‘પડછાયો’
~~~~~~~~~~~ લેખક: નિધિ મહેતા - અમદાવાદ
વરસાદી વાતાવરણથી ચારે બાજુ મનોહર પ્રકૃતિ ખીલી ઉઠી હતી. માટીની મહેક શ્વાસમાં ભળી શ્વાસને સુગંધિત કરી રહી હતી. ફુલછોડ, ઝાડ, પાન લીલાંછમ થઈ જાણે હરખથી ઝૂમતાં હતાં. મોરલાનાં ટહુકા ચારેકોર સંભળાતાં હતાં. ઓરડામાં પણ વરસાદી ભેજ વર્તાતો હતો. જાણે ઈશ્વરની કરુણા જ વરસાદ બનીને વરસી રહી હતી. અને સૃષ્ટિના સંતાપ ને ઠારી રહી હતી.
ચારે બાજુ ખુશનુમા માહોલ હતો. બાળકો ઝરમર જીલીને પલળી રહ્યાં હતાં. અને એકક જણ આ મોસમની મજાને બરાબર માણી રહ્યાં હતાં.. યુવાન હૈયાઓ રોમાંચમાં થનગની રહ્યાં હતાં. અને આ બધા જ દ્રશ્યોને એકીટસે જોતી વીણા પોતાના પાંચમા માળે આવેલા ફ્લેટ નંબર 506 ની બારીમાંથી નિશબ્દને નિર્જીવ બનીને જોઈ રહી હતી.. તેની આંખ આમ તો કોરી ધાકોડ હતી, અને આમ જાણે અનરાધાર વરસી રહી હતી. બાર જામેલા ચોમાસા થી તદ્દન જુદું ચોમાસુ એની અંદર જામેલું જણાતું હતું.
એના હાથમાં કેલેન્ડર અને એક જૂનું આલ્બમ હતું. જેના ફોટા એ વારંવાર જોઈ રહી હતી. અને કેલેન્ડરના નંબર ઉપર હાથ ફેરવતા જ એક તારીખ પર એની આંગળી અટકી ગઈ હતી. અને એ તારીખ એટલે આજે જે હતી એ. જ જુલાઈની 26 તારીખ. બસ એ જ દિવસ જ્યારે વિણાને મિતેશ ની આંખ મળી હતી. એ પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યારે પણ બરાબર આવું જ વાતાવરણ હતું.
વીણા કોલેજથી પરત આવતી હતી. ને અચાનક વાતાવરણ બદલાયું હતું. ગાજવિજને કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વીણાનું સ્કૂટર બંધ પડ્યું. ઘર દૂર હતું અને આસપાસ કોઈ ગેરેજ પણ નહોતું. વિણાએ ઘણા પ્રયત્નો કર્યા પણ સ્કૂટર શરૂ થયું નહોતું. વધુ પડતા વરસાદના કારણે કોઈ રીક્ષા કે બસ પણ નહોતા મળતા.
ત્યારે વીણા પોતાનું સ્કૂટર સાઈડ પર ચડાવી રોડની સાઈડ એ નજર કરીને ઉભી હતી કે, કોઈ વાહન નીકળે તો તેની મદદ માંગે. તે વિજળીના અવાજથી ડરતી તે ભગવાનને યાદ કરી રહી હતી. લગભગ આખી ભીંજાઈ ગઈ હતી. આછા ગુલાબી કલરના પંજાબી સૂટમાંથી તેના અંગના આકારો ઉપસી આવતા હતા. તે પોતાને સંકોચથી સંકોચથી ઉભી હતી.
વધારે પલળવાથી તેને ઠંડી ચડી હતી. ધ્રુજતા ધ્રુજતા તે ફરી સ્કૂટર શરૂ કરવામાં મથી પણ સફળતા ના મળી. એવામાં વીજળીના જોરદાર કડાકાથી ગભરાયેલી વિણાનો પગ સ્કૂટર ની કીક પરથી છટક્યો અને તેનું બેલેન્સ બગડ્યું. તે પાછળની તરફ તેનું શરીર ધકેલાયું. અને પડે એ પહેલાજ બે મજબૂત ને તાકાતવર હાથે તેને પકડી લીધી.
તે પડતા બચી ગઈ. વિણાએ જરા પાછળ નજર કરી તો, લગભગ 5/ 10 ની આસપાસની ઊંચાઈ, મજબૂત બાંધો, ખડતલ શરીર, ટ્રીમ કરેલી દાઢી, પાતળી મૂછ, સ્ટાઇલિશ કહી શકાય એવી વાળની સ્ટાઇલ, પ્રભાવશાળી ચહેરો અને પહેલી જ નજરે કોઈને પ્રેમમાં પાડી દે એવો આકર્ષક દેખાવ ધરાવતો, પોતાની ઉંમરથી કદાચ એકાદ બે વર્ષ મોટો એક યુવક તેને તેની બાહોમાં પકડી ઉભો હતો.
વીણા અમુક ક્ષણ માટે તો સ્થિર થઈ ગઈ તેને આ સપનું છે કે કોઈ ફિલ્મનો સીન સમજાતું ન હતું. પછી પેલા યુવકેજ, ‘તમે ઠીક તો છો ને’? કહી વિણાને તંદ્રામાંથી બહાર કાઢેલી. અને વિણાએ વ્યવહારિક આભારવિધિ કરેલી. પછી તે યુવકજ પોતાની ગાડીમાં વિણાને તેના ઘર સુધી છોડી હતી કાલે સ્કૂટર અહીંથી લઈ લેજો એવું કહીને. કદાચ ઈશ્વરે વિણા માટે જ એને અહીં મોકલ્યો હોય એવું ને લાગતું હતું વીણાને.
વીણા પહેલી જ નજરમાં એના પ્રેમમાં પડી ગઈ માત્ર ગાડીમાંથી ઉતરતા તેનું નામ અને નંબર પૂછેલો. વીણાએ ઘરમાં જઈ સૌ પહેલા ભુલાઈ ન જાય માટે ડાયરીમાં એને નોટ કરેલા. એક નાનકડું દિલ ચિતરીને. એની સાથે નામ મિતેશ કાઉન્સમાં (મીત) પણ લખેલું. જોકે, માએ ત્યારે ટપારી પણ હતી કે, પેલા કપડાં બદલ માંદી પડીશ,પછી લખજે. પણ વિણા કોઈ જોખમ લેવા નહોતી માંગતી. કદાચ ને નંબર ભુલાઈ જાય તો?
પછી એ નંબર પર રોજ વાત થવા લાગી. વાતો કરતા મિતેશ પણ વિણાના પ્રેમમાં પડ્યો. પરિવારને જાણ થતા સર્વ સંમતિથી બન્નેના પ્રેમને લીલી જંડી મળી ગઈ. બન્ને પ્રેમના બંધનમાંથી પરિણયના બંધનમાં બંધાયા. એકબીજાનો પડછાયો થઈ ચાલવાના વચનો આપ્યા. નવજીવનની સફર શરૂ કરી. ને એજ ક્ષણોને ચિત્રમાં કેદ કર્યાનો આલ્બમ હતો. જે અત્યારે વિણાના હાથમાં હતો. પણ ફર્ક એટલો જ હતો કે મીઠી ક્ષણોની નિશાનીને નિહાળતા આજે વિણાના ચહેરે ખુલીને બદલે નિરાશા હતી. તે નિસાશા નાખતી હતી.
અચાનક એક અવાજ સંભળાયો, ‘વીણા જલ્દી કર ભૂખ લાગી છે, જમવાનું ‘. ‘હા, લાવું છું’. અરે, ‘આ દાળ છે વીણા? કેટલી વાર કીધું છે તને મમ્મી જેવી દાળ બનાવ’. ‘ફટાફટ તૈયાર થા ચલ બહાર જવું છે’. ‘હા, આવુ’. અરે! ‘પાગલ આમ કેમ સૂટ પહેરીને આવી? મમ્મી જેવી સાડી પહેર. મમ્મી, ‘તું આને કંઈક શીખવાડ ને તારી જેમ થોડી પહેરવા-ઓઢવાની આવડત. રસોઈ તારી જેવી’. ‘વિણા તને આજકાલ કરતાં પાંચ વર્ષ થયા પણ હજુ એ તારામાં સ્હેજ પણ મમ્મીની અસર નથી આવી’. ‘ક્યારે શીખીશ તું મારી મમ્મીની જેમ’? ‘શીખી જઈશ મિતેશ પ્રયત્ન તો કરું છું ને’? મિતેશ છણકો કરી જતો રહ્યો, ‘જવા દે મારે તારી સાથે ક્યાંય નથી જવું’.
અચાનક ઘોડિયામાં સૂતેલી દીકરીનો રડવાનો અવાજ આવ્યો. વિણા વિચારમાંથી હકીકતમાં પાછી ફરી. તે પોતાના પિતાના ઘરે હતી હવે તે મિતેશ ની પત્ની નહોતી. વારંવાર ના આવા વ્યવહારનો એક દિવસની એક જ ઘટનાથી અંત આવ્યો હતો. તે આખોય પ્રસંગ વિણાની આંખ સામે તરોતાજા તરવરતો હતો.
વાત જાણે એવી હતી કે,
એ જ દિવસ 26/7 નો વિણાની પહેલી મુલાકાત યાદ આવી હતી. વળી દીકરીના જન્મ પછી મિતેશ ને ઓછો સમય આપી શકતી હતી. તેથી તેણે વિચાર્યું કે દીકરીને ઘરે મમ્મી પાસે મૂકી મિતેશ સાથે મુવી જોવા જાય. તેણે મિતેશને મેસેજ કર્યો જલ્દી ઘરે આવવા મિતેશ આવ્યો પણ ખરા. વિણા બરાબર પહેલી મુલાકાત વખતે જે રીતે મળેલી એજ ક્ષણને ફરી જીવંત કરવા એવી જ તૈયાર થઈ. તેણે એવો જ આછા ગુલાબી કલરનો શૂટ પહેર્યો હતો. ધીમો ધીમો વરસાદ શરૂ થયો હતો.
મિતેશના આવતા જ તે રસોડામાંથી ગરમાગરમ મસાલા ચા લઈ મિતેશ ને આપવા આવી. તેને જોતા જ મિતેશ ઉશ્કેરાઈ ગયો. ને ચાનો કપ તેના પર છૂટો ફેંકતા બોલ્યો, ‘ક્યારે સુધરીશ તું વિણા? ક્યારે?’ ‘નથી તો ચા મમ્મી જેવી કે નથી તારું ડ્રેસિંગ’. ‘આ દીકરીને તું શું શીખવાડીશ?’ ‘એને મારી મમ્મી જ ટ્રેનિંગ આપશે’. ‘એટલે એ એની માં જેવી નહીં, મારી મા જેવી બને’. ઈડિયટ
બસ, એ જ વખતે વીણાનું ધૈર્ય તૂટી ગયેલું. અને તેણે કહી દીધેલું,
‘શા માટે તારે મને તારી મમ્મી જેવી બનાવી છે? અને હવે આ દીકરીને પણ?
કેમ તારે અમને કોઈના પડછાયા બનાવ્યા છે?’
‘હું વિણા છું અને તે એ જ વીણા ને પ્રેમ કરેલો.
તો પછી હવે શા માટે વીણા વીણા મટી ને બીજા કોઈનું વ્યક્તિત્વ જીવે શા માટે’?
‘સારું તો ન જીવવું હોય તો જવા દો તમારા પિતાશ્રીના ઘરે’. ‘અને જીવો તમારું વ્યક્તિત્વ’
આવું બિન્દાસ કહી દીધેલું જે વિણાને હાડોહાડ લાગી આવેલું. અને ત્યારથી વીણા પિતાના ઘરે આવી ગયેલી. એ દિવસને એ ઘડી આંખ સામે તાદ્રશ થતી હતી. પોતે મક્કમતાથી એકલા હાથે નોકરી કરી પોતાની દીકરીને ઉછેરી રહી હતી.
રડતી દીકરીનો અવાજ સાંભળી વિણાની માં ઓરડામાં આવી અને બોલી, ‘વીણા તારી દીકરીને છાની રાખ, લે. એને તારી જેમ મજબૂત બનાવવાની છે તારે.’
ના મમ્મી, ‘મારી દીકરી એનું વ્યક્તિત્વ જીવશે’.
‘એ કોઈનો પડછાયો નહીં બને, મારો પણ નહીં’.
‘આ પડછાયો બનાવવાની એના પિતાની જીદ કે આદતે તો મારી દીકરીના માથેથી બાપનો પડછાયો જતો રહ્યો’.
‘શા માટે મમ્મી કોઈને કોઈના જેવું કે કોઈનો પડછાયો ‘?
મિતેષે તો વીણાને વીણા તરીકે જ પ્રેમ કર્યો હતો ને? તો પછી એ જ વિણાને કોઈ અન્ય જેવું બનાવવાની જીદ્ શા માટે? મમ્મી શા માટે?’
આટલું બોલતા આલ્બમમાં રહેલ મિતેશ પર નજર જતા વિણાની આંખેથી ધોધમાર ચોમાસું વરસી પડ્યું.
દીકરી માટે તેની મક્કમતા જ તેનું મનોબળ બની જીવનના કપરા રસ્તા કાપવામાં... તેણે દીકરીનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઘડયુ. તે કોઈનો પડછાયો ન બને કે કોઈના પડછાયામાં ના જીવે એ રીતે..
©નિધિ મહેતા - અમદાવાદ
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
