"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

જનેતાની ઊંચાઈ - લઘુકથા

Related


માતાપિતાનો પ્રેમ અને તેમની એકબીજા પ્રત્યેની સમજણનું ઊંડાણ માપી શકાતું નથી. જીવનના સંધ્યાકાળે જ્યારે સંતાન જ એકમાત્ર સહારો હોય, ત્યારે તેને ગુમાવવાનું દુઃખ કેવું અસહ્ય હોય છે, તે આ વાર્તામાં આલેખાયું છે.

લેખક દશરથ પંચાલની આ વાર્તા 'જનેતાની ઊંચાઈ' એક એવા અભણ વૃદ્ધ દંપતીની કથા છે, જેમણે પોતાના જીવનના સૌથી મોટા આઘાતને છુપાવી રાખ્યો, માત્ર એટલા માટે કે તેમના જીવનસાથીનો સહારો ન ભાંગી પડે. આ વાર્તા સંબંધોની ઊંચાઈ અને અદભુત ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. 🖊️હરેકૃષ્ણ"

**********
જનેતાની ઊંચાઈ (સમજણભર્યું ઘડપણ)
લેખક : દશરથ પંચાલ

પેટે પાટા બાંધીને ભણાવેલા પોતાના બાવીસેક વરસના એક માત્ર દીકરાને બેંગ્લોરની એક કંપનીમાં નોકરીએ મોકલીને, વૃદ્ધ માબાપ ગુજરાતના એક નાનકડા ગામમાં ભક્તિમય જીવન જીવતાં હતાં.

જનેતાની ઊંચાઈ - લઘુકથા
જનેતાની ઊંચાઈ - લઘુકથા

બંને નિરક્ષર હોવા છતાં એમણે પોતાના દીકરાને એન્જિનિયર બનાવ્યો હતો! દર મહિને દીકરો માતાના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દેતો ને એનાથી વૃદ્ધ માબાપનો ગુજારો ચાલતો રહેતો.

એક મહિને બેંકના ખાતામાં પૈસા ન આવ્યા. વૃદ્ધ માબાપે ઉછીનાપાછીના કરીને ગાડું ગબડાવ્યું! માબાપ પાસે મોબાઈલ ફોન પણ નહોતો ને એમને ફોન કરતાંય આવડતું નહોતું!

અઠવાડિયા પછી વૃદ્ધ દાદાએ એમનાં પત્નીને બેંકમાં પૈસા ઉપાડવા મોકલ્યાં. વૃદ્ધ માજીને બેંકમાંથી જવાબ મળ્યો કે, "તમારા ખાતામાં પૈસા જમા થયા નથી, પૈસા જમા થશે એટલે તમને સમાચાર મોકલીશ, તમે આવી ગરમીમાં ધક્કા ખાશો નહીં."

બીજું અઠવાડિયું વીત્યું એટલે વૃદ્ધ માજીએ એમના પતિને કહ્યું, "આજે તો તમે પણ મારી સાથે ચાલો ને... આપણે બેંકમાં પૈસાની તપાસ કરતાં આવીએ.."

બંને ધીમે ધીમે બેંકમાં આવ્યાં.

વૃદ્ધ દાદાને શ્વાસ ચડ્યો એટલે તેઓ બેંકની બહાર એક બાંકડા પર બેસી ગયા ને માજીને બેંકમાં જઈ તપાસ કરવા કહ્યું.

વૃદ્ધ માજીને આવેલાં જોઈ કેશિયર એમને ઓળખી ગયો. એણે કહ્યું, "અરે માડી! મેં તમને કહ્યું હતું ને કે, તમારા ખાતામાં પૈસા જમા થશે એટલે સમાચાર મોકલીશ, તમે ગરમીમાં ધક્કા ના ખાશો..."

અચાનક માજીને ચક્કર આવતાં તેઓ નીચે પડી ગયાં. બેંકમાં આવેલા અન્ય લોકોએ એમને ખુરશી પર બેસાડી પાણી આપ્યું. આ કોલાહલ સાંભળી મેનેજર પોતાની કેબિનમાંથી બહાર આવ્યા.

પાણી પીને થોડાં સ્વસ્થ થયેલાં માજીને મેનેજર કંઈ કહે તે પહેલાં કેશિયરે કહ્યું, "આ માજીની પડોશમાં જ હું રહું છું. એમનો એક નો એક દીકરો બેંગ્લોરની એક કંપનીમાં નોકરી કરે છે."

"તે દર મહિને માજીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવતો હતો, પણ એક મહિનાથી પૈસા જમા કરાવ્યા નથી. મેં માજીને કેટલીયે વાર ના પાડી તોય અઠવાડિયે અઠવાડિયે ધક્કા ખાય છે!"

મેનેજરે કહ્યું, "માડી, તમે તમારા દીકરાને ફોન કરીને પૂછી લેતાં હો તો! તમારા દીકરાનો ફોન નંબર હોય તો મને આપો, હું વાત કરું...."

માજીએ પોતાની થેલીમાંથી બેંકની પાસબુક કાઢીને મેનેજરને આપતાં કહ્યું, "સાયેબ, આના ઉપર મારા છોકરાનો ફોન નંબર લખેલો છે..."

મેનેજરે પાસબુકના કવર પર લખેલો નંબર જોયો, તેઓ પાસબુક લઈ પોતાની કેબિનમાં ગયા ને પેલો ફોન નંબર જોડ્યો.

જવાબમાં 'યહ નંબર સેવામે નહી હૈ' નું રેકોર્ડિંગ સંભળાયું.
 
મેનેજરે વિચાર્યું કે, આજના યુવાનો શહેરમાં ગયા પછી માબાપને ભૂલી જતા હોય છે! માજીની આર્થિક સ્થિતિ સારી લાગતી નથી...

પોતે આ મહિને માજીના ખાતામાં થોડી રકમ જમા કરાવી દેશે - એવા નિર્ણય સાથે મેનેજરે માજી પાસે આવીને કહ્યું.

"માડી, તમારા દીકરા સાથે મારે વાત થઈ... એની નોકરી છૂટી જવાથી તમને પૈસા મોકલી શકતો ન હતો, પણ હવે નવી નોકરીએ લાગ્યો છે એટલે બે દિવસમાં પૈસા મોકલી આપશે."

માજીએ મેનેજરને કહ્યું, "સાયેબ, ભગવાન તમારું ભલું કરશે... આ વાત તમારા દાદા બહાર બેઠા છે, એમને કહો ને!"

મેનેજરે કહ્યું, "માડી, તમે જ દાદાને આ ખુશખબર સંભળાવી દો ને!..."

માજી કહે, "સાયેબ, મને ખબર છે કે, મારા એકના એક દીકરાને કોરોના ભરખી ગયો છે, પણ તમારા દાદાને એનો આઘાત લાગે તો મારો ઘડપણનો સહારો ભાંગી પડે."

"એટલે મેં મારા કાળજા પર પથ્થર મૂકીને આ વાત એમને કરી નથી. માટે તમે એમને ધરપત રહે તે માટે કહો કે, તમારો દીકરો હવે પૈસા મોકલશે..."

મેનેજર તો અવાક બની ગયા...

એ કંઈ બોલી શકે તે પહેલાં બહારથી લાકડીના ટેકે વૃદ્ધ દાદા અંદર આવ્યા ને કહ્યું, "સાયેબ, હું પણ જાણું છું કે, મારો દીકરો હવે આ દુનિયામાં રહ્યો નથી."

"પણ મારા જીવનના આધાર સમી મારી પત્નીને એનો આઘાત લાગે તો મારો ઘડપણનો સહારો હું ખોઈ બેસું... એટલે જ હું એને દર અઠવાડિયે બેંકમાં મોકલતો હતો, પણ આજે તો એ જ મને જિદ કરીને બેંકમાં લઈ આવી...." 

માજી આ સાંભળતાં જ દાદાને વળગીને રડી પડ્યાં!

બેંકનો સ્ટાફ અને લોકો આ અભણ વૃદ્ધ દંપતી પોતાના એક માત્ર દીકરાના મોતને પોતપોતાના હૃદયના એક ખૂણામાં ધરબી દઈને પોતાના ઘડપણનો સહારો ઝૂંટવાઈ ન જાય, તેની પરસ્પર કેવી સમજણભરી કાળજી રાખતાં હતાં, તે જાણી સૌ અવાચક બની ગયાં... 
આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ સૌની આંખો મુક્ત મને વરસી રહી!

વૃદ્ધ દંપતીએ સરપંચ પાસે વારાફરતી ફોન કરાવીને જાણી લીધું હતું કે, હવે તેમની ઘડપણની ટેકણલાકડી સમો દીકરો રહ્યો નથી, છતાં એનો આઘાત એકબીજાને ન લાગે તે માટે પોતપોતાના હૃદય પર પથ્થર મૂકીને જીવતાં હતાં! આ અભણ દંપતીના સમજણભર્યા ઘડપણને વંદના.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."