ભાગેડુ (Bhagedu)

Related

"ભાગેડુ"

****************** શરદ મણિયાર 

અષાઢ માસ તેની પરિપૂર્ણતા એ હતો અને શ્રાવણ ના આગમનને વધાવવા વર્ષારાણી સોળે કળાએ ખીલ્યા હતા. વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા જાણે "સોનામાં સુગંધ" પુરાવી રહ્યા હતા. કુદરતે તો એનો ઉમળકો દર્શાવવા કોઈ કસર નથી રાખી, તો પણ, આજે વિશાખા ના અંતરની કોઈ અજ્ઞાત આકુળતા એને કેમ મૂંઝવી રહી હતી, એની ખુદ વિશાખા ને પોતાને જ જાણ નહોતી.

AVAKARNEWS
ભાગેડુ

આજની સવાર એના માટે કંઈ નવી નથી, બસ એ જ વ્હેલુ ઉઠવાનું, પોતાના નિત્યક્રમ ને ઝડપ ભેર આટોપી ને રોજના સમયે કોલેજ જવા નીકળી જવું. પણ આજે એવું તો શું હતું કે જે એને વારંવાર નિરુત્સાહી કરી રહ્યું હતું? સુમન, એની મમ્મી પોતાના સિલાઈ મશીન પર અતિ તીવ્ર ગતિએ પગ ચલાવી રહી હતી, પણ એ મશીન ની ઘરઘરાટી વિશાખા ના મસ્તક સુધી નહોતી પહોંચી રહી. પણ મમ્મીના સાદે એને થોડીક સજાગ અવશ્ય કરી દીધી. "અરે વિશુ, કેમ આજે આમ આટલી નિરાંતે તૈયાર થઈ રહી છે તું?" "તને કોલેજ જવાનું મોડું નથી થયું બેટા?" "હા મમ્મી, બસ તૈયાર જ છું, પણ આજે કોલેજ જવાનું મુડ નથી આવતું, કદાચ પહેલો પિરિયડ મિસ કરીશ તો પણ ચાલશે, હું પછી સોનાલી અથવા કરણ પાસેથી નોટ લઈ લઈશ." "પણ એવું ના ચાલે બેટા." મમ્મીએ મીઠો ઠપકો આપ્યો, "આપણું કામ આપણે જ કરવાનું હોય ને? કોઈ બીજાના ભરોસે ન રહેવાય. જો હમણાં બા પણ તૈયાર થઈ જશે, તારે એમને મંદિર સુધી તો લઇ જવા પડશે ને? નહિતર આટલા વરસાદમાં એવો એકલા કેમ જઇ શકશે બેટા?" મમ્મીના સિલાઈ મશીન ની ઘરઘરાટી એ વિશાખા ને થોડીક સચેત કરી પણ ઘરની બહાર પગ મુકવાનો એનો અણગમો તો અણનમ જ રહ્યો.

અને ત્યાં જ અચાનક ડોરબેલ ના રણકાર થકી આખા ઘર પર સન્નાટો છવાઈ ગયો. સુમન ના સિલાઈ મશીન ની ઘરઘરાટી એ પણ ચુપકીદી સેવી લીધી. વિશાખા અને સુમન બંનેવે એકબીજાની સામે પ્રશ્નાર્થ અને મૂંઝવણભરી દ્રષ્ટિગોચર કરી, "અત્યારે વળી કોણ આવ્યું હશે?" અન્ય કોઈ વિચાર ફરી પાછો એમની મૂંઝવણ વધારી દે એ પહેલા ફરી એક વાર ડોર બેલે એ બંનેવ ને વધુ મુંઝવી દીધા, પણ સુમને પોતાના મક્કમ અવાજે વિશાખાને દરવાજો ખોલવાનો આદેશ આપ્યો. મમ્મી ના બેડરૂમ થી નીકળીને ડ્રોઈંગ રૂમ મા પસાર થઇ ને વિશાખા એ દરવાજો ખોલ્યો અને એની સામે પ્રગટ થયેલી કોઈ અજાણી વ્યક્તિને જોઈને અનાયસે પૂછ્યું, "કોનું કામ છે ભાઇ?"

અને આવનાર વ્યક્તિએ ખૂબ જ વિનમ્ર અને મંદ સ્વરે પ્રત્યુતર આપ્યો, "સુમન છે ઘરમાં?"

"સુમન?" વિજળીથી પણ તીવ્ર ગતિએ સવાલોનું એક ઝાપટું વિશાખા ના મન મસ્તક પર તૂટી પડ્યું. "અરે હું જેને ઓળખતી પણ નથી એ વ્યક્તિ મારી મમ્મીને એના નામથી કઈ રીતે ઓળખે છે?"પણ મમ્મીના સાદે એને ફરી પાછી અસ્વસ્થ કરી દીધી, "વિશુ, કોણ છે બેટા?"

"ખબર નથી મમ્મી, પણ તમને ઓળખતા હોય એવું લાગે છે." વિશાખા ના આ જવાબથી આવનારી વ્યક્તિના ચહેરા પર સહેજ મુસ્કાન ઉપસી આવ્યું. "ભલે, તું એમને બેસાડ, પાણી આપ, બસ આ તારા ડ્રેસને છેલ્લો ટાંકો મારીને હું આવું છું." "આવોને પ્લીઝ", વિશાખા એ આગંતુક ને ઘરમાં પ્રવેશ આપીને રસોડામાં પાણી લેવા ગઈ. આવનાર વ્યક્તિ એ ડ્રોઇંગરૂમમાં પોતાનું આસન ગ્રહણ કરી ચારે બાજુ દ્ષ્ટિ ગોચર કરવાનું શરૂ કર્યું તો દિવાલ પર ફૂલહારથી સજેલા વસંતભાઈ ના ફોટા ને જોઈ ને આંખોમાં વિશાદ અને હોઠો પર ઉદગાર સરી પડ્યા "ઓ, બાપુજી ગયા?" અને ત્યાં જ વિશાખા પાણી લઈને ડ્રોઇંગરૂમમાં પ્રવેશી. "તું વિશાખા છે ને?" આવનાર વ્યક્તિ ના આ પુછાયેલા પ્રશ્ન ને બે જણાએ અલગ અલગ સ્વરમાં પોતાના પ્રત્યાઘાતો આપ્યા, "તમે?" વિશાખા એ હાથમાં પાણીનો ગ્લાસ સાથે રાખી ને પૂછ્યું અને સુમને પોતાના હાથમાં લીધેલા વિશાખા ના ડ્રેસ ને છેલ્લો ટાંકો મારવાનું બાકી હતો એ લઈ ને પૂછ્યું, "તમે?". જવાબ એક હતો પણ એના ભાવાર્થ જુદા જુદા હતા. કારણ કે ૧૪ - ૧૪ વર્ષોથી છિન્નભિન્ન થઈ ચૂકેલા અંતર મનને પળભર માં જોડવાનો આઘાત બંને માટે અસહ્ય હતો, એટલે આટલું જ પૂછી ને બંને જણા અવાક્ બની ગયા. પણ આવનાર વ્યક્તિ એ ઉભા થઇ ને સુમન ના ખભા ને હળવેકથી આશરો આપ્યો, પણ પ્રથમ ઉત્તર તો વિશાખા ને જ આપ્યો, "હા, વિશાખા, હું તારો પપ્પા છું".અને હવે સુમન ને સન્મુખ થઈ નીચી નજરે મૃદુ સ્વરે બોલ્યો, "અને તારો આલોક છું!!"-પણ સુમન ના મૃત મનમાં ફરી પ્રાણ નો સંચાર થયો, અને પોતાના હાથમાં ધરેલા વિશાખા ના ડ્રેસ ને જમીન પર પડવા દીધો અને ઝડપથી એ બંને હાથે આલોક ના બંને હાથને પોતાના ખભા ઉપર થી રીતસરના હડસેલીને દુર કર્યા અને કડક અવાજમાં માત્ર એટલું જ પૂછ્યું, "શું કામ પાછા આવ્યા છો તમે, હવે શું લેવા આવ્યા છો ફરી પાછા?".

વિશાખા ની વિશ્મયતા એની ચરમસીમા વટાવી ગઈ હતી. એણે એની જિંદગીમાં પ્રથમ વાર પપ્પા નામની કોઈ વ્યક્તિને એની સામે ઊભેલી જોઈ. "શું આવા હોય છે બધાના પપ્પા, કે જે માત્ર બે જ વર્ષની પોતાની કુમળી દીકરીને ત્યજીને અંતર્ધ્યાન થઇ જાય?" પણ વિચારોના ચક્રવ્યુહમાં એ પ્રવેશે એ પહેલાં જ આલોકે એને રોકી લીધી. "જો સુમન, હું કાંઈ લેવા નથી આવ્યો કે કંઈ દેવા પણ નથી આવ્યો, બસ મારી ભૂલ નું પ્રાયશ્ચિત કરવા પાછો આવ્યો છું".છતાંયે, સુમન ના અવાજમાં આજે ઉદ્વેગ ન હતો, સામે ચાલીને આવેલી નવી કોઈ મુસીબત ને પડકારવાની અને તેનો પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિ નો આવેગ વિશાખા જોઈ જ રહી. "તમે જે કરી એ ભૂલ નથી આલોક, પણ એક જધનય ગુન્હો હતો, અને ગુન્હાની સજા હોય છે તેનું પ્રાયશ્ચિત નથી હોતું. હવે આ ઘર પર અને ઘર ના તમામ સદસ્યો પર તમારો કોઈ અધિકાર નથી, સામાજિક દ્રષ્ટિએ કે કાયદાકીય દૃષ્ટિએ તમને અમારી સાથે કાંઈ લેવાનો કે કંઈ દેવાનો હક્ક જ નથી રહ્યો. સુમન ની મક્કમતા વધુ સજ્જડ બની, પણ આલોક નો પ્રલાપ અટક્યો નહીં, "એવું કેમ બોલે છે સુમન? હું હજુયે કાયદાકીય દૃષ્ટિએ તારો પતિ અને વિશાખા નો પિતા તો છું જ ને?" પણ સુમને એનો પ્રતિકાર ચાલુ જ રાખ્યો, "આલોક, સાગર તટ પર પડેલાં પગલાં જેમ પાણીની લહેરો આવતા વિખેરાઈ જાય છે, એમ તમે માંડેલા પતિ અને પિતાના તમારા બંને પગલાં તો ક્યારના સમય ની લહેરો મા તણાઈ ગયા છે, અને તમે હવે ફરી પાછા એ જ રેતીના ઢગમાં થી ઘર બનાવવા આવ્યા છો? મહેરબાની કરીને તમે હમણાંજ જે દરવાજાથી અંદર પ્રવેશ્યા એ દરવાજો તમારી દીકરી વિશાખા એ ભૂલ થી ખુલ્લો જ રાખ્યો છે ત્યાંથી પાછા વળી જાવ." પણ આલોકે એનો પ્રયાસ નહીં છોડ્યો, "સુમન, એ જ ધર ના દરવાજા ઉપર આજે પણ મારા પપ્પા વસંતલાલ તારાચંદ ઉદેશી ના નામ નું બોર્ડ લાગેલું છે, એટલે હું હક્ક થી કહી શકું છું કે આ મારા બાપનું ઘર છે જેમાં રહેવાનો મને પુરેપુરો હક છે, કાયદાકીય દૃષ્ટિએ પણ અને સામાજિક દૃષ્ટિએ પણ".

"તો તારી બહુ મોટી ભૂલ થાય છે બેટા આલોક". મંદિરે જવા તૈયાર થઈને ડૉઈગરૂમ માં પ્રવેશેલા બા સવિતાબેન ના અણધાર્યા આક્રમણ સામે આલોક દિગ્મૂઢ થઈ ગયો, "અરે બા તમે?"

અને પોતાની શરણાગતિ સ્વીકારવા એ બા ના ચરણસ્પર્શ કરવા જઈ રહ્યો હતો ત્યાં જ બા એ પોતાના પગલાં પાછા લીધા. "એની હવે કોઈ આવશ્યકતા નથી બેટા, ભગવાન ના પણ દર્શન કરવાનો એક સમય હોય છે. કસમયે ભગવાનને પણ ન જગાડવા. અને તારો સમય અને મારો સંયમ તો તું ક્યારનોય ગુમાવી ચુક્યો છે, અને આ ઘર પર તારો કાયદાકીય અધિકાર પણ તે ક્યારનો ગુમાવી દીધો છે". સવિતાબેન ના સ્વરમાં ઠાવકાઈ હતી. "એટલે તમે કહેવા શું માગો છો બા? કઈ રીતે મારો અધિકાર હવે આ ધર પર નથી રહ્યો?" આલોક ના પ્રશ્ને સવિતાબેને વધુ ઉગ્ર ભર્યા સ્વરમાં ઉત્તર વાળ્યો, "કારણ કે તારા પપ્પા ને આજ દિવસના આવવાનો અણસાર હતો જ, એટલે એમણે એમના મૃત્યુ પહેલાં જ આ ઘરને એમની લાડકી પૌત્રી વિશાખા નામ પર ટ્રાન્સફર કરીને એક વસિયતનામું તૈયાર કરાવી લીધું હતું જેમાં હું અને સુમન, અમે બંનેવે કાયદાકીય સાક્ષી બનીને તેમના આ નિર્ણયને સંમતિ આપી હતી, એટલે હવે આ ઘર પર અમારો પણ અધિકાર નથી રહેતો, કારણ કે વિશાખા હવે પુખ્ત વયની થઈ ગઈ છે એટલે પણ આ ઘરની કાયદાકીય રીતે એ જ માલિકણ કહેવાય, પણ સુમન ની એવી ઇચ્છા હતી કે તારા પપ્પા નું નામ અને એમના આશીર્વાદ આ ઘર પર કાયમ રહે એટલે એમના જ નામનું પાટિયું આ ખુલ્લા દરવાજા પર છે, જ્યાંથી હવે તારે પાછા વળવાનું છે, સમજયો બેટા?" "વાહ, બા વાહ, તમારો જવાબ તો લાજવાબ હતો" મનોમન સુમન થી આવું વિચારાઈ ગયું. પણ હારેલો જુગારી બમણું રમે એમ હવે છેવટે આલોકે લાગણી નું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું, "અરે બા, છોરું કછોરું થાય પણ માવતર તો કમાવતર ન જ થાય ને, અને સવાર નો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો એને ભૂલેલો તો ન જ કહેવાય ને?" આંખોમાંથી સાચા-ખોટા ઝળહળ્યા આવ્યા, પણ બાની મક્કમતા ને પીગળાવી ન શક્યા. અને બા એ પણ સામે વળતો વજ્ધાત કર્યો, "બેટા, દુર્યોધન જેવા કપૂત માટે તેના માવતર કમાવતર ન થયા એટલે જ મહાભારત રચાયું, અને આલોક બેટા, સવાર અને સાંજ વચ્ચે ફક્ત આઠે'ક કલાકનો જ ગાળો હોય છે, તો એટલા જ સમયમાં જો કોઈ પાછો આવે તો એને ભુલેલો કહેવાય પણ ૧૪ - ૧૪ વર્ષોના એક યુગ સમા લાંબા ગાળા પછી જો કોઇ પાછો આવે તો એને "ભૂલેલો" ન કહેવાય, એને તો "ભાગેડુ" કહેવાય, જા ભાગી જા, હવે તારા જેવા ભાગેડુ માટે આ ઘરમાં કે અમારા અંતરમાં ક્યાંય જગ્યા નથી."

અને બા વિશાખા ના બાવડા ને સખત હાથે ઝાલીને એને ઘરની બહાર લઈ ગયા.

આજે વિશાખા ને એમ લાગ્યું કે એ બા ને મંદિર માં મુકવા નથી જઇ રહી પણ બા એને કોલેજ સુધી મુકવા આવી રહ્યા છે.

            લેખક - શરદ મણિયાર (પુણે મહારાષ્ટ્ર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post