડો. બોલો હવે ચા પીશો કે ઠંડુ ? બધી જ વ્યવસ્થા છે. આઈસ્ક્રીમ પણ ફ્રિજમાં છે. " કેતા બોલી.

" તેં મને ખરેખર ચૂપ કરી દીધો છે. આ જનમમાં તો જોડાઈ ના શક્યાં પરંતુ મને લાગે છે કે આવતા જન્મમાં આપણે એકબીજાનાં ચોક્કસ થઈશું કેતા. આ એક બહુ મોટો ઋણાનુબંધ છે. ટ્રેનમાં અચાનક મળ્યાં એની પાછળ પણ ઈશ્વરનું કેટલું મોટું પ્લાનિંગ હશે !! " મંથન બોલ્યો.

" તમારી વાત સાચી છે. ઋણાનુબંધ તો જબરદસ્ત છે. હું તમને કહી શકતી નથી. હવે મને કહો શું લઈ આવું તમારા માટે ? " કેતા બોલી.

( બોરીવલીના ફ્લેટ ઉપર બોલાયેલા એ સંવાદો.....)

#બોલો શું સેવા કરું તમારી ? આજે તો તમારે જમીને જ જવાનું છે. તમારો ફોન આવ્યો એટલે મેથીના ગોટાનું ખીરું બનાવીને તૈયાર જ રાખ્યું છે. ગરમા ગરમ તમને મળી જશે સાહેબ." કેતા હસીને બોલી.

" અરે પણ આવી બધી ધમાલ કરવાની ક્યાં જરૂર હતી ? હું મહેમાન થોડો છું ? " મંથન બોલ્યો.

" મહેમાન નથી એટલા માટે તો આ બધું હું કરું છું. તમને જમાડવાનો મને એક અલગ જ આનંદ હોય છે. તમે એ નહીં સમજી શકો. " કેતા બોલી.

મંથન સમજી શકતો હતો પરંતુ એ કંઈ બોલ્યો નહીં. કેતાનો એક તરફી પ્યાર હતો !

( અને છેલ્લે નર્સિંગ સેવાસદનમાં કેતાએ બોલેલા સંવાદો....)

#તારે પણ હવે તારા પોતાના ભવિષ્ય માટે નિર્ણય બદલવો જોઈએ. મારી રાહ જોઈને આખી જિંદગી આ રીતે તપસ્યા ના કરાય કેતા. જે હવે શક્ય નથી એની પ્રતીક્ષા શા માટે કરવી ? " મંથન બોલ્યો.

" બોલી લીધું ? કે હજુ બીજું કંઈ કહેવું છે ? સર તમને કોણે કહ્યું કે હું તમારી સાથે લગ્ન થાય એની પ્રતીક્ષા કરી રહી છું ? મેં વર્ષો પહેલાં જ તમારી સાથે મનોમન લગ્ન કરી લીધાં છે. આ જન્મમાં લગ્ન શક્ય નથી તો આવતા જન્મે હું ફરીથી તમને પામવા જન્મ લઈશ. તમને વિશ્વાસ ના હોય તો હું એક વસ્તુ બતાવું. " કહીને કેતાએ પોતાની પર્સમાંથી એક મંગલસૂત્ર કાઢ્યું.

"જુઓ આ મંગલસૂત્ર. જે દિવસે તમે નડિયાદ મને પહેલીવાર મળવા આવ્યા હતા અને હોટલમાં મારી અથવા શીતલમાંથી કોઈ એકની પસંદગી કરવાની વાત થઈ હતી ત્યારે જ મેં તમને પતિ તરીકે માની લીધા હતા અને બીજા જ દિવસે આ મંગલસૂત્ર મેં ખરીદી લીધું હતું. આ મંગલસૂત્ર માત્ર પર્સમાં રાખવા માટે નથી લીધું સર. રોજ એક વાર ઘરે આ મંગળસૂત્ર કોઈને ખ્યાલ ન આવે એ રીતે બે મિનિટ માટે પહેરીને ઉતારી દઉં છું. " કેતા બોલતી હતી.

"છેલ્લાં નવ વર્ષથી હું અહીં જોબ કરવા આવું છું ત્યારે ઘરેથી બહાર નીકળીને આ મંગલસૂત્ર પહેરી લઉં છું અને ટ્રેનમાંથી ઉતર્યા પછી એને ફરી કાઢીને પર્સમાં મૂકી દઉં છું. હું મારી જાતને પરિણીતા જ માનું છું સર. આજે પહેલી વાર તમારી સમક્ષ આ વાત કરી રહી છું. " બોલતાં બોલતાં કેતાની આંખોમાં પાણી આવી ગયાં.

કેતાની એકે એક યાદો મંથનને સતાવી રહી હતી. એના પ્રેમ અને લાગણીભર્યા શબ્દો અત્યારે એને બેચેન કરી રહ્યા હતા. કેતા પોતાના જીવનમાંથી ચાલી ગઈ હતી !!

-----------------------------------

મંથને મહાપરાણે પોતાની જાતને સંભાળી લીધી. ફરીથી એણે ગાડી સ્ટાર્ટ કરી. ઘરે જઈને અદિતિને પણ આ આઘાતજનક સમાચાર આપ્યા. અદિતિ પણ રડી પડી.

" મારે તાત્કાલિક નીકળવું પડશે અદિતિ. રાજન થોડીવારમાં આવી જશે. તું પણ બધાંને સમાચાર આપી દેજે. અમે સવારે સીધા જુહુતારા રોડ ઉપરના બંગલા ઉપર જ આવી જઈશું." મંથન બોલ્યો.

રાત્રે ૯ વાગ્યાની ફ્લાઈટ હતી પણ એમાં પહોંચવું શક્ય ન હતું એટલે ૧૦:૩૦ વાગ્યાની ફ્લાઈટની મંથને બે ટિકિટ લઈ લીધી અને આવતીકાલ સવારની બધાંની રિટર્ન ટિકિટ પણ લઈ લીધી.

રાજન દેસાઈની ગાડીમાં બન્ને સાડા નવ વાગે સાન્તાક્રુઝ એરપોર્ટ પહોંચી ગયા. ત્યાંથી રાત્રે એક વાગે કલકત્તા એરપોર્ટ પહોંચીને ટેક્સી કરી અને સીધા હાવડા હોસ્પિટલે જ પહોંચી ગયા.

કેતાની ડેડ બોડીને હોસ્પિટલના મૉર્ગ રૂમમાં રાખવામાં આવી હતી. ત્યાં બંને જણા પહોંચી ગયા.

કેતાનો શાંત મૃતદેહ મંથનની જ પ્રતિક્ષા કરી રહ્યો હતો ! મંથનને જોઈને હમણાં જ જાણે કેતા બોલી ઉઠશે કે :

"આવી ગયા ? જુઓ તમારી સામે જ હું તો અખંડ સૌભાગ્યવતી જ જઈ રહી છું. "

મંથન ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એનું જોઈને મૃદુલામાસી પણ પોતાની જાત ઉપર કાબુ રાખી શક્યાં નહીં. રાજને બંનેને માંડ માંડ શાંત કર્યા.

સવારે ૬:૧૦ ની ફ્લાઈટ હતી. મંથને હોસ્પિટલમાં રિક્વેસ્ટ કરીને શબવાહિનીની વ્યવસ્થા કરી અને સાડા ચાર વાગે જ તમામ એમાં બેસીને એરપોર્ટ જવા માટે રવાના થઈ ગયાં.

મુંબઈ એરપોર્ટ ઉપર સદાશિવને પણ બોલાવી લીધો હતો એટલે સવારે ૯ વાગે બંને ગાડીઓ જૂહુ તારા રોડ ઉપરના બંગલા તરફ રવાના થઈ ગઈ.

નજીકનાં અને દૂરનાં તમામ સગાં સંબંધીઓને સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા એટલે બંગલા ઉપર તમામ સગા સંબંધીઓ ભેગાં થયાં હતાં.

અદિતિ, વીણામાસી, ઝાલા અંકલ, સરયૂબા, શીતલ, તારાબેન, પિયુષ અને એની પત્ની, નૈનેશ, પ્રિયા, ચિન્મય અને તર્જનીની સાથે કેટલાક અજાણ્યા સંબંધીઓ પણ હતા.

કેતાના શબને ગાડીમાંથી સાચવીને નીચે ઉતારવામાં આવ્યું અને પછી સ્ત્રીઓએ ઘરમાં લઈ જઈને એને સ્નાન કરાવ્યું. સ્વચ્છ નવી સાડી પહેરાવી. કપાળમાં ચંદન લગાવ્યું. ગુલાબનાં ફૂલોના હારથી એને સરસ રીતે શણગારવામાં આવી.

એ પછી શબવાહીની બોલાવવામાં આવી અને તમામ પુરુષો એની સાથે પોતપોતાની ગાડીઓ લઈને જોડાઈ ગયા. વિલે પારલેના જૂના અને જાણીતા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે કેતાના દેહને લઈ જવામાં આવ્યો.

મંથને પોતાના જાણીતા પંડિતજીને અગાઉથી ફોન કરી દીધો હતો એટલે એ સ્મશાન ગૃહમાં હાજર જ હતા. વેદના મંત્રોથી કેતાના પવિત્ર અખંડ સૌભાગ્યવતી જેવા દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. કેતાને મુખાગ્નિ મંથને પોતે આપ્યો.

બીજા દિવસે સવારે ચાર વાગે મંથન ધ્યાનમાં બેઠો ત્યારે માત્ર દશ જ મિનિટમાં સ્વામીજીએ એને સામેથી દર્શન આપ્યાં. પોતાના જીવનમાંથી કેતા ચાલી ગઈ હતી એટલે એ ખૂબ જ નિરાશામાં ઘેરાયેલો હતો. એણે આજે સ્વામીજીને કંઈ પણ પૂછ્યું નહીં.

" બેટા નિયતિને કોઈ મિથ્યા કરી શકતું નથી. તારી આટલી બધી ગાયત્રી સાધના અને તારા ગોપાલદાદાની સિદ્ધિઓના કારણે જ કેતાને ૧૦ વર્ષનું જીવનદાન મળ્યું હતું. તારા સંતોષ ખાતર તારા દાદાજીએ ફરીથી તને રુદ્રાક્ષ આપ્યો હતો પરંતુ નિયતિએ જ તને ભુલવાડી દીધો હતો. એટલે જ દાદાજીએ તને મીઠો ઠપકો આપ્યો હતો પરંતુ અંદરથી તો એ જાણતા જ હતા." ગુરુજી બોલતા હતા.

" જન્મ અને મૃત્યુ નિશ્ચિત હોય છે. સ્થળ પણ નિશ્ચિત હોય છે. કેતાનું મૃત્યુ છેક ગંગાસાગરના દરિયા કિનારે હતું તો નિયતિ એને ગમે તે રીતે ખેંચી ગઈ. તું એને પારસનાથ જતી રોકી શક્યો હોત પરંતુ તને પણ જુનાગઢ બાજુ મોકલી દીધો. તારી સંજીવની વિદ્યા પણ કોઈ કામ ના આવી. હવે નવા જન્મમાં તમારા બંનેનું પતિ પત્ની તરીકે મિલન થશે. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી તમે મને કેતાના આત્મા સાથે વાત કરાવી શકો ? " મંથને આજીજી કરી.

" કેતાનો આત્મા અત્યારે મારી સાથે જ છે. પરંતુ હવે એ કેતા રહી નથી. એને એના તમામ જન્મો યાદ આવી ગયા છે. એ અત્યારે શુદ્ધ આત્મા સ્વરૂપ છે. હવે એ બધી માયાથી પર છે અને તને પણ હવે એ માયામાં નાખવા નથી માગતી." ગુરુજી બોલી રહ્યા હતા.

"સંસારમાં ઋણાનુબંધથી નવા નવા દેહ ધારણ કરીને નવાં નવાં નામથી આપણે મળ્યા જ કરીએ છીએ. સંસારનું ચક્ર આ રીતે ચાલ્યા જ કરે છે. તું પણ હવે કેતાના વિચારોમાંથી મુક્ત થઈને માનવસેવા એ જ પ્રભુ સેવાનો તારો મંત્ર ચાલુ રાખ અને લોકોની બને એટલી સેવા કર. ગાયત્રીમંત્રની કૃપાથી તારી પણ ઉર્ધ્વગતિ થશે અને તારા નવા જન્મ સુધી કેતા પણ અહીં તારી રાહ જોશે !! " કહીને ગુરુજી અદ્રશ્ય થઈ ગયા.

સમાપ્ત

(વાચક મિત્રો... વારસદાર નવલકથા આજે સમાપ્ત થઈ રહી છે. મંથન, અદિતિ, કેતા, શીતલ, રાજન દેસાઈ, ઝાલા અંકલ, સરયૂબા, વીણામાસી, મૃદુલામાસી, જયેશ જેવાં તમામ કાલ્પનિક પાત્રો હવે તમારી રજા માગે છે. કથાના મૂળ પ્લોટ પ્રમાણે તો અદિતિને અકસ્માત કરાવીને કેતા સાથે મંથનનાં ધામધૂમથી લગ્ન કરાવવાની મારી ઈચ્છા હતી પરંતુ અદિતિના અકસ્માત પછી લગભગ તમામ વાચકોએ અદિતિને કંઈ પણ ના થવું જોઈએ એવી લાગણી બતાવી એટલે મારે વાર્તાનો પ્રવાહ બદલવો પડ્યો ! નવલકથાને પૂરી કરવી લેખક માટે બહુ જ અઘરું કામ હોય છે. લેખક પોતે પણ એક કાલ્પનિક જગતમાં હંમેશા ખોવાઇ જતો હોય છે એટલે એને પણ આ વિદાય વસમી લાગે છે. નવલકથાના દરેક પ્રકરણમાં તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. આજે નવલકથા પૂરી થાય છે ત્યારે દરેક વાચકો કોમેન્ટ્સમાં નવલકથા વિશે પોતાના અભિપ્રાય આપે એવી મારી વિનંતી છે. 🙏)

લેખક: અશ્વિન રાવલ: 63588 41199 
_______________________
વાચક મિત્રો ઉપર આપેલ નંબર "વારસદાર" નવલકથાના લેખકનો નંબર છે, આપ નવલકથાના વિશેના આપના અભિપ્રાય લેખકને વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો.

આપ બધાએ "વારસદાર" નવલકથા રસપૂર્વક માણી એ બદલ આવકાર ટીમ આપનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે, હવે ફરી મળીએ છીએ એક નવી નવલકથા સાથે – આભાર ધન્યવાદ 🌸હરે કૃષ્ણ 🌸 +91 7878222218 (વોટસએપ, ટેલીગ્રામ) — અથવા ટેક્સ્ટ મેસેજ કરવો, ત્યાં કોઈ પ્રતિસાદ ના મળે તો ઇમેઇલ: avakargrp@gmail.com પર આપનો મેસેજ છોડી શકો છો.🙇 આભાર -ધન્યવાદ્. 🙏🏻હરેકૃષ્ણ 🌸
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. અશ્વિનભાઈ,
    એક જ બેઠકે વાંચી લેવા નું મન થાય એવી નોવેલ હતી. દરેક પાત્ર માનસપટ પર જીવંત હોય એવો અનુભવ થયો. ધ્યાન અને અલૌકિક દુનિયા ની વાતો માં ખૂબ મજા આવી અને ધ્યાન કરવા માટે પ્રેરણા થઈ હોય એવું લાગ્યું. જો આપની પાસે ધ્યાન માટે વધુ માહિતી હોય તો અવશ્ય શેર કરજો. અમદાવાદ અને નડિયાદ ના સ્થળો પણ જાણીતા છે એટલે વધુ મજા આવી, જોકે મુંબઈ ના સ્થળો વિશે માહિતી નથી પણ નોવેલ વાંચી જાણીતા થઈ ગયા એવું લાગ્યું.

    ખૂબ જ સુંદર નોવેલ લખવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete
Previous Post Next Post