નૂપુર (Nupur)

Related

નૂપુર .."
*********** રીટા મેકવાન "પલ"
છીનવી લીધા મારા પગના નૂપુર.. 

આંખોમાં ઉમટ્યા અશ્રુઓના ઘોડાપૂર..

શીલાના લગ્નના ૧૦ વરસ પછી દીકરીનો જન્મ થયો. ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યુ. દીકરી ત્રણ મહિનાની જ હતી ને માધવ એના માટે ઝાંઝરી લઈ આવ્યો. પિન્કી પગ ઉછાળે ને એના નૂપુરના અવાજથી માધવ ઘેલો બની જતો.

AVAKARNEWS
નૂપુર

પિન્કી પાંચ વરસની થઇ ને શીલા ફરીવાર મા બનવાની હતી. પણ આ વખતે એની તબિયત સારી નહોતી રહેતી. હજુ સાતમો મહિનો બેઠો ને શીલાને રક્તસ્રાવ થવા માંડ્યો. તરત હોસ્પિટલ લઈ ગયા. ખૂબ રક્ત વહી ગયું હતું. અંદરનું મૃત બાળક તો ઓપરેશનથી કાઢી નાખ્યું પણ શીલાની હાલત સારી ન હતી. ડોક્ટરે કહ્યું કે"કાંઈ કહી ન શકાય, હાલત ગંભીર છે.." નવું લોહી ચડાવ્યું પણ શીલાની હાલત બગડતી ગઇ, ને ચોથે દિવસે તો શીલાએ અંતિમ શ્વાસ લીધો.

શીલાના મૃત્યુ પછી માધવ પર બીજા લગ્નનું દબાણ થવા લાગ્યું. દીકરી માટે પણ માધવ લગ્ન કરવા તૈયાર થયો. અમી સાથે લગ્ન પહેલા શરત કરી કે મારી દીકરી માટે લગ્ન કરું છું. એને મા નો પ્યાર આપજે. અને ખરેખર અમીએ નાનકડી પિન્કીને સાચવી લીધી..

દિવસો વીતવા લાગ્યા. પિન્કી મોટી થવા લાગી. માધવ દર ત્રીજા વરસે પિન્કી માટે નૂપુર લાવતો. ઝાંઝર નાના પડે એટલે તરત અમી કહેતી દીકરીના નૂપુર નાના પડી ગયા છે, બીજા લાવવા પડશે ને બીજે જ દિવસે નવા ઝાંઝર આવી જતા. નવા નૂપુર પહેરી પિન્કી ગોળ ગોળ ઘૂમતી એ જોઈને માધવ મનમાં ખૂબ હરખાતો.

હવે પિન્કી ૧૮ વરસની થયી, તો પણ ઝાંઝર પહેરી દોડાદોડ કરતી. હવે અમી એને ખીજવાતી. તું હવે મોટી થયી જરા ઠરેલ બન. શું નૂપુર પહેરી કૂદયા કરે છે...??" પિન્કીએ કહ્યું, "મા હું તો આવી જ રહીશ. મને નૂપુર ખૂબ જ ગમે છે, ને જ્યારે એ પહેરું ત્યારે મારા પપ્પાની આંખોમાં જે ખુશી છે, એ જોઈ મારા પગમાં વધુ થનગનાટ આવી જાય છે.."

એકવાર અમીએ પિન્કીને રસોઈ કરવાનું કહ્યું ને પોતે બજારમાં બીજી ઘરવખરી ખરીદવા નીકળી. બે કલાક પછી આવી ને જોયું તો પિન્કી ટીવીના ડાંસ શો જોતી હતી. ને પોતે પણ ડાંસ કરતી ગોળ ગોળ ફરતી હતી. આ જોઈ અમી ગુસ્સે થઇ ગઇ. એણે રસોડામાંથી વેલણ લઈ ડાંસ કરતી પિન્કીના પગમાં મારવા માંડ્યું. ગુસ્સામાં ને ગુસ્સામાં પગમાં ખૂબ માર્યું. ત્યાં સુધી કે પિન્કીના પગમાંથી લોહી નીકળવા માંડ્યું. અમીએ કહ્યું , "પહેલીવાર રસોઈ કરવાનું કહ્યું તો પણ નાચવા બેઠી...." લોહી નીકળવાથી પિન્કીએ નૂપુર કાઢી નાખ્યાં. ને બોલી "મા, મારી ભૂલ થઇ ગઇ. હવે હું બધું કામ કરીશ. ક્યારેય નૂપુર નહિ પહેરું". કહી દોડતી પોતાના રૂમ માં જતી રહી.

સાંજે માધવ આવ્યો ત્યારે પિન્કી રસોડામાં હતી. રોજ એ પાણી લઈને પપ્પાને આપતી. એ પાણી લઈને આવી પણ માધવને નૂપુરનો અવાજ નહિ સંભળાયો. એણે પિન્કીને પૂછ્યું , "પિંકુ કેમ આજે તારો છમછમ અવાજ નથી સંભળાળતો.. ??"એમ કહી પગમાં જોયું તો પગમાં પાટા બાંધેલા હતા. માધવ તો ખૂબ ગભરાઇ ગયો.. એણે અમીને બૂમ પાડી "અમી શું થયું પિન્કીને? " ત્યાં તો પિન્કી બોલી, "પપ્પા,આ વખતે તમે મારા નૂપુર બરાબર નહોતા લાવ્યા.આજે હું ડાંસ કરતી હતી તો બન્ને પગમાં છોલાય ગયું. "

માધવ બોલ્યો, "કંઈ નહિ બેટા, બીજા નવા લઈ આવીશ." પિન્કી બોલી ..ના..પપ્પા હમણાં મને વાગ્યું છે તો નૂપુર નહિ લાવતા. આવું સાંભળતા માધવની આંખમાં પાણી આવી ગયા. દૂર ઉભેલી અમીને ખૂબ પસ્તાવો થયો.

રાત્રે અમીએ કહ્યું "હવે પિન્કી મોટી થઇ ગઇ છે. યોગ્ય ઘર શોધી કન્યાદાન કરવું પડશે.. ને!!!" માધવે કહ્યું ..'" હા.." ને ગુમસુમ થઇ ગયો..

બીજા વરસે જ સમીર સાથે પિન્કીના લગ્ન લેવાયા. ધામધૂમ, દોડાદોડી શરૂ થઇ ગઇ. એક એકથી ચડિયાતા ઘરેણાં લીધા. પિન્કીએ જોયું તો ઘરેણાંમાં પગના નૂપુર ન હતા. એના મોં પર ઉદાસી લીપાઈ ગયી. લગ્નનો દિવસ આવી ગયો. પિન્કી નવોઢાના રૂપમાં ખૂબ સુંદર લાગતી હતી. બધા પિન્કીને તૈયાર કરી બહાર નીકળી ગયા..

થોડીવારમા અમી પિન્કી પાસે આવી. દીકરીને ભેટીને ઓવારણાં લીધા, કાળું ટપકું કર્યું..ને પછી ધીમેથી નીચે બેસી પિન્કીના પગને પોતાના હાથમાં લીધા...ને...સંતાડી રાખેલા નૂપુર પગમાં પહેરાવ્યા..પહેરાવતી વખતે તેના આંખમાંથી પસ્તાવાના અશ્રુઓ પિંકિના પગે પડ્યા..ને એ ઉભી થઈ મા ને ભેટી પડી.

દૂર ઉભેલા માધવે જોયું ને ખુશીના આંસુ લૂછતો જતો રહ્યો...

પિન્કીએ મા ને કહ્યું, 
" મા એ પહેરાવ્યા મને પ્યારથી નૂપુર.. મારી આંખોમાં ઉમટ્યા હર્ષાશ્રુ ના ઘોડાપૂર.....
                    – રીટા મેકવાન "પલ" (સુરત)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post