"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

ઓનલાઈન જિંદગી - Online Zindagi

Related

"ઓનલાઈન જિંદગી" – એક દંપતીની જૂની મીઠી યાદોને તાજા કરતી એક સુંદર સ્મૃતિ વાર્તા...!


ચશ્મા સાફ કરતાં વૃદ્ધે પત્નીને કહ્યું કે, "આપણા સમયે આવા 'મોબાઈલ' ન હતા...!" પત્નીએ હસીને કહ્યું, "હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને ઊભી હોઉં ને તમે આવતા!"

ઓનલાઈન જિંદગી - લઘુકથા
ઓનલાઈન જિંદગી - લઘુકથા

વૃદ્ધે કહ્યું, "હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી, કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો...??"

પત્નીએ જૂની યાદો વાગોળતા કહ્યું, "હા યાદ છે, તમે રિટાયર થયા તે પહેલાં જ્યારે તમને ડાયાબિટીસ ન હતો, ત્યારે હું તમને ભાવતી ખીર બનાવતી!" વૃદ્ધે ઉમેર્યું, "સાચી વાત છે, બપોરે ઑફિસમાં વિચાર આવેલો હોય કે આજે ખીર ખાવી છે, અને ઘરે આવીને જોઉં તો એ અમલમાં જ હોય..!!"

પત્નીએ કહ્યું, "અને યાદ છે, હું પ્રથમ પ્રસૂતિ વખતે મારા પિયર હતી ને મને દુઃખાવો ઉપડ્યો, ત્યારે મને થયું કે તમે અત્યારે હોત તો કેટલું સારું...!"

"ત્યારે કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે અચાનક જ આવી ગયા હતા!!" પતિએ હસીને જવાબ આપ્યો, "હા, એ દિવસે મને એમ જ થયું કે લાવ જસ્ટ આંટો મારી આવું...!"

પત્ની મલકાઈને બોલી, "તમને ખ્યાલ છે, તમે મારી આંખોમાં જોઈને કવિતાની બે લીટી બોલતા...!"

પતિએ રોમેન્ટિક અંદાજમાં કહ્યું, "હા, અને તું શરમાઈને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની 'લાઈક' સમજતો..!!" પત્નીએ પૂછ્યું, "અને હા, હું એકવાર બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી એ તમને યાદ છે?!

"તમે સાંજે આવ્યા અને ખિસ્સામાંથી બર્નોલની ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મૂક...!"

પતિએ હસીને કહ્યું, "હા, આગલા દિવસે જ ફર્સ્ટ-એઈડના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઈ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો!!" પત્નીએ કહ્યું, "તમે કહેતા કે આજે છૂટવાના સમયે ઑફિસ આવજે આપણે મૂવી જોઈ, બહાર જમીને પાછા આવીશું...!"

પતિ બોલ્યો, "હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફિસની રિસેસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એ જ સાડી પહેરીને તું આવતી..!!"

પત્ની પાસે જઈને પતિનો હાથ પકડીને બોલી, "હા... આપણા સમયમાં 'મોબાઈલ' ન હતા...!" પતિએ હળવાશથી કહ્યું, "સાચી વાત છે, પણ એ સમયે 'આપણે બે' હતા..!!"

પત્ની બોલી, "હા, આજે દીકરો અને એની વહુ એકબીજાની જોડે હોય છે, પણ એમને વાત નહીં 'વૉટ્સએપ' થાય છે!"

"એમને હૂંફ નહીં 'ટેગ' થાય છે, સંવાદ નહીં 'કૉમેન્ટ' થાય છે અને લવ નહીં 'લાઈક' થાય છે!!" "મીઠો કજિયો નહીં પણ સીધું 'અનફ્રેન્ડ' થાય છે અને એમને બાળકો નહીં, પણ 'કેન્ડીક્રશ', 'સાગા' અને 'ટેમ્પલ રન' ગમે છે...!"

પતિએ નિસાસો નાખતા કહ્યું, "છોડ બધી માથાકૂટ, હવે આપણે 'વાઈબ્રન્ટ મોડ' પર છીએ અને આપણી 'બેટરી' પણ એક કાપો જ રહી છે...!!"

થોડીવાર પછી પત્ની ઊભી થઈ એટલે પતિએ પૂછ્યું, "ક્યાં ચાલી...?" પત્નીએ જવાબ આપ્યો, "ચા બનાવવા...!"

પતિ આશ્ચર્યથી બોલ્યો, "અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ..!!"

પત્ની હસીને બોલી, "હા, હજુ હું 'કવરેજ'માં જ છું અને મને તમારા દિલનો 'મેસેજ' પણ આવી જાય છે...!" બંને એકસાથે હસી પડ્યા અને બોલ્યા, "હા પણ, આપણા સમયમાં 'મોબાઈલ' નહોતા...!!" – અજ્ઞાત"

ખરા સંબંધ મોબાઈલની સ્ક્રીન પર નહીં, પણ એકબીજાની વણકહી લાગણીઓને સમજવામાં રહેલો છે...! વર્ચ્યુઅલ દુનિયાની 'લાઈક'માં ખોવાઈ જવાને બદલે, પરિવારને સાચો સમય અને હૂંફ આપવી એ જ ખરા અર્થમાં જીવાતું સાચું જીવન છે..!!✨હરેકૃષ્ણ"

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."