પ્રારબ્ધનું બંધન (Prarbdha Bandhan)

Related

"પ્રારબ્ધનું બંધન" – (સત્ય ઘટના)
-----------------------------Ramesh Jani_

“દેહની પીડાથી વિશેષ હતું એ મૂક બંધન!
આંસુના એક ટીપાં થકી, પ્રારબ્ધે આખરી હસ્તાક્ષર કર્યા."

કચ્છનું રાપર, જે વાગડ તરીકે ઓળખાય છે – સાચે જ આ પ્રદેશ પાણા અને પવનના જોર માટે જાણીતો છે. સન ૧૯૮૯માં, મારી બદલીએ મને પલાસવા પહોંચાડ્યો, જ્યાં મે મારું નિવાસસ્થાન ગાગોદર રાખ્યું હતું.

#આવકાર
પ્રારબ્ધનું બંધન

વાગડની આગવી સંસ્કૃતિ છે, અહીંના લોકોની જેમ અહીંની ધરતી પણ મજબૂત કાઠીની. છ-સાત ફૂટની સરેરાશ ઊંચાઈ ધરાવતા લોકોની આ ભૂમિ, જ્યાં ડરવું એ કાયરતા ગણાય અને મોટાભાગના યુવાનો મુંબઈ પહોંચી જાય અહીના યુવાનોમાં સરકારી નોકરી કરતાં ધંધાની ધગશ વધુ રહે છે.

*******
વાત છે ૨૫મી ડિસેમ્બરની ધ્રૂજતી રાતની. હું મીટિંગ પૂરી કરી રાપરથી ગાગોદર જવા નીકળ્યો. છકડો રાધનપુર હાઇવે પર મેવાસા પાટિયાથી આગળ વધ્યો, અને ત્યાં જ છકડાના ધીમા પ્રકાશમાં, માર્ગની બાજુમાં, લોહીના લાલ રંગમાં લથબથ એક નીલગાય (રોઝ) મૃત્યુ અને જીવનની વચ્ચે ઝોલાં ખાતુ પડ્યું હતું.

મારો સહયાત્રી દેવા ભરવાડ પણ જોતા વેત બોલી ઉઠ્યો: "ભીણ...* કોઈ રોઝને ભટકારીને ભાગી ગયો છે."

અમે છકડો ઊભો રાખી પાસે ગયા. મેં વાત્સલ્યથી હાથ ફેરવ્યો, પણ ઘાયલ પ્રાણી ડરથી થરથર કાંપવા લાગ્યું, જાણે માણસજાત પરનો વિશ્વાસ ક્યારનોય તૂટી ગયો હોય.

મેં એની આંખોમાં જોયું. એ નિર્દોષ આંખોમાંથી મૂક વેદનાનાં આંસુની ધાર વહેતી હતી—એ રડતું હતું, પણ અવાજ વિના. તેનું શરીર એટલું ઘવાયેલું હતું કે જાતે બેઠું થઈ શકે તેમ નહોતું.

મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું, મારી છાતીમાં જાણે કોઈએ ઊંડો ઘા કર્યો હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. અને એ જ ઘડીએ મારા મનમાં વીજળીની જેમ એક વિચાર ઝબકયો કે રાત્રે કૂતરાં કે જંગલી જાનવર આને ફાડી ખાશે તો!?

મે દેવા ને કહ્યું કે આને ગાગોદરની પાંજરાપોળમાં મૂકી આવીએ તો કેમ! ...દેવાએ કહ્યું કે પણ સાહેબ અમે ત્રણ જણાં તેને ચડાવી નહીં શકીએ. હું થોડા માણસો ને હમણાં બોલાવી લાવું છું. .તે તરત જ પાંચ-છ મજબૂત પશુપાલકોને લઈને પાછો આવ્યો.

દેવો ગયો ત્યાં સુધી મેં એ મૂક જીવ પર હાથ ફેરવ્યો, બોટલમાંથી ધીમેથી પાણી પીવડાવ્યું. એણે મારી સામે જોયું. એની આંખોમાં કોઈક અકથ્ય સંવાદ હતો, દેહ તો ઘાયલ હતો, પણ આત્માનો સંબંધ અકબંધ હતો, એ મને કઈક કહેવા માગતું હશે, પણ હું ક્યાં ज्ञानी હતો કે એની આ મુક ભાષા સમજી શકું!

મહામહેનતે તેને છકડામાં ચડાવી પાંજરાપોળમાં પહોંચાડ્યું. પગ લગભગ ભાંગી ગયેલા, આખા શરીરે ઊંડા ઘાવ. મેં તાત્કાલિક પશુ ડૉક્ટરને બોલાવી ઇન્જેક્શન અપાવ્યું અને ડેસિંગ કરાવ્યું. ડૉક્ટરે આશ્વાસન આપ્યું કે "હવે પીડા નહીં થાય" કહી બસ્સો રૂપિયા વિજીટ ફી લઈ રવાના થયા.

હું પણ ઘરે આવ્યો, પણ મારા હૃદયને શાંતિ નહોતી. જમીને હું ફરી પાંજરાપોળ પહોંચ્યો અને રોઝની બાજુમાં બેઠો. મેં હાથ ફેરવતાં જ એની આંખોમાંથી ફરી આંસુની ધાર વહી – આ વખતે કદાચ વિશ્વાસની. તેની સામે ચારો પડ્યો હતો, પણ એક તણખલું પણ ખાધું નહોતું. મારું હૃદય એ રીતે ભરાઈ આવ્યું, જાણે કોઈ મારું પોતાનું સ્વજન દર્દમાં હોય.

હું ગુમસુમ ઘરે આવ્યો પણ,, એ રાત મારી આંખોમાંથી નિંદ્રાના પંખી ઊડી ગયા. એ મૂક આંસુઓએ મને આખી રાત હલબલાવી મૂક્યો.

બીજા દિવસે સવારે જ્યારે પાંજરાપોળના માણસે કહ્યું કે, "સાહેબ, રોઝ મરી ગયું..." ત્યારે મારા હૃદયને એવો આઘાત લાગ્યો જાણે મેં કોઈ સ્વજન ગુમાવ્યું હોય.

લાલજીભાઈ શાહ નામના ટ્રસ્ટીએ પણ એને પોતાના સ્વજનની જેમ વિદાય આપી.

પુર્વ જન્મ ની મને ખબર નથી,,પણ જ્યારે પણ આ ઘટના યાદ આવે છે, ત્યારે મારી આંખો અનાયાસે ભીની થઈ જાય છે. કદાચ અમારો કોઈ ઋણાનુંબંધન હશે, જેને આપણે "પ્રારબ્ધ" કહીએ છીએ.

ઘણીવાર આપણું આધિપત્ય આપણા પર નથી હોતું, પણ કોઈક શક્તિ છે જે યોગ્ય સમયે આપણને ઋણાનુંબંધન માંથી મુક્ત કરાવે છે. શાંતિ ૐ શાંતિ શાંતિ. 🙏 – કથાબીજ: અનિલભાઈ પંડયા પાટણ. — લેખક: Ramesh Jani__✍🏻
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post