વિસામો .."
++++++++++++ વર્ષા ભટ્ટ "વૃંદા"
આમ તો સમીર, સાચી અને તેની નાની ઢીંગલી સિયા ત્રણ જણ ઘરમાં હતાં પણ સવારથી એટલી દોડાદોડ રહેતી કે સાચી થાકી જતી. સાચી મોબાઈલ લઈને સોફા પર નિરાતે બેસી. બે દિવસ પછી વેકેશન પડવાનું હતું, આમ તો દરેક સ્ત્રીઓ માટે પિયર એટલે એક ટાઢો વિસામો...જે ઘરમાં બાળપણની યાદો હોય, યુવાનીનાં સપનાંઓ હોય, માતાનો પાલવ, પિતાની લાગણી દરેક માટે એક પોતિકી હૂંફ હોય છે.
વિસામો - visamo
એક સ્ત્રી જ્યારે રોજિંદા રૂટિન કામોથી થાકે ત્યારે પિયર એક વિસામો બની જતો હોય છે, પણ કોરોનામાં એક સાથે માતા અને પિતા બંને ગુમાવતાં સાચી સાવ સૂનમૂન બની ગઈ હતી. એક ભાઈ હતો પણ તે ભણવા માટે અમેરિકા ગયો અને ત્યાંજ લગ્ન કરી ત્યાંજ સેટલ થઈ ગયો. સાચી માટે હવે તેનો કોઈ વિસામો ન હતો. ઓસરીમા આવી હિંચકા પર બેસી અને સાચીને જાણે પિતાનાં ભણકારા સંભળાવા લાગ્યાં...
" સાચી, બેટા વેકેશન પડ્યું હવે ક્યારે ઘરે આવે છે?"
બસ પછી તો સાચી તેની નાની ઢીંગલીને સાથે પૂરો એક મહિનો પિયર ચાલી જતી. પિયર પહોંચી ફરીથી તે બેજવાબદાર સાચી બની જતી, એક ગૃહિણી માંથી એક ખળખળ વહેતું ઝરણું બની જતી. માનાં હાથની ભાવતી પૂરણપોળી, ઉંધિયુ, પાત્રા અને ખાંડવી જેવી વાનગીઓ રોજ મા પોતાનાં હાથે બનાવી સાચીને જમાડતી, તેનાં પિતા પણ સિયાને લઈ બગીચામાં જતાં અને તેને જુદી જુદી રમતો રમાડતાં હતાં. ફરીથી એક ડૂસકું આવ્યું અને પગની ઠેસે હિંચકો ઊભો રાખી સિયા હોલમાં તેનાં માતા પિતાનાં ફોટાં પાસે આવી. ચોધાર આંસુએ રડી પડી. વેકેશન તો આવ્યું પણ મારો વિસામો હવે છે નહીં! પોતાની જાતને સ્વસ્થ કરી સાચી ઘરનાં કામકાજ કરવાં લાગી.
બીજા દિવસે સામેનાં એક બંધ પડેલા ઘરમાં કોઈ મોટી ઉંમરનાં માસી રહેવાં આવ્યાં શારદાબા.... તેનું નામ હતું. તેઓ એકલાં જ રહેતાં હતાં. સાચી તરત જ પાણીનો જગ લઈ ત્યાં પહોંચી, હસમુખા શારદાબાને જોઈ સાચીને આજે તેનાં મમ્મીની યાદ આવી.
થોડાં જ દિવસોમાં સાચી શારદાબા સાથે ભળી ગઈ. સિયા પણ સવારથી ત્યાં જ રમતી હોય. સાચી રોજ જે કંઈપણ વાનગી બનાવે તે શારદાબાને આપવાં જતી. બળબળતા, ધોમધખતા ઉનાળામાં જાણે એક વિસામો મળે તેમ સાચીને શારદાબા આવતાં એક વિસામો મળી ગયો. હવે દર વેકેશનમાં સાચીને પિયરની યાદ આવતી નથી. સાચીને તેનું પિયર મળ્યું અને શારદાબાને એક સહારો મળ્યો. — વર્ષા ભટ્ટ ( વૃંદા) અંજાર
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories