મારું મૃત્યુ (Maru Mrutyu)

Related

" મારું મૃત્યુ "
*********************

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો.

#આવકાર
મારું મૃત્યુ (Maru Mrutyu) 

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે...

અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે.

કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’

અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?

અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ આ રહ્યો.’

મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.

બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ? મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી.

તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?

મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.

અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ?

એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?

જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત ! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.

‘અરેરે ! એને મારો હાથ દેખાતો નથી ? એ કેવો નિષ્ઠુર છે ? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે ?

ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને ?

ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે ?

‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા ? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’

હું રડી પડું છું.
‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા ! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.

મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા !

અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ? કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોઈએ. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવીએ. – અજ્ઞાત" (મુળ અંગ્રેજી પરથી ભાવાનુવાદ)

આ રચના વાંચતા જ હૃદયના તાર ઝણઝણાવી દે છે. (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post