કપલ ચેલેન્જ (Couple challenge)

Related

"કપલ ચેલેન્જ .."
*******************✒ મુકેશ સોજીત્રા
દેવશીઆતાને છેલ્લા ત્રણ મહિનાથી જલસો પડી ગયો હતો. મોટા ફળીમાં એનું સહુથી મોટું ઘર. વીઘાના ફળિયા સાથેનું દેવશી આતાનું ઘર છેલ્લા ત્રણ મહિનાથી ધમધમતું હતું. કારણ એક જ હતું કોરોનાનો કહેર!! દેવસી આતાના ચાર દીકરા હતા. બે મુંબઈ અને બે સુરત એ ચારેય દીકરા અને એનો આખો પરિવાર ત્રણ મહિનાથી માદરેવતન આવી ગયો હતો. 

આવકાર
કપલ ચેલેન્જ - Couple challenge

બાકી આ ઘરમાં તો દેવશી આતા અને જડી ડોશી.. બે ભગરી ભેંશ અને બે ગાય.. ખેતરનો ભાગીયો રતુ અને એની વહુ ચંપા.. આટલા જ હોય. રતુની વહુ બપોર સાંજે રાંધવા જ આવતી અને રતુ સવાર સાંજ ગાયો અને ભેંશ દોહી જતો બાકી એ રહેતા વાડીયે. વાડીયે દેવશીઆતાએ ધાબા વાળા મકાન બંધાવી દ્દીધા હતા. જમીન સારી હતી. ભાગીયો ગામનો જ હતો અને જમીન સાચવે એવો હતો. છોકરાએ અસંખ્ય વાર કહેવરાવ્યું પણ દેવશી આતા અને જડી માને ગામ મૂકવું જ નહોતું.

સંપ સારો હતો. ચારેય દીકરા વિવેકી અને કહ્યાગરા હતા. પણ ધંધો એટલો બધો વિકસી ગયો હતો કે એને રેઢો મુકવો પાલવે એમ નહોતું. એટલે વરહમાં જાત્રે ખાતરે ક્યારેક વળી ગામમાં આવી જાય એકાદ દી રોકાય ન રોકાય ત્યાં વળી સુરત કે મુંબઈ ભણી તબતબાવી મુકે. એકાદ દિના રોકાણમાં ય વળી અર્ધો દિવસ તો ફોન પર જ હોય!! પણ છેલ્લા ત્રણ મહિનાથી દેવશી આતા કોળ્યમાં આવી ગયા હતા. એમાય જયારે ચારેય ભાઈઓએ નક્કી કર્યું કે દિવાળી સુધી તો અહીંથી જાવું જ નથી ત્યારે તો એ મનમાં ને મનમાં ઓર હરખાઈ ઉઠયા હતા. આ ઘરમાં આટલા બધા માણસો ક્યારેય નહોતા આવ્યા એ પણ એકી સાથે.. પીસ્તાલીશ માણસોનો એક આખો રસાલો જ આવી ચડ્યો હતો.

દેવશી આતાના ચારેય દીકરાના દીકરાઓ પરણી ચુક્યા હતા. બધાના લગ્ન સુરત કે મુંબઈમાં જ થયા હતા. બધી વહુઆરુ ફક્ત એક જ વખત ગામડે આવી હતી અને એ પણ લગ્ન થાય કે બીજે જ દિવસે. ગામમાં માતાજીનો એક મઢ હતો. દેવશી આતાના કુટુંબમાં કોઈ પરણે ત્યારે એ મઢમાં જઈને સવા પાલી તલના નૈવેધ ધરાવવા પડતા અને આઠ શ્રીફળ વધેરીને પછી જ વર વધુની છેડાછેડી છૂટતી અને પછી જ એ સંસાર માણી શકતા. 

બાકી વહુઓ ક્યારેય ગામડામાં આવી જ નહોતી. આખું ફળિયું ધમધમતું થઇ ગયું હતું. ભેંશ અને ગાયું પણ આનંદમાં હોય એમ લાગ્યું. ચાર ઓરડામાં કાયમ તાળા મારેલા હતા એ તાળા ખુલી ગયા હતા. જુના જમાનાના ઢોલીયા અને કાથીના ખાટલાઓ ઘણા સમયે બહાર નીકળ્યા હતા. ચાર પટારામાંથી ઘણા સમયે ધડકીઓ ચોફાળ, ઓશિકા અને ભરત ભરેલા ગાલીચા ગાદલા રજાઈઓ નીકળી હતી. તાંબા પીતળના વાસણોએ પણ વરસો પછી સુરજ નારાયણના દર્શન કર્યા હતા. 

ખાસ તો આઠ જેટલા નાના ટાબરિયા હતા એને ચાર પાંચ દિવસ સોખમણ થઇ હતી પણ પછી દેવશી દાદા સાથે એવી દેશી મળી ગઈ હતી કે કાયમ પોતાની મમ્મી પાસે જ સુવાની ટેવ ધરાવનારા આ કોન્વેન્ટિયા કલ્ચર વાળા બાળકો દેવશી આતાની આજુબાજુ સુઈ જતા અને કાઉ ઓકસ બફેલો વગેરે બોલતા આ ટાબરિયા ગોઢલા અને ગાવડી બોલતાં શીખી ગયા હતા!!

આ આઠ બાળકો સવાર પડે એટલે ઘરે જ સીધા મોટરના ભૂંગળા હેઠળ ઉભા રહીને ટાઢા પાણીએ નહાતા પણ શીખી ગયા હતા. અમુકને તો અહી આવ્યા પછી જ ખબર પડી હતી કે ઓરીજનલ મિલ્ક તો ગાય ભેંશનું જ હોય છે. અત્યાર સુધી એ એવું સમજતા હતા કે દૂધ ડેરીમાં બને છે કોથળીમાં બધે જાય છે. બસ પછી તો રામજી મંદિરે.. વાડીયે.. મહાદેવના મંદિરે.. પાણી ચાલુ હોય એવા ધોરિયામાં રમતા હોય..લીમડા હેઠળ લીંબોળી ખાતા હોય.. પીલુડી ખાતા હોય.. સીધા છોડ પરથી કાચા પાકા ટામેટા પણ ખાઈ લે..

ઘરે પણ વહુઓ રાંધવામાં અને કપડા ધોવામાં એટલી વ્યસ્ત રહેતી કે બધીયને જીમમાં ગયા વગર કમરની અને શરીરની નાની મોટી તકલીફો પણ છેલ્લા ત્રણ મહિનામાં સાવ ગુમ જ થઇ ગઈ હતી. જડીમાં જુના જમાનાની વાનગીઓ પણ નવી વહુઓને શીખવાડવા લાગ્યા હતા. સહુ ખુશ હતા..

કાર્તિક, હિમાંશુ, સંજય , રાકેશ અને અર્પિત આ દેવશી આતાના પાંચ પૌત્રો હતા. જેમાં રાકેશ અને અર્પિત તો હજુ ત્રણ વરસ પહેલા જ પરણ્યા હતા. બાકીના ત્રણ સાત વરસ પહેલા પરણ્યા હતા. આ બધા વાડીએ જતા તળાવની પાળે ફરવા જતા કે આજુબાજુની નાની ટેકરીઓમાં ફરવા જાય ત્યારે હમેશા હાથ લાંબા કરી કરીને મોબાઈલ સામું જોતા હોય દેવશી આતાને આ નવાઈ લાગતી. એક વખત એણે એની પૌત્રી રચનાને ને પૂછ્યું કે

“બેટા તું આ લીંબુડી હેઠે કે ઘડીક ગુંદાના થડીયા હેઠે મોઢું ત્રાંસુ બાંગું રાખીને, આંખ્યું ઝીણી કરીને. હોંઠ વાંકાચૂકા કરીને તરડાઇ અને મરડાઈ ગયેલ મોઢાએ મોબાઈલમાં શું વારે વારે જોયા કરશો મને કાઈ દશ્ય નથી સુઝતી!!”

“ દાદા એને સેલ્ફી લીધી એમ કહેવાય” રચનાએ જવાબ આપ્યો.

“ અમારા વખતમાં અમે ગુલ્ફી લેતા ઉનાળામાં.. આ સેલ્ફી સાવ નવીન સાંભળ્યું” દેવશી આતાએ કહ્યું અને રચના ખડખડાટ હસી પડી. એનો હાસ્યનો અવાજ સાંભળી બીજી બે પૌત્રીઓ નિયતિ અને રશ્મિકા પણ આવીને દાદા પાસે ગોઠવાઈ ગઈ.

રચનાએ મોબાઈલમાંથી સેલ્ફીઓ બતાવીને કહ્યું

“દાદાજી આને કહેવાય સેલ્ફી!! આપણે જાતે જ મોબાઈલમાં ફોટો ખેંચવો એને સેલ્ફી કહેવાય. સમજણ પડી દાદાજી?”

“દાદાજીના વખતમાં આવું બધું નહોતું એટલે એને ખબર ન હોય ને” વાચાળ અને ચબરાક નિયતિ બોલી.

“ પણ આવા ફોટા પાડીને પછી એનું કરવાનું શું?? દીવાલે ટીંગાડવાના કે પછી મઢાવીને કબાટમાં રાખવાના” દેવશી આતાએ કહ્યું.

“ ફેસબુકમાં મુકવાના એમાં આપણા ઘણાં બધા ભાઈબંધો હોય.. બેનપણીઓ હોય એ બધું આ જુવે અને આપણા વખાણ કરે” રશ્મિકાએ કહ્યું.

“ મૂળમાં તો આ બધું કોઈ આપણા વખાણ કરે એ માટે જ ને..,, ઘોળ્યું હવે સેલ્ફી તો સમજાણી પણ આ ફેસબુક એટલે શું?? નોટબુક અને બેંકની પાસબુકની તો ખબર છે પણ આ ફેસ્બુકની ખબર નથી” ભોળાભાવે દેવશી આતાએ પુછ્યું. અને વળી ત્રણેય પૌત્રીઓ ખડખડાટ હસી પડી અને રચનાએ મોબાઈલ દ્વારા ફેસબુક શું છે એ સમજાવ્યું.

અને દેવશીઆતા આ બધું આભા બનીને જોતા રહ્યા. રચનાના ફેસબુકમાં એની ઘણી બધી સખીઓના ફોટાઓ હતા. ઘણી સખીઓએ એના પતિ સાથે ફોટા મુક્યા હતા. દેવશી આતા જોઈ રહ્યા. રચનાએ એના ભાઈઓના પણ ફોટા બતાવ્યા જે ફોટાઓમાં એના ભાઈઓ એની પત્ની સાથે હતાં. દેવશી આતા આ બધું તાજ્જુબ્થી જોઈ રહ્યા હતા. કાર્તિક એની પત્ની સાથે કુવા પાસે ઉભો હતો..વળી એક ફોટામાં હિમાંશુ હાથમાં પાવડો લઈને રજકામાં ઉભો હતો એની પત્ની માથે પાણીનું માટલું મુકીને એના ખભે હાથ દઈને ઉભી હતી એની નીચે લખ્યું હતું ”હાલો ભેરુ ગામડે”!! બધાય પૌત્રના ફોટાઓ એની પત્ની સાથે હતા. આખા ગામના તમામ જોવાલાયક સ્થળોએ બધા ફોટા પાડીને પાડીને મુકયા હતા. બધું જોયા પછી દેવશી આતા બોલ્યા.

“ આ પરણેલા હોય એને ફરજીયાત બેય માણસનો ફોટો ભેગો જ મુકવો જોઈએ એવો કોઈ નિયમ છે ફેસબુકમાં?? દેવશી આતાએ રચનાને ફોન આપતા કહ્યું.

“ ના એવો કોઈ જ નિયમ નથી.. પણ આ બે ત્રણ દિવસથી “કપલ ચેલેન્જ” એવો ટ્રેન્ડ ચાલે છે એટલે બધા જ પરણેલા પોતાની પત્ની સાથે સજોડે ફોટો મુકે છે..આવું બધું હાલ્યા કરે છે આ ફેસબુકમાં” રચનાએ કહ્યું.

“ આ કપલ ચેલેન્જ થી શું ફાયદો?? કપલમાં તો ખબર પડે છે. ઘણા વરસો પહેલા અમારા ગામમાં એક શિક્ષક અને શિક્ષિકા નોકરી કરતાં હતા. બેય વળી શહેરના અને બેય પરણેલા હતા અને હતા થોડા હોવા જોઈએ એના કરતા વધારે ડાહ્યા. એટલે સાંજે પાંચ વાગ્યે બેય તળાવની પાળે હાથમાં હાથ ઝાલીને ફરવા નીકળ્યા અને ગામ આખું હિલ્લોળે ચડ્યુતું. ગામ આખાને વગર ફદીયે ફારસ થયું હતું. ગામના સરપંચ રાણાદાદાએ બનેને ઘરે જઈને ખખડાવી નાંખ્યા હતા તો એ બેય જણા કહે અમે તો કપલ છીએ તો રાણાદાદા સરપંચ કહે કપલ હોય તો તમારે ઘરે બાકી આ ગામડું કહેવાય લોકો ઠેકડી ઉડાડે. મનફાવે એવું વર્તન તમારે શહેરમાં કરવાનું ગામડામાં નહિ. બસ ત્યારે મને ખબર પડી કે પરણેલું જોડું હોય એને કપલ કહેવાય. પછી તો એ બેય ની છાપ ગામમાં કપલીયા તરીકેની પડી ગયેલી. પણ આ ચેલેન્જ એટલે શું?? એની ખબર ન પડી” દેવશી આતાને ખરો રસ જાગ્યોતો.

“ આમ તો ચેલેન્જ એટલે પડકાર ઉપાડી લેવો એવું થાય.. કોઈ એવું અદ્ભુત કાર્ય કે બીજાથી ન થઇ શકે એવું કાર્ય કે કામ આપણે કરીએ તો એને ચેલેન્જ ગણી શકાય..: નિયતીએ કહ્યું કે તરત જ દેવશી આતા બોલ્યા.

“ બેય માણસ પોતાના ફોટા ફેસબુક પર મુકે એમાં વળી કયો પડકાર ઉભો થાય. અને આ ક્યાં અઘરું કામ છે.. આના કરતા તો અમારા જમાનામાં જુવાનીયા ઘણી ચેલેન્જનો સામનો કરતા હતાં.. પણ ઈ વખતે આવું બધું સમાજની નજરે ચડવાનું કોઈ માધ્યમ નહોતું. આ બધું મોબાઈલ ફોબાઇલ તો હવે આવ્યાં”

“ તે હે દાદા તમારા જમાનામાં પણ આવી કપલ ચેલેન્જ આવતી?? અમને કહો તો ખરા તમારા જમાનામાં કેવું કેવું આવતું” હસતી હસતી રચના બોલી.

“વાળું કર્યા પછી નાના ટાબરિયા ઘોટાઈ જાય પછી આપણે વાતું કરીશું. કાર્તિક, સંજય , રાકેશ, હિમાંશુ અર્પિતને પણ બોલાવી લેજો એટલે એને પણ ખબર પડે કે કપલ ચેલેન્જ કોને કહેવાય” દેવશી આતાએ માથે પાઘડી મુકતા કહ્યું.

અને રાત્રે અગિયાર વાગ્યે બધા નાના ટાબરિયા સુઈ ગયા પછી મોટા ઢોલીયાની આજુબાજુ આજની યુવાપેઢી ખુરશી લઈને ગોઠવાઈ ગઈ. સહુએ પોતાના મોબાઈલ બાજુમાં મૂકી દીધા સહુને ઉત્કંઠા હતી કે આજથી ૫૦ કે ૬૦ વરસ પહેલા વળી કપલ ચેલેન્જ કેવી આવતી હતી?? દેવશી આતા વળી કેવીય વાત કરવાના હશે. સહુને એ જાણવાની તાલાવેલી હતી. અને દેવશી આતાએ ગળું ખંખેરીને વાત શરુ કરી.

“ આ દીકરી રચનાએ મને ફેસબુકમાં “કપલ ચેલેન્જ” વિષે સમજાવ્યું એટલે મનેય થયું કે લાવને તમને હું એક મારી કહું. વાત આજથી લગભગ સાઈઠ વરસ પહેલાની છે. જયારે હું તમારી ઉમરનો વીસ વરસનો હતો. મારા બાપા વાઘજીઆતા સ્વભાવે બહુજ ચીકણા અને કડક હતા. ગામ આખામાં એનો રુઆબ હતો. ગામમાં એ વખતે પણ આપનું ઘર સુખી હતું. આપણું ઘર પહેલેથી સાજુ ઘર ગણાય છે. 

હું એનો એકનો એક દીકરો હતો. ઘરમાં પારાવાર પૈસો હતો તોય મારે પૈસા વાપરવા હોય તો હું મારી બા ને કહેતો એની પાસે થોડાક પૈસા પડ્યા હોય રૂપિયો બે રૂપિયો તો એ છાનામાના મને આપી દેતા. બાકી આપણા ચોથા ઘરમાં જે જુનો તાંબાનો પટારો છે ને એમાં મારા બાપા પૈસા મુક્તા ઘરેણા મુકતા અને એક મજબુત તાળું રાખતા એની ચાવીઓ એના કડિયાના ખિસ્સામાં જ હોય કડિયાના ખિસ્સામાં એક નાનકડી લાલ દોરી હતીએ દોરી સાથે એ પટારાના તાળાની ચાવી બાંધી દેતા. 

એ ન્હાવા જાય ત્યારે નવું કડિયું સાથે લઇ જાય અને ન્હાતા પેલા પેલી ચાવી એમાં મૂકી દેતા. બહારગામ ગયા હોય ત્યારે પણ ચાવી એની સાથે જ હોય. વળી એ વ્યાજ વટાવનો ધંધો પણ કરતાં. કોઈને પૈસા દેવા હોય કે કોઈના પૈસા આવ્યા હોય એ તરત જ એ ત્રાંબાના પટારા પાસે જાય અંદરથી ઘરનું બારણું બંધ કરી દે. થોડી વાર પછી એ બહાર નીકળે. એ જ્યાં સુધી અવસાન ન પામ્યા ત્યાં સુધી અમે કોઈ દિવસ ખુલેલો પટારો જોયો નથી” આટલું કહીને દેવશીઆતાએ ચલમ સળગાવી અને વળી ધુમાડાના ગોટા કાઢતા કાઢતા બોલ્યાં.

“ મારું સગપણ મારા બાપાએ અહીંથી વીસ ગાઉં માથે આવેલ એક ગામમાં કરેલ. સગપણ થયા પછી મને અઠવાડિયા પછી ખબર પડેલ કે મારું સગપણ મારા બાપાએ કરી નાંખેલ છે. તારી આ દાદી છે એના બાપા વસતાભાઈ મારા બાપા પાસે રૂપિયા વ્યાજે લેવા આવતા. મારા બાપા એને રૂપિયા આપતા પણ ખરા. એક બે વાર એના ઘરે ગયેલા અને એ વખતે તારી દાદી અઢાર વરહની માંડ હશે અને એણે વેણ નાંખ્યું કે બોલ વહતા તારી આ જડી મારા દેવશી વેરે આપવી છે. 

આપણું ઘર સાજુ એટલે કોઈ મારા બાપાનું વેણ વાઢતું નહિ. મેં ક્યારેય જડીને જોયેલ નહિ અને એણે મને જોયેલ નહિ. એક વખત હું અહીંથી જાનમાં પાંચ ટોબરા ગયેલો અને એ ગામમાં બીજી જાન પણ આવેલી. મારા સસરાના ગામની એ જાન હતી ને એ જાનમાં જડી પણ આવેલ. જડીની બેનપણીઓએ મને ગોત્યો અને એ ગામના પાદરના ઓટલે મેં જડીને પહેલી વાર જોઈ. લાલ રંગની ઓઢણીમાં જડી શોભતી હતી. 

અમે દસ મિનીટ ઉભા રહ્યા એક પણ શબદ બોલ્યા નહિ. પણ જીવનમાં એ સમય હતો એના જેવો સમય ક્યારેય આવ્યો નથી. પછી જડીની એક બહેનપણી હતી એણે મને કીધું કે નરશીલાલ સાત હનુમાનના મેળે આવજો અમે વાટ જોઈશું. હવે મેળાને ત્રણ મહિનાની વાર હતી. પણ એ ત્રણ મહિના મારા માટે ત્રણ વરહ જેવા હતા. 

એ સમયગાળા દરમ્યાન એક ઘટના બની. મારા સસરા વસ્તાભાઈ ગોળ બનાવવાનું કામ કરતા. એ વખતે શેરડીના વાવેતર બહુ. એના જેવો ગોળ કોઈ બનાવી જ ન શકે. પણ ગોળ બનાવવા માટે ભીંડી વપરાય છે એ ભીંડીમાં કૈંક આવી ગયેલું એટલે એ વરસે જે ગોળ બનાવ્યો એ ખાઈને માણસો બીમાર પડ્યા અને એક બે મરણ પણ થઇ ગયેલા. એટલે પોલીસ કેસ પણ થયા એકાદ મહિનો મારા સસરા જેલમાં પણ જઈ આવ્યાં. પૈસે ટકે સાફ થઇ ગયાં. મારા બાપાએ વ્યાજે આપેલ પૈસા એ ભરી ન શક્યા.

સાત હનુમાનના મેળામાં અમે અને જડી બીજીવાર મળ્યાં. એની બહેનપણીઓ એને એકલી મુકીને મેળામાં જતી રહી અમે એક થોરની વાડ નીચે બેઠા અને જડીએ આંખમાં આંસુડા સાથે વાત કરી કે મારા બાપાએ જડીના ઘરે જઈને વરહ દિવસમાં બધા પૈસા આપી દે નહીતર એની બધીય જમીન એ લઇ લેવાના છે અને સંબંધ પણ તોડી નાંખવાના છે. હું આ સાંભળીને સજ્જડ થઇ ગયો. 

એ વખતે કૂલ સાડા ત્રણસો રૂપિયા જડીના બાપા માથે હતા. તમને નવાઈ લાગશે પણ એ વખતે રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો. રૂપિયો ખુબ મોટો ગણાતો અને સાડી ત્રણસો રૂપિયા બહુ મોટી રકમ ગણાતી. જમીન વેચાઈ જાય તો જડીથી નાના બે ભાઈઓ કેવી રીતે પરણે. જડી અને એના બાપા મૂંઝાયા હતા. જડીની વાત સાંભળીને મેં પડકાર જીલી લીધો. અને એને વચન આપ્યું કે રૂપિયાની જોગવાઈ હું કરી લઈશ. 

અને જડીને કીધું કે હું પરણીશ તો તનેજ બાકી કોઈને નહિ. તારા બાપાને કહી દેજે કે જમાઈ પર વિશ્વાસ રાખે. મારા અંતિમ શ્વાસ સુધી હું વિશ્વાસ નહિ તોડું. જડીએ એનો જમણો હાથ મને બતાવ્યો એમાં અંગ્રેજીમાં “D” કોતરાવ્યો હતો. એ વખતે હાથમાં છુંદણા ત્રોફાવવાનો રીવાજ હતો કોઈને ખબર ન પડે એટલે બધા પોતાના ધણીનો પહેલો અક્ષર અંગ્રેજીમાં કોતરાવતા. એણે કહ્યું કે એના લગ્ન મારી સાથે નહીં થાય તો એ જીવ આપી દેશે પણ બીજે પરણશે નહિ. એના જેવું જ મારે હતું. એ વખતે મેં એના હાથ પર “D” કોતરેલું છે ત્યાં સ્પર્શ કર્યો. આજેય તારી દાદીમાંના હાથે “ D” કોતરેલું છે”. આટલું કહીને દેવશી આતા વળી અટક્યા અને પાણી પીને આગળ વાત ચલાવી.

બસ ત્યાર પછી હું જડીને ત્યાં સુધી ન મળ્યો જ્યાં સુધી મારી પાસે ત્રણસોને પચાસ રૂપિયા ન થયા. એ માટે મેં અલગથી કમાણી શરુ કરી. રાત્રે હું ખેતર જતો મારા ભાઈ બંધ સાથે હું બીજાની વાડીમાંથી રાતમાં સાંઠીઓ ખેંચતો. એના બે ત્રણ રૂપિયા આવતા. મને વાપરવાના આપતા એમાંથી એક પણ પૈસો હું વાપરતો નહીં. મારી બા પાસેથી વળી ક્યારેક મળી જાય તો એ પણ બચાવી રાખતો એક એક રૂપિયો હું ભેગો કરતો અને એ એક એક રૂપિયામાં મને જડીનો ચહેરો દેખાતો. 

બાજુના ગામમાં એક વખત નટ અને પહેલવાન આવ્યા હતા. એ દોરડા પર સાયકલ ચલાવતા ઘણાં લોકો એ ખેલ જોવા આવતા. ઘણા પૈસા એ લોકો ભેગા કરતા એમાં એક વખત જમીનથી વીસ ફૂટ દોરડું બાંધ્યું અને ત્રીસ ફૂટ લાંબુ હતું એના પર એક સાયકલ સવાર કોઈ પણ ટેકા વગર સાયકલ ચલાવતો હતો. આ ખેલ પૂરો થયો એટલે નટનો સરદાર બોલ્યો છે કોઈ જુવાન આ ગામમાં આ રીતે સાયકલ ચલાવી શકે. એને હું દસ રૂપિયા આપીશ.. વીસ રૂપિયા આપીશ એમ એ વધતો ગયો અને છેલ્લે એમ બોલ્યો કે સો રૂપિયા આપીશ પણ છે કોઈ માઈનો લાલ કે અસલી મર્દ.. અને મને શું ય સુઝ્યું કે મેં એ બીડું ઝડપી લીધું. એ સરદારે મને કહ્યું કે જો ન ચલાવી શક્યો તો તારે સામા સો દેવા પડશે પણ મને ફક્ત અને ફક્ત જડીના શબ્દો યાદ આવતા હતા કે પરણીશ તો તમને જ. 

આમ તો હું છૂટે હાથે સાયકલ ચલાવતો. સાયકલ પર મારો કાબુ ગજબનો હતો. પણ દોરડા પર નહોતી ચલાવી. પણ શુદ્ધ પ્રેમ હોય તો તમે અશકયને પણ શક્ય બનાવી શકો. અને મેં જીવનમાં પહેલી વાર દોરડા પર સાયકલ ચલાવી બસ એક જ વિશ્વાસ હતો જડી ના શબ્દો પર.. મારા પ્રેમ પર મને વિશ્વાસ હતો. અને સહુ દંગ થઇ ગયા. મને નીચે ઉભેલ માણસો નહોતા દેખાતા ફક્ત અને ફક્ત દોરડું દેખાતું હતું. 

સરદારે મારી પાસેથી આખી વાત જાણી એ ખુશ થઇ ગયા અને મને સોને બદલે એકસોને દસ આપ્યા એ એની છ મહિનાની કમાણી હતી. બસ એક વરસ સુધી આવી રીતે મેં રાત્રે મજુરી કરી એક એક પૈસો બચાવ્યો અને બેહતા વરસના દિવસે સાયકલ લઈને હું મારા ભાઈબંધ સાથે શાખપર જાવું છે એમ કહીને મારા સસરાને ત્યાં ગયો અને પેલા પૈસા એને આપી દીધા અને હવે શું કરવાનું છે એ એને કહી દીધું.

મારા બાપા ત્યાં પૈસા માંગવા ગયા જડીના બાપાએ ગામ ભેગું કર્યું અને કીધું. સાડી ત્રણસો આપવાના જ છે. વાઘજીભાઈનો પૈસો મારે દુધે ધોઈને આપવાનો છે પુરેપુરો આપવાનો છે. પણ એ એના દીકરાની જાન લઈને મારા ઘરે આવે ત્યારે માંડવા વચાળે આપવાનો છે. અત્યારે હું એને પૈસા આપી દઉં અને પાછળથી એ ફરી જાય તો એના દીકરાનું વેવિશાળ એ બીજે કરી નાંખે તો ?? ગામના આગેવાન વચ્ચે હું બોલું છું કે એના લેણા નીકળતા પૈસા હું મારી દીકરીને પરણાવીશને ત્યારે આપીશ. બાકી હું આપવાનો નથી. એનેય વચન પાળવાનું છે અને મારેય પાળવાનું છે. 

હવે મારા બાપા બરાબરના સલવાણાં. પૈસા એ મૂકી શકે એમ નહોતા એટલે પછી મારી જાન લઈને એ મારા સસરાના ઘરે આવ્યાં. અને માંડવામાં પહેલાં પૈસા માંગ્યા મારા સસરાએ ૩૫૦ રૂપિયાના બદલે ૩૬૦ ગણી દીધા અને હું તમારી દાદી સાથે પરણ્યો.” વાત કરતા કરતા દેવશી આતાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. સાંભળનાર સહુની આંખમાં પણ ઝળઝળિયાં હતા. વળી દેવશીઆતાએ આગળ ચલાવ્યું.

“ પછી અમારો સંસાર શરુ થયો. મારા બાપાની તબિયત પછી બહુ સારી નહોતી રહેતી મારા લગ્ન થયા અને પછીના એક જ વરસમાં એ અવસાન પામ્યા. ગામમાં એની શાખને બટ્ટો લાગ્યો હતો. માંડવા વચ્ચે જે રીતે એણે પૈસા લીધા હતા એનો આઘાત હોય કે જે હોય એ લાંબુ ન જીવ્યાં. એના અવસાન પછી મેં જીવનમાં પહેલીવાર એ તાંબાનો પટારો ખોલ્યો. એમાં ઘણી સંપતિ હતી. 

એ બધી સંપતી અમે દાનમાં આપી દીધી. થોડા રૂપિયા આપણા ગામના રામજી મદિર અને શિવ મંદિરમાં આપી દીધા. જેને જરૂર હોય એ રૂપિયા લઇ જતા. એ રૂપિયા અમે અલગથી રાખ્યા હતા. મારી બા એ કે મારી પત્નીએ એ સંપત્તિમાંથી એક પણ રૂપિયો પોતાના માટે વાપરવાની ઈચ્છા ન બતાવી. 

બસ લગ્નજીવનના પાંચ વરસમાં મારે ત્યાં મોટો સુરેશ અને નાના કાનજીનો જન્મ થયો અને હું ને તારી દાદીએ જીવનમાં પહેલી વાર એક ફોટો પડાવ્યો. અમે ઘેલા સોમનાથ શ્રાવણ માસમાં ગયા હતા ત્યાં એ ફોટો પડાવ્યો એ ફોટો આજે પણ મારી પાસે છે. જીવનમાં પહેલો અમારા બેય નો ફોટો છે.. મારા હાથમાં સુરેશ અને તમારી દાદીના હાથમાં છે કાનજી છે. આ રહ્યો એ ફોટો” એમ કહીને દેવશીઆતાએ કડિયાના ખિસ્સામાંથી એક નાનકડી ડાયરી કાઢી અને એના વચ્ચેના પાના પર વરસો જુનો બેવડ વળી ગયેલો એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો કાઢ્યો અને પોતાના પૌત્રોને બતાવ્યો સહુએ ફોટો જોયો અને દેવશી આતાએ વાત આગળ વધારી.

“ પછી તમારી બે ફઈનો જન્મ થયો અને પછી રાકેશ અને મહેશનો જન્મ થયો. મેં અને તમારી દાદીએ તનતોડ મહેનત કરી છે. અને એના મીઠા ફળ અત્યારે ચાખું છું. એ વખતે અમે બને એટલે કે મેં અને તમારી દાદીએ એ કપલ ચેલેન્જ ન સ્વીકારી હોત તો અત્યારે આ પીસ્તાલીશ જણાનું કુટુંબ પણ ન હોત.. એકબીજાના શ્વાસે અને વિશ્વાસે જિંદગીના આટલા વરસો કાઢી નાંખ્યા છે. આ હતી અમારી ચેલેન્જ.. "

આવી કપલ ચેલેન્જ ગામડે ગામડે દટાયેલી પડી છે. આજના જમાનામાં અને એ જમાનામાં એક મોટો ફર્ક એ પણ છે કે અત્યારે ઓખર કરવાનું ચલણ વધી ગયું છે. ઓખર કરવું એ શબ્દ કદાચ તમને નવી પેઢીને નહિ સમજાય. ગાય કે ભેંશ કે બળદ ઘરે લીલી નીરણ ખાતું હોય કોઈ જાતની કમી ન હોય તેમ છતાં ક્યારેક ખીલેથી છૂટી જાય ને ઉકરડે પહોંચી જાય અને ત્યાં ગંદકી ખાવા માંડે એને ઓખર કર્યું એમ કહેવાય એમ સમાજનાં ઘણા લોકો એવા છે કે ઘરે સુખ સાયબી અને કોઈ વાતની કમીના ન હોય તેમ છતાં બહાર ગંદકીમાં જાય છે. ન કરવાના ખેલ કરે છે. આવું બધું છાપામાં વાંચું છું કે ટીવીમાં જોઉને ત્યારે સાલો એક સવાલ મને થાય છે કે આ પ્રગતિ કહેવાય કે અધોગતિ. માણસો જો ઓખર કરતા બંધ થઇ જાયને તો પણ મોટાભાગની તકલીફો દૂર થઇ જાય એમ છે” દેવશી આતાએ વાત પૂરી કરી.

રાત જામી ગઈ હતી. દાદાજી પાસેથી અમુલ્ય શિખામણ મેળવીને પૌત્રો અને પૌત્રીઓ ઉભા થયા અને હા દાદાજીનો જે પેલો રેર ફોટો હતો એનો ફોટો સહુએ પોતાના મોબાઈલમાં લઇ લીધો. એક સાચી કપલ ચેલેન્જની વાર્તા સાંભળીને તેઓ બધા જીવનનો એક અમુલ્ય પાઠ દેવશી દાદા પાસેથી શીખ્યા હતા!!

©લેખક મુકેશ સોજીત્રા.〽️💲
૪૨, ‘હાશ’, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ , મુ.પો. ઢસા ગામ તા. ગઢડા. જી.બોટાદ પીન ૩૬૪૭૩૦
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post