# ફુઈ નું ફુયારું"
****************** ઝવેરચંદ મેઘાણી
ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો. અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી.
ફુઈ નું ફુયારું
પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી: “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.”
મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો; પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો.
“આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુ:ખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી.
ભોજાઈએ પણ મોંમાથી ‘આવો’ એટલું ન કહ્યું. નેવાં ઝાલીને નણંદ ઊભી રહી, એણે ભાભીને પૂછ્યું: “ભાભી ! મારો ભાઈ ક્યાં ગયો?”
“તમારા ભાઈ તો કાલ્યુંના ગામતરે ગયા છે?”
ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ......
ભાભી કહે : “રોટલા ખાવા તો રોકાઓ.”
“ભાભી ! હસીને જો સોમલ(ઝેર) દીધું હોત તોય પી જાત.”
એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ... એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે.
માથે લીંબડાની ઘટા ઝળૂંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડિલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો.
બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો : પૂછ્યું : “કાં, બાપ આમ રોતી કાં જા?”
“જોગડા ભાઈ ! મારે માથે દુ:ખના ડુંગરા થયા છે; પણ દુ:ખ મને રોવરાવતું નથી; મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.”
“અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના !
ઊઠ, હાલ્ય મારી સાથે.”
જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડ ખરચી આપી;
પોતાના છોકરાને કહ્યું: “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.”
ગાડું જોડીને છોકરો ફુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો મા'જાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઉતરી ગયાં.
બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.”
“કેમ?”
“જુઓ, ભગત! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તો ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.”
“અરે, મૂરખી ! એવા તે વદાડ હોય ! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે?”
“ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા'તમ શું?”
બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા ! ગાડું-બળદ ક્યાં?”
“ફુઈને દીધાં.”
“કાં?”
“બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું?”
મા બોલી : “રંગ છે, બેટા ! હવે ભગતનો દીકરો સાચો !”
– ઝવેરચંદ મેઘાણી (સૌરાષ્ટ્રની રસધાર)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
આવા સંબંધો હવે રહ્યાં છે ક્યાં?
ReplyDelete