"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

એક ઉજળી લટ - લઘુકથા

Related

વાસુદેવ સોઢા લિખિત "એક ઉજળી લટ" 

એક હૃદયસ્પર્શી લઘુકથા છે જે બહેનપ્રેમ, ત્યાગ અને સાચા પ્રેમની પ્રતીક્ષાને સુંદર રીતે વર્ણવે છે. આ વાર્તા ગીતા અને રાગિણી નામની બે અનાથ બહેનોની આસપાસ ફરે છે. નાની બહેન રાગિણીના ઉછેર અને ભવિષ્ય માટે મોટી બહેન ગીતા પોતાના પ્રેમને કઈ રીતે અટકાવી રાખે છે અને તેનો પ્રેમી સાગર તેને આ નિર્ણયમાં કેવો સાથ આપે છે, તે આ વાર્તાનું મુખ્ય હાર્દ છે. વાર્તાનો અંત ભાવનાત્મક વળાંક લઈને સમજણ અને સંબંધોની ઊંડાઈનો સંદેશ આપે છે.🖊️હરેકૃષ્ણ ..

એક ઉજળી લટ

રાગીણીએ ઉપરના રૂમની બારી ખોલી. ગેટ તરફ નજર કરી. તેની મોટી બહેન ગીતા, ગેટ પાસે ઊભી હતી.રાગિણીના કાને કારનું હોર્ન અથડાયું હતું. એ અવાજ પારખી ગઇ હતી." આ.. એ જ હોવો જોઈએ. એની જ કારનું હોર્ન વાગે છે." અને ચૂપચાપ ઉપરના રૂમની બારી ખોલીને તે જોઈ રહેલી.

એક ઉજળી લટ - લઘુકથા
એક ઉજળી લટ - લઘુકથા

રાગિણી ઓગણીસ વીસમાં વર્ષમાં પ્રવેશતી હતી. રૂપાળી હતી. નમણી હતી. મોટી મોટી આંખો હતી. હોઠો પર સદૈવ મુસ્કાન રમતી હતી. પતંગિયાની માફક આમતેમ ઊડાઊડ કરતી.

ગીતા તેને જોઈને ખૂબ ખુશ થતી. તેને થતું કે રાગિણીને હું કોઈ વાતે ઉણપ રહેવા દેતી લેવા માગતી નથી. રાગિણી પણ મોટીબેન ગીતાને મા માનતી. તેની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરતી.રાગિણી માનતી, પોતાની જે ગણો તે મોટીબેન ગીતા. છે,એ મા ગણો કે બાપ. ભાઈ ઘણો કે બેન. બધું જ ગીતા હતી. ગીતા તેની પૂજનીય મૂર્તિ હતી. અને છતાં ગીતાના અનેક, અનેક ગુણોમાંથી રાગિણીને એક જ બાબત ખૂંચતી. ગીતાને કહી દેવાનું મન થઈ આવતું હતું. પણ તે મનમાં ને મનમાં સમસમી જતી.મોટી બેનને કશું કહી શકતી ન હતી.

આજે રાગિણીને થયું, બહુ થયું દીદી..! ભલે તેને ખોટું લાગે . તેને દુઃખ થાય. પણ આજે તો દીદીને સાફ સાફ જણાવી દેવું છે. આદર્શની દેવી જેવી દેખાતી ગીતાદીદીને આ વાત કલંકિત કરે છે. શા માટે ગીતાદીદી પેલાને મળે છે? આટલું બધું માન આપે છે? શા માટે તેનો આદર કરે છે? શા માટે તે અહીં મળવા આવે છે??

રાગિણીએ બારીમાંથી જોયું. ગીતા ગેટ ખોલીને ઉભી હતી. પાસે જ કાર આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્લો હતો. એક માણસ કાર માંથી ઉતર્યો. પિસ્તાલીશની આસપાસની ઉંમરનો એ માણસ દેખાતો હતો. સૌમ્ય ચહેરો હતો. આંખો ઝીણી હતી. ચહેરા પર હળવી દાઢી હતી. પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું. ગીતા કરતાં ઉંમરમાં થોડોક મોટો હતો.

થોડીવાર એ માણસ ગીતાને તાકી રહ્યો હતો. તેને જોઇને ગીતા ખુશ થઇ હતી. એના ચહેરા પર ચમક આવી ગઈ હતી.ગીતાનાં વાળમાં રહેલી એક સફેદ લટ વધારે ચમકતી હતી.

રાગિણી ઉપરથી બધું જોઈ રહી હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી. પણ રાગિણી સુધી તેના શબ્દો પહોંચતા ન હતા. ગીતા તેને અંદર આવવા માટે કહી રહી હોય તેમ લાગતું હતું. પેલા માણસે ના કહી. થોડી વાર વાતો થતી રહી. પછી ગીતાના હાથમાં કશુંક સોંપીને એ કારમાં બેસી ગયો હતો. કાર દેખાતી બન્ધ થઈ ત્યાં સુધી ગીતા ગેટ પાસે ઉભી રહી. પેલાને હાથ હલાવીને "બાય બાય" કહેતી રહી.

દરવાજો બંધ કરીને ગીતા પાછી આવી. તે પહેલા રાગિણી સડસડાટ પગથિયાં ઉતરીને નીચે આવી ગઇ.રાગિણી ગીતાને તાકી રહી હતી. વેધક નજરે તાકી રહી હતી.

ગીતાના હાથમાં એક નાનકડું પેકેટ હતું. રાગિણીની નજર ત્યાં અટકી. ગીતા થોડી અસ્વસ્થ થઈ. પણ પછી તરત સ્વસ્થ થઈને પેલા પેકેટને મુકવા માટે કબાટ તરફ જવા લાગી.

"દીદી.." વધુ પડતા મોટા અવાજે રાગિણીએ કહ્યું. અવાજમાં ગીતાને થોડો રોષ પણ વર્તાયો. ગીતાએ રાગિણી સામે જોયું. મોં પર સ્મિત લાવી ને બોલી," બોલ રાણી..! શું છે?"

ગીતા રાગિણી ને રાણી કહેતી. વચ્ચેનો 'ગિ' કાઢી નાખેલો.," તારે કશું કહેવું છે? હું તારી ખામોશ આંખોમાં જોઈ રહી છું"

" હા.." રાગિણીએ કહ્યું. કશું કહેવું જ છે પણ કેવી રીતે કહેવું? તેની દ્વિધા અનુભવી રહી હતી.

જેણે પોતાનું લાલન પાલન કર્યું હતું . મા જેવી બહેનને કેમ કહેવું? શું કહેવું ?

"રાણી..! જે કહેવું હોય તે કહે મારી બેન.."ગીતાના અવાજમાં મમતા હતી.

" દીદી..!" રાગિણીએ કહ્યું. પછી અટકી.

"શું કહેવું છે?"

" દીદી, હવે હું સમજણી થઈ ગઇ છું. બધું સમજી શકું છું." રાગિણી બોલી.

" હા એ તો હું જાણું છું. મારી રાણી સમજણી અને ડાહી છે.!"

" મને આ નથી ગમતું."

" શું ?"ગીતા બોલી.

" પેલો માણસ કોણ છે? જે હમણાં તમને મળવા આવેલો તે." રાગિણી એ પૂછ્યું.

ગીતા રાગિણીની આંખોમાં તાકી રહી. થોડી ક્ષણો માટે ગીતા પણ ચૂપ થઇ ગઇ. રૂમમાં ખામોશી તોળાઈ રહી.

" શા માટે એ માણસ અવારનવાર અહીં આવે છે? કોણ છે? એને તમારી સાથે શું લેવા દેવા?" રાગિણીનું મોં લાલ લાલ થઇ ગયું.

" રાગિણી..! રાણી.! મારી વાલી બેન ...! "ગીતા બોલી.

"કોણ છે એ, જેને તમે છોડી શકતા નથી. !? જાણો છો તમારી કેવી કેવી વાતો થાય છે? હું જ્યારે સાંભળું છું ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. પણ તમને હું કંઈ કહી શકતી નથી."

ગીતા રાગિણીના રોષને જોઈ રહી. તે સાચી હતી. પણ સાચી વાત ક્યાં જાણતી હતી..!?

" તમારે રાગણી જોઈએ છે કે એ માણસ ? બન્ને સાથે નહીં બને. હવે હું એ માણસને તમારી સાથે ક્યારેય પણ જોઇશ, તે દિવસે તમે રાગિણીને ખોઈ દેશો..!"

" રાણી. ! રાણી..! એવું ન કહે. તારા આધારે તો હું જીવું છું."

" તો કહો, કોણ છે માણસ?"

" સાંભળવું છે?"

" હા આજે મારે બધું જ જાણવું છે."

" સાંભળ ..!"કહી ગીતાએ રાગિણીને શાંત પાડી. નજીક બેસાડી. પ્રેમથી તેના સુંવાળા વાળમાં હાથ ફેરવ્યો.

" રાણી,પપ્પાના અવસાન પછી આપણે સાવ નિરાધાર થઈ ગયા. મમ્મી તો તે પહેલાં જ મૃત્યુ પામેલા. પપ્પાએ આપણું જતન કર્યું.તું નાની હતી. મને નોકરી મળી. અને પપ્પા ગયા. પપ્પાએ મારી પાસે વચન લીધું.,' ગીતા રાગિણીને માની મમતા દેજે. તેને ભણાવજે. તેને સારું ઘર મળે ત્યાં પરણાવજે. ' મેં પપ્પાને વચન આપ્યું.એ વખતે હું અને સાગર એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. અમે લગ્ન કરવા માગતા હતા. પપ્પાની મંજૂરી પણ હતી. પણ સાગરે આ વાત સાંભળી.એ કેટલો દરિયાદિલ માણસ.!! તે બોલ્યો, ગીતા હું પણ તારી સાથે જ છું. જ્યાં સુધી રાગિણીના લગ્ન ન કરી દઉં. ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરી શકું .ગીતા, મારો પ્રેમ એ ઘડીની પ્રતીક્ષા કરશે. હું પણ તારા સંકલ્પમાં સહભાગી બનીશ. બસ,સાગર ત્યારથી આપણી ખબર પૂછતો રહે છે. સાગરની મદદ મને મળતી રહે છે. જ્યારે જ્યારે આપણે સંકટમાં આવીએ છીએ, ત્યારે સાગર આવીને ઊભો રહે છે. બસ એ બારણા બહાર ઊભો રહીને જ મારા પ્રેમની પ્રતીક્ષા કરે છે. એણે ક્યારેય વધુ અપેક્ષા રાખી નથી. ને આજે જે પેકેટ આપ્યું છે ને, તે શું છે તું જાણે છે? તેણે કહેલું કે રાગણીના લગ્ન થાય ત્યારે આ ઘરેણાથી તેને મઢી દેજે.જે મેં તારા માટે બનાવેલા. રાગણી ઉપર આ ઘરેણાં વધારે સુંદર લાગશે.!!"

રાગિણીની આંખો આ સાંભળીને ભીની બની.

"દીદી, એ માણસ ખુદ સાગર છે..? જે તને મળવા આવે છે..!"

" હા.. રાણી હા..! એજ સાગર છે. . સાગર ક્યારેય છલ્યો નથી. તેણે ક્યારેય માઝા મૂકી નથી. ખરેખર તે સ્નેહનો સાગર છે..!" ગીતાને આંખમાં આંસુ આવી ગયા.

બીજા દિવસે વહેલી સવારમાં ગીતા ઉઠી. અને તેણે રાગિણીને ન જોઈ. તેને ચિંતા થઈ. રાગણી ક્યાં ચાલી ગઈ?કશું કહ્યા વિના..!!? તેને પેટમાં ફાળ પડી. શું તેના મનનું સમાધાન નહીં થયું હોય!!?

ત્યાં જ સામે રાગણી સાગરનો હાથ પકડીને આવતી હતી," દીદી, હવે કેટલી તપસ્યા કરશો?આમ તો તમારી જિંદગી પૂરી થઈ જશે. પ્લીઝ...! આ તમારી રાણીના સમ. સાગરને અપનાવીને જીવન શરૂ કરો.!"

ગીતા અને સાગર રાગિણીને તાકી રહ્યા.

" ખરેખર રાગણી, હવે તું બહુ સમજણી થઈ ગઈ છો.મારી મા થઈ ગયી છો. !"

રાગિણીએ ગીતાનો હાથ પકડીને સાગરના હાથમાં સોંપી દીધો.. !!!
રાગિણી ગીતાનાં વાળમાં રહેલી ઊજળી લટને તાકી રહી...

- વાસુદેવ સોઢા

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."