વારસાઈ
~~~~~~~~~~ લેખક: અંકિતા સોની
"મંજુલા, હું કહું છું કે હવે ગોમતીને બોલાવી લઈએ. બાપાની કોઈ ઈચ્છા હોય તો ગોમતીને કહી દે. ગોમતી એમની માનીતી દીકરી ખરી ને." જશુભાઈ ગંભીર થઈને પત્ની મંજુલાને કહી રહ્યા હતા.
વારસાઈ
"એ હા.. બોલાવી લો. ગોમતીબેનને જોઈને આ ડોસાનેય ટાઢક વળશે તો જલ્દી છૂટશે." સહેજ અણગમા સાથે મંજુલા બોલી.
"સીધેસીધું કહી દે કે તમને વહુવારુઓને ડોસાની ચાકરીમાંથી મુક્તિ મળશે એમ." મંજુલાના શબ્દો પાછળનો ભાવ કળી જતા જશુભાઈ બોલ્યા.
"હા..હા. અમે દેરાણી-જેઠાણી બેઉ ડોસાની સેવા ચાકરી કરીએ છીએ એ દેખાતું નથી અને રાજકુમારી જેવી દીકરી આવશે છેલ્લે મિલકતમાં ભાગ લેવા." મંજુલા મોં મચકોડીને બોલી.
"તમે બંને કેવી ચાકરી કરો છો મને બધું સમજાય છે. આ જો, બાપાના પલંગની ચાદર કેટલી ગંદી છે! બાપાના કપડાં ધોવાના વારા કાઢ્યા એ તો ઠીક પણ હું યાદ ના દેવડાઉં તો બાપાને રોટલોય ન મળે ! " જશુભાઈ ફરિયાદના સૂરમાં કહી રહ્યા હતા.
"હા તે શું થઈ ગયું? બાપાએ ગોમતીને મિલકતમાં ભાગીદાર બનાવી છે તો બોલાવી લો, થોડી સેવા એય કરી લે. " મંજુલા પણ કાંઈ ગાજી જાય એવી નહોતી. એમાંય પાછો દેરાણી રૂખીનો સાથ હતો એટલે ઘરમાં વહુઓના સંપનો સિક્કો વધુ વાગતો. એકબીજાની સંગત પામીને બેઉં વધારે દમ મારતી. વારેતહેવારે ન છૂટકે આવતી નણંદ ગોમતી વધુ હેરાન થતી. ભાભીઓ ક્યારેય એને રોકડો રૂપિયો ન ધરતી. વળી, સાસરિયામાં પિયરથી શું લઈને આવી એની પૂછપરછના પરિણામે અવારનવાર મહેણાં ટોણાંનો ભોગ બનતી. મા જીવતી ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન જ નહોતો. પરંતુ ઉંમર થતા બાપાની નાદુરસ્ત તબિયત અને મા ગયા બાદ ભાભીઓના ચલણને લીધે ભાઈઓ પણ લાચાર હતા. વહુઓનાં વર્તનને સમયસર પારખી ગયા બાદ બાપાએ વસિયતમાં ગોમતીનું નામ લખાવી દીધું એ પછી ગોમતી બધાને બહુ ખૂંચવા લાગી હતી.
"બાપાએ આ બરાબર નથી કર્યું. ગોમતીને દહેજ તો દીધું છે હવે વારસાઈમાં ભાગ આપીને બાપા સાબિત શું કરવા માંગે છે? વળી ગોમતીના જિયાણા ને મામેરાના પ્રસંગો પણ આપણે જ કાઢવાના છે." જશુભાઈનો નાનો ભાઈ કેશવ મોટાભાઈ આગળ બળાપો ઠાલવતો બોલ્યો.
"જો ભાઈ, એમાં આપણું કશું ન ચાલે. બાપાની આ છેલ્લી ઈચ્છા છે. પૂરી ન થાય તો એમનો જીવ અવગતે જાય. આપણે મોટું મન રાખવાનું. ગોમતી એના નસીબનું લઈ જશે, બીજું શું?" જશુભાઈ સાંત્વના આપતા કહેતા.
પથારીવશ બાપાની સાર-સંભાળ રાખવા ગોમતીના સાસરે કહેણ મોકલ્યું તોય ગોમતી આવી નહીં. ગુસ્સે ભરાયેલી ભાભીઓ એવે ટાણે પિયર જવાની ધમકી દેવા લાગી. છેવટે મોટા જશુભાઈએ બનેવીને ફોન કરીને ગોમતીને તેડાવી ત્યારે મામલો થાળે પડ્યો. ગોમતી પિયરમાં આવી ત્યારથી બાપાની પાસે જ બેસી રહેતી. સવાર-સાંજ બાપાના કાનમાં ભગવાનનું નામ લેતી અને ગીતા પાઠ કરતી રહેતી. બાપાએ બોલવાનું સદંતર બંધ કરી દીધું હતું. એ માત્ર એકીટશે ગોમતીની સામે જોઈ રહેતા. ગોમતીએ બાપાના હાથને પોતાના હાથમાં લઈને હળવેકથી પંપાળ્યો. ગોમતીના હાથ પર પડેલાં ડામ બાપાને રોમેરોમ વાગવા લાગ્યા હોય એમ એમની આંખો વરસવા લાગી.
"બાપા, ચિંતા ના કરો. ભાગનો રૂપિયો બધું મટાડી દેશે." હાથ પાછો ખેંચતા ગોમતી બોલી અને ડોસાએ જરાક માથું હલાવ્યું ન હલાવ્યું ને આંખ મીંચી દીધી.
કારજ-પાણી પતાવ્યા બાદ વસિયત પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા. બેઉં ભાઈઓના ચહેરે સંતોષ હતો. ગોમતીએ માની પેટી ખોલીને કંઠી કાઢી. પટારામાં મૂકેલા જૂના ગલ્લામાંથી બાપાએ બચાવેલા રૂપિયા કાઢ્યા. માબાપની યાદગીરી રૂપે થોડી નાની મોટી ચીજો ભેગી કરીને પોતાની પેટીમાં મૂકી અને સાસરીની વાટ પકડી.
ભાઈઓના મત મુજબ મિલકતમાં ભાગ એનો હતો જ ક્યારે? વિદાય વખતે દશે આંગળીઓની છાપ સાથે માલિકીહક તો ક્યારનોય એણે છોડી દીધો હતો. એની સામે સરકારી કાગળિયાંની શી વિસાત? બાપા હતા ત્યાં સુધી હાથનો ઘા તો રૂઝાઈ ગયો હતો પણ હવે પિયરઘરમાંથી ગોમતી સાવ ભૂંસાઈ ગઈ અને સાસરિયાના અંધકારમાં અથડાતી કૂટાતી ક્યારે ઓગળી ગઈ એની કોઈને જાણ પણ ન થઈ.
– અંકિતા સોની
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
