ક્યાં યહી પ્યાર હૈ (kya Yahi Pyar Hai)

Related

ક્યાં યહી પ્યાર હૈ..""

લાગણી, ભાવના, વફાદારી, સમર્પણ, દિલેરી વગેરે શબ્દોના અર્થો આજની પેઢી માટે બદલાઈ રહ્યા છે કે બદલાઈ ચૂક્યા છે. દર્દની ડાળ પર જ પ્રેમનું ફૂલ ઊગી શકે એવું હવે તેઓ નથી માનતા. તકલીફ કે પ્રતીક્ષામાં તેઓ પ્રેમને નથી શોધતા.

AVAKARNEWS
કયાં યહી પ્યાર હૈ 

પ્રેમમાં દેહની ભૂમિકા પર પણ સવાલ ઊઠતા રહ્યા છે. શું પ્રેમમાં દેહનું સામેલ થવું જરૂરી છે? શું દેહ વિના પ્રેમ ન થઈ શકે? પ્રશ્ન જટિલ છે, પણ જવાબ મેળવવો એટલો અશક્ય નથી. પ્રેમ માત્ર આકર્ષણથી શરૂ થઈ દૈહિક બિંદુ પર જ અટકી જાય તો એની ઘણી સાઈડ ઈફેકટ્સ સામે આવે છે. સંબંધની દુર્ગતિ થાય છે, પ્રેમના પવિત્ર શબ્દ પર મલિન છાંટા ઊડે છે. એક દિવસ એ ચૂપચાપ આવી ચડશે, એટલો ચૂપચાપ કે ન આત્માને એની અનુભૂતિ થશે, ન શરીરને કંઈ ખબર પડશે. એ પછી આપણું હોવું ન હોવું થઈને રહી જશે. આપણું શરીર, આપણો આત્મા સાથ છોડી દેશે. એ હશે પ્રેમ-પ્યાર-ઈશ્ક. આપણી સાથેસાથે પૃથ્વી નાચી ઊઠશે અને આકાશ પણ, વન-પર્વત પણ. 

બધા વિચાર, રીતિ-રિવાજ, કાનૂન, પરંપરા, મર્યાદા, નૈતિકતા કડડડભૂસ થઈ જશે. કોઈ એને રોકી નહીં શકે. કેટલા ભાગ્યશાળી હોય છે એ લોકો, જેમના જીવન ઉંબરને પ્રેમે સ્પર્શ કર્યો છે! એમનું જીવન પછી સાધારણ ક્યાં રહ્યું? એ તો પુષ્પોથી લદાયેલું વૃક્ષ બની ગયું, જેની દૈવી સુગંધને બાંધી રાખવી કોઈની તાકાત નથી. 

આજે પણ પ્રેમ દશે દિશામાં પૂરી નજાકત, તાકાત, ઊંડાણ અને ધેલછા સાથે પ્રસરી રહ્યો છે. દુનિયા પર સકંજો છે એવું બહારથી ભલે લાગતું હોય, પણ ગામ, શહેર, ગલી, શેરી, બાગ, વનરાજી બધે જ બીજાની નજર બચાવી મોબાઈલ કરવો, મળવું, આંખમાં આંખ અને હાથમાં હાથ પરોવવાનું ક્યાંય અટક્યું નથી. કહો કે વધુ ઉત્કટ થયું છે. કોઈએ એક દિવસ આમ જ પૂછી નાખ્યું કે આ પ્રેમમાં ગળાડૂબ હોવાનો દાવો કરનારા બધા લોકો ખરેખર પ્રેમ કરે છે? પ્રેમને સમજે છે? એવું કોણ છે આ દુનિયામાં જે પ્રેમને પૂરેપૂરો સમજી શક્યું હોય? કાલિદાસથી કામૂ સુધી, ગાલિબથી ફૈઝ સુધી, દોસ્તોયેવસ્કીથી સાર્ત્ર સુધી, શેક્સપિયરથી રિલ્કે સુધી, અમૃતા પ્રીતમથી પરવીર શાકીર સુધી, ક. મા. મુનશીથી રમેશ પારેખ સુધી બધાં પ્રેમને સમજવાની કોશિશમાં વણથંભ્યાં સર્જન કરતાં રહ્યાં છે! 

પ્રેમને સમજવા-પામવાનો સૌનો પોતપોતાનો અંદાજ છે. માણસ પ્રેમમાં હોય છે ત્યારે એને આખી દુનિયા તુચ્છ લાગે છે, બેહદ વામણી. એ સાચો પણ હોય છે - એને પોતાને માટે. એટલે જ તો કવિ ગુલઝાર લખે છે કે ‘જિસ કે સર હો ઈશ્ક કી છાંવ, પાંવ કે નીચે જન્નત હોગી...’ આ સ્વર્ગની શોધમાં આપણે સૌ આપણા માથે ‘ઈશ્ક કી છાંવ’ ઇચ્છીએ છીએ... હર પળ જેની રાહ જોઈ, હર પળ જેના આગમનનાં સપનાં સજાવ્યાં એ જ પ્રેમ જ્યારે જીવનમાં આવે છે ત્યારે ક્યાં કંઈ હોશ રહે છે! ત્યાં સુધી કે પ્રેમમાં મળેલા વિષાદનો સ્વાદ પણ મીઠો લાગે છે, દર્દ આંખોમાંથી વહેતું હોય તોય જીવન પૂર્ણ લાગે છે. અજબ જેવી વાત એ છે કે પ્રેમના ઉલ્લેખ સાથે જ ફૂલો-હરિયાળી ખીલી ઊઠે છે. તરસી-તપતી રણભૂમિ પર શીતળ જળધારાના ધોધ છૂટે છે. ચોતરફ શહનાઈનો મધુરવ ગૂંજી ઊઠે છે. આમ છતાં પ્રેમમાં હોય એની પર કટાક્ષ, વ્યંગ્યનાં બાણ છોડાય છે અને પ્રતિબંધો લાદી દેવાય છે. 

પ્રેમ કરનારાઓને હાથીના પગ તળે કચડાય કે સૂળીએ ચડાવાય, પણ પ્રેમની દાદાગીરી તો જૂઓ, આ કે પેલા કોઈ યુગમાં કોઈ એનો અંત નથી લાવી શક્યું. એક સવાલ એ પણ ઊઠે છે કે હાથમાં હાથ બાંધી, સાથે જીવવા-મરવાની પ્રતિજ્ઞા લેનારા આ પ્રેમીઓ ખરેખર પ્રેમમાં હોય હોય છે? બહુ મુશ્કેલ છે એ સવાલનો જવાબ. જો એ સાચો પ્રેમ હોય તો થોડાં વર્ષોમાં એ ક્યાં ગાયબ થઈ જાય છે? મને જેની શોધ હતી તે તું નથી, એવું કેમ એમને લાગવા લાગે છે? હીર-રાંઝાની પ્રેમકહાણીમાંથી અચાનક ‘લવ, સેક્સ ઔર ધોખા’ કેમ બનવા લાગે છે? ખુદ પ્રેમ શબ્દના અને એની સાથે લાગણી, ભાવના, વફાદારી, સમર્પણ, દિલેરી વગેરે શબ્દોના અર્થોપણ આજની પેઢી માટે બદલાઈ રહ્યા છે કે બદલાઈ ચૂક્યા છે. 

દર્દની ડાળ પર જ પ્રેમનું ફૂલ ઊગી શકે એવું હવે તેઓ નથી માનતા. તકલીફ કે પ્રતીક્ષામાં તેઓ પ્રેમને નથી શોધતા. એમને માટે પ્રેમનો અર્થ છે બીજા કોઈમાં પોતાને, પોતાની તમામ આશાના રંગોને ઘોળી દઈ પછી ચૂપચાપ પોતાની જાતને ઊગતી જોવી. એમાં વ્યક્તિગત અને જીવનશૈલી સંબંધી વિરોધની પણ પૂરી ગુંજાઈશ રાખવી. પ્રેમી હવે દેવતા નથી. એ છે એક સમજદાર, સંવેદનશીલ સાથી. સાથ જોઈએ તો હંમેશનો, પણ આવો સાથ. આ સમજવામાં ખૂબ મોડું થઈ જાય છે. પ્રેમ એટલે સમજનો સંબંધ. એનો સંપૂર્ણ આધાર સમજણ છે. ન રંગ, ન રૂપ, ન કોઈ સમાધાન-સમજૂતી. 

આ પ્રેમ ઘણી વખત બન્ને પાત્રને સાવ ગુંચવી મારે છે. ન સમજણ, ન વ્યવહાર, ન દ્રષ્ટિ, ન વિશ્વાસ... અને બન્નેને થયાં કરે છે પોતે પ્રેમના વિશાળ દરિયામાં ડૂબકી મારી ચૂક્યાં છે. પ્રેમ એવું વિચિત્ર, છટકણું, છદ્મવેશી તત્વ છે જે બધાને એક વિચાર, એક પરિભાષા, એક માપદંડ સુધી પહોંચવા જ નથી દેતું. દર વખતે એ નવો દેહ, નવું રૂપ, નવો અનુભવ અને નવી અનુભૂતિ સાથે સામે પ્રગટ થાય છે. અને જૂની બધી માન્યતાઓ, વિચારણાઓ, સમજણો પાછળ રહી જાય છે.પ્રેમને માત્ર સંવેદનાનો મામલો માનવો પણ ઉચિત નથી, કેમકે જિંદગી માત્ર સંવેદનાઓ પર નથી ચાલતી. સંવેદના, ભાવના, કોઈ ખૂબ ગમી જવું, કોઈ બિલકુલ ન ગમવું એ બધાં પ્રેમમાળાના નાના-મોટા મણકા છે. 

પોતાના પ્રેમને સમજવા માટે આપણે ‘નાટ્યાત્મકતા’માંથી બહાર આવવું રહ્યું. ઘનઘોર નિરાશા અને ઉદાસીની ક્ષણોમાં વાંસે હાથ ફેરવનાર કે આશાનું સોનેરી કિરણ બતાવનારને દિલ દઈ બેસવાની ભૂલ પૃથ્વી પર લાખો માણસે કરી છે અને કરોડો આ ભૂલ કરવાના છે, પરંતુ હકીકત એ પણ છે કે લગભગ એ સૌને એ ભૂલ સમજાઈ છે કે સમજાશે. આવેશની એ ક્ષણોમાં જાગેલો ભાવ જિંદગીભર ટકી નથી શકતો, કેમકે જિંદગી આવેશમાં નથી જીવી શકાતી. જિંદગી ક્યાંક ટકીને, સમજીને, એકમેકમાં ડૂબીને, એકબીજાને અપનાવીને જીવી શકાય છે. જેની સાથે રહીએ છીએ એની સાથે રહેવું આપણને માત્ર સુખથી જ નથી ભરી દેતું, બલકે આપણી અંદરના બધા બંધ દરવાજાને સાથે સાથે ખોલતું પણ જાય છે. બધી સંભાવનાઓને ઢંઢોળે છે, એને વાસ્તવિક રૂપમાં સાકાર કરે છે. આવા પ્રેમી સાથે રહેવું વાસ્તવમાં પ્રેમની પરાકાષ્ઠાને પામી લેવું છે. આ ઉદાત્તતા નથી, નાટયાત્મકતા નથી, સાધના છે. ક્યારેક ક્યારેક એવું પણ લાગે છે કે દાયકાઓ-સદીઓ પહેલાના પ્રેમીઓ, કવિઓ, લેખકો જેની શોધમાં મંડેલા રહેલા એનો જવાબ આજના પ્રેમીઓએ શોધી કાઢ્યો છે. પ્રેમનો અર્થ છે મુકિત. એટલા નજીક કે એકબીજાના આત્માને અડકી-અનુભવી શકાય. શરીર રહી જાય ઘણું પાછળ. એટલું અંતર પણ રહે કે એકબીજાંની કમી-કમજોરીઓને જોઈ શકાય, એકમેકની શક્યતાઓને પ્રમાણી-પ્રોત્સાહિત કરી શકાય. પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરવાની પરંપરા હવે તૂટી રહી છે. પ્રેમ હવે પોતાને બચાવવાની કોશિશમાં છે. અસ્તિત્વ પર આંચ આવે એ પ્રેમનો ઈનકાર હવે વધી રહ્યો છે. વિયોગમાં આંસુ વહેવડાવવતાં ખુવાર થઈ જવાને નહીં, પણ જિંદગીને આગળ વધારતાં રહેવાને મહત્ત્વ અપાઈ રહ્યું છે. યાદોને દિલમાં સાચવીને રાખવી, પણ જિંદગીને રોકવાની નહીં. પ્રેમની ગરિમાને ચકનાચૂર ન થવા દેવાનો પુખ્ત અભિગમ સ્વીકારાતો જાય છે. પ્રેમમાં દેહની ભૂમિકા પર પણ સવાલ ઊઠતા રહ્યા છે. શું પ્રેમમાં દેહનું સામેલ થવું જરૂરી છે? શું દેહ વિના પ્રેમ ન થઈ શકે? પ્રશ્ન જટિલ છે, પણ જવાબ મેળવવો એટલો અશક્ય નથી. પ્રેમના મહાયજ્ઞમાં દેહ તો નાની-શી આહૂતિ છે, જેના હોવા ન હોવાથી ઝાઝો ફરક ન પડવો જોઈએ. પ્રેમ સમક્ષ સમાજ, પરંપરા, નૈતિકતા, બંધનો-બધું જ વામણું થઈ જાય છે. જોકે, અહીંથી જ બધી ગડબડ શરૂ થઈ જાય છે. પ્રેમ માત્ર આકર્ષણથી શરૂ થઈ દૈહિક બિંદુ પર જ અટકી જાય તો એની ઘણી સાઈડ ઈફેકટ્સ સામે આવે છે. સંબંધની દુર્ગતિ થાય છે, પ્રેમના પવિત્ર શબ્દ પર મલિન છાંટા ઊડે છે. ઈશ્ક રોકવાથી કદી રોકાયો નથી, રોકાશે પણ નહીં. ઓબામા બિન લાદેન કે લશ્કરે તૈયબાનાં ફરમાનો શું કરી શકશે? આજે દુનિયાનો દર ત્રીજો માણસ કહેતો હોય છે કે પોતે પ્રેમમાં છે. આ જોવું - સાંભળવું કેટલું સુખદ છે! જોકે મોટા ભાગના યુવાનો પોતાના પહેલા પ્રેમ અંગે ખોટી માન્યતાનો શિકાર બનતા હોય છે. એટલે જ એ ઘણી વાર તૂટી જતા હોય છે. મને પ્રેમે ખરેખર પોતાના બાહુપાશમાં જકડી લીધો(કે લીધી) છે? આ જ સૌથી વધુ મોટો સવાલ છે. આ જ સવાલનો જવાબ શોધવામાં જ જિંદગી વીતી જાય છે, સદીઓ વીતી ગઈ છે - વીતી જાય છે. પ્રેમ જ્યારે હૃદય પર ટકોરા મારે છે ત્યારે બધું જ વાંચેલું, સાંભળેલું, જાણેલું, ભણેલું જેમનું તેમ રહી જાય છે. આજે પ્રેમના રંગમાં રંગાયેલી દુનિયા જોઈને બસ એ જ શુભેચ્છા હોઠ પર ચડી આવે છે કે બધાને સાચો પ્રેમ મળે... બધાના પ્રેમને પાંખો મળે પતંગિયાંની અને છાતી મળે પર્વતની... કવર સ્ટોરી, સ્વસ્તિ પ્રભા.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post