## જોઈએ છે ??"
*************************
શહેરની મધ્યમાં આવેલા, મુખ્ય રસ્તા પર "છાંયડો" વૃદ્ધાશ્રમની બહાર ફૂટપાથ પર, ઝાડની નીચે એક વૃધ્ધ દંપતી બેઠું હતું. સાથે થોડો ઘરનો સામાન.. બે પ્લાસ્ટિકના ડબ્બામાં દાળ અને ચોખા હતા. એક જુની પેટીમાં બન્નેના કપડાં હતા.
એક પતરાના કટાઈ ગયેલા ડબ્બા પર "જોઈએ છે ?" લખ્યું હતું. આવતા જતા લોકો વાંચતા હતા. હસતા હતા અને જતા રહેતા.
બપોરના સમયે એક મર્સિડિઝ ત્યાંથી પસાર થતી હતી. એના માલિકે અંદરથી ડબ્બા પર લખેલું વાંચ્યું અને કુતૂહલથી પ્રેરાઈને ડ્રાઈવરને ગાડી રિવર્સમાં લેવા કહ્યું. એ હતો બત્રીસ વરસનો, શહેરનો નામાંકિત, બાહોશ એડવોકેટ નિરંજન પંડ્યા."
જાજરમાન વ્યક્તિત્વનો એ યુવાન ગાડીમાંથી નીચે ઉતરી ઝાડ નીચે પેલા વૃધ્ધ દંપતી પાસે ગયો. ..જય શ્રી કૃષ્ણ...વડીલ...કહીને ફૂટપાથ પર બેસી ગયો.
વૃધ્ધ પુરુષે ઊંચું જોયું અને બે હાથ જોડી જય શ્રીકૃષ્ણ ..કહ્યું.
માજી પણ બોલ્યા..દીકરા..જય શ્રી કૃષ્ણ...
નિરંજને પૂછ્યું, વડીલ...આ "જોઈએ છે ?" એટલે શું ?
આટલું પૂછ્યું ત્યાં તો બન્ને વૃધ્ધોના આંખોમાંથી ટપ.. ટપ..આસું.. સરવા માંડ્યા. નિરંજને મન હળવું કરવા રડવા દીધા.
વૃધ્ધ બોલ્યા, “દીકરા..એકનો એક દીકરો વિધાતાએ છીનવી લીધો, ભાડાનું ઘર મકાન માલિકે ખાલી કરાવ્યું.અહીં આ વૃદ્ધાશ્રમમાં આશરો મળશે એ આશાએ આવ્યા..પણ..મહિને બન્ને જણના ચાર હજાર રૂપિયા ભરવાના ક્યાંથી લાવું ? એટલે અહીં બહાર બેસી ડબ્બા પર ચીતર્યું..કે કોઈને માબાપ જોઈએ છે? દીકરા..માબાપ તો ખાલી કહેવા ખાતર,બાકી અમે બંને ઘરનું બધું કામ કરીશું.
ને માજી મોઢે સાડલાનો ડૂચો દબાવી આંખો નિતારી રહ્યા.
નિરંજનની આંખો અને હ્રુદય ભરાઈ આવ્યું. એણે કહ્યું, બાપુ, અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે નિઃસંતાન માબાપ બાળકોને દત્તક લે છે. હું તમને માબાપ તરીકે દત્તક લઈ નવો ચીલો ચીતરીશ..પણ..બીજું પણ કંઈ જોઈએ છે તમારી પાસેથી.”વૃદ્ધ બોલ્યા, દીકરા ..જો...આ અમારો અસબાબ..અહી જ પડ્યો છે.. એ સિવાય બીજું કંઈ નથી.
નિરંજન માજી પાસે ગયો. બન્ને હાથમાં માજીનું મોં પકડી બોલ્યો, “મા..તારી મમતાનો, તારા પાલવનો મીઠો છાંયો મને જોઈએ છે એમ કહીને માજીએ ઓઢેલી, ફાટેલી, મેલી સાડીનો પાલવ માથે મૂક્યો અને બોલ્યો, “બાપુ..તમારી લાગણીના ભીના સ્પંદનો મને જોઈએ છે..બોલો આપશો ?” બોલતા બોલતા બન્ને ને ભેટી પડ્યો.આંખોમાં લાગણીઓના ઘોડાપૂર ઉમટી રહ્યા હતા.
વૃધ્ધ..આ કળિયુગના શ્રવણને જોઈ રહ્યા. માજીએ ખીચડી બનાવી હતી. એક તૂટેલી રકાબીમાં લઇને નિરંજનને આપી.
પ્રસિધ્ધ એડવોકેટ ખીચડી એ રીતે ખાઈ રહ્યો..જે રીતે કૃષ્ણએ સુદામાના તાંદુલ ખાધા હતા.
નિરંજને બન્ને જણને ગાડીમાં બેસાડ્યા. બધો સામાન માજીને પૂછીને વૃદ્ધાશ્રમમાં આપી દીધો..પણ.. "જોઈએ છે ?" લખેલો પતરાનો ડબ્બો ડિક્કીમાં મૂકી દીધો.
એક આલીશાન બંગલા પાસે ગાડી ઉભી રહી. બન્ને જણના હાથ પકડી ગાડીમાંથી નીચે ઉતાર્યા અને બહારથી જ બૂમ પાડી..ગુંજા.. ઓ..ગુંજા..જો ..કોણ આવ્યું છે ? અને નિરંજનની પત્ની બહાર આવી. બન્ને વડીલોને જોયા.કંઈ પણ પૂછયા વિના સૌથી પહેલા પગે લાગી.હાથ પકડી અંદર લઈ ગઈ.
નોકર પાણી લઈ આવ્યો. નિરંજને ગુંજાને બધી વાત કરી. ગુંજા અને નિરંજને કહ્યું, આજથી તમે અમારા માતાપિતા છો. અમે તમને મા ને બાપુ કહીશું અને હા..તમે અમારા ઘરમાં નહિ પણ અમે તમારા ઘરમાં રહીએ છીએ.આ ઘર તમારું છે. બન્ને વૃદ્ધોની આંખોમાં ચોમાસુ બેઠું હતું.’સદા સુખી રહો’ કહી બન્નેને આશીર્વાદ આપ્યા.
સમય વીતવા લાગ્યો. બે વરસ થઇ ગયા.
દિવાળીના દિવસો ચાલી રહ્યા હતા.ઘર દીવડાઓ અને લાઈટિંગથી શોભી રહ્યું હતું. માજી દરરોજ નવી રંગોળીથી ઘરને સજાવતા હતા. દિવાળીના દિવસે ઘરમાં બનાવેલા મંદિરમાંથી પૂજા કરી મા બાપુ બહાર આવ્યા અને ચા પીવા બેઠા ત્યારે ડાઇનિંગ ટેબલ પર બે વરસ પહેલાંનો
“ જોઈએ છે ?” લખેલો પતરાનો ડબ્બો જોયો.
સામે નિરંજન અને ગુંજા બન્ને માબાપની સામે જોતા બેઠા હતા. મા એ પૂછ્યું..બેટા...આ શું છે? આ તો પેલો અમારો ડબ્બો !!
નિરંજનના બાપુ બોલ્યા..બેટા..આ " જોઈએ છે " ? એટલે શું ?
નિરંજન ઊઠયો અને મા બાપુ પાસે ગયો ને બોલ્યો, મા..બાપુ..આ તમારી વહુ પૂછે છે કે ..તમને પૌત્ર કે પૌત્રી..."જોઈએ છે ?" ને ગુંજા શરમાઈ ગઈ.
માજી ઊઠ્યા ને ગુંજાને માથે હાથ મૂકી આશિર્વાદ આપતા કહ્યું...હા..અમારે દાદા..દાદી બનવા સરસ મજાની તારા જેવી..ઢીંગલી જોઈએ છે. ઘરમાં બધાનો ખડખડાટ હાસ્યનો પડઘો પડી રહ્યો.
માજીએ કહ્યું, “વહુ.. કાલથી નવું વરસ શરૂ થાય છે.આવતા વર્ષે તો આપણું ઘર બાળકની કિલકારીઓથી ગુંજતું હશે. આપને બધા સાંજે ઇશ્વરનો આભાર માનવા દેવદર્શને જઈશું. નિરંજન અને પૂજાએ હા..કહ્યું અને બન્ને વૃદ્ધો આકાશ સામે મીટ માંડીને પૂછી રહ્યા..”હે નિયતિ.. અકળ છે તારી ગતિ.”
— રીટા મેકવાન "પલ" (સુરત)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories