"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

નેકલેસ - નવલિકા

Related

નેકલેસ ...!

અમદાવાદથી મુંબઈ જતો 'ગુજરાત મેલ' રાત્રિના અંધકારને ચીરતો પોતાની પૂરી ઝડપે દોડી રહ્યો હતો. પાટા સાથે અથડાતા લોખંડી વ્હીલનો અવાજ જાણે સમયના ધબકારા માપી રહ્યો હતો.

નેકલેસ - લેશનેબલ નવલિકા
નેકલેસ - નવલિકા

ટૂ-ટાયર એસી કોચના શાંત વાતાવરણમાં માયા અને આકાશ બેઠા હતા. માયાની આંખો બારીની બહાર હતી, પણ તેનું મન અમદાવાદમાં માણેલા લગ્નના ભભકાદાર દ્રશ્યોમાં અટવાયેલું હતું.

તેઓ અમદાવાદના એક મોટા ગજાના વેપારી પરિવારના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. માયા આ વૈભવ જોઈને ખરેખર અંજાઈ ગઈ હતી. માયાના મગજમાં હજુ પણ એ હીરા-માણેકથી લચેલી સ્ત્રીઓ અને રેશમી સાડીઓના ખડખડાટ ગુંજી રહ્યા હતા. તેને એ વાતની ઈર્ષ્યા થતી હતી કે તેની પાસે આવો ઝાકઝમાળ કેમ નથી?

"જોયું આકાશ, પેલી મનીષાના ગળામાં પેલો સાત લહેરી હાર કેવો ચમકતો હતો! અને એની વાત કરવાની છટા, જાણે આખું મુંબઈ એના ખિસ્સામાં હોય!" માયાએ મોઢું મચકોડતા કહ્યું.

આકાશે એક ઊંડો શ્વાસ લીધો અને પત્ની સામે જોયું. તે જાણતો હતો કે માયા જ્યારે પણ આવા મોટા પ્રોગ્રામમાંથી પાછી આવે છે, ત્યારે તે અજંપાથી ભરેલી હોય છે.

આકાશ મુંબઈની એક પ્રાઈવેટ કંપનીમાં સાધારણ ક્લાર્ક હતો. તેની નોકરી નાની હતી અને પગાર મર્યાદિત હતો. તે માંડ-માંડ ઘરનું ગાડું ગબડાવતો અને માયાની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરતો. પરંતુ માયાના સપનાઓ આકાશના પગાર કરતાં ક્યાંય મોટા હતા. તેને કપડાં અને ઘરેણાંનો એવો જબરો શોખ હતો કે ઘણીવાર તે લોન લઈને કે ઉધાર કરીને પણ પોતાની જાતને 'અપ-ટુ-ડેટ' રાખવા મથતી. તેને મધ્યમવર્ગીય કહેવડાવવામાં શરમ આવતી હતી. લગ્નમાં જ્યારે કોઈ સગાં પૂછતાં, ત્યારે તે મુંબઈના પોશ વિસ્તારમાં રહેતી હોય તેવો દેખાડો કરવામાં જરાય પાછી પાની નહોતી કરતી. આવી રીતે હંમેશા તે અમીર હોવાનો ડોળ કરતી.

ટ્રેન હવે વડોદરા સ્ટેશન છોડી રહી હતી. ટ્રેનના હળવા ઝટકા સાથે માયાના વિચારો પણ હિલોળા લઈ રહ્યા હતા. તે મનોમન આગામી અઠવાડિયે મુંબઈમાં યોજાનારી એક હાઈ-પ્રોફાઈલ પાર્ટીની તૈયારી કરી રહી હતી. માયાને થતું હતું કે અમદાવાદના લગ્નમાં જે કમી રહી ગઈ હતી, તે મુંબઈની આ પાર્ટીમાં પૂરી કરવી જોઈએ. ભલે પોતાની પાસે કિંમતી ઘરેણાં નથી, પણ દુનિયાને બતાવવા માટે કંઈક તો 'મોટું' હોવું જ જોઈએ.

"આકાશ, આપણે મુંબઈ પહોંચીને સીધા ઘરે જઈશું ને? મારે નેહા દીદીને મળવા જવું છે," માયાએ અચાનક પૂછ્યું. તેના મનમાં એક છૂપો મનસૂબો હતો.

આકાશે પેપર બાજુ પર મૂક્યું, "નેહા દીદીને? અત્યારે અચાનક કેમ યાદ આવ્યા? આપણી પડોશી છે, કાલે મળી લેજે ને."

માયાએ વાત ટાળતા કહ્યું, "ના, બસ એમ જ. હમણાં લગ્નની દોડાદોડી માં એમને મળાયું નથી." આકાશ માયાની રગેરગ જાણતો હતો, પણ તે કંઈ બોલ્યો નહીં.

રાત વીતતી ગઈ. સુરત પસાર થયું અને ટ્રેન હવે મુંબઈની સરહદોમાં પ્રવેશી રહી હતી. માયાના મનમાં પેલો 'આડંબર' હવે પાકા પાયે ઘર કરી ગયો હતો.

ટ્રેનની વ્હિસલ વાગી અને અંધારામાં મુંબઈની ઝાકઝમાળ લાઈટો દેખાવા લાગી. માયાના મનનું 'મિથ્યાભિમાન' પણ એ લાઈટોની જેમ જ બહારથી ચમકવા માટે તૈયાર હતું.

તેને ખબર નહોતી કે આ ખોટો ભપકો દેખાડવાની ભૂખ તેને એક એવી તકલીફ માં મૂકી દેશે કે આગળ શું કરવું શું ના કરવું એની પણ એને કોઈ ભાન નહી રહે!!

***********

મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી એક મધ્યમવર્ગીય સોસાયટી 'ગોકુલધામ રેસિડેન્સી'.
સવારનો સમય હતો અને સોસાયટીમાં ઓફિસ જનારાઓની દોડધામ ચાલુ હતી. બીજા માળે રહેતી માયા અરીસા સામે ઉભી રહીને પોતાની જાતને નિહાળી રહી હતી. તેણે આજે એક નવી સાડી પહેરી હતી. એટલામાં તેનો પતિ આકાશ રૂમમાં આવ્યો.

"કેવી લાગી રહી છું?" માયાએ એક અદા સાથે પૂછ્યું.

આકાશે હસીને જવાબ આપ્યો, "હંમેશાની જેમ જ સુંદર! પણ માયા, આ સાડી તે ક્યારે લીધી? મેં પહેલા ક્યારેય જોઈ નથી."

માયાએ સહેજ સંકોચ સાથે કહ્યું, "અરે, આ મારી નથી. આ તો ઉપરના માળે રહેતા નેહા દીદીની છે. મને ગમી ગઈ તો મેં એમની પાસેથી આજે પહેરવા માંગી લીધી."

આકાશને આ વાત બહુ ન ગમી. તે કઈ બોલવા જતો હતો ત્યાં જ માયા તેને હાથ પકડીને બહાર ખેંચી ગઈ. "ચાલો, મારે નેહા દીદી પાસેથી બીજી એક વસ્તુ પણ લેવી છે." મરજી ના હોવા છતાં આકાશ જાણે ઢસડાઈ રહ્યો હતો. તે આટલું જ બોલી શક્યો. અરે! અરે! પણ માયા…!

તેઓ ઉપરના માળે ગયા. નેહા દીદી દરવાજો ખોલીને ઉભા હતા. "હાય દીદી, કેમ છો?" માયાએ ઉત્સાહથી પૂછ્યું.

"હું મજામાં છું માયા, તું કેમ છે? આવ અંદર આવ." નેહાએ વિવેક કર્યો.

"ના ના દીદી, અત્યારે થોડી ઉતાવળમાં છું. પેલી વાત... બે-ત્રણ દિવસ પહેલા તમે જે સોનાનો સેટ લીધો હતો ને, તે આજે મને પહેરવા માટે મળી શકે? મારે રાત્રે એક મોટી પાર્ટીમાં જવાનું છે. કાલે સવારે પાછો આપી દઈશ." માયાએ વિનંતી કરતા કહ્યું.

નેહા દીદી થોડી વાર વિચારમાં પડી ગયા, પણ માયાના આગ્રહ સામે તેમણે કમને હા પાડી અને સોનાનો કિંમતી હાર માયાને આપતા કહ્યું, જાળવણી રાખજો ઘણો મોંઘો છે.

નીચે ઉતરતા જ આકાશે માયાને ટકોર કરી, "માયા, કપડાં સુધી તો બરાબર છે પણ આ રીતે બીજા પાસેથી માંગીને સોનાના ઘરેણાં પહેરવા એ સારી વાત નથી. તારી પાસે ઘણા નેકલેસ છે જ, તેમાંથી કોઈ કેમ ન પહેર્યું?"

માયાએ મોઢું બગાડતા કહ્યું, "એકનું એક ઘરેણું વારંવાર પહેરવું મને નથી ગમતું. અને મેં તમને નવું ખરીદવા માટે તો નથી કહ્યું ને? માંગીને પહેર્યું એમાં શું થઈ ગયું? તમારે ખોટી ચિંતા કરવાની જરૂર નથી."

રાત્રે દક્ષિણ મુંબઈની એક આલીશાન હોટલમાં પાર્ટી હતી. માયાએ નેહા દીદીનો નેકલેસ પહેર્યો હતો અને તે બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેને એ વાતનો ગર્વ હતો કે લોકો તેના 'મોંઘા' ઘરેણાં જોઈ રહ્યા છે. પાર્ટી પૂરી કરીને તેઓ ટેક્સીમાં ઘરે પાછા આવી ગયા હતા.

ઘરે પહોંચતા અરીસા સામે જોતા જ અચાનક માયાના હાથ તેના ગળા પર ગયા! અને એ ચોંકી ગઈ!

"મારો નેકલેસ! આકાશ, મારો નેકલેસ ગળામાં નથી!" માયાનો અવાજ ફાટી ગયો. આકાશ ચોંકી ગયો. "શું વાત કરે છે? બરાબર જો, ક્યાંક અંદર તો નથી ઉતરી ગયો ને?"

"નથી... અહીં ક્યાંય નથી. કદાચ હોટલમાં કે રસ્તામાં પડી ગયો. ઓહ માય ગોડ! હવે હું નેહા દીદીને શું જવાબ આપીશ?" માયા રડમસ થઈ ગઈ.

આકાશ ગુસ્સામાં હતો, "મેં તને ઘણીવાર સમજાવી હતી કે બીજાની વસ્તુઓ માંગીને દેખાડો ન કર. તારા આ ખોટા શો-ઓફને લીધે આજે આપણી આબરૂ પણ જશે અને આટલું મોટું નુકસાન કેવી રીતે ભરાશે?" માયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. "મને નહોતી ખબર કે આવું થશે. હવે આપણે શું કરીશું?"

"ઠીક છે રડ નહી, હું ગાડીમાં ચેક કરી આવું છું, ક્યાંક ગાડીમાં તો ...." આટલું કહી આકાશ ગાડીમાં ફરી તપાસ કરવા ગયો. માયા ઘરમાં બેસીને પોતાની કિસ્મતને કોસી રહી હતી. થોડી વાર પછી આકાશ પાછો આવ્યો. તેના હાથમાં કંઈક હતું.

થોડીવાર આકાશ કઈ બોલ્યો નહી. માયાની બેચેની વધી રહી હતી! "શું થયું આકાશ ગાડીમાં પણ ના મળ્યો" કહી એ રડવા લાગી.

"રડવાની જરૂર નથી, આ રહ્યો નેકલેસ." આકાશે હાર તેની સામે ધર્યો. માયાની આંખોમાં ચમક આવી ગઈ. "આ ક્યાં હતો? તમને ક્યાંથી મળ્યો?"

"આ ગાડીમાં નીચે સીટ પાસે પડ્યો હતો. કિસ્મત સારી હતી કે આ કિંમતી વસ્તુ મળી ગઈ, નહિતર મુંબઈના રસ્તા પર ખોવાયેલી વસ્તુ ક્યારેય પાછી નથી મળતી." આકાશે ગંભીરતાથી કહ્યું.

માયાએ શરમથી નીચું જોઈ લીધું. આકાશે આગળ કહ્યું, "જો માયા, જે આપણું નથી એના પર આપણો કોઈ અધિકાર નથી. બીજાની વસ્તુઓ લઈને દેખાડો કરવાથી આપણે મોટા નથી બની જતા. જેટલું આપણી પાસે હોય, તેટલામાં જ ખુશ રહેતા શીખવું જોઈએ."

માયાએ આકાશનો હાથ પકડીને કહ્યું, "આઈ એમ સોરી આકાશ! ખરેખર આજે મારી આંખ ઉઘડી ગઈ છે કે દેખાડો હંમેશા દુઃખ જ લાવે છે. હવેથી હું ક્યારેય આવી ભૂલ નહીં કરું અને આપણી પાસે જે છે તેમાં જ હંમેશા ખુશ રહીશ." તે રાત્રે માયાને ઊંઘ તો આવી ગઈ, પણ તેના દિલો દિમાગમાં પેલો ડર હજુ પણ  કાળોતરા નાગની જેમ સળેળાટા મારી અને ધ્રુજાવી રહ્યો હતો!!

✨હરેકૃષ્ણ"…🪶

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."