"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

અકળ ભાવિ (સત્ય ઘટના)

Related

શીર્ષક: અકળ ભાવિ (સત્ય ઘટના)
લેખક: રતીલાલ વાયડા "મૃગેશ"

ભારત અને દુનિયાના જુદા-જુદા દેશોમાં જ્યોતિષ દ્વારા ભવિષ્ય જાણવા માટે હજારો વર્ષોથી ઘણા બધા પ્રયત્નો થયા છે. તેમાં પણ ભારતની ખૂબ વિશેષતા છે. ભારતમાં અનેક પ્રકારના જ્યોતિષ ગ્રંથો લખાયા છે. 

અકળ ભાવિ - રતીલાલ વાયડા
અકળ ભાવિ - સત્ય ઘટના

જેમાં 'ભૃગુસંહિતા', 'જ્યોતિષ કલ્પતરુ', આ ઉપરાંત હસ્તરેખા શાસ્ત્ર, મુખ સામુદ્રિક શાસ્ત્ર અને અંકશાસ્ત્ર મુખ્ય છે. તેમજ ટેરો કાર્ડ દ્વારા પણ જ્યોતિષ જોવાનાં અનેક પુસ્તકો અને તેના જાણકાર વિદ્વાનો આજે જોવા મળે છે. 

તેઓ યોગ્ય ફી લઈ અને ધંધાદારી રીતે જ્યોતિષ અંગે લોકોને સલાહ આપે છે. જ્યોતિષમાં માનવું કે ન માનવું એ દરેક માટે અલગ-અલગ માન્યતા હોઈ શકે છે. 

કેટલાક લોકો તેને ખૂબ માને છે, જ્યારે કેટલાક લોકો તેનો સદંતર ઇનકાર કરે છે. માનવીના જન્મતાં જ વિધાતાએ તેના લેખ લખી લીધા હોય છે અને તે જ પ્રમાણે તેનું જીવન ચાલે છે, એવું માનનારા પણ આજે ઘણા લોકો છે!

પરંતુ ભાવિમાં શું થનારું છે તેના માટે જ્યોતિષ બહુ સચોટ આગાહી કરી શકતું નથી, તેનાં અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. રામને રાજ્યાભિષેકને બદલે વનમાં જવું પડ્યું! 

ગાંધીજી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી વગેરેનાં મૃત્યુ, તેમજ હમણાં છેલ્લે બનેલી લંડન ફ્લાઇટની દુર્ઘટના... જેમાં ૨૭૫ જેટલા લોકોએ એકીસાથે પોતાના જાન ગુમાવ્યા. 

આ બાબતની આગાહી કોઈએ પણ કરી ન હતી અને છતાં આ ઘટના બની ગઈ! દુનિયામાં આવા અણધાર્યા હજારો બનાવો બને છે. બે-એક વર્ષ પહેલાં 'ભાવિ કેટલું અકળ છે', તે અંગેની એક સત્ય ઘટના અહીં રજૂ કરું છું. 

એક ૮૫ વર્ષનાં બહેનનો પુત્ર, જેનું ૬૦ વર્ષની ઉંમરે અવસાન થયેલું. તેમની વિધવા પુત્રવધૂ ૫૮ વર્ષની હતી. બહેનનો એક પૌત્ર પણ હતો, જેની ઉંમર ૩૦ વર્ષની હતી અને તેની પત્નીની ઉંમર ૨૮ વર્ષની હતી. 

વળી, તેમની એક નાની દીકરી હતી, જેની ઉંમર માત્ર એક વર્ષની હતી. બહેનનો પૌત્ર પોતાના ઘરમાં જ એક રેસ્ટોરન્ટ ચલાવતો હતો. 

ઘરના નીચેના ભાગમાં દુકાન હતી અને પાસે જ બે માળનું મકાન હતું, જેમાં તે લોકો રહેતા હતા. ધંધો ખૂબ સારો ચાલતો હતો અને રોજબરોજ ખાદ્યપદાર્થો બનતા હતા.

રાત્રે દોઢેક વાગ્યે પૌત્ર રાજેશ દુકાન બંધ કરી અને પોતાના રૂમમાં ઉપર સૂવા માટે ચાલ્યો ગયો. લગભગ ત્રણેક વાગ્યાનો સમય હશે, દુકાનની અંદર રહેલા વીજળીના તારમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ ગઈ! 

આ શોર્ટ સર્કિટથી ગેસ સિલિન્ડર સળગી ઊઠ્યો અને તેના ધુમાડા ચારે બાજુ ફેલાઈ ગયા. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં મોટાભાગની દુકાન અને ઘરની અંદર ચારે તરફ ફેલાઈ ગઈ!

ઘરમાં નીચે સૂતેલાં ૮૫ વર્ષના માતા બહાર દોડીને બૂમો પાડવા લાગ્યાં. તેમની ૫૮ વર્ષની પુત્રવધૂ તેના ઉપરના માળે સૂતેલા પુત્રને જગાડવા માટે દાદરો ચડીને ઉપર ગઈ, અને તે પણ આગમાં લપેટાઈ ગઈ! 

રૂમની અંદર પૌત્ર, પૌત્રવધૂ અને નાની દીકરી સૂતાં હતાં. આ ત્રણેય જણાને ભારે ગૂંગળામણ અને દાઝી જવાને કારણે, નીચે આવેલી પુત્રવધૂ સહિત એકીસાથે ચારેયનાં મૃત્યુ થઈ ગયાં.

આસપાસના લોકો દોડી આવ્યા. ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, પરંતુ કોઈપણ મદદ પહોંચે તે પહેલાં જ આ ચારેય જણાનાં પ્રાણપંખેરુ ઊડી ગયાં હતાં! 

કિલ્લોલ કરતા એક કુટુંબના આમ ચારેય સભ્યોનો કરુણ અંજામ આવ્યો હતો. આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. આને પણ 'ભાવિનો ખેલ' જ કહી શકાય ને!

આજે ૮૫ વર્ષનાં એ વૃદ્ધ મહિલા પોતાના તમામ કુટુંબીજનોને ગુમાવીને કરુણ આક્રંદ કરે છે, અને પોતાના મૃત્યુ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આમ, માનવીના ભાવિમાં શું લખાયું છે તે કોઈ જાણી શકતું નથી!

બાંહેધરી: હું રતીલાલ વાયડા બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.
તારીખ: ૨૨/૮/૨૦૨૫, શુક્રવાર (નવી મુંબઈ, રોડપાલી)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."