શામળાનું _સરનામું (Shamla Nu Sarnamu)

Related

@શામળાનું _સરનામું..."
પાંજરાપોળ ના દરવાજાની બહાર એક ફાટેલ લૂગડે ખેડુ કોઈ ગાડી ની વાટય (રાહ) જુવે છે. પાંજરાપોળની બરાબર ધોરીમાર્ગ ને અડીને આવેલી. શહેરની બહાર બનાવેલી પણ શહેરો ના આંધળા વિકાસે એને ચારે તરફ થી ઘેરી લીધેલ. પણ એ ભાઈ નું મોઢું આજે દર્દ ભર્યું લાગતું હતું.


#આવકાર
શામળાનું સરનામું

એવા માં એર કન્ડીશન ગાડી બાજુ માં આવી ઊભી રહી. અને ગાડી નો કાચ ખોલી ને સરનામું પૂછ્યું ખેડુ હાથ જોડી ને બોલ્યો બાપા આય થી સીધા જાઓ આગળ એકાદ ગાઉં પછી ત્રણ રસ્તા આવશે ત્યાંથી જમણી બાજુ વળી જજો.

ગાડી થોડી આગળ નીકળી ગઈ પણ થોડી વાર માં ગાડી પાછી આવી ને પાછો કાચ ખોલી ને પૂછ્યું તમારે કઈ બાજુ જવું છે ? ખેડુ બોલ્યો બાપા મારે પણ જવું તો એ બાજુ છે પણ ... સામે વાળી વ્યક્તિ આદર થી પૂછ્યું પણ શું? હાલો હું પણ એજ બાજુ જાઉં છું તો તમને એટલા સુધી લેતો જાઉં. પણ આવી મોંઘીદાટ ગાડી માં બેસતા ખેડુ અચકાતો હોય એવું લાગ્યું. પણ ગાડીવાળા વ્યક્તિ ભલા માણસ દેખાતા હતા. એણે ખેડુ ને કીધું ભાઈ બેસી જાઓ મુજાવ નહિ. હું ભાડું નહિ માંગુ..અને ખેડૂત ને ગાડી માં બેસાડી ને ગાડી મારગે કરી. 

ખેડુ ગાડી મે બેઠો પણ ઘડી ઘડી પોતાની ચિથરા વાળી પાઘડી નો છેડો લઈ ને મોઢા પર ફેરવે છે. અને ગુમસુમ બેઠો છે. ગાડી વાળા વ્યક્તિ પ્રશ્ન પૂછે છે. તમે અહીંયા સવાર ના પોર માં એટલા વેલા શું કામ આવ્યા હતા ?

ખેડુ માં મનમાં ધ્રાસકો પડ્યો. હવે મારે શું જવાબ આપવો ?. કઈ નહિ કામે આવ્યો હતો. એમ કહી ને ટૂંક માં ઉતર વાળ્યો. પણ ગાડી વાળા સજ્જન ને લાગ્યું કે થોડી વાતો કરતા કરતા મુસાફરી કરીયે તો પંથ તરત કપાઈ જાય એટલે બીજો પ્રશ્ન કર્યો તમે સાવ આમ ઉતરેલ મોઢે બેઠા છો કઈ તકલીફ છે. કોઈ અપ્રિય ઘટના ઘટી છે?

ખેડુતે પરાણે બોલવું પડતું હોય એમ પાછો પાઘડી ને છેડો મોઢા પર ફેરવતા બોલ્યો ના બાપ એવું કઈ નથી. પણ એ મુસાફર વ્યક્તિ સમય ને પારખી ગયો અને આગળ આવતી હોટલ પર ગાડી રોડ પર રોકી. અને કીધું કે હાલો ચા પાણી કરી લઈએ . ખેડુ ના પાડતા માથું ધુણાવ્યું. પણ ગાડીવાળા ભાઈ માન્યા નહિ અને હોટલ પર ચા પાણી કરવા ઉતર્યા. 

ઉદાસ ચહેરો જાણે કંઇક વ્યથા ઠાલવવા માંગતો હોય એવું ગાડીવાળા ભાઈ ને જણાયું. એટલે પૂછ્યું કે ભાઈ આપ મને સાચે સાચું કહો કે આપ કઈ મુઝવણ માં છો ? અને આટલા ઉદાસ શેના માટે છો? મને માંડી ને વાત કરો વાત કરવાથી હૈયું હલકું થઈ જાય છે. આટલી હૂફ ખેડુ ને મળતા તો ખેડુ ની આંખ માં જળજલિય આવી ગયા ગળા માં ડૂમો ભરાઈ ગયો અને રડી પડ્યો. કે આજ મે મારા ભાઈ સમાન ભાઈ ને તરછોડ્યા છે. મને કુદરત માફ નહિ કરે એમ કહી ને રોવા માંડ્યો. ગાડીવાળા ભાઈ બોલ્યા કે મને માંડી ને વાત કરો હું કઈ સમજ્યો નહિ. 

ખેડૂતે માંડી ને વાત શરું કરી..!!
આજ થી આઠેક વરસ પહેલાં મારી પાસે મૂડી નહોતી મારી પાસે નાણા ની બહુ તંગી ઘરને ગરીબાઈ આટો લઈ ગઈ હતી. અમે તો ખેડુ કેવાઈએ અને અમારી તો જનેતા એટલે ધરતી અમે ધરતી ના છોરું એ મહેર કરે તો લીલાલહેર થાય. અમારા ગામ માંથી બધાય ખેડુ મેળે જતા હતા (જે પશુઓનો સ્પેશ્યલ મેળો ભરાતો હોય જેમાં બળદ, ઘોડા, ઊંટ, ગદર્ભ જેવા પશુ ની લે વેચ થતી હોય) અમારા ગામ ના એક ભાઈએ મને કીધું કે મારે મેળે જવું છે અને મારી પાસે ૨ જોડી બળદ છે તો હું તને મજૂરી પેટે રૂપિયા આપીશ તું હાલ મારી સાથે. અને હું ગયો મેળે. એ મેળામાં અલક મલક થી કાંકરેજી અસ્સલ ઓલાદ ના બળદો જોઈ ને મારી પણ બળદ લેવાની બહુ ઈચ્છા થઈ પણ મારી પુગત ન'તી કે હું બળદ લઈ સકું. મારી પરિસ્થિતિ અને ગરીબાઈ હું જાણતો હતો એટલે હું સાવ આમજ ઉદાસ બેઠો હતો. 

એવામાં એક ભાઈ આવ્યા અને મને પૂછ્યું ભાઈ મેળે શિદ આવ્યા હતા. મેં કહ્યું કે એક ભાઈ હાર્યે બળદ હાકી ને આવ્યો છું.

એ ભાઈ એ મને પૂછ્યું કે તમારે બળદ નથી લેવાના ?

મે ના પાડી કે નથી લેવા. અને એ ભાઈ મને સામે થી કીધું રૂપિયા ની મૂંઝવણ હોય તો ફિકર ના કરતા તમને હું મદદ કરીશ. ત્યાં સુધી મારી નજર ધરતી માથે પડેલા ઓગઠ ઉપર હતી પણ ઉપર નજર કરી ને સામે જોયું તો એક સફેદ શહેરી કપડા માં વ્યક્તિ ને સામે જોયા. હસમુખો ચહેરો કરી ને ભાઈ બોલ્યા કે ભાઈ રૂપિયા થાય ત્યારે આપજો અને હું વ્યાજ પણ નહિ લઉં. અને ઉઘરાણી પણ નહિ કરું તમારે થાય ત્યારે આપજો.

મારા માટે જાણે એ સજ્જન માણસ ના રૂપ માં ભગવાન સાક્ષાત આવ્યા હતા. અને એમણે મારા હાથ માં બે નાના વણ પધોર્યા ઘાઘડિયા (નાની ઉંમર ના બળદ જેના પર હજી ધોસરું ના મુકાયું હોય) ની રાસ હાથ માં આપી ને કીધું કે લ્યો આ બળદ. મેં પૂછ્યું આપ તો ખેડૂત નથી લાગતા તો આ નાના ઘાઘડિયા તમારી પાસે કેવી રીતે આવ્યા..!!?

એ સજ્જન માણસ બોલ્યા કે અમારા વિસ્તાર માં એક ભાઈ આને વેચી રહ્યા હતા મને થયું કે ક્યાંક કતલખાને જાય એના કરતાં મેળા માં કઈક ખેડૂતો આવશે. ત્યારે કોઈ ને હું ભેટ માં આપી દઈશ તો આ પશુ સુખી થશે માટે મે ખરીદી લીધા.

પણ મને મન માં ચિંતા થતી હતી કે હું હવે કોને આ જવાબદારી આપુ કે આ પશુડા ને સાચવે ક્યાર નો હુ જોયા કરું છું તમારા ચહેરા નો ભાવ જોઈ ને મને તમારા પર વિશ્વાસ આવ્યો એટલે તમારી પાસે આવ્યો છું. મને નિરાશ ના કરતા રૂપિયા થાય તો દેજો પણ આ મૂંગા જીવ ને તરછોડશો નહિ. એટલું કહી ને એ સજ્જન માણસ મેળાની ભીડ માં અદ્રશ્ય થઈ ગયાં મારા થી નામ ઠામ કઈ જ પૂછાણું નહિ. ©આવકાર™

એ ઘાઘડિયા લઈ ને હું ઘરે આવ્યો પરમાત્મા ની કૃપા થી મે આઠ આઠ વરસ એ મારા ભાઈ સમાન ભેરૂડા હારે ખેતી કરી ને ગુજરાન ચલાવ્યું. પણ ઉપરા ઉપરી બે બે દુકાળ પડ્યા છે. ઘરે નીરણ ખૂટ્યા. બળદ ને ખવરાવવા માટે મારી પાસે કઈ નથી રોજ સવારે ઉઠું ને ભૂખ્યા બળદ ને જોઈ ને મારા આત્મા દુઃખી થતો હતો એટલે મેં વિચાર્યું કે પાંજરાપોળ માં થોડાક દી મૂકી આવું.

હૈયા માથે પથ્થર મૂકી ને હું બળદ ને માજન માં મુકવા આવ્યો હતો. પણ મને રડવું એ વાત નું આવે છે કે એ મૂંગા પશુડા જાણે મને સવાલ કરતા હોય કે તું તારો વાયદો ભૂલી ગયો ? અમે ક્યાં તારું ઘર ખાઈ જાત વગડા માં રખડી ને બાવળ ના કાતરા ખાઈ ને દુકાળ કાઢી નાખત. પણ તે અમને આજે પરાયા કરી નાખ્યાં..!

આઠ આઠ વરસ સુધી ધોસરું માથે લઈ ને તારા ભેગા જ ઊભા રહ્યા પણ આજે વહમી વેળા એ તે અમને નોધારા કરી નાખ્યા. અમે તારા માટે શું નથી કર્યું પણ તું આમ સાવ... એમ કહી ને ખેડૂત પોક મૂકી ને રુદન કરે છે.

મોટા ભાઈ હું જ્યારે મારા ભેરૂડા ને મૂકી ને વળતો થયો ને તોય જાણે મને આશીર્વાદ દેતા હોય કે બાપ સુખી થાજે.. આવા મૂંગા જીવ નો ઉપકાર હું કઈ રીતે ચૂકવિશ .. અને ખેડુ રડતો જાય છે..

પણ સામે ગાડીવાળા સજ્જન વ્યક્તિ ભાવવિભોર થઈ ગયો અને ખેડુ ને ખભે હાથ મૂકી ને કીધું હાલો પાછા પાંજરા પોળ માં જવું છે. ખેડુ નો હાથ પકડી ને ગાડી મે બેસાડી ગાડી વળતી થઈ સીધી પાંજરાપોળ ના દરવાજે ઉંભી રહી.

ખેડુ ને જોઈ ને બંને બળદો હડી કાઢીને ને સામે દોડ્યા અને ખેડુ પણ જાણે વરસો પહેલા વિખૂટા પડેલ ભાઈ હોય એમ મૂંગા જીવ ને ભેટી પડ્યો. ત્યાં કામ કરતા એક ભાઈ આવી ને કીધું કે સવારે મૂકેલા બળદે હજુ એક તણખલું મોઢા નથી નાખ્યું. બસ ભાભર્યા કરે છે.

આજ જાણે રામ અને ભરત નું મિલાપ થતો હોય એવું દ્રશ્ય નજરે આવ્યું. ગાડીવાળા ભાઈ ખેડુ ની બાજુ માં જઈ ને કીધું કે આ પાછળ ઊંભેલ ટ્રક પૂરી ભરેલ છે નિરણ ની એ તમારા સરનામે પોચી જશે એમ કહી ને એ વ્યક્તિ ગાડી માં બેસી ને ગાડી હંકારી મૂકી.

ખેડુ ગાડી પાછળ દોટ મૂકી પણ પલકારા માં ગાડી ઘણે લાંબે નીકળી ગઈ ખેડૂત પૂછતો રહ્યો કે તમારું નામ ઠામ કે સરનામું તો આપતા જાઓ પણ ખેડુ પાછો જોતો જ રહ્યો અને મનો મન કેવા માંડ્યો તું પણ ખરો છે *"શામળા"* મને કોઈ દી સરનામું દેવા નથી ઊંભો રહેતો. અને મને હર વખતે છેતરી જાય એવા રૂપે આવે છે. આમ કહી ને ખેડુ જ્યાં એ ગાડીવાળા સજ્જન ના પગલાં પાડયાં હતાં એ ધૂળ માથે ચડાવી ને નમન કર્યા.........!!

સાચે દલ સમરો તમે "શામળો" એતો નોધારા નો આધાર, ધારી લ્યો "દ્વારકાના નાથ" ને એ અટકવા નહિ દે વે'વાર.""
                      ✍🏻 લેખક: નિલેશ ચૌધરી (નીલમ)

આ વાતની કલ્પના પાછળ નો હેતુ આપણા "વારસાગત મૂલ્યો" ભૂલાય નહિ,..આપણા અંદર ની "માણસાઈ" જીવંત રહે,... પ્રકૃતિ ને માફક જીવન જીવીએ. અને આપણી દાતારી નો સાચા રસ્તે ઉપયોગ કરી ને મૂંગા જીવો બચાવીએ એના માટે નો પ્રયાસ છે. ..🍂🌺

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post