"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!

પ્રાયશ્ચિત (Prayaschit-10)

Related

પ્રાયશ્ચિત પ્રકરણ - 10

કેતન અબજોપતિ બાપનો દીકરો હતો. ત્રણસો કરોડની પેઢીનો ભાગીદાર હતો. સુરતમાં ડાયમંડ માર્કેટમાં એ લોકોનું મોટું નામ હતું. જગદીશભાઈના બે દીકરા હતા. મોટા સિદ્ધાર્થના લગ્ન થઈ ગયેલા હતા જ્યારે કેતન હજુ કુંવારો હતો.

#આવકાર
પ્રાયશ્રિત

મેનેજમેન્ટની ડિગ્રી લીધા પછી ઉચ્ચ અભ્યાસ અર્થે કેતન અમેરિકા ગયો હતો એટલે પોતાની કન્યા માટે ઘણા કરોડપતિ મા-બાપની નજર કેતન ઉપર હતી. કેતન દેખાવમાં પણ ઘણો હેન્ડસમ હતો.

કેતન કોલેજમાં ભણતો ત્યારે પણ એની ફ્રેન્ડશીપ માટે સારા સારા ઘરની છોકરીઓ તરસતી હતી પરંતુ કોણ જાણે કેમ કેતનને આવી બધી બાબતોમાં રસ ઓછો હતો. એ લફરાબાજ ન હતો. આટલી ઉંમરે પણ એનું ચારિત્ર શુદ્ધ હતું.

નાનપણથી જ એણે સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો વાંચ્યા હતા. શિકાગોમાં હતો ત્યારે પણ ઘણીવાર રવિવારે એ રામકૃષ્ણ મિશનમાં જઈને ધ્યાનમાં બેસતો. પોતે કરોડોપતિ પરિવારનો હતો છતાં પણ એને કોઈ જ અભિમાન ન હતું.

કેતન અમેરિકા હતો ત્યારે ત્રણેક પાર્ટીઓએ એમની દીકરીઓ માટે થઈને પ્રપોઝલ મોકલી હતી. પરંતુ જગદીશભાઈ એ કોઈ નિર્ણય લીધો ન હતો. કેતન આવે પછી વાત એમ બધાને જવાબ આપ્યો હતો.

કાંદીવલી વાળા સુનિલભાઈ શાહે પોતાની દીકરી નિધિ માટે પણ વાત નાખી હતી. નિધિએ એમબીએ ફાઇનાન્સ કર્યું હતું. દેખાવમાં પણ સુંદર હતી. સુનિલભાઈનું મુંબઈના ડાયમંડ માર્કેટમાં બહુ મોટું નામ હતું. બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં એમની વિશાળ ઓફિસ હતી. જગદીશભાઈની પેઢી સાથે એમનો કરોડોનો વેપાર હતો.

બીજી પ્રપોઝલ જામનગરના પ્રતાપભાઈ વાઘાણીની દીકરી વેદિકા માટે હતી. વેદિકા આયુર્વેદ ડૉક્ટર થઈ હતી. અને અત્યારે એ એમડી નું કરતી હતી. એ પણ ખૂબસૂરત હતી. જુના સંબંધોના કારણે પ્રતાપભાઈએ કેતન માટે વેદિકાનું માગું નાખ્યું હતું. એમણે કેતન વિશે બહુ જ સાંભળ્યું હતું.

ત્રીજુ પાત્ર હતી જાનકી દેસાઈ. જાનકી કરોડપતિ બાપની દીકરી તો ન હતી પરંતુ કેતન સાથે એ કોલેજમાં ભણતી હતી. અને કોલેજની આટલી બધી છોકરીઓ માં એક માત્ર જાનકી સાથે કેતનની ફ્રેન્ડશીપ હતી.

જાનકી કેતનને મનોમન ખૂબ જ પ્યાર કરતી હતી અને એનો પ્રેમ સાચો હતો. એને પૈસાનો કોઈ મોહ ન હતો. એણે કોલેજકાળમાં કેતનને પોતાની લાગણી પણ બતાવી હતી પરંતુ ત્યારે કેતને રિલેશનશિપ ની વાત ટાળી દીધી હતી. કેતન કોઈની પણ સાથે વચનથી બંધાઈ જવા માગતો ન હતો.

" જો જાનકી તું મારી સાચી દોસ્ત છે. તું મને ગમે પણ છે. તું મને પસંદ કરે છે એ પણ હું જાણું છું. પરંતુ રિલેશનશિપ શરૂ કરવાના કોઇ જ મૂડમાં અત્યારે હું નથી. ડિગ્રી મળ્યા પછી હજુ બે વર્ષ અમેરિકા મોકલવાની પપ્પાની ઈચ્છા છે. એટલે કોઇ કમિટમેન્ટ અત્યારે હું આપી શકું નહીં. જો મારા નસીબમાં તારું નામ લખેલું હશે તો ડેસ્ટીની ગમે ત્યારે આપણને ભેગાં કરશે. હું નસીબમાં બહુ માનું છું. એટલે તું અત્યારે ભણવામાં ધ્યાન આપ."

જાનકી કેતનને સારી રીતે ઓળખતી હતી એટલે એણે વાતને સ્વીકારી લીધી પરંતુ એમની નિર્દોષ ફ્રેન્ડશીપ ચાલુ જ રહી. જાનકી કેતનના ઘરે પણ ઘણીવાર આવતી અને કેતનનું ફેમિલી પણ એને પસંદ કરતું. જાનકી ખૂબ સંસ્કારી હતી અને બંનેની જોડી જામે એવી હતી.

જાનકીના પપ્પા શિરીષ દેસાઈ કોલેજમાં પ્રોફેસર હતા અને જોબના કારણે જ એ સુરતમાં રહેતા હતા. એમનું વતન તો મુંબઈ હતું. કેતન અમેરિકા ગયો એ પછીના છ મહિનામાં એ રિટાયર થઈ ગયા એટલે આખો પરિવાર મુંબઈ માટુંગા શિફ્ટ થઈ ગયો.

કેતન અમેરિકા ગયો એ પછી કેતન અને જાનકીનો સંપર્ક કપાઈ ગયો. કેતનનો અમેરિકાનો મોબાઇલ નંબર માત્ર એના પરિવાર પાસે જ હતો. કેતન અને જાનકી એકબીજાને પસંદ ચોક્કસ કરતા હતા પરંતુ પ્રેમમાં નહોતાં કે જેથી બંને વચ્ચે ચેટીંગ ચાલુ રહે !!

કેતન અમેરિકાથી પાછો આવ્યો એ પછી એના મમ્મી પપ્પા એ નક્કી કર્યું કે કેતનનાં લગ્ન માટે જે પણ પ્રપોઝલો આવી છે એની ચર્ચા હમણાં નથી કરવી. લગ્નની વાતો કરવાની એવી કોઈ ઉતાવળ પણ ન હતી. કેતન એકવાર ધંધામાં સેટ થઈ જાય પછી બધી મુલાકાત ગોઠવીશું.

પરંતુ કેતન અમેરિકાથી આવ્યો એ પછી મમ્મી જયાબેન અને જગદીશભાઈ ને કેતન સાથે લગ્નની ચર્ચા કરવાનો કોઈ મોકો જ ના મળ્યો. એક મહિનામાં જ એણે તો ઘર છોડી દેવાની જિદ પકડી.

કેતન જામનગર આવ્યો છે એટલે ચોક્કસ એ વેદિકા ને જોવા માટે જ આવ્યો હશે એમ પ્રતાપભાઈના પરિવારે માની લીધું. જ્યારે કેતનને તો એ પણ ખબર ન હતી કે પ્રતાપભાઈએ વેદિકા માટે માગું નાખેલું છે.

એક કલાકનો સમય ઘણો ઓછો હતો એટલે પ્રતાપભાઈ ના ઘરમાં દોડાદોડ થઈ ગઈ.

વેદિકા અને કેતન લગભગ પંદર વર્ષ પછી મળતા હતા. એક પ્રસંગે બંને પરિવારો ભેગા થયા હતા પણ ત્યારે કેતન અને વેદિકા એકબીજાને ઓળખતા પણ ન હતા. એટલે ખરેખર તો કેતન વેદિકા ને પહેલીવાર જ જોવાનો હતો. વેદિકાને પણ કેતનની કોઈ જ કલ્પના ન હતી.

વેદિકા મનમાં બહુ મૂંઝાઈ રહી હતી. બ્યુટી પાર્લર જવાનો પણ સમય ન હતો. જો કે દેખાવમાં એ ખુબ જ સુંદર હતી એટલે બહારના મેકઅપની એને એટલી બધી જરૂર ન હતી પરંતુ જો સમય મળ્યો હોત તો સારી હેર સ્ટાઇલ પોતે કરાવી લેત.

ડૉ. રાજેશ વાઘાણી ક્લિનિક ઉપરથી વહેલો નીકળી ગયો અને ગરમાગરમ ઘૂઘરા અને આઈસ્ક્રીમ પેક કરાવીને ઘરે લઈ ગયો. એ કેતનને નામથી ઓળખતો હતો અને પોતાની બહેન વેદિકા માટે પપ્પાએ પ્રપોઝલ મોકલી હતી એટલું જાણતો હતો.

બરાબર સાંજે સાત અને પચીસ મીનીટે કેતન પ્રતાપભાઈ ના બંગલા પાસે પહોંચી ગયો. મનસુખને વાનમાં જ બેસવાનું કહી ને એ અંકલ ના ઘરમાં દાખલ થયો.

કેતનની છટાદાર એન્ટ્રી જ એવી હતી કે ઘરના બધા જ સભ્યો એને જોઈને ખુબ જ પ્રભાવિત થયા. જીન્સ અને મરુન કલરના ટી-શર્ટમાં કેતન ખૂબ જ સોહામણો લાગતો હતો. એનો વાન પણ ગોરો હતો એટલે ડાર્ક કલર એને ખુબ જ શોભતો હતો.

બેડરૂમની એક બારી ડ્રોઈંગ રૂમમાં પડતી હતી. બારીની અંદર લગાવેલા પડદાને સહેજ ખસેડીને વેદિકાએ પણ કેતનને જોઈ લીધો. નજર લાગે એવો હતો કેતન ! વેદિકા રોમાંચિત થઇ ઉઠી.

" આવો આવો કેતનકુમાર " દમયંતીબહેને ઉભા થઇ બે હાથ જોડી કેતનનું સ્વાગત કર્યું.

" હું ડો. રાજેશ...વેદિકાનો ભાઈ !" રાજેશે પોતાની ઓળખાણ આપીને કેતન સાથે હાથ મિલાવ્યા અને સોફામાં બેસવાનો ઈશારો કર્યો.

" તમે જામનગર ક્યારે આવ્યા ? " પ્રતાપ ભાઈ હવે તું માંથી તમે ઉપર આવી ગયા. પોતાની દીકરીને જોવા આવ્યો હતો કેતન !

" અરે અંકલ પ્લીઝ તમે મને... તમે તમે ના કહો ! હું તો તમારા દીકરા જેવો છું. મારા પપ્પા પણ તમારાથી નાના છે. " કેતને વિવેકથી જવાબ આપ્યો.

જો કે કેતનની આ નમ્રતા અને વિવેક બધાને સ્પર્શી ગયો. અબજોપતિ છે છતાં સ્વભાવે કેટલો ખાનદાન છે !!

" જી મને ત્રણેક દિવસ તો થઈ ગયા." કેતને કહ્યું.

" ત્રણ દિવસથી જામનગરમાં છો અને છેક આજે મળવાનું રાખ્યું ? તારે તો સીધા આ ઘરે જ આવવાનું હોય. " પ્રતાપભાઈ એ મીઠો ઠપકો આપ્યો.

" જી થોડોક બીઝી હતો. પણ તમને મળ્યા વગર થોડો રહું ? " કેતને હસીને જવાબ આપ્યો.

" પપ્પા મમ્મી શું કરે છે ? ઘરે તબિયત તો સારી છે ને બધાની ? " દમયંતીબેને પૂછ્યું.

" હા આન્ટી... મમ્મી પપ્પા ભાઈ ભાભી શિવાની બધાં જ મજામાં છે. " કેતન બોલ્યો.

" ચાલો....હવે ગરમા ગરમ ઘુઘરા તૈયાર છે. પહેલા નાસ્તો પતાવી લો. વાતો તો પછી પણ થશે " પ્રતાપ અંકલ બોલ્યા.

" અરે પણ અંકલ આ બધું કરવાની ક્યાં જરૂર હતી ? હું ક્યાં મહેમાન છું ? "

" અરે ભાઈ એ બહાને હું પણ ઘૂઘરા ખાઈશ. મજા કર ને !! "

" વેદિકાને કહો ઘૂઘરાની ડીશ બધા માટે લઈ આવે !! " પ્રતાપભાઈએ દમયંતીબેન ને કહ્યું.

પાંચેક મિનિટમાં એક મોટી ટ્રે માં પાંચ ડિશો લઈને વેદિકા ધીમી ચાલે બહાર આવી અને ટેબલ ઉપર મૂકી. બધાના હાથમાં ડિશ આપીને પોતાની ડિશ સાથે એ કેતનની સામેના નાના સોફા ઉપર બેઠી.

વેદિકાએ બૉટલ ગ્રીન કલરની ભારે સાડી પહેરી હતી. એના ગોરા શરીર ઉપર એ ખૂબ જ શોભતી હતી. માથું ધોઈને કોરા વાળ ખુલ્લા રાખ્યા હતા.

" અમારા જામનગરમાં બે ચીજો બહુ વખણાય. એક આ તીખા ઘુઘરા અને બીજી ડ્રાય ફ્રુટ કચોરી !! " પ્રતાપભાઈએ કહ્યું.

" આનો ટેસ્ટ અમારા ગુજરાતના સમોસાને મળતો છે." ઘૂઘરાને ચાખ્યા પછી કેતને પોતાનો અભિપ્રાય આપ્યો.

" આ ત્રણ દિવસમાં જમવાનું શું કર્યું ? ક્યાં જમ્યા ? " રાજેશે પૂછ્યું.

" ગ્રાન્ડ ચેતના, બ્રાહ્મણીયા અને અક્ષર ભોજનમ -- ત્રણે ય ડાઇનિંગ હોલનો આસ્વાદ માણી લીધો. " કેતને હસતાં હસતાં કહ્યું.

" લે ... કર વાત !! મારુ ઘર જામનગરમાં હોય અને તારે આમ હોટલમાં જમવું પડે એ ઠીક ના કહેવાય કેતન ! " પ્રતાપભાઈ એ મીઠો ઠપકો આપ્યો.

" ક્યારેક જમવાનું ચોક્કસ રાખીશ અંકલ. " કેતન બોલ્યો.

" અને તમે ડોક્ટર છો ? તમે તમારો પરિચય ડૉક્ટર તરીકે આપ્યો એટલે સહજ પૂછું છું." કેતને રાજેશ સામે જોઈને પૂછ્યું.

" હા હું ગાયનેક સર્જન છું. મારુ ક્લિનિક પવનચક્કી રોડ ઉપર છે. " રાજેશે હસીને કહ્યું.

" ગ્રેટ.. હેપી ટુ મીટ યુ !! ઈશ્વરની ઈચ્છા હશે તો ફરી પણ આપણે મળીશું. " કેતને કહ્યું.

" ઓલવેઝ વેલકમ !! " રાજેશે જવાબ આપ્યો.

કેતનના મનમાં હોસ્પિટલનો પ્રોજેક્ટ રમતો હતો એટલે ડોક્ટરોને મળીને તેમનાં સલાહ સૂચનોની જરૂર પડવાની હતી.

" અને તમે ? " કેતને વેદિકાની સામે જોઈને સીધો સવાલ કર્યો.

" જી.. મેં આયુર્વેદની ડિગ્રી લીધી છે અને હવે માસ્ટર કરી રહી છું. " વેદિકાએ સ્માઇલ કરીને જવાબ આપ્યો.

ઘૂઘરાનો નાસ્તો પતી ગયો હતો એટલે વેદિકા ઊભી થઈ અને પાણીના ગ્લાસ લઇ આવી. બધાને પાણી આપીને તે ફરી કિચનમાં ગઈ અને પાંચ બાઉલમાં આઈસ્ક્રીમ લઇ આવી.

" અરે તમે લોકોએ શું કામ આટલું બધું કર્યું ? " આઇસ્ક્રીમ જોઈને કેતને કહ્યું.

" અરે ભાઈ જિંદગીમાં પહેલીવાર મારા ઘરે તું આવ્યો છે. અત્યારે જમવાની પણ તેં ના પાડી. તો થોડીક મહેમાનગતિ તો કરવી જ પડે ને ? અને અમારું કાઠિયાવાડ તો મહેમાનગતિ માટે પ્રખ્યાત છે !! લોકો સ્વર્ગને પણ ભૂલી જાય છે " પ્રતાપભાઈ હસતાં હસતાં બોલ્યા.

" હા એ વાત તમારી સો ટકા સાચી અંકલ ! આ ત્રણ દિવસમાં મેં બહુ અનુભવ કરી લીધો." કેતને પણ હસીને કહ્યું.

" હવે વેદિકા બેટા... આઇસક્રીમ પીગળી જાય તે પહેલાં તમે બંને જણા અંદર બેડરૂમમાં જઈને બેસો. આઇસ્ક્રીમ ખાતાં ખાતાં શાંતિથી વાતો કરજો. એકબીજાનો પરિચય થાય એ બહુ જરૂરી છે. "

વેદિકા આઈસ્ક્રીમનો બાઉલ હાથમાં લઈને ઉભી થઇ પરંતુ કેતનને ટ્યુબલાઈટ ના થઈ !!

" અરે કેતનકુમાર ... તમે પણ બેડરૂમમાં જાઓ.., જિંદગી સાથે ગુજારવાની છે તો એકબીજા ને ઓળખો.... એમાં શરમાવાનું શું ? " દમયંતીબેન બોલ્યાં.

દમયંતીબેન ની વાત સાંભળી કેતન તો બાઘો બનીને વેદિકા સામે જોઈ જ રહ્યો !!!

લેખક: અશ્વિન રાવલ (અમદાવાદ)

નીચે અપાયેલા પ્રકરણ નંબર પર ક્લિક કરવાથી જે તે વાંચેલ પ્રકરણની નજીક ઝડપથી પહોંચી શકાશે., એના પછી NEXT બટ્ટનથી આગળના પ્રકરણ સુધી પહોંચી શકાય છે. —  પ્રાયશ્ચિત પ્રકરણ –1102030, 405060708090લાસ્ટ પ્રકરણ - 98

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts. Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post