આ વાર્તા વિશે:
પતિ-પત્નીનો સંબંધ એટલે માત્ર પ્રેમ જ નહીં, પણ મીઠી તકરાર, અહંકારનો ટકરાવ અને વણકહ્યા સંવાદોનું એક અનોખું વિશ્વ. જ્યારે રોજબરોજની થાકભરી ઘટમાળ વચ્ચે પતિ-પત્નીને એકબીજાથી લાંબા સમય માટે દૂર જવાનું હોય, ત્યારે બાકી રહેલી ગણતરીની રાતોમાં બંનેના મનમાં ચાલતું પ્રેમ અને રીસનું દ્વંદ્વ કેવું મનોવૈજ્ઞાનિક સ્વરૂપ લે છે, તે સમજવું ખૂબ રસપ્રદ છે.વિશ્રંભકથા - રહસ્યકથા
પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા સરોજ પાઠક રચિત આ વાર્તા ‘વિશ્રંભ કથા’ (એટલે કે એકાંતની કે રહસ્યની કથા) મધ્યમવર્ગીય દામ્પત્યજીવનના આ જ સૂક્ષ્મ મનોભાવોને બખૂબી રજૂ કરે છે. કૈલાસ અને માધવીના જુદા પડવાના આઠ દિવસ પહેલાંની રાતોમાં રચાતી આશાઓ, નિરાશાઓ, રિસામણાં-મનામણાં અને અંતે અહંકારના આવરણને તોડીને પ્રગટ થતા એક ગાઢ અને ઉત્કટ પ્રેમના ‘રહસ્ય’ને આ વાર્તામાં અદભુત રીતે આલેખવામાં આવ્યું છે. ચાલો માણીએ આ સુંદર વાર્તા...
...અને માધવી તો પડખું ફરી ગઈ. ફરી તેવી જ નસકોરાંય બોલાવવા લાગી ગઈ. કૈલાસ એવો તે ધૂંધવાયો! તેણે ઊભા થઈ બત્તી કરી. પ્રકાશનાં તાતાં તીરનો સામનો કરવા છાતી ધરતી હોય તેમ વળી માધવી ચત્તી થઈ અને નિરાંતે ઘોરવા લાગી.
બારીના ફરફરતા પડદા પાસે ઊભા રહી કૈલાસ વિચારી રહ્યો: 'કેવી છે આ? આખા દિવસની ધમાલ પછી નિરાંતે વાત કરવા - વહાલ કરવા, તનમનનાં સુખદુઃખો શમાવવા રાતની આ થોડીક ક્ષણ મળે છે... અને તેય હવે તો આઠ જ દિવસ. અને છતાંય આ માધવી આમ રિસાઈને પાછી નિરાંતે ઘોરી શકે છે!
આઠ શાના? હવે તો સાત જ દિવસ... દિવસ તો નક્કામા... સાત રાત જ કહે! ને! આ તે વળી રિસાવાની વેળા છે?
એમાં મેં કહીય શું નાખ્યું? વાત જેવી વાત નહીં ને મારી તો રાત બગાડી મેલી. પણ એને છે કઈ? આ દિવસ પછી તો... બાર મહિના સુધી કે તેથીય વધારે... કોણ જાણે ક્યારે પાછાં મળીએ? તેમાંય આ પંદર દિવસ તો હોસ્પિટલના ધક્કાએ ભાંગ્યા. છેલ્લા રહ્યા છે તે દિવસો પેટ ભરીને માણી લેવા... પણ એ છે જ આડી! ગમે તેટલાં વચન ભલે ને આપે! વંકાઈ કર્યા વગર એની રાત પૂરી થાય જ નહીં... ચા...લો, મારે શું? આઠ દિવસ પછી કોણ પૂછવાનું છે એને?'
‘ના, ના. પણ મારે અત્યારે આ વાત જ કાઢવી નહોતી જોઈતી.’ કૈલાસ માધવી પાસે જઈ ને બેઠો: ‘બિચારી! આખા દિવસની થાકી ગઈ હશે તો ઊંઘી જ જાય ને? કેટલી ધમાલ રહે છે ઘરમાં? કેટલાં બધાં માણસો સાથે આખા દિવસ લમણાઝીંક કર્યા કરે! પછી હુંય પાછો બિચારીને... છો ઊંઘે.’
કૈલાસે માધવીને સરખો કરી ચોરસો ઓઢાડ્યો. રાત કેમેય ખૂટતી ન હતી. પુસ્તકનાં પાનાંમાં ચિત્ત ચોંટતું નહોતું. તે ઇચ્છતો હતો કે માધવીની ઊંઘ તૂટે અને તે જુએ કે પોતે હજી ઊંઘ્યો નથી... અને એ પાસે આવે. પણ રાત ને વાત બેય પૂરાં થઈ ગયાં...
‘હાય રે......’
સવારમાં ઊઠતાંમાં જ છાતી પર ચોપડી ઊંધી રાખી સૂતેલા કૈલાસને જોઈ માધવીના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ: ‘- પછી હું તો સૂઈ જ ગઈ! બાપ રે... આ તો દિવસ ઊગીય ગયો! આઠમાંથી એક દિવસ ઓછો! આખા દિવસમાં એક ઘડીય એ મળવાના નહીં હવે! પણ એય કેવા છે? હું રિસાઈ ગઈ તો બોલ્યાય નહીં. એવા વળ રાખે તો ખાય ખત્તા, મારે શું? આહાહાહા, જાણે કોઈ રિસાતું જ નહીં... આખી રાત ચોપડી વાંચી પણ અડ્યાય નહીં મને! એમને શું? સાત દિવસ પછી એ તો ક્યાંય લહેર કરતા હશે તો અમારે અહીં કાયમનો એ જ ઢસરડો!
‘ના, ના, વાંચતાંવાંચતાં જ રાત કાઢી લાગે છે. હાય રે, હું છતે એમણે પાસાં ઘસી રાત કાઢી. બળી મારી ઊંઘ! એમાં એમણે કહ્યું 'તું શું જે? ના, ના, હવે તો બસ કાન પકડું કે આવો વળ ન જ ચડાવવો. એમની હાએ હા ભણું. પતિ આગળ બહુ વળ સારો જ નહીં ને!’

*******
ઘરની બહાર કૈલાસનો દિવસ શરૂ થયો તો ઘરની અંદર માધવીનો. રોજની જેમ પાણી ગરમ કરવાનો બંબો સળગી ઉઠયો, રસોઈ માટે સગડી. અનાજનો કોઠાર ખુલ્યો અને આંધણ ચડ્યાં. ઝાપટઝૂપટ શરૂ થઈ. ચા દૂધ માટે સ્ટવ ધમધમી ઉઠયો. સાબુના પાણી ઉકળ્યા. કપડાં ધોકાટાયાં. કણક બંધાઈ, પાટલા મંડાયા, વાસણ ઉટકાયાં, ચોકડી ધોવાઈ. બપોર પડી. વીણામણ શરૂ થયાં, દળામણ કઢાયાં, પાપડ વણાયાં, સુકાયા. સાંજના નાસ્તાની તૈયારી શરૂ થઈ. નવું દૂધ આવ્યું. શાળા - ઑફિસેથી આવનાર માટે ચા દૂધ થયાં. રાતના વાળુની તૈયારી શરૂ થઈ, વાસણ ચોકડી સાફ થયાં. ઢાંકોઢુંબો થયાં. સવાર માટેનું શાક ચૂંટાયું, દહીં જમાવાયું, બિછાનાઓ બિછાવાયાં, બાળકો ઊંઘાડાયાં…અને પછી આવી એવી જ અમૂલી રાત…
એ રાત માટે જ જાણે દિવસ દોડતો હોય તેમ દિવસ પસાર કરતો કૈલાસ મેડીએ આવીને મોંમાં સોપારી મમળાવતો માધવીની રાહ જોઈ બેઠો. માધવી સાંધવાની ચાદર અને ટાંકવાનાં બટન લઈને ઉપર આવી પહોંચી. બન્નેએ પોતપોતાનો નિશ્ચય યાદ કરી લીધો હતો. માધવી આવતાં જ કૈલાસ ઊઠીને એના હાથમાંથી ચાદર ઝૂંટવી લેતાં બોલ્યો: ‘હજી તારું કામ ન પત્યું? નથી લઈ જવી મારે આ ચાદર. અને હવે ચાદર ફાટેલી હશે તોય શું? તું ત્યાં હવે કયાં જોવા આવવાની છે?'
‘તમે મને તમારી એ જવાની વાત યાદ ન કરાવો, હાં? મને કૈક કૈક થઈ જાય છે. અને પાછા કેવાકેવા વિચાર આવે છે? સાત દિવસ પછી... અરે ચિંતા કરીકરી હું તો...’
‘અરે ગાંડી, રડે છે કે શું? ચિંતા શું કરવાની એમાં! કંઈ હું બકુલ જેવડો કીકો તો નથી ને?’
‘ના, પણ જોયું ને પ્રફુલ્લભાઈ બિચ્ચારા...! કોને ખબર હતી કે આમ અકસ્માત નડશે? મીનાબહેનનુ તો મોંય જોવાતુ નથી. હજી તો ઉંમરેય કેટલી નાની? એક જ નાનું બાળક... કેવાં નિરાધાર થઈ ગયાં?'
કૈલાસે બત્તી બંધ કરી દીધી હતી. માધવી ડરથી બાથમાં સમાઈ ગઈ હતી. કૈલાસનો હાથ જોરથી પકડીને તે બોલતી જ ગઈ - ‘બિચારાં મીનાબહેન, એ લોકો એને ભણાવે તો સારું, પગભર તો થઈ જાય. એકના એક બાળકને ઉછેરી મોટો કરે પછી...'
‘મારા પીળા ખમીસના તે બટન ટાંક્યુ છે કે નહીં? પેલું રેશમી છે તે હં!' કૈલાસે વાત બદલી.
‘પીળું ખમીસ ને? હા, પણ હવે હું તમને તે પહેરવા નહીં દઉં. ના, સાથે લઈ પણ જવાનું નથી. પ્રફુલ્લભાઈ હંમેશ પીળુ ખમીસ પહેરતા. મને એ અપશુકન જ લાગે છે હવે.'
‘અરે, સાવ ગાંડા જેવી વાત કરે છે! એને મારી સાથે શો સબંધ?’ કૈલાસે જરા ઊંચા સાદે કહ્યું.
‘ના, ના, મારા સમ. મારી આટલી વાત ન માનો? મને ખૂબ બીક લાગે છે. બિચારાં મીનાબહેન...'
‘અરે, ઠીક યાદ આવ્યું. આ વખતે તો વીમાનું પ્રીમિયમ ભરવાનુ છે. સવારે ઉઠતાંમાં જ યાદ દેવડાવજે. કેટલાંય કામો બાકી રહી જાય છે.’
‘વીમો...? છિ: છિ: મીનાબહેનને ય મોટો વીમો પાકશે. પણ માણસ જેવો માણસ ન રહે પછી...' માધવીનો સાદ રડમસ થઈ ગયો.
‘હવે ભૂલી જા તો એ વાત. રાતે સપનામાંય એ આવશે. કંઈ બીજી વાત કર.’
‘શું ધૂળ કરું? મને તો એ ને એ જ આંખે તરે છે, એની ચિંતા દેખાય છે, મીનાબહેન માથાં પછાડતાં દેખાય છે, એનુ બાળક ટળવળતું દેખાય છે. હાય રે, બિચારી ભરજુવાનીમાં... સૂઈ ગયા કે શું?'
કૈલાસ ખરેખર ઊંઘી ગયો હતો.
હવે છ જ દિવસ બાકી રહ્યા હતા.
*******
‘ત્ચ ત્ચ ત્ચ શું થાય? પાડોશમાં જ આવો ભયંકર બનાવ બન્યો હોય ને એને એવી અસર થાય એ સ્વાભાવિક જ છે. સ્ત્રીની જાત જ નાજુક હૈયાની. પણ હવે માત્ર છ જ રાત...’ ઑફિસે જતાં જતાં કૈલાસે મન મનાવ્યું.
‘મીનાબહેનનું જે થવાનુ હતું તે થઈ ગયું, પણ હું કાં ઘરમાં એ પારકી પંચાત લઈ બેઠી? હે પ્રભુ, હું તો નિર્બળ નારી છું. મારું સૌભાગ્ય અમર અખંડ રાખજો. આ છ રાત હું એમને જરાય ન દુભવું. પ્રભુ એમનું સદા રક્ષણ કરો.’
માધવીએ તે દિવસે પૂજામાં રોજ કરતાં વધુ વાર લગાડી. દિવસભરનાં કામો એ જ પ્રમાણે પતાવી રાતનાં કેટલાંય કામો માંડી વાળીને તે વહેલી ઉપર આવવા તૈયાર થઈ હતી, ત્યાં તો બહાર ઑફિસનો પટાવાળો આવ્યો હતો. માધવીએ ચિઠ્ઠી ખોલી વાંચ્યું: ‘હું જરા મોડો આવીશ. મારા જમવાની રાહ ન જોશો.’ માધવીએ ગુસ્સે ન થવાનો નિર્ણય કર્યો, ‘હું જાગતી એમની રાહ જોઈશ.’
રાતે બાર વાગે પાછળના દરવાજાનું તાળું ખોલી કૈલાસ અંદર આવ્યો. માધવી ઊંધતી હતી.
‘ઊંઘી ગઈ એમ? રાહ પણ ન જોવાઈ?' ખીંટીએ કપડાં ટીંગાડતાં બેફિકરાઈથી તેણે સીટી વગાડવા માંડી. ખાનાં ઊઘાડબંધ કર્યાં. પાણીની ગોળી નમાવતાં ખણણણ કરતા પિત્તળના પ્યાલાને નીચે પડવા દીધો. અવાજો કરીકરી કોગળા કર્યા અને પછી છેલ્લી વાર ઊંઘતી માધવીને જોઈ પથારીના ખૂણામાં જાગતો પડ્યો...
*******
આંખ ખુલ્લી રાખવાના પ્રયાસ છતાં કોણ જાણે કેમ માધવીને ઊંઘ જ આવી ગયેલી તેથી આગલી રાતના પસ્તાવો કરતી હોય તેમ બીજી રાતે માધવી હંમેશ કરતાં વહેલી ઉપર આવી ગઈ. પાંચ રાત મનમાન્યા સુખમાં વિતાવવી જ જોઈએ.
કૈલાસ હજી ઓફિસનાં કાગળિયાં ઊથલાવતો ખુરશી પર બેઠો હતો. માધવીને એમ નવરી બની પથારીમાં આળોટતાં જોતાં જ એને આનંદનો ઊભરો ચડી આવ્યો. તેણે ઝટપટ પોતાનું કામ આટોપી લીધું, પથારીમાં લંબાવતા તેણે વાત શરૂ કરી: ‘હવે મારે છાપાવાળાનું અને લોન્ડ્રીના હિસાબનુ કામ બાકી રહ્યું. તું ડાયરીમાં નોંધતી જજે. હા, રેડિયો લાઈસન્સની તારીખ નોંધાવી લેજે. લાઈટનુ બિલ આ વખતે ભરાઈ ગયું છે. શું વિચાર કરે છે હું? તું બહુ ઢીલી હોં!' માધવી હજી ચૂપચાપ પડી હતી કૈલાસે તેનો હાથ હાથમાં લીધો. ‘વાસણ માંજીમાંજી હાથ કેવા ખરબચડા કરી નાખ્યા છે?'
‘સારું, ત્યારે તો રાખવા’તા ને નોકર! નહીં તો લઈ આવો કોઈ સુંવાળા હાથવાળી!'
કૈલાસને થયું, ‘ખોટું થયું આ તો! આવે વખતે ખોડ તો ન જ કાઢવી જોઈએ. બલ્કે કૈક વખાણ કરવા જોઈએ.’
‘અરે વળી પાછાં રીસ ને છણકો કર્યા મેં?' આમ વિચારતાં માધવી વધુ નજીક સરી.
‘ના રે, મને તો મારી ખરબચડા હાથવાળી જ ગમે! સાચું કહું માધવી? મને તો તારા વગર બીજી કોઈ આવે તો ફાવે જ નહીં.’
‘બસ રાખો હવે, તમને તો ઘણીય જોઈએ, પણ કોઈ આવે તો ને?'
‘કેમ, શું હું એવો ઘરડો લાગું છું?'
‘નહીં તો? જુઓ તો આ પળિયાં તો આવ્યાં માથે...’
“માથે પળિયાં આવ્યાં તે તને શુ નડે છે, કહે જોઉં! વાંધો આવે છે તને? ને એમ હોય તો જો, આ તારા માથામાંથીય ધોળા વાળ.'
ખટ્ ખટ્ બે વાળ કૈલાસે તોડી આપ્યાં.
‘અરે અરે... શું કરો છો? ક્યારનું માથું દુઃખતું હતું. આળોટીઆળોટી જેમતેમ ભૂલતી હતી ત્યાં તમે વધારો કર્યો, ઉંહ... બામ ઘસવાને બદલે...'
કૈલાસે પથારી પાસે પડેલી બામની શીશી જોઈ. બધી વાત સમજાઈ ગઈ. માધવીનું માથું દુ:ખે છે એટલે. એમાં કંઈ ભલી વાર નહીં. એ પારાયણ હવે આગળ કેવી હશે તેની એને ખબર હતી. તેણે મૂંગે મોંએ સૂતાંસૂતાં બામ ઘસ્યું.
‘બત્તી બંધ કરી દો ને? કેમ બોલતા નથી?' કૈલાસ બામ ઘસી હાથ ધોઈને પથારીમાં ગોઠવાયો.
‘બોલો ને?'
‘શુ બોલું?’
‘જરા અહીં માથે હાથ મુકો ને!' માધવી તેને રિઝવતી હતી. કૈલાસ સમજી ગયો: ’ઊંહ! એવી દયા ન જોઈએ. એમાં શી મઝા?’
‘કૈલાસ!’
'...!'
‘ઊંઘી ગયા?’
‘ના, કેમ?’
‘કેમ ચૂપ છો?’
‘તારે શું કામ છે એ કહે ને? ફ્રુટ સાલ્ટ આપું? એનેસિન આપું? શો હુકમ છે?'
‘આવું આડું આડું ન બોલો. હું શું કરું? અને છતાંય...’
‘ના જી, મહેરબાની. હવે ઊંઘી જ જા. વધુ માથું ચડશે તો ઊલટીએ બાકી રહી છે તેય કરવા માંડશે...’
*******
ચોથી રાતે માધવી રડતા બકુલને લઈને ઉપર આવી: ‘ના, આજે તો કહી જ દઉં. છોડું જ નહિં ને?’
‘શું થયુ? આનો કાન તો છોડ! શી છે રડારાળ?'
‘હવે સાંભળો આજે, આ તમારા કુંવર રોજ સ્કૂલમાંથી ભાગી જાય છે. આજે તો છોકરીઓની સ્કૂલમાંથી પકડાયા. એના હેડમાસ્તરે શિક્ષા કરી એને...'
કૈલાસે ખૂબ ઘાંટા પાડી બકુલને ધમકાવ્યો. ચિંતાથી તેનુ મગજ ઉશ્કેરાઈ ગયું. બકુલ નીચે ગયો. માધવી પ્રેમથી કૈલાસની પીઠે હાથ ફેરવવા લાગી:
‘એમાં ગભરાઈ ગયા? એ તો જરા એવી સોબતે ચડી ગયો છે.’
‘પણ આટલી ઉંમરમાં એ છોકરીઓની શાળામાં આંટા મારે?’
‘આજકાલનાં છોકરાં જરા વહેલાં...’
‘એ જ ખોટુ છે ને? આ ઉંમરમાં જ જો એના પર પૂરતું ધ્યાન નહીં અપાય તો...’
બન્ને પતિપત્ની પોતાના ચિરંજીવીનાં સારાં અને ખરાબ લક્ષણો વિષે ચિંતા કરતાં બેઠાં. આવી વાત જ્યારે મોટુ સ્વરૂપ લઈને સામે ઊભી હતી તે વખતે માધવીને બાથ ભીડતાં કૈલાસને સંકોચ થતો હતો.
માધવી પસ્તાતી હતી: ‘શા માટે મેં અત્યારે આવી વાત કાઢી? બિચારા એમને કેટલો સંતાપ અને ચિંતા થયાં? અને હવે...?'
*******
ત્રીજી રાતે કાઇ પણ જાતનું વિઘ્ન આવી પડે તે પહેલાં જ અધીર બનેલા કૈલાસે માધવીને ઓરડામાં ખેંચીને ખોળે બેસાડી દીધી. ‘અરે અરે... સામી બારીમાંથી બધું દેખાય છે. શું સાવ જંગલી જેવા?’
‘તારે તો બસ જ્યારે ને ત્યારે, કાઈ જોઈ જશે, આ બારી ખુલ્લી છે, આ બારણું ખુલ્લું છે, છોકરાં આવ્યાં, પડોશી આવ્યાં - હું પૂછું છું કે હું ચોરી તો નથી કરતો કઈ! તારા વર મુઓ છું!'.
‘બસ, જેમ આવે તેમ ઘાંટાઘાંટ ન કરો! પડોશીઓ સાંભળશે.’
‘સાંભળે તો સારું, એય બરાબર જાણશે કે તું કેવી પત્ની છે કે મારા જવાના બે જ દિવસ બાકી છે છતાં... જવા દે, તને પથ્થરને મારે શુ કરવો છે?' કૈલાસે માધવીને હળવો ધક્કો મારી હડસેલી. તે પડી ગઈ.
‘તો શું તમે મને મારી? આજ આટલાં વર્ષે તમે મારા પર હાથ ઉગામ્યો? જતાંજતાં ખરી ભેટ આપી તમે! આમ જ એક દિવસ તમે મને હડસેલી જ દેવાના છો!'
‘રડ મારા નામનું! એવી તે શુ તને મારી નાખી? હવે ઘાંટા પાડી સંભળાવ કે તને તારા વરે મારી છે.'
‘- તો છો ને સાંભળે. તમે મારા મોંએ ડૂચા દઈ ગામમાં સારા દેખાવા માંગો છો?'
‘હવે ચૂપ થવું છે કે નહીં?’
‘નહીં તો શું કરશો? મારી નાખશો? લો... લો... મારી નાખો, લ્યો આ ફાંસો. ચાકુ લાવી આપું.'.
કૈલાસ ધડાક્ બારણું ખોલી નીચે ઊતરી ગયો. તેણે નોંધ્યું: હવે તો બે જ રાત બાકી.
*******
બીજી રાતે કૈલાસે ઈચ્છ્યું કે માધવી કોઈ રીતે અબોલા તોડે. માધવી પણ એમ જ ઇચ્છતી હતી. બન્ને ઊંધે પડખે જાગતાં પડી રહ્યાં. માધવી અકળાઈ રહી હતી, ‘અરે, હવે આજની રાત જાય તે તો પછી એક જ રાત બાકી...' એક જ પથારીની જુદીજુદી ધારે બન્ને એક જ વિચારમાં ઝૂરી રહ્યાં.
‘સ્ત્રીઓ તો કદી નમતું ન આપે. નસકોરાં કયાં બોલે છે? નહીં તો આ ક્યારનીય સૂઈ ગઈ હોય.' ઊંઘમાં પડખુ ફર્યો હોય એવો ડોળ કરતો કૈલાસ માધવીની લગોલગ આવી ગયો. માધવીને લાગ્યું કે તેની સાડી ખેંચાય છે. ‘શું આ મને પાસે ખેંચે છે? જોઉં ફરીને? ના, ના, જે હશે તે – ઉતાવળ નથી કરવી.’
‘જો, કેટલી અવળચંડી છે? દોરડું બળે પણ વળ ન મૂકે.’ તેણે જોયું તો માધવીનો અંબોડો છૂટો થઈ ઓશીકા પર પથરાયેલો હતો. મીણની જેમ કૈલાસનો ગુસ્સો ઓગળવા લાગ્યો. હળવે હાથે વેરાયલા વાળમાંથી હાથ આવ્યાં તો બેત્રણ સોયા કાઢીને તેણે બાજુએ મૂક્યા. વાળમાંથી આવતી સુગંધે કૈલાસ અધીર બની ઊઠયો. ‘ક્યાં સુધી ડોળ કરે? કંઈ નહીં, નમવા દે. પુરુષનો તો ધર્મ જ છે કે તેણે પત્નીને મનાવવી.' અને કૈલાસે જાણે દોટ જ મૂકી...
‘એ મા રે, મરી ગઈ!” માધવીએ હળવી ચીસ પાડી. અને તેણે તેને હાથથી દૂર હડસેલ્યો.
‘શું છે? શું થયું માધવી?' કૈલાસે તેને એકદમ હાથમાં પકડી લઈ વિહવળતાથી પૂછ્યું.
‘ઓ મા રે, છોડો તો મને. માથામાં સોયો ખુંપી ગયો છે. અને હજી તો..ખસો ને વાળ ખેંચાય છે...આહ! મરી ગઈ...હું તો!” કૈલાસના હાથ ઢીલા થઈ ગયા. તેણે માધવીને પથારીમાં છોડી - પછાડી દીધી.
વાળ ઠીક કરતાં માધવી પસ્તાઈ રહી. તેણે પાસે સરકી કૈલાસની છાતી પર માથું મૂક્યું. પણ ત્યાં તો કૈલાસ પથ્થર બની બેઠો હતો: ‘હવે તો મારે જ ન જોઈએ...આજેય નહીં ને કાલેય નહીં. કાલે છેલ્લી રાત તોય નહીં.'
છેલ્લી રાતે પોતાનો નિશ્ચય અડગ રાખવાનો તેણે દૃઢ સંકલ્પ જ કર્યો હતો. ‘એમ જાણતી હોય કે હું કેવો નચાવું છું. હું પણ એને બતાવી દઉં. મારે કઈ પડી જ નથી એમ જ વર્તીશ. મારે એની જેમ મૌન–રીસ નથી કરવાં.’
*******
તે આખા દિવસ મુસાફરી માટેની ઝીણીઝીણી તૈયારીઓ રાતના બાર વાગ્યા સુધી ચાલી. વારેવારે માધવીની આંખમાં પાણી આવી જતાં હતાં. કેટલી બધી કાળજીથી તે કૈલાસની જરૂરિયાતો વિચારી તૈયારી કરતી હતી?
કૈલાસ આવું વિચારતાં જરા ઢીલો થઈ જતો. પણ પછી તરત મનને ટપારતો, ‘એ વાત તો નહી જ.'
રાતના પથારીમાં, બધી જ સલાહસૂચનાની, બધી જ ઔપચારિક, વ્યાવહારિક વાત પૂરી થઈ ગઈ તોય...
‘હવે સવારે વહેલા ઊઠવાનુ નથી. બધું જ તૈયાર છે. અને ગાડી તો ખાસ્સી મોડી છે. ખુબ થાકી ગયા હશો. લાવો પગ દાબી દઉં.'
‘ના, હવે તુંય કયાં નથી થાકી? સૂઈ જા ને!’
‘પછી હવે રોજ સુવાનું જ છે ને?' પગ પર હેતાળ હાથ ફરતો હતો... કૈલાસના પગ પર આંસુનુ ટીપું પડયું. તેણે બીજા પગે ઘસીને તે લૂછી નાખ્યું.
‘ચાલ સૂઈ જા હવે.'
પણ માધવીએ તો કૈલાસની છાતીના વાળ કયાંય સુધી પંપાળ્યા કર્યા અને તેથી તેની નાડીઓમાં લોહી ઝપાટાબંધ વહેતું હતું. ‘ના, એ વાત તો નહીં જ.' કૈલાસ ઊઠ્યો, માટલામાંથી પાણી પીધુ, પંખો લઇ આવ્યો, ‘ખૂબ ગરમી લાગે છે...' કંઈ અર્થ વગરનું બોલી ગયો.
માધવીએ પંખો લઈ લીધો અને કૈલાસના વાળવાળા હાથ પર પોતાનું માથું મૂકયું: ‘કૈલાસ, રોજ એક પોસ્ટ કાર્ડ તો લખશો ને? ના, ના, તમને એવો ટાઈમ નયે મળે. પણ પહેલો કાગળ વિગતવાર લખજો હાં! કેમ તમે તો કંઈ બોલતા જ નથી. રોજ મને કહો છો, પણ તમે ય તો... આજની રાત...!' બાકીના શબ્દો માધવી ન બોલી શકી.
માધવીને નવાઈ લાગી કે વાતવાતમાં વિહવળ બની જતો કૈલાસ આજે પોતાના આટઆટલા પ્રયાસ છતાં ચૂપ કેમ છે? શું એને ખૂબ દુ:ખ થતું હશે? કે થાક લાગ્યો હશે? અરે, થાક લાગ્યો હોય તોય...‘માધવી એને બરાબર ઓળખતી હતી. ‘ના, ના, રિસાયા જ લાગે છે.’ તેણે કૈલાસના ગાલ પસવાર્યા, માથાના વાળમાં આંગળાં ફેરવ્યાં અને તેના મોં પર ઝૂકી જઈ તે ખૂબ જ ધીમા અવાજે, શરમથી આંખ મીંચી દઈ બોલી:
‘કંઈ મારો વાંક થયો? આજે તો...કેમ સૂઈ જાઓ છો?’
કૈલાસ બેકાબૂ બનતો જતો હતો. ઉપર ઝૂકી આવેલી માધવીના દેહનો ભાર તેને ગમવા માંડયો હતો. તેના નાક-હોંઠમાંથી નીકળતા ઊના શ્વાસ તેને ઉશ્કેરી રહ્યા. છતાં તેને થયું, ‘સ્પષ્ટ રીતે જણાવ્યા વગર હાર તો નથી જ માનવી. હજી તો આખી રાત પડી છે પણ એ વાત તો નહીં જ. હવે એક વાર તો એને ભોંઠી પાડું...' તે માધવીને ઉવેખી પડખું ફરી ગયો.
‘સૂવા દે ને ભઈ, કાલની કેટલી ચિંતા છે? રાત ને વાત હવે બહુ ગઈ થોડી રહી.’
માનિની માનભંગ થઈ, છંછેડાઈ. તેની આંખમાં પાણી આવવાં જ બાકી રહ્યાં. ‘આવી અવગણના? પોતે સામે ચાલીને શરમ કચડીને, સ્વભાવ વિરુદ્ધ જઈને આટલાં મનામણાં કર્યાં? શુ હું એવી લાલચૂડી છું? શું મને જ એવી જરૂર છે? શું એ ઉપકાર કરવાના છે મારા પર?’ માધવી સમસમી રહી.
એના મોંમાંથી રોષભર્યા બોલ નીકળી ગયા, ‘સાવ વહુ જેવા છે. મને શું ખબર કે આવા....આવા.... સાવ બાયલા...હશે! આવો બાયલો વર મારે માથે ઠોકયો છે.’
ઝેર ઓકતી એ ઓશિકા પર લગભગ ઊંધી જ વળી ગઈ. એ તિરસ્કારસૂચક શબ્દોના ઘાએ જ ઉશ્કેરાઈ ઊઠેલો કૈલાસ દાંત કચકચાવતો બોલ્યો: ‘શું બોલી? ફરી બોલ તો?'
જવાબમાં માધવી વધુ તિરસ્કારથી પથારીની કિનાર સુધી આઘી ખસી ગઈ.
‘હું....હું બાયલો? હું બાયલો એમ? હું બાયલો છું?' ...અને ત્રીજી વારની ત્રાડ સાથે જ ઊંધે પડખે સૂઈ રહેલી, ન સાંભળ્યાનો ડોળ કરી જવાબ ન આપતી માધવીને તેણે ચોળીના પાછળના ભાગમાંથી પકડીને જોરથી ખેંચી ‘આમ જો તો હું... બાયલો?’
તે સાથે જ ચરરર...કરતીકને તેની ચોળી છેક નીચેની કોર સુધી ચિરાઈ ગઈ...
‘હું બાયલો એમ? હું બાયલો એમ?' એ શબ્દોનાં પડઘા ઝીલતી, મૂંઝાતી, ધ્રૂજતી, પ્રતિકાર કરવા અસમર્થ...રાત્રી પસાર થઈ ગઈ.
વહેલી સવારે માધવી ઊઠી. કૈલાસને અળગો કરતાં તેણે પોતાનાં કપડાં સંકોર્યા. ઉઠીને તે અરીસા પાસે ઊભી.
‘હાય રે! રાત પૂરી થઈ ગઈ? આ તે સવાર પડી?’ તેણે બેય હાથે પોતાના ગાલ સંતાડવાના પ્રયાસ કર્યાં. ત્યાં તો ગળુ દેખાયું. અને હોંઠ?...‘બાપ રે...હવે કેમ કરી ઓરડાની બહાર જાઉં!’
વાળની લટો, ચોળીનાં ચીરાં ને સાડલો માંડ સમાર્યો પણ રહીરહીને તેના અંગેઅંગમાંથી વિશ્રંભકથા છતી થઈ જતી હતી. મીઠી મુંઝવણ અનુભવતી.
‘જુવો, આ તમારું પરાક્રમ! તમે જ કહો, હવે, હું શુ કરું?' એમ પૂછવા તે ફરી પાછી કૈલાસની પથારી પાસે પહોંચી.
‘એવા ખરાબ છે ને!' કહેતાં ફરી એક વાર તેણે કૈલાસને ચૂમી લીધો..."
• સરોજ પાઠક.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.