"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

કર્મનો સિદ્ધાંત ..! - લઘુકથા

Related

કર્મનો સિદ્ધાંત ..!

ગાઢ જંગલની વચ્ચેથી પસાર થતો એ સુમસામ રસ્તો કાળીડિબાંગ અમાસની એ વરસાદી રાતે વધુ ભયાનક લાગી રહ્યો હતો. ડોક્ટર સમીર પોતાની કારમાં શહેર તરફ જઈ રહ્યા હતા.

કર્મનો સિદ્ધાંત - લઘુકથા
કર્મનો સિદ્ધાંત - લઘુકથા

એક તો બિહામણો મારગ તેમને થરથરાવી રહ્યો હતો, ત્યાં જ અચાનક વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો.

હજુ માંડ થોડું ચાલ્યા હશે ત્યાં જ કારની હેડલાઇટના આછા પ્રકાશમાં ડૉ. સમીરને રસ્તાની એક બાજુ પડેલી બાઇક અને તેની પાસે ઈજાગ્રસ્ત હાલતમાં દર્દથી કણસતો એક અજાણ્યો માણસ દેખાયો!

હાલત જોતાં તો બાઇક સ્લિપ થવાથી તેનું એક્સિડન્ટ થયું હોય તેવું લાગી રહ્યું હતું. રાત્રિના ઘનઘોર અંધકારમાં ડર અને થોડા સંકોચ સાથે માણસાઈ ખાતર ડોક્ટરે હિંમત કરી ગાડી ઊભી રાખી દીધી!

નજીક જઈ તપાસ કરતા ખબર પડી કે તેના માથાના ભાગે, કોણીઓ અને ઘૂંટણમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ડૉ. સમીરે તુરંત પોતાની મેડિકલ કિટમાંથી પાટાપીંડી કરી વધુ દર્દ ન થાય તે માટે એકાદ ઇન્જેક્શન લગાવી પ્રાથમિક સારવાર આપી દીધી.

થોડીવાર પછી એ માણસને રાહત થઈ એટલે તેણે બે હાથ જોડી ખાલી હાથે અને ભીની આંખે ડોક્ટર સમીરનો હૃદયપૂર્વક આભાર માન્યો, કારણ કે આ સિવાય તેની પાસે ડોક્ટરને આપવા માટે કંઈ નહોતું!

તેણે કહ્યું, "સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર! હવે મને થોડું સારું છે, હું મારી બાઇક ધીરે ધીરે ચલાવીને મારા મુકામ સુધી પહોંચી જઈશ. તમે મારી ચિંતા ન કરો."

ડોક્ટરને તેની આંખોમાં કોઈ અલગ જ પ્રકારના ભાવ અંધારામાં પણ દેખાઈ રહ્યા હતા. કોઈનો જીવ બચાવ્યાનો આત્મસંતોષ લઈને ડોક્ટર સમીર પોતાની કારમાં ગોઠવાઈ ગયા અને સફરમાં આગળ વધ્યા.

હજુ માંડ પાંચેક કિલોમીટર કાપ્યા હશે, ત્યાં અચાનક વરસાદી પાણીના કારણે રસ્તા પર પડેલા એક મોટા ભૂવામાં સમીરની કારનું આગળનું વ્હીલ ખરાબ રીતે ફસાઈ ગયું. સમીરે એન્જિન પર ઘણું જોર આપ્યું, પણ કાદવ અને પાણીના કારણે પૈડું ગોળ-ગોળ ફરતું રહ્યું અને કાર સહેજ પણ આગળ વધી શકી નહીં!

આવા ઘોર અને બિહામણા જંગલમાં આ અણધારી આફતથી ડોક્ટર પૂરેપૂરા ડઘાઈ ગયા હતા! એકલા હાથે કારને એક બાજુથી ઊંચી કરીને વ્હીલ બહાર કાઢવું અશક્ય હતું. ખરાબ વાતાવરણ અને રાતના સમયને કારણે આ રસ્તા પર વાહનોની અવરજવર પણ સાવ નહિવત્ હતી. પણ...

નિયતિ હંમેશા કોઈને કોઈ અનુસંધાને જ ચાલતી હોય છે. ડૉ. સમીર જ્યારે નિરાશ અને લાચાર થઈને કારની બહાર ઊભા હતા, બરાબર એ જ વખતે પાછળથી એક બાઇકની પીળી હેડલાઇટનો આછો પ્રકાશ તેમની કાર પર પડ્યો. ડૉ. સમીરના જીવમાં જીવ આવ્યો અને તેઓ તેના તરફ જોઈ રહ્યા! બાઇક સવાર નજીક આવ્યો અને ઊભો રહ્યો. તેણે પરિસ્થિતિ જોઈ અને તરત જ મદદ કરવા માટે આગળ આવ્યો.

બંનેએ મળીને કારને જોરદાર ધક્કો માર્યો અને પેલા માણસે એક બાજુથી કારને થોડી ઊંચી કરવામાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી. તેમના સહિયારા પ્રયાસથી થોડી વાર લાગી, પણ કારનું વ્હીલ તે પાણી ભરેલા ખાડામાંથી હેમખેમ બહાર નીકળી ગયું! પણ...

જ્યારે કારની લાઇટના અજવાળામાં ડોક્ટર સમીરે એ મદદગારનો ચહેરો જોયો, ત્યારે તેમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો! આ એ જ માણસ હતો, જેને થોડીવાર પહેલાં જ થયેલા એક્સિડન્ટમાં પાટાપીંડી અને સારવાર આપી તેનો જીવ બચાવ્યો હતો!

આશ્ચર્ય અને લાગણી સાથે સમીરે તરત જ કહ્યું, "અરે! તમને આટલું બધું લાગેલું છે છતાં વ્હીલ કાઢવામાં મદદ કરી!"

તે માણસે સમીર સામે જોઈને એક હળવું સ્મિત કર્યું અને ગંભીર અવાજમાં કહ્યું, "તમે કરેલી મદદ આની સામે કંઈ જ નથી સાહેબ!"

આટલું બોલીને તે અજાણ્યો માણસ પોતાની બાઇક લઈને વરસાદી કાળી રાતના એ ભયાનક અંધકારમાં આગળ વધી ગયો.
………………ડૉ. સમીર તેને જોતા જ રહ્યા!

અને ભીની આંખે ઈશ્વરનો આભાર માનતા ગાડી સ્ટાર્ટ તો કરી, પણ તેમને ઊંડે ઊંડેથી પડઘા સંભળાઈ રહ્યા હતા કે સાચી દાનતે પરોપકાર કર્યો હોય તો ઈશ્વર કોઈને કોઈ રીતે તમારી મદદે જરૂર આવી પહોંચે છે!

આવા વિચારો સાથે ગાડીને ઘર તરફ હંકારી દીધી. ઘરે પહોંચતા જ નાની ઢીંગલી બોલી ઉઠી, "પપ્પા, કેમ આજે આવવામાં બહુ મોડું થયું! મમ્મી ક્યારના ચિંતા કરતા હતા કે તારા પપ્પા હજુ આવ્યા નહીં!"

"કંઈ નહીં બેટા, રસ્તામાં એક સજ્જન મળી ગયા હતા તો તેમની સાથે વાતચીતમાં ટાઇમ જતો રહ્યો. આથી આવવામાં થોડું મોડું થઈ ગયું, ચાલો તમારા મમ્મીને બોલાવી લો, સાથે જમી લઈએ."

"હરેકૃષ્ણ" ..©all rights reserved…."

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."