Fused Bulb Ni club | ઉડી ગયેલા(ફ્યુઝડ) બલ્બની ક્લબ

Related

#"ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ"
રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે, કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા, પદ, પૈસો,માન, સન્માન, લોક ચાહના મેળવી હોય છે. એટલે એ બાબતમાં એક અહંકાર Ego અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે. નિવૃત્તિ બાદ "પદ ગયું અને બધું જ રદ થયું."..


#આવકાર
ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ

ચાલો, આજે એક સજ્જનની વાત કરીએ જેઓ આવી પીડા થી, અજાણ્યા ઈગો થી પીડાતા હતા. તેમના ઘરની સામે ગાર્ડન હતો. તેમના જેવા નિવૃત્ત વડીલો ત્યાં આવી સાથે મળીને ગ્રુપમાં બેસતા. આ સજજને પણ ત્યાં જવાનું શરૂ કર્યું. પણ અંદરના ઈગોને કારણે એકલા બેસતા. તેમને બેઠેલા બીજા વડીલો સામાજિક, શિક્ષણ, વગેરેની દ્રષ્ટિએ પછાત લગતા. આવા લોકો સાથે બેસવાથી પોતાની પ્રતિભા ખરડાય એવું માનતા. બાંકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વાતો જરૂર સાંભળતા. તેમને નવાઈ લાગતી. કારણ વડીલોની ચર્ચાના વિષયમાં વિજ્ઞાન, રાજકારણ, તત્વજ્ઞાન, દેશ-વિદેશની ચર્ચાઓ, થતી. આ વડીલોનું ગ્રુપ ભજીયા ગાંઠીયા વગેરે નાસ્તો મંગાવીને પણ ખાતા. એ પણ આ સજ્જન ને ટિપિકલ "મિડલ ક્લાસ" જેવું લાગતું.

થોડા દિવસ તો આ સજ્જને દૂર કે નજીક બાંકડા પર બેસીને તેમની વાતો સાંભળી. પણ આખરે તેઓ પણ તો એક સામાજિક પ્રાણી હતા. એકલતા લાગવા માંડી. પણ તેમની અંદરનો અહંકાર તેમને આ લોકો સાથે ભળવા ન દેતો. એમને એમ હતું કે આ ગ્રુપના વડીલો સામેથી બોલાવે. ખરી રીતે તો તેમણે જ સામે ચાલીને ગ્રુપમાં ભળી જવું જોઈતું હતું. પરંતુ ગુરુતાગ્રંથીને કારણે એમ ન કરી શક્યા. 

નસીબ જોગે ગ્રુપમાંના એક વડીલે જ સામે ચાલીને એ સજ્જનને નાસ્તામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. પછી પરિચય પૂછ્યો. સજ્જન તો રાહ જ જોતા હતા કે તેમના વિશે કોઈ પૂછે !! તક મળી ગઈ એટલે સજ્જન તો પોતાની ઝળહળતી કારકિર્દી, પોતાના ઠાઠમાઠ, ની બડાઈ હાંકવા લાગ્યા. એમને એમ હતું કે આ મધ્યમ વર્ગીયોને પ્રભાવિત કરી તેમના પર રોફ જમાવીશ. બધા તેમને અહોભાવથી જોશે. સજ્જને તો તેમના હાથ નીચે કેટલા કર્મચારીઓ કામ કરતા, તેમજ તેમને ફાળવવામાં આવેલ બંગલા, ગાડી, વગેરેનો ઉલ્લેખ કરી જાહોજલાલીની વગેરે વાતો કહેવાની શરૂ કરી. 

વડીલ ના ગ્રુપના બધા સભ્યો શાંતિથી તેમની વાત સાંભળતા. તેમની કારકિર્દીને બિરદાવતા. આવું થોડા દિવસ ચાલ્યું, ત્યારે એ સજ્જન ને લાગ્યું કે હું તો ફક્ત મારી જ વાત કરું છું. મારી વાત સાંભળીને તેઓ તો પછી અન્ય વિષય પર મજાક મસ્તી અને નાસ્તા કરીને છૂટા પડે છે !!

આખરે એક દિવસ એ સજ્જને તેમને પૂછી જ લીધું કે તમે બધા પહેલા શું કરતા હતા? નોકરી કે ધંધો ?

(જવાબ તો વડીલ નો સાંભળવા જેવો છે..!! )

તેમણે સહજતાથી જ કહ્યું, "શું કરતો હતો તેનું હવે શું કામ છે ?" પેલા સજ્જન ને થયું, કદાચ મારો ઉચ્ચ હોદ્દો અને રૂઆબ જોઈને તેઓ લઘુતાગ્રંથી અનુભવતા હશે !

પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવવા કહ્યું, "ભાઈ ! અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો તો તેનો ઉત્તર આવો જ હશે કે, શું કરતો હતો તેનું હવે શું કામ છે ? "

પછી તે વડીલે સજ્જનને કહ્યું, "તમે નવા સવા છો એટલે તમને જણાવી દઈએ કે અમારા ગ્રુપનું નામ "ફ્યુઝડ બલ્બ એટલે કે ઉડી ગયેલા બલ્બનું ગ્રુપ કે ક્લબ છે" અમે ભવ્ય ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ. અમારો ભૂતકાળ જેવો પણ હતો ! અમે ત્યારે જેવા પણ હતા ! તે વાતને કાળની કુંડીમાં ધરબીને, એક સન્માનનીય, વયસ્ક નાગરિક, પરિવાર જનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ."

તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું નોકરી કે ધંધો કરતા હતા, તેમનો પરિચય હું જ આપી દઉં. તેઓ ઈસરો (ISRO) માં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે. તેમના દીકરાઓ અમેરિકામાં છે. પણ તેમને ભારતની સામાજિક લાઈફ ગમે છે તેથી તેઓ અહીં રહે છે."

પેલા સજ્જને એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું કે અહીં ગ્રુપના બીજા વડીલો માંથી કોઈ ભૂતપૂર્વ સાંસદ, કોઈ આઈએએસ, કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર, કે કોઈ રેલવેમાં મેનેજર હતા. હવે નિવૃત્ત જીવન જીવતા હતા."

પેલા સજ્જન ની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. હજી તો એ સજ્જન આ દ્વિધામાંથી બહાર આવે તે પહેલા જ એકબીજા વડીલે તેમને જણાવ્યું, "અમે બધા ફ્યુઝડ ઉડી ગયેલા બલ્બ તરીકે ના અસ્તિત્વનો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ. અત્યાર સુધી કંપની, બોર્ડ, ધંધા, માટે જીવ્યા. હવે અમે અમારી જોડે, અમારા માટે જીવીએ છીએ."

તેમણે આગળ કહ્યુ, " ઉગતા સૂરજને જ બધા પૂજે છે. હવે અમે આથમી ચૂક્યા છીએ. સંસાર પરિવર્તનશીલ છે તેવા ભગવત ગીતા ના બોધને આ રીતે જ લેવાનો છે. ભૂતકાળમાં જે મેળવ્યું એ મનોમન એક ઉપલબ્ધિ જરૂર માનીએ છીએ. ...અગાઉની અવસ્થાને મૃત્યુ સમજી, .....નવી અવસ્થા અને મનોસ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે.

તમે નવા નવા અમારા ગ્રુપની નજીક આવ્યા ત્યારે જ અમે સમજી ગયા હતા કે તમે પણ ઉડી ગયેલા બલ્બ છો પણ તમારું મન એ સ્વીકારતું ન હતું. તે અવસ્થા હવે તમારો ભૂતકાળ બની ગઈ છે. ફ્યુઝડ બલ્બ ભલેને ગમે તેટલા પાવરનો હોય પરંતુ ઝીરો અહંકાર ધરાવતો નવો બલ્બ આપણે ન બની શકીએ ??

પેલા સજ્જને આંખમાં ભીનાશ સાથે ગ્રુપને નમ્રતાપૂર્વક પૂછ્યું, ....."આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનો સભ્ય બનાવશો ??.🙏

મિત્રો, પદ, પ્રતિષ્ઠા, મોભો, દરજ્જો, છોડીને સાહજિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ !! અને પછી જુઓ કે કેવી મજા છે એમાં. - બાંકડે મળતા મીત્રો ને સમર્પણ 
      ("ભવેન કચ્છી" ના એક લેખનું સંક્ષિપ્તીકરણ)

______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post