પુષ્પક વિમાન (Pushpak Viman)

પુષ્પક વિમાન .."
*****************સંગીતા દત્તાણી
"એ મારા રામ હવે તો તું મને લઈ લે" નંદુબેન કણસતા કણસતા બોલ્યે જતા હતા. નંદલાલ શેઠે શાંત રાખતા કહ્યું.

"હવે તારે આ રોજની રામાયણ છે. આટલી સરસ રસોઈ બનાવીને તમને હું જમાડું છું. તમે માંગો એ આપું છું. તો આમ કેમ કરો છો?"

AVAKARNEWS
પુષ્પક વિમાન - Pushpak Viman

"અરે રે પણ હવે મારાથી આ પીડા સહન થતી નથી અને હવે બધું જોઈ લીધું. બસ મને લઈ લે." આ જ એક ને એક વાક્ય સાંભળીને નંદલાલ શેઠે ઓસ્ટ્રેલિયા રહેતા એકના એક દીકરા રામને ફોન જોડ્યો. સામેથી તરત જ આજ્ઞાંકિત પુત્ર ડોક્ટર રામે જવાબ આપ્યો.

"બોલો બાપુજી, કેમ છો? બધું બરાબર છે ને! મારા બા કેમ છે?" આ સાંભળીને નંદલાલ શેઠે ફોન સ્પીકર પર મૂક્યો અને બોલ્યા. "બેટા, હવે તું ક્યારે આવે છે.?"

"બાપુજી હું કહેવાનો જ હતો કે હું અને રૂપાલી ત્યાં આવવા માટે આવતી કાલે રવાના થઈએ જ છીએ અને એ પણ કાયમ માટે."

આ સાંભળીને નંદુબેન ઉત્તેજિત થઈ ગયા અને ભગવાનને બે હાથ જોડીને કહે કે, "મારા રામ જલદી પધાર હવે મારી પાસે બહુ સમય રહ્યો નથી."

"અરે બા આ શું બોલો છો? હું બે દિવસમાં ઘરે આવી જઈશ અને પછી તો જો તમારી એવી સેવા ચાકરી કરીશ કે બસ તમે ક્યાંય જવાનું નામ નહીં લો."

નંદલાલ શેઠ આનંદમાં આવી ગયા અને બસ નોકરોને કહી દીધું કે મારો રામ આવે છે કોઈ કસર ન રહેવી જોઈએ અને હવે તે અહીં જ રહેવાનો છે. આ સાંભળીને સૌ આનંદ માં આવી ગયાં.

બે દિવસ પછી રામ અને રૂપાલી આવ્યા ત્યારે નંદુબેન આરતીની થાળી લઈને ઊભા હતાં. આરતી ઉતારતા ઉતારતા બોલ્યા, "હે મારા રામ, હવે હમણાં મને ન બોલાવતો કેમ કે મારો દીકરો રામ આવી ગયો છે."

રામ તો બાને ભેટીને ખૂબ રડ્યો. નંદુબેને રૂપાલીને કહ્યું, "ચાલ હવે રસોડું સાંભળી લે દીકરી." રૂપાલીએ કહ્યું, "બા આજે તો જુઓ તમને સરસ મજાની ખીર ખવડાવું અને બાપુજી માટે લાપસી બનાવું છું." એમ કહી તે સીધી રસોડા તરફ ચાલી.

બે કલાકમાં તો રૂપાલીએ સૌના ભાવતાં ભોજન ટેબલ પર સજાવી દીધાં. ઘણાં વખતે રૂપાલીના હાથનું ખાવાનું મળતા સાસુ સસરા આનંદિત થઈ ઉઠ્યાં.

બે દિવસ પછી તો આખા ભારતમાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. લોકો ઘેર ઘેર દીવા અને રંગોળી સજાવી રહ્યાં હતાં. બધે જ આનંદમય વાતાવરણ હતું.

રૂપાલીએ પણ તે દિવસે સવારમાં વહેલા ઊઠીને આંગણામાં દીવો પ્રગટાવ્યો અને રંગોળી બનાવવાની શરૂઆત કરી. રામ દરબારની અદ્ભૂત રંગોળી સજાવી. તે જોઈને તો નંદુબેનને એમ જ લાગ્યું કે ખરેખર રામ એમના જ ઘરે પધાર્યા છે.

આજ તો નંદુબેન પણ રૂપાલીને મદદ કરવા રસોડામાં પહોંચી ગયા. અગિયાર વાગ્યે સૌ ટીવી સામે ગોઠવાઈ ગયા. બરાબર બાર ને પાંચ મિનિટે નંદુબેનની તબિયત બગડી. શરીર આખું પરસેવે રેબઝેબ. એમ્બ્યુલેન્સ બોલાવી પરંતુ નંદુબેને એમ્બ્યુલેન્સ આવે તે પહેલાં જ શાંતિથી પ્રાણ ત્યજી દીધા. છેલ્લે એમના શબ્દો હતા, "રામ પુષ્પક વિમાન લઈને મને લેવા આવ્યા છે."
                           – સંગીતા દત્તાણી

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you so much for your feedback 😊

વધુ નવું વધુ જૂનું