નંદોત્સવ - Nandotsav

Related

નંદોત્સવ ..."
****************
લખમીમાએ કહ્યું,"કાન્હા, આવતી જન્માષ્ટમીએ તારે મારા ઘરે આવવું પડશે. હું તારા મંદિરે નહિ આવું."

માધોપુર નામનું એક નાનકડું ગામ. પચાસેક ખોરડા. જમીનદાર અને બીજા ખેતરમાં કામ કરતા ખેત મજૂરો. આશરે સો...સવાસો માણસની વસ્તી. નંદરાય ગામના મુખી તેમના પત્ની જશોદા અને ઘરના વડીલ નંદરાયના માતા લખમી મા.. નાનું સુખી કુટુંબ. 


#આવકાર
નંદોત્સવ

લખમીમા શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. સવારે વહેલા ઊઠીને ઠાકોરજીની પૂજાનો નિયમ. નંદરાય અને જશોદા પણ શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. ધાર્મિક વારસો લખમી માતા તરફથી મળ્યો હતો. નંદરાય ખૂબ જ ભલા દયાળુ અને સેવાભાવી હતા. ગામમાં દરેક નાના-મોટા ને જરૂર પડે ત્યારે રાત દિવસ જોયા વગર મદદ કરતા. નંદરાયની હવેલી ખૂબ જ વિશાળ હતી. ઘરમાં નોકર ચાકર..ખેતરો.. દુધાળા ઢોરો..આટલી સમૃધ્ધિ હોવા છતાં પણ તેમને શેર માટીની ખોટ હતી. લગ્નના 12 વર્ષ થયા છતાં પણ જશોદા માતા બની શકી નહીં. હવે તો નંદરાયની ઉંમર પણ ચાલીસે પહોંચી હતી. લખમી મા ઠાકોરજીને રોજ કાલાવાલા કરતા. હે.. મારા કનૈયા.. હે મારા ઠાકોર.. મારા ઘરે ક્યારે પારણું બંધાશે? હે કાના.. તું મારા ઘરે ક્યારે પધારશે?

દર વર્ષે જન્માષ્ટમી પર ગામના બધા લોકોને લઈને નંદરાય ગાડાઓ જોડીને બે ગાઉ દૂર આવેલા રાધા-કૃષ્ણના મંદિરે બધાને દર્શન કરાવવા લઈ જતા. સૌથી આગળ લખમી મા અને જશોદાનું વેલડું રહેતું. બીજા ગામના જમીનદારો પણ પોતાના ગાડામાં ગામવાસીઓને લઈને જતા. રાત્રે બાર વાગે કનૈયાનો જન્મ થાય પછી દર્શન..આરતી.. કરીને સૌ પાછા ગામમાં આવી જતા. બીજે દિવસે છડીનોમને દિવસે નંદરાય તરફથી આખા ગામને જમવાનું નોતરું મળતું.

આજે પણ જન્માષ્ટમી હતી. નંદરાય સૌ ગામવાસીઓને લઈને મંદિરે જવા નીકળ્યા.મંદિરે પહોંચીને સૌએ રાત્રે બાર વાગ્યે શ્રી કૃષ્ણના જન્મ વખતે ભાવવિભોર થઈ આરતી કરી અને મંદિર "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી.."ના નાદથી ગાજી ઉઠ્યું.

આજે લખમી મા આરતી કરતા કરતા રડી પડ્યા. આજીજી કરતા કહેવા લાગ્યા,” કાન્હા…મારી ભક્તિમાં એવી તે કઈ ભૂલ છે કે મારા ઘરમાં શેર માટીની ખોટ છે? તુ મારી આસ્થા છે, મારો વિશ્વાસ છે કાન્હા. પછી આંસુ લૂછી નાખ્યા અને કહ્યું,” તુ રિસાયેલો છે, જીદ લઈ બેઠો છે તો તુ પણ સાંભળી લે મુરલીધર !” મને પણ મારી ભક્તિ પર અટલ શ્રદ્ધા છે અને બોલ્યા," સાંભળી લે કનૈયા, આજે હું છેલ્લીવાર તારા મંદિરે આવી છું."આવતી જન્માષ્ટમી પર તું મારા ઘરે આવશે. હું તારા મંદિરે હવે નહીં આવું.

કનૈયો લક્ષ્મી મા ની વાત ... તેમની આજીજી.. એમના કાલાવાલા..એમની ભક્તિ સામે હારી ગયો.જન્માષ્ટમીના બીજે જ મહિને જશોદા ગર્ભવતી થઈ. લખમી મા ઘરના મંદિરની મૂર્તિ સામે હરખના આંસુ સાથે નમ્યા ને જોયું તો એવું લાગ્યું કે મૂર્તિ મંદ મંદ હસી રહી હતી. પૂરા ગામમાં આનંદ છવાઈ ગયો. સૌ ગામવાસીઓ ભેગા થઈ નંદરાયજીને ત્યાં વધાઈ આપવા ભેગા થયા ત્યારે લખમીમાએ કહ્યું," હવે જન્માષ્ટમીનો ઉત્સવ મારા ઘરે થશે. આવતી જન્માષ્ટમી મારા ઘરનો "નંદોત્સવ" બની જશે. આપણે સૌ આ હવેલીના આંગણામાં જ કનૈયાને ઝુલાવીશું. સૌ ગામવાસીઓ ખુબ જ ખુશ થઇ ગયા.

પૂરા નવ માસે જશોદાએ દીકરાને જન્મ આપ્યો.લખમીમાએ એનું નામ કિશન પાડ્યું. લખમીમાએ કનૈયાની મૂર્તિને બે હાથ જોડી કહ્યું "કનૈયા.. મેં તને કહ્યું હતું ને કે હવે તારે આવવું પડશે અને જો તુ આજે મારા ઘરે પધાર્યો.". તે મારી લાજ રાખી..'ને આંખમાંથી આસુંની ધારા વહેવા લાગી. ચાર દિવસ પછી જન્માષ્ટમીનો તહેવાર આવતો હતો. સૌ ગામ વાસીઓ નંદરાયના ઘરે આવીને ખૂબ જ ઉત્સાહથી જન્માષ્ટમીની તૈયારી કરવા માંડ્યા. સૌથી પહેલાં તો હવેલીને શણગારવાનું શરૂ થયું.ગામવાસીઓએ કાન્હા માટે સરસ મજાનું એક પારણું તૈયાર કરવા માંડ્યું. જન્માષ્ટમીની તૈયારી કરતા કરતા હવે એક જ દિવસ બાકી હતો. હવેલી આસોપાલવના તોરણોથી સજાવી હતી. કનૈયાનું પારણું ફૂલોથી સજાવ્યું હતું. પ્રાંગણમાં સુંદર રંગોળી સજાવી હતી. દીવા અને ધૂપથી વાતાવરણ દેદીપ્યમાન બન્યું હતું. આસોપાલવના તોરણ પારણે બાંધ્યા. લખામી મા એ કનૈયાના વાઘા જાતે સીવેલા હતા. માથે મોરપિચ્છનો સુંદર મુગટ બનાવ્યો હતો. જન્માષ્ટમીને દિવસે જાતજાતની મીઠાઈઓ ઘરે જ બનાવી. કનૈયા માટે માખણ બનાવવામાં આવ્યું. ગામલોકોએ માટલી ફોડવા માટેની તૈયારી કરવા માંડી અને આખું ગામ હરખની હેલીએ ચડ્યું હતું.

લખમીમાએ રાત્રે બાર વાગે કનૈયાને પારણામાં પધરાવ્યો અને ગામવાસીઓએ શંખનાદ કર્યો.. ઘંટારવ કર્યો.. અને લખમીમા હાથમાં મંજીરા લઈ કનૈયાનો જયજયકાર બોલાવવા લાગ્યા. નંદરાય અને જશોદા શ્રી કૃષ્ણને પારણે ઝુલાવવા લાગ્યા.

સૌ એકનાદે બોલી ઉઠ્યા.. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી.. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી..

આજે જન્માષ્ટમીનો ઉત્સવ માધોપુરમાં નંદોત્સવ બની રહ્યો.

                           — રીટા મેકવાન "પલ" (સુરત)

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post