કેનેડાની સૂમસામ સડક, યુવતીને માત્ર એક જ આશા! (Canada Ni Sumsam Sadak)

Related

સત્ય ઘટના: 

કેનેડાની સૂમસામ સડક, યુવતીને માત્ર એક જ આશા! — Dr. Sharad Thakar

કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસસ્ટોપ પાસે ઊભેલી બાવીસ વર્ષની પિન્કીને ચામડીથી લઈને હાડકાં સુધી ધ્રુજાવી ગયો. એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ. ઉપરથી કડકડતો શિયાળો. હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઊડે. પિન્કી ગુજરાતથી આવેલી, સાથે ગરમ વસ્ત્રો પણ લાવેલી, પણ એ કપડાં ગુજરાતના શિયાળા સામે રક્ષણ આપી શકે તેવાં હતાં. કેનેડાની કાતિલ બર્ફીલી હવાને રોકવાનું એનું ગજું નહીં. પિન્કીને રડવું આવી ગયું. હજુ તો માત્ર ચાર જ દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાતને.

#આવકાર
કેનેડાની સૂમસામ સડક, યુવતીને માત્ર એક જ આશા!

પપ્પાએ કહ્યું હતું, 'પિન્કી, બેટા ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે. કેનેડાના એક મોટા શહેરમાં આપણો નજીકનો સગો રહે છે. મેં એની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે. શરૂઆતના છ-બાર મહિ‌ના તારે એના ઘરમાં જ રહેવાનું છે. એ પૂરા ફેમિલી સાથે વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે. તારા માટે અલાયદો રૂમ હશે. એની દીકરી પોતાની કારમાં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબના સ્થાને મૂકતી-લેતી જશે. તને ગરમાગરમ નાસ્તો અને આપણું ગુજરાતી ભોજન પણ મળી રહેશે. તું તારી રીતે પગભર ન થઈ જાય ત્યાં સુધી બધી જવાબદારી એમના માથે.'

પિન્કીના પપ્પા કચ્છના એક જાણીતા શહેરમાં ડોક્ટર હતા. બધી રીતે સુખી હતા, પણ પિન્કીએ જ જિદ્દ પકડી હતી, 'મારે ઇન્ડિયામાં નથી રહેવું કાં ઓસ્ટ્રેલિયા જવું છે કાં કેનેડા.'

'બેટા, આ બંને દેશો માટે મારી ના છે.' પપ્પાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો, 'ઓસ્ટ્રેલિયામાં ત્યાંના લોકો આપણા વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરે છે. કેનેડામાં ઠંડી ખૂબ પડે છે.'

પણ છેવટે પિન્કીની જિદ્દ આગળ પપ્પા ઝૂકી ગયા હતા. ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિ‌તી એમણે સાંભળી, એટલે એમણે હા પાડી દીધી. પછી તો કેનેડામાં હીરાકાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહે છે. એનું સરનામું અને ફોન નંબર પણ શોધી કાઢયા. મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે, મંગળ ચોઘડિયે પિન્કીબહેન છોકરીમાંથી પંખી બની ગયાં અને પછી ઊડી ગયાં... ફરરરર... કરતાં... કેનેડાની દિશામાં...

મનસુખભાઈની પત્ની અને દીકરીએ ચોવીસ જ કલાકમાં પોતાનો અસલી ચહેરો બતાવી આપ્યો. નજીકનું લોહીનું સગપણ હતું એની પણ શરમ ન રાખી. પિન્કી ભણેલી હતી, ખૂબસૂરત હતી, મેનર્સવાળી હતી, તેમ છતાં એ જાણે દેશમાંથી આવી ચડેલી કોઈ અભણ, ગંદી, ગમાર, ગામડિયણ, હોય એવું વર્તન બધાં એની સાથે કરવા લાગ્યાં.

ચોથા દિવસે તો મનસુખ અંકલની તુંડમિજાજી છોકરીએ સીધું પિન્કીને જ પરખાવી દીધું, 'યુ રસ્ટિક ઇન્ડિયન્સ હાઉ ડેર યુ થિંક ટુ કમ એન્ડ સ્ટે વિથ અસ યુ શૂડ હેવ સમ ડિસન્સી ટુ...'

પિન્કી ગભરાઈ ગઈ. રૂમમાં જઈને એણે ઇન્ડિયામાં પપ્પાને ફોન કર્યો, 'પપ્પા, હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું. મનસુખ અંકલનાં વાઇફ તો ખૂબ જબરાં છે અને દીકરી તો દાનવપુત્રી હોય એવું વર્તન કરે છે. મને જોઈને ડોળા તો એવા કચકચાવે છે જાણે મને ઉપાડીને ઘરની બહાર ન ફેંકી દેવાની હોય હું શું કરું?'

પપ્પા શું કહે? એમણે કહી દીધું, 'બેટા, પહેલી જે ફ્લાઇટ મળતી હોય એમાં બેસીને પાછી ઇન્ડિયા આવી જા'

'પણ પપ્પા...' પિન્કીના મનમાં જે વિચારોનું ઘમસાણ ચાલતું હતું તે હોઠ પર આવી ગયું, 'અહીં આવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ ચાર જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનો? હું ક્યાંક પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનું શોધી કાઢું તો?'

બે કલાકમાં પિન્કીએ પચીસેક ફોનના ચકરડાં ઘુમાવી કાઢયા. બધા ભારતીયોના જ ફોન નંબર્સ હતા. પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાના ભાવ સાંભળીને પિન્કીના હાંજા ગગડી ગયા. હજુ કમાણીનાં તો ઠેકાણાં ન હતાં, ત્યાં આવડા મોટા ખર્ચા કેવી રીતે પોસાય? એ પણ પાછા કેનેડિયન ડોલર્સમાં

ચોથા દિવસનો બપોર પડયો. મનસુખ અંકલે નીચું માથું રાખીને કહી દીધું. 'આઇ એમ સોરી, બેટા તારે આજે જ આ ઘરમાંથી ચાલ્યા જવું પડશે. મને એમ હતું કે તને અહીં રહેવામાં વાંધો નહીં આવે, પણ મારું આકલન ખોટું પડયું. મારી વાત માને તો આજની રાત તું ગમે ત્યાં પસાર કરી નાખજે. કાલે વિમાનમાં બેસીને...' પછી ગળામાં બાઝેલો ડૂમો ખંખેરીને એ બોલી ગયા, 'તારા પપ્પાને મળીને મારા વતી 'સોરી' કહી દેજે, બેટા'

મનસુખ અંકલ તો આટલું કહીને છૂટી ગયા, પણ પિન્કીની હાલત કફોડી થઈ ગઈ. કેનેડામાં તો અંધારું વહેલું ઊતરી આવે. કહેવાય ભલે નમતો બપોર, પણ વાતાવરણ ભારતમાં રાતના દસ-અગિયાર વાગ્યા હોય એવું થઈ જાય. આવી ઠંડીમાં પિન્કી એના બેગ-બિસ્તરા સાથે રસ્તા પર આવી ગઈ. ક્યાં જવું એ નક્કી ન હતું. એ બસઅડ્ડા પાસે આવીને ઊભી રહી ગઈ. એ વિચારતી હતી, 'કોઈ સસ્તી હોટલમાં આજની રાત પસાર કરી નાખું. પછી કાલે સવારે ફ્લાઇટની તપાસ...'

ત્યાં જ એના કાન પર વાહનને બ્રેક લાગવાની ચિચિયારી પડી. એણે આંખો ઉઠાવીને જોયું તો ધુમ્મસિયા રોડ પર એક કાર ઊભી હતી. સાવ એની પાસે જ.

ગાડીમાંથી એક પીઢ વયનો આદમી નીચે ઊતર્યો, પિન્કી કોણ છે, ક્યાંની છે એવું કશું જ જાણ્યા વગર એણે બૂમ પાડી, 'હે... ઇ... હું ઇઝ ધેર એટ ધિસ ઓડ અવર? નીડ માય હેલ્પ?'

પિન્કી પહેલા તો ડરી ગઈ. પછી એને યાદ આવ્યું કે પોતે ભારતમાં ન હતી, પણ વિદેશની ધરતી પર હતી. ભારતમાં આવી અંધારી રાતે, આવી સૂમસામ જગ્યાએ કોઈ પણ અજાણ્યા પુરુષનો વિશ્વાસ ન કરાય, પણ પરદેશમાં સાવ એવું નથી હોતું. પુરુષ નજીક આવ્યો, ત્યારે ઓળખાયું કે એ પણ ભારતીય જ હોવો જોઈએ. એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે.

એણે ફરી પાછું પૂછયું, 'કમિંગ ફ્રોમ ઇન્ડિયા? યૂ લુક લાઇક એ ગુજરાતી ગર્લ. આરન્ટ યૂ?'

'હા.' પિન્કીનું રુદન ગળામાં આવી ગયું, 'ભાઈ, તમે પણ ગુજરાતી છો?'

'હા, બહેન હું અમદાવાદનો છું. દસ વર્ષથી અહીં છું. તું ક્યાંની છે?'

'હું કચ્છની છું.' પિન્કીએ એના શહેરનું નામ પણ જણાવી દીધું.

પેલાને શહેરનું નામ સાંભળીને રસ પડયો. 'આઇ સી એ શહેર સાથે તો મારી લાઇફનું એક મીઠું સંભારણું જોડાયેલું છે. ત્યાં એક ડોક્ટરસાહેબ રહે છે. બહુ ભલા માણસ છે. ત્યાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે. એમનું નામ આજે પણ મને યાદ છે. ડો...'

'અરે એ તો મારા પપ્પા છે' પિન્કી ઊછળી પડી.

'વ્હોટ? તું એમની ડોટર છે? વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઇઝ? બેટા, તું અત્યારે તકલીફમાં લાગે છે. તને મારી મદદની જરૂર છે?'

પિન્કી રડી પડી. ગળામાં અટવાઈ રહેલું રુદન બહાર ઠલવાઈ પડયું. એણે બધી હકીકત જણાવી દીધી. પેલા પુરુષે કહ્યું, 'બેટા, રડ નહીં. હું તને એક વાત કહું. વર્ષો પહેલાં જ્યારે હું ભારતમાં હતો ત્યારની વાત છે. હું એક દવાની કંપનીમાં નોકરી કરતો હતો. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો. અમારું કામ જ એક શહેરથી બીજા શહેરમાં રખડવાનું અને ડોક્ટરોને મળવાનું. એમને અમારી કંપનીની દવાઓ વિશે ગુલાબી ચિત્ર દર્શાવીને વિનંતી કરવાની કે તમે આ જ દવાઓ લખજો.

એક વાર ભરઉનાળામાં હું કચ્છના એક શહેરમાં મારી ફરજ બજાવી રહ્યો હતો. બપોરના અઢી વાગ્યા હતા. સવારના ચા-નાસ્તા પછી પેટમાં કંઈ પડયું ન હતું. હું તારા પપ્પાનો 'કોલ' પતાવવા પહોંચી ગયો. સાહેબ થોડી વાર પહેલાં જ કન્સલ્ટિંગથી પરવારીને ઉપરના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા. પટાવાળાએ મને કહી દીધું. 'પોણો કલાક બેસવું પડશે. સાહેબ જમી રહ્યા છે.' હું લાચાર હતો. મને ભૂખથી ચક્કર આવતાં હતાં.'

'પછી શું થયું?'

'ત્યાં જ ઉપરથી ડોક્ટરસાહેબનો અવાજ સંભળાયો. કનુ, કોણ આવ્યું છે? દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી રાખીશ નહીં. એને ઉપર મોકલી આપ' હું ઉપર ગયો. સાહેબ હજુ જમવાનું શરૂ જ કરતા હતા. એમણે સમય જોયો, મારો ચહેરો જોયો, પછી આગ્રહ કરીને મારા માટે પણ થાળી પીરસાવી દીધી. બેટા, મારી કરિયરમાં મેં ડોક્ટરો તો ઘણા જોયા છે, પણ આવો માણસ પહેલી વાર જોયો. તું મારામાં વિશ્વાસ મૂકી શકે છે. હજુ પણ તને શંકા હોય તો મને તારા પપ્પાનો ફોન નંબર આપ. હું તારી સામે જ વાત કરી લઉં.'

એ પુરુષે કેનેડાની સૂમસામ સડક પરથી કચ્છની ધરતી સાથે સંવાદ કરી લીધો.

પિન્કીના પિતાએ દીકરીને કહ્યું, 'બેટા, તું આ માણસ પર વિશ્વાસ મૂકી શકે છે. એની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞતાનો રણકો સંભળાય છે. તું એક-બે દિવસ એના ઘરમાં રહી શકે છે, પછી અહીં આવતી રહેજે.'

એક-બે દિવસ નહીં, પણ પિન્કી પૂરા છ મહિ‌ના સુધી પેલા ભલા માણસના ઘરમાં રહી. એની પત્નીએ એને સગી દીકરીની જેમ સાચવી લીધી. અલાયદો રૂમ, ચા-બ્રેકફાસ્ટ, ગુજરાતી ભોજન, કેનેડાની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવાં ગરમ કપડાં, સારી જોબની તલાશ, આવવા-જવા માટે કારની સગવડ. આ બધું જ એ પરિવારે પ્રેમથી પૂરું પાડયું. પૂરા છ મહિ‌ના પછી પિન્કી પાસે એટલી બચત જમા થઈ, જેનાથી એ અલાયદા મકાનમાં રહેવા જઈ શકે.

જતી વખતે પિન્કી આભાર માનવા લાગી તો પતિપત્ની બોલી ઊઠયાં, 'બેટા, અમે તો કશું જ નથી કર્યું. તારા પપ્પાએ એક તદ્દન અજાણ્યા યુવાનને જે પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અમે હજુ હજારમા ભાગે પણ વાળી શક્યાં નથી. તને ગમે ત્યારે તકલીફ પડે, તો તું આ ઘરને તારું જ સમજીને આવી જજે. વિશ યુ ઓલ ધી બેસ્ટ' — લેખક: ડૉ. શરદ ઠાકર (સત્ય ઘટના, કથાબીજ આપનાર ડો. શિરીષ નાયક)' (ર્શીષક પંક્તિ: વિજય આશર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post