શીર્ષક: વિજય
લેખક: રતીલાલ વાયડા "મૃગેશ"
હું ૧૯૮૬ના જૂન મહિનામાં એન.સી.સી. નેવલ ઓફિસરની તાલીમ માટે આઈ.એન.એસ. વેંડુરીધી નેવલ બેઇઝ, કોચીન (કેરળ) મુકામે આવ્યો હતો. ત્યારે ત્યાં એક લેફ્ટનન્ટ નેવલ ઓફિસરે મને સલામ કરી. મેં પણ સામે તે જ રીતે પ્રત્યુત્તર આપ્યો.
વિજય
બંનેએ હાથ મિલાવ્યા, પછી એ ઓફિસર મને પગે લાગ્યો અને મારા તરફ જોવા લાગ્યો. હું તેને ઓળખી ન શક્યો. તેણે કહ્યું, "સાહેબ, તમે મને ભૂલી ગયા લાગો છો? મારું નામ સુંદરમ છે."
તેણે પોતાની ઓળખાણ આપી અને હું તરત જ ભૂતકાળમાં સરી પડ્યો...
વાત ૧૯૭૩ના જૂન મહિનાની છે. હું એન.સી.સી. નેવલ ઓફિસરની પ્રી-કમિશન તાલીમ માટે આ જ કોચીન નેવલ બેઇઝમાં ગયેલો હતો.
ત્યાં મેં જોયું કે બે-ત્રણ દિવસના અંતરે એક છોકરો પોતાના બંને હાથમાં રાયફલ ઊંચે રાખીને પરેડ ગ્રાઉન્ડમાં દોડતો હોય. તે હાંફી જાય, પડી જાય અને વળી પાછો દોડે! આવું દ્રશ્ય મેં બે-ત્રણ વાર જોયું.
એક વખતે બાથરૂમમાં સ્નાન કરવા જતાં મને આ છોકરાનો ભેટો થઈ ગયો. મેં પૂછ્યું, "કેમ તને રોજેરોજ આ પ્રકારની સજા મળે છે?"
તેણે બાથરૂમ સાફ કરવાનો સાવરણો બાજુ ઉપર મૂક્યો અને જણાવ્યું, "સાહેબ, મારું નામ સુંદરમ છે. હું મદ્રાસનો બ્રાહ્મણ છું. જ્યારે નેવીમાં ભરતી થતી હતી, ત્યારે મેં ભૂલથી ફોર્મમાં સ્વીપરની પોસ્ટ ભરી દીધી હતી."
"ઇન્ટરવ્યૂમાં હું સારી રીતે પાસ થઈ ગયો અને મને સ્વીપર તરીકે આ નેવલ બેઇઝમાં ભરતી કરી લેવામાં આવ્યો. પહેલે જ દિવસે મારા હાથમાં ઝાડુ અને સફાઈનાં સાધનો પકડાવી દેવામાં આવ્યાં!"
"સફાઈ અધિકારીએ કહ્યું કે બાથરૂમ, લેટ્રીન અને આજુબાજુની સાફ-સફાઈ કરવાની મારી જવાબદારી છે. મારો બ્રાહ્મણ જીવ કકળી ઊઠ્યો, પરંતુ નોકરી એ નોકરી! હુકમ પ્રમાણે મારે કામ કરવું જ પડતું."
"ક્યારેક હું કામ ન કરતો, ત્યારે સાહેબની સાથે ઝઘડો થઈ જતો. સાહેબ મને હાથમાં બંદૂક આપીને સજા રૂપે પરેડ ગ્રાઉન્ડના ૫૦ કે ૧૦૦ ચક્કર મારવાનું ફરમાન કરતા, અને હું પણ તેનું પાલન કરતો."
"શું થાય સાહેબ! ઘરની ગરીબી છે, નોકરી છૂટે તો મોટું નુકસાન જાય. ઘરમાં વૃદ્ધ મા-બાપ, બે બહેનો અને એક ભાઈના શિક્ષણની જવાબદારી છે. જેમ-તેમ કરીને મન ન હોવા છતાં પણ આ બધું કર્યા રાખું છું."
"આમ નાછૂટકે રોજ સફાઈ કામ કરું છું, સજા ભોગવું છું અને દિવસો વિતાવું છું. પણ સાહેબ, હું અહીં હારવા નથી આવ્યો!"
મેં એક દિવસ સુંદરમને મળવા માટે બોલાવ્યો. મેં તેને સમજાવતાં કહ્યું, "જો સુંદરમ, ઈશ્વરની મહેરબાની હોય તો મૂંગો પણ બોલતો થઈ જાય અને અપંગ પણ પહાડ ઓળંગી શકે છે!"
"હિંમત, ઉત્સાહ, નિડરતા, સખત મહેનત, પ્રામાણિકતા અને આગળ વધવાની તમન્ના હોય, તો દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી. આ પરિસ્થિતિમાંથી તારે નીકળવું જ હોય તો એક જ રસ્તો છે."
"નેવીમાં ઘણી બધી જુદી-જુદી ખાતાકીય પરીક્ષાઓ લેવાય છે. તું મન લગાડીને એ પરીક્ષાઓ આપ. જો તું પાસ થઈ જઈશ, તો તને નવી જગ્યા ઉપર પ્રમોશન મળશે."
"આમને આમ ખંતથી આગળ પરીક્ષાઓ આપતો જઈશ, તેમ-તેમ તારી પ્રગતિ થશે અને આ સફાઈ કામ પણ છૂટી જશે." સુંદરમે કહ્યું, "ભલે સાહેબ, તમારી સલાહ પ્રમાણે હું પૂરો પ્રયત્ન કરીશ." એમ કહી અમે છૂટા પડ્યા.
મારી તાલીમનો સમય પૂરો થતાં હું મારા વતન દ્વારકા (મીઠાપુર) પાછો ફર્યો. આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં.
૧૯૮૬ના જૂન મહિનામાં હું ફરી કોચીન નેવલ બેઇઝમાં ચીફ ઓફિસરની તાલીમ માટે ગયો. ત્યારે મને આ સુંદરમનો ભેટો થયો, જે હવે લેફ્ટનન્ટ બની ગયો હતો!
તે ખૂબ જ ગળગળો થઈ ગયો અને મને ભેટી પડ્યો. તેણે મને પોતાના ઘરે આવવા માટેનું ભાવભર્યું નિમંત્રણ આપ્યું.
બીજે દિવસે રવિવાર હોવાથી તે ગાડી લઈને મને પોતાને ઘેર લઈ ગયો. તેનાં મા-બાપ અને કુટુંબીજનો સાથે ઓળખાણ કરાવી. તેઓ પણ મને મળીને ખૂબ રાજી થયા.
પોતે જુદી-જુદી પરીક્ષાઓ આપીને છેક લેફ્ટનન્ટ સુધી કેવી રીતે પહોંચ્યો, તેની પણ તેણે મને વાત કરી. તે કહેવા લાગ્યો, "સાહેબ, હું તમારો ખૂબ આભાર માનું છું!"
"જો તમે મને સમયસર આવી સુંદર સલાહ ન આપી હોત, તો મારું જીવન કેવું હોત? આજે હું જે કંઈ પણ છું તે તમારી સાચી સલાહને આભારી છે અને ભગવાનની મારા પર ખૂબ મહેરબાની છે."
મેં પણ તેને સ્મિત સાથે જણાવ્યું, "સુંદરમ, મેં તો ફક્ત તને સલાહ જ આપી હતી. પરંતુ તારી મહેનત, ઈશ્વરની કૃપા અને તારાં મા-બાપના આશીર્વાદ ફળ્યા છે."
"સખત પરિશ્રમ અને જીવન બદલવાની તારી તમન્નાને કારણે જ તને આ પ્રમોશન મળ્યું છે. આ જાણીને આજે મને ખૂબ જ આનંદ થાય છે."
વાતવાતમાં મેં પૂછ્યું, "સુંદરમ, તને સજા આપનાર પેલા અધિકારી અત્યારે શું કરે છે?"
તેણે ધીમા અવાજે જવાબ આપ્યો, "સાહેબ, તે અધિકારીનું કાર એક્સિડન્ટ થયું હતું અને તેમના બંને પગ કાપવા પડ્યા છે. આજે તેઓ ખાટલામાં પીડાય છે."
અમે સૌએ સાથે બેસીને ભોજન લીધું અને ત્યારબાદ છૂટા પડ્યા. "હું અહીં હારવા નથી આવ્યો, વિજયી થવા આવ્યો છું..." સુંદરમનું આ વાક્ય તેના જ્વલંત વિજયનું એક સુંદર ઉદાહરણ બની ગયું!
લેખક: રતીલાલ વાયડા
બાંહેધરી: આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.
તારીખ: ૧૯/૫/૨૦૨૬, મંગળવાર (રોડપાલી, નવી મુંબઈ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
