ઓલા ભવનું ઉધાર (Udhar)

Related

 ઓલા ભવનું ઉધાર
******************** - વાસુદેવ સોઢા

મેલું ઘાણ ફાળિયું એણે માથેથી ઉતાર્યું. ફાળિયાના છેડેથી તેણે મોં પર વળેલો પરસેવો લૂંછ્યો. પછી પોતાના દેહ તરફ એક નજર નાખી. જ્યાં ત્યાંથી ફાટેલા લૂગડાં જોઈને ઘડીક એને મનમાં થયું - શેઠ મને સામે ઉભો રહેવા દેહે!? મારા દરહણ જોઈને જાકારો દેહે તો?

#આવકાર
ઓલા ભવનું ઉધાર

" ઠીક, જે માતાજી. "મનમાં આવેલી શંકાને હાંકી કાઢવી હોય એમ એણે ફાળિયાની ઝાપટ વીધરાઈ ગયેલી ચોરણીના પાયસે મારી. ધૂળધૂળ ભરેલી ચોરણીમાંથી રજોટ ઉડવા લાગી. તેના મનને સંતોષ થયો.- કંઈક ઉજળી થઈ. નકર ધૂળધૂળ ભરી' તી.

તાતણીએથી હાલતા હાલતા બાઢડાનાં પાદરમાં પગ મુકતા તાતણીયાનાં એ ગરીબ કોળીના મનમાં ઘણી શોખમણ થાતી' તી.

પાદરમાં ઉભા ઉભા એણે ચોતરફ નજર નાખી. તેના ઉદાસ મોં પર વીરડામાં પાણી તબકે એમ આશા તબકી.' હાલ જીતવા, ઘેલાણી શેઠનાં હૈયે રામ હશે તો પાછો નહીં કાઢે.'

બાઢડા ગામના ઘેલાણી શેઠનું નામ આખા પંથકમાં દૂધ જેવું ઉજળું હતું. તેના ઘેરે લક્ષ્મીનો વાસ હતો. સમૃદ્ધિની છોળો ઉડતી હતી. નાનકડા બાઢડા ગામમાં ઘેલાણી શેઠની દુકાન હતી. નાની મોટી દરેક ચીજ વસ્તુ ઘેલાણી શેઠની દુકાને મળતી. કરિયાણા, ગંધિયાણાથી માંડીને મકાન માટે નળિયા, કાટમાળ શીખેનો શેઠનો વેપાર હતો.

વર્ષ કોરું ધાકોર ગયું.દુકાળનાં ઓળાઓ આખા પંથકમાં ભૂતાવળ બનીને ભમવા લાગ્યા હતા. ભલભલા ખમતીધર ખેડૂત પણ આ દુકાળનો કારમો કાળ કેમ કાઢવો તેની મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એમાં ઉભડ અને મજૂરને વરસ વટાવવું બહુ વહમું હતું. પાણીના કૂવાઓ વહુકી ગયા હતા.

કાળવર્ષને કાપવા ખેડૂતો ઘેલાણીશેઠ પાસે આવતા. ઘેલાણીશેઠ પાસેથી ઉધાર લઈ લઈને કાળ કાપી નાખવાની વેતરણમાં સૌ હતા. આ વર્ષ જેમતેમ નીકળી જાય તો આવતા ચોમાસા ભેળા થઈ જવાય.

ઘેલાણીશેઠનું દિલ ઉદાર હતું. કપરાકાળમાં માણસના કામમાં હું નહીં આવું તો ક્યારે આવું?એવું શેઠનું દિલ કહેતું .આસપાસના ગામડાના ખેડૂતો પણ ઘેલાણીશેઠ પાસેથી ઉધાર લઈ જતા. દાણા સાથે નાણાંની પણ જોગવાઈ કરી જતા. શેઠ સૌને સંપત પ્રમાણે ધિરધાર કરતા. ચોપડા ખુલ્લા રાખીને કલમથી નામ, રકમ કે માલ જે આપ્યું હોય તે ટપકાવી લેતા.

તાતણીયાના આ ગરીબ એવા દેવસી કોળીને થયું કે હું પણ બાઢડે શેઠ પાસે જાવ.વર્ષ કપાય એટલું ઉધાર આપે તોય બસ. પણ પોતે સાવ ખેત મજૂર હતો. તેની પાસે વાડી કે ખેતર ન હતું. વળી શેઠની આંખની પણ ઓળખાણ ન હતી. કોઈકે મશ્કરી કરીને દેવશીને ચડાવી માર્યો. - અરે ઘેલાણીશેઠ જેનું નામ. તું જાતો ખરો. શેઠ તો આ ભવ તો શું? ઓલા ભવનું ઉધાર આપે છે.'

ગરીબીથી ભાંગી ગયેલ દેવશીના મનમાં આ વાત ઠસી ગઈ. એ તેની લાચારી હતી. દુઃખ હતું. મોટો વસતારી હતો. છોકરાના વિલાં મોઢા તેની સામે તરવરી રહ્યા હતા. આ ભોળા કોળીના મનમાં એવું ન આવ્યું કે કોઈ ઓલા ભવનું ઉધાર ન આપે. તેને એ પણ ખબર ન પડી કે આ બધા મારી ઠેકડી ઉડાડી રહ્યા છે. સાવ ભગવાનનો માણસ હતો. એ તો મનમાં ઉજળી આશા લઈને નીકળી પડ્યો. આવ્યો બાઢડે.

" ભાઈ, ઘેલાણીશેઠની દુકાન કેમની આવી?" દેવશીએ બાઢડાની બજારમાં પ્રવેશતા જ એક ખેડૂત જેવા લાગતા માણસને પૂછ્યું.

ઘડીક તો ખેડૂત દેવશી તરફ તાકી રહ્યો. અજાણ્યો માણસ ને આવો ચિંથરે હાલ..!અને એ પણ ઘેલાણીશેઠનું પૂછે છે...!!

" એ.. સામે આઘેરાક જાવ,એટલે ઊંચા ઓટલાવાળી દુકાન આવશે.બસ એ જ ઘેલાણીશેઠની દુકાન"

" બહુ સારું ભાઈ" કહીને દેવશી આગળ ગયો.

દુકાનની આગળ આવીને ઉભો રહ્યો. અંદર નજર કરી તો શેઠ બગલાની પાંખ જેવા ઉજળા ગાદી તકીએ બેઠા હતા. તેની સામે ચાર પાંચ ખેડૂતો બેઠા હતા. શેઠ ચોપડામાં કંઈક લખી રહ્યા હતા. કેટલાક ખેડૂતોને માલ તો કેટલાક ખેડૂતોને શેઠ રૂપિયા ગણી દેતા હતા.

દેવશીના મનમાં આ જોઈને આશાનો અંકુર મૂરજાવા લાગ્યો. અહીં તો સારા અને ખમતીધર ગણાય તેવા ખેડૂતો પણ ઉધાર લેવા આવ્યા છે. મારા જેવાનો ભાવ કોણ પૂછશે? પાડાની કાંધ જેવી જમીન ધરાવનારાને તો શેઠ ઉધાર આપે જ .નાણાય આપે. સામે મોટી અસકયામત છે. મારી પાસે શું છે? શેઠ મને તો ઓળખતા પણ નથી.

એ પાછો વળવાનો વિચાર કરતો હતો. ત્યાં શેઠની નજર દુકાનની બહાર શેરીમાં પડી ."આવો ભાઈ આવો."

દેવશી દુકાનમાં ગયો. બે હાથ જોડીને શેઠ સામે ઉભો રહ્યો

" ક્યાંથી આવો છો?" શેઠે પૂછ્યું.

"તાતણીએથી શેઠ" દેવશી બોલ્યો.

" કેવા છો?"

" કોળી છઈ.."

" નામ?"

" દેવશી!"

" કેમ આવ્યા છો?"

"સાંભળ્યું છે કે આ કાળ વરસમાં તમે ઉધાર દ્યો છો."

શેઠે દેવસીના દિદાર સામે નજર નાખી. દેવશીના મોં સામે જોયું. તેના મોં પર દુઃખના એક સામટા વાદળો ઘેરાયેલા હતા. આંખોમાં વેદના હતી.

" હમ.." શેઠે હકારમાં માથું હલાવ્યું.

" પણ શેઠ બાપા.! મારી પાસે વાડી કે ખેતર નથી. હું તો મજૂર માણસ છું. મજૂરી કરી પેટિયું રળું છું. પણ હવે આ કપરા વરહમાં મજૂરીયે કોણ દે !મેં સાંભળ્યું છે કે તમે આ ભવ તો ઠીક, પણ ઓલા ભવનુંયે ઉધાર રાખો છો. એ જાણીને તમારી પાસે મોટી આશા લઈને આવ્યો છું, શેઠ..!"

દેવશી કરગરી પડ્યો. લખતા લખતા શેઠની કલમ અટકી ગઈ.એણે ધ્યાનથી દેવશી સામે જોયું. મનમાં શેઠે વિચાર્યું. નકકી આ બિચારા ગરીબ માણસની કોકે હાંસી ઉડાવી છે. કોઈ ઓલા ભવનું ઉધાર આપે? શેઠને લાગ્યું કે આ માણસ સાવ ભોળો છે. ભગવાનનો માણસ છે. દુઃખથી પીડાયેલો છે. રોજેરોજનું રળીને ખાનારો છે. લાગે છે સો ટચના સોના જેવો. શેઠે એક નજરમાં જ તેને પારખી લીધો.

ઘડીક જવાબ ન આપ્યો. એટલે દેવશી કરગરી પડ્યો," શેઠ, ના નહીં પાડતા. વસ્તારી છું. પેટે ઘેરો એક છોકરાં પડ્યા છે. એને પાલવવા છે. શેઠ આ ભવે નહીં તો આવતા ભવે લેણું ભરી દેશ. મને ઓલા ભવનું ઉધાર દ્યો. અને ચોપડે માંડી લ્યો."

આસપાસ બેઠેલા ખેડૂતો હસી પડ્યા. જાણે દેવશીની ડગળી ચસકી ગઈ હોય એમ એની સામે જોવા લાગ્યા.

શેઠને થયું મારી શાખ સાંભળીને મોટી આશાએ આ ગરીબ મારે આંગણે આવ્યો છે. છેક તાતણીયાથી જે આવ્યો છે. હું એને પાછો કાઢું? ના, ના, શેઠનું દિલ દ્રવી ઉઠ્યું.

" હા ભાઈ, તમે કહો છો એ સાચું છે. હું ઓલ્યા ભવનું પણ ઉધાર આપું છું."

શેઠના શબ્દો સાંભળીને દેવસીના મોં પર ખુશી પથરાઈ ગઈ. પણ સાંભળનારા ખેડૂતોની આંખો પહૉળી થઈ ગઈ. શેઠનીએ ડગળી ચસકી કે શું?

દેવશીએ ફાળિયાની ફાટમાં જોઈતી વસ્તુઓ લીધી. થોડાક રૂપિયા પણ લીધા. શેઠે ચોપડામાં દેવશી કોળી, તાતણીયા ગામ. એ નામનું નવું ખાતું પાડ્યું. દેવશીએ અંગૂઠો ચાંપ્યો.

દેવશીના ચહેરા પર સુખના વાદળો વરસીને છલકાવા લાગ્યા.

એક વર્ષ વીતી ગયું. દુકાળ કપાઈ ગયો. પણ આગલું વરસ મોળું નીકળ્યું. આગલા વરસે પણ વરસાદ સાવ ઓછો થયો.

શેઠના લેણાની વસુલાત એક પાઈની પણ થઈ નહીં. આ વર્ષે ઝરમર વરસાદ પડ્યો. માંડ ખાધા ખોરાકી જેટલું જ પાક્યું. ખેડૂતો પાસેથી પણ વસુલાત ન આવી. શેઠે મોટું મન રાખ્યું.- હશે, અત્યારે નહિ તો પછી ભરપાઈ કરી દેશે.

ત્રીજા વરસે સાંજે એક દિ' બાઢડાની બજારમાં એક ખડખડ પાચમ જેવું ગાડું વાંસથી ભરેલું નીકળ્યું.

ગાડાંનો હાકનાર તાતણીયાનો દેવશી કોળી હતો.ગાડું ઘેલાણી શેઠની દુકાનની સામે જઈને ઊભું રહ્યું.

ઠેકડો મારીને દેવશી હેઠો ઉતર્યો.

શેઠ બાપાની દુકાનમાં ડોકિયું કરીને દેવશી બોલ્યો," ઘેલાણી . શેઠ..."

શેઠે સામું જોયું. એ તો સાવ ભૂલી જ ગયા હતા. અજાણ્યાને જોતા હોય એમ તાકી રહ્યા.

" નો ઓળખ્યો? હું તાતણીયાનો દેવસી."દેવશીએ કહ્યું.

"અરે.. હા હા હા હા..!" શેઠના મનમાં ત્રણ વર્ષ પહેલાંનો પ્રસંગ તાજો થયો.

" લ્યો શેઠબાપા ..હું ઉધાર લઈ ગયો હતો, એના રોકડા કાવડિયા તો નથી લાવ્યો. પણ તુલસીશ્યામના જંગલમાંથી વાસ કાપીને લાવ્યો છું. ગાડું ભરીને લાવ્યો છું. મને થયું કે આમ નહીં તો આમ, તમારું લેણું ચૂકવું."

" અરે??!" શેઠ દેવશીને અહોભાવથી તાકી રહ્યા.

" હા, પરમીટ લઈને વાસ લાવ્યો છું."

શેઠે તો મનોમન દેવશીની રકમ પીળે પાને લખી નાખી હતી. જે દિવસે ઉધાર લઈ ગયો, તે દિવસે તેણે મનમાંથી કાઢી નાખ્યું હતું. આ તો બીજાને ભાળતા ચોપડા ચીતર્યા હતા. એ રકમ પાછી મળવાની આશા ક્યાં રાખી હતી!?

હજી સુધી શેઠને એ વખતની પાઇ પણ કોઈએ આપી ન હતી. ને આ ઓલા ભવનું ઉધાર લઈ જનાર ,ત્રીજા વર્ષે પાછું વાળવા આવ્યો હતો.!

શેઠે હેઠા ઉતરીને દેવશીના ખભે લાગણીથી હાથ મૂક્યો," એ તો મેં તને ઓલા ભવનું ઉધાર દીધું હતું. ને તું પાછું આપવા આવ્યો?'

" શેઠ, મને તો પછી જ ખબર પડી કે ગામના કેટલાક મશ્કરા માણસોએ મારી મશ્કરી કરવા તમારી પાસે મોકલ્યો હતો. તમે તમારી ખાનદાની ન ચૂક્યા. મને આંખની ઓળખાણ વગર આપ્યું. તો હું મારી ફરજ કેમ ચૂકુ ?"

વાંસથી ભરેલું ગાડું શેઠની દુકાન આગળ ઠલવ્યું. " તમારો ગણ નહીં ભૂલું શેઠ."

ઘેલાણીશેઠ આ તાતણીયાના કોળીનો વ્યવહાર તાકી રહ્યા. સોના જેવો વ્યવહાર તે આનું નામ.," દેવશી, જ્યારે જરૂર પડે ત્યારે ઉઘાડા પગે ને અડધી રાતે દોડ્યો આવજે. ઘેલાણીશેઠના બારણા તારે માટે ખુલ્લા જ છે."

શેઠના લાગણી ભર્યા શબ્દો દેવસીના અંતરને ભીંજવી ગયા.

*******************
નોંધ: આજે ચોથી કે પાંચમી પેઢીએ પણ ઘેલાણી કુટુંબ અને એ કોળી કુટુંબ વચ્ચે વ્યવહાર ચાલ્યો આવે છે. લગ્ન જેવા શુભ પ્રસંગે પણ ઘેલાણી કુટુંબ તેને ભૂલતું નથી. ઘેલાણીનો આજે કલકત્તામાં મોટો વેપાર છે.

------------+-------------------
વાસુદેવ સોઢા Mo: 9925986846
24,આદર્શ નગર, ચક્કર ગઢ રોડ અમરેલી - 365601

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post